નિષ્ફળતાનાં રોદણાં રડવાનાં નહીં : હારજીતની સાપસીડી-લેખ 8 : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: શનિવાર, 16 મે 2020)

નિષ્ફળતાના થર્ડ અને ફાઈનલ સ્ટેજ પર હવે આવી ગયા છીએ. આ એવો તબક્કો છે જ્યાં આવીને તમે નિષ્ફળતાને ટાળી શકવાના નથી. આવી રહેલી નિષ્ફળતાને રોકવાના કે એને ચાતરી જવાના તબક્કાઓ હવે પૂરા થઈ ગયા છે. આ ફાઈનલ તબક્કામાં તમારે મુખ્ય બે વાતો કરવાની છે.

પહેલી એ કે આ તબક્કામાં પ્રવેશ્યા પછી બને એટલું ઓછું નુકસાન થાય તે માટે તમારે એવી માનસિકતા રાખવી પડશે કે નુકસાન તો સહન કરવાનું જ છે. તમે જો એમ માનશો કે મારે કોઈ નુકસાન કર્યા વિના આ નિષ્ફળતામાંથી વળી જવું છે તો કદાચ તમારે વધારે નુકસાન સહન કરવું પડશે. બધું બચાવવા જતાં બધું જ ખોવું પડે એવું બને. એના કરતાં કેટલુંક ખોવાયું જ છે એમ માનીને એટલી ખોટ સહન કરવાની તાકાત મેળવી લેશો તો બાકીની એનર્જી જે કંઈ બચી શકે છે એને બચાવવા માટે વાપરી શકશો. અને શક્ય એ પણ છે કે આ તબક્કે તમારે સંપૂર્ણપણે ખોટ સહન કરવી પડે, સો ટકા નુકસાન સહન કરવું પડે. જો એવું હોય તો એ પણ સ્વીકારી લેવાનું. કારણ કે ફરી બેઠા થવા માટે તમને એનર્જી જોઈશે. ડૂબતા વહાણનું સમારકામ થઈ શકે એટલું કરવાનું. જે ઘડીએ લાગે કે હવે વધુ સમારકામ કરવાનો કોઈ અર્થ નથી ત્યારે વહાણને ડૂબવા દઈને જાતને બચાવી લેવાની. વહાણના સમારકામ પાછળ વધારે શક્તિ ખર્ચવાને બદલે દરિયાઈ તોફાનમાંથી બચીને જેમતેમ કાંઠા સુધી તરી જવા જેટલી શક્તિ બચાવી રાખવાની.

બીજી વાત. તમારું વહાણ ડૂબતું હોય ત્યારે તમારી આજુબાજુની તમામ વ્યક્તિઓમાં એવી છાપ ન પડવી જોઈએ કે હવે ફરી તમે ક્યારેય ઊભા થઈ શકવાના નથી. લોકોની તમારા માટેની શ્રદ્ધા ત્યારે જ ટકી રહે જ્યારે તમે તમારા પોતાનામાંની શ્રદ્ધાને ટકાવી રાખો અને જાતને કહેતા રહો કે આ ઘોર નિષ્ફળતા પછી હું ફરી એકવાર બેઠો થવાનો છું. તમે જ જો તમારા કપાળે હાથ દઈને બેઠા રહેશો તો કોઈ તમારી વહારે ધાવાનું નથી. તમારે પોતે આત્મવિશ્વાસ રાખવાનો છે કે આ કંઈ દુનિયાનો અંત નથી. સફળતા-નિષ્ફળતા તો પાર્ટ ઑફ ધ ગેઈમ છે. સારામાઠા દિવસોની સાયકલ ચાલતી રહેવાની. સતત સફળ રહેવા માટે પણ સ્ટ્રગલ તો કરવી જ પડવાની છે. તો પછી નિષ્ફળતાનો તબક્કો પૂરો થયા પછી સંઘર્ષ કેમ ન કરવો પડે? નિષ્ફળતાના આ થર્ડ સ્ટેજ પર આવ્યા પછી ચોવીસે કલાક આ કમનસીબીભર્યા ગાળા વિશે વિચારીને ડિપ્રેશનમાં સરી પડવાને બદલે થોડો સમય હવે નવું શું કરવું છે, કેવી રીતે કરવું છે તે વિશે વિચારવામાં ગાળવાનો. આ વિચારો તમારી તદ્દન નજીકની વ્યક્તિઓ સાથે શેર પણ કરવાના, બધાની સાથે નહીં. યુ નેવર નો કે એ બધામાં કોણ કોણ એવું છે જે તમને કાયમ માટે નિષ્ફળતાની ખાઈમાં જ પડી રહેલા જોવા માગે છે.

નિષ્ફળતાના થર્ડ સ્ટેજ પર આ બે વાત યાદ રાખ્યા પછી જે કરવા જેવું કામ છે તે એ કે તમારી નિષ્ફળતાનાં રોદણાં બીજા કોઈની ય આગળ રડવાનાં નહીં. તમારી આ નિષ્ફળતાને કોઈની આગળ જસ્ટિફાય કરવાની કોશિશ પણ નહીં કરવાની.

ઘણા લોકોને પોતાની માંદગીની યાદીનો આખો ઈતિહાસ બીજા સમક્ષ રજૂ કરવાની મઝા આવતી હોય છે. સ્વપીડનવૃત્તિનો આ પ્રકાર કહી શકો. પોતાના જ દૂઝતા ઘાને ફરી ફરી ખંજવાળ્યા કરવા જેવી આ વૃત્તિ નિષ્ફળ માણસોમાં પણ તમે જોઈ હશે. તમારે એવી વૃત્તિથી દૂર રહેવાનું. તમે કેવી રીતે બાજી હારી ગયા એનું વિશ્લેષણ કે પિષ્ટપેષણ લોકો આગળ કરવાનું નહીં. સામે ચાલીને તમારી જાંઘ ખુલ્લી કરવાની નહીં. કાચબીના પેટ જેવી તમારી વલ્નરેબલ બાબતોને બીજાઓ આગળ ખુલ્લી કરવામાં તમને કોઈ ફાયદો થવાનો નથી. ફાયદો નહીં થાય એટલું જ નહીં, નુકસાન થશે. બીજાઓ તમારી એ વલ્નરેબિલિટીનો ભવિષ્યમાં ફાયદો ઉઠાવશે.

બીજાઓ સમક્ષ નિષ્ફળતાનાં રોદણાં રડવાની આદત પડી જશે તો તમે સતત એ જ વાતાવરણમાં રહેતા થઈ જવાના. લોકો તમારા પ્રત્યે સહાનુભૂતિ દેખાડશે. તમને આ સહાનુભૂતિની હૂંફ ગમવાની. હકીકતમાં અત્યારે તમને સહાનુભૂતિની નહીં નવા શરૂ થનારા કામ માટે લોકોની નક્કર મદદની જરૂર છે. પ્રોત્સાહનના ઠાલા શબ્દોની નહીં, પણ જેને માપી શકો એવી નક્કર મદદની જરૂર છે. એ મદદ તમને ત્યારે જ મળશે જ્યારે તમે સહાનુભૂતિ ઉઘરાવવાનું બંધ કરીને હવે પછી શું કરવા માગો છો તેની પગથિયાંવાર યોજના બનાવતા થઈ ગયા હશો. કયા પગથિયે કોની, કેટલી, કઈ કઈ બાબતે જરૂર પડવાની છે એનું વાસ્તવિક આયોજન તમે કરીરહ્યા હશો. આવા આયોજન વિના તમે લોકો પાસે મદદ માગવા જશો અને લોકો તમારા ભવિષ્ય વિશે કન્ફયુઝ હોવાથી મદદ નહીં કરે તો તમે નાસીપાસ થશો. આમાં વાંક તમારો જ ગણાશે. નવેસરથી બેઠા થવા માટે તમારે માત્ર ઝોળી ફેલાવીને લોકોની મદદ માગવાની નથી. તમારે તમારા ભવિષ્યની બ્લ્યુ પ્રિન્ટ ટેબલ પર પાથરીને જેની મદદ જોઈએ છે તેને નકશા પરના સ્પોટ પર પિન ભોંકીને કહેવાનું છે કે મને અહીં તમારી જરૂર પડવાની છે.

નિષ્ફળતાના ત્રીજા અને અંતિમ તબક્કા વખતે ધ્યાન રાખવું કે આ બુઝાઈ રહેલા દીવાની ઝાંખીપાંખી જ્યોતમાંથી જ તમારે નવા દીવાની વાટને પ્રગટાવી દેવાની છે. એક દીવો બુઝાય તે પછી બુઝાયેલા દીવાને જોઈને બેસી રહેશો તો અંધારું દૂર નહીં થાય. દીવો શું કામ બુઝાયો તે વિશે લાંબા વિચારો કર્યા કરવાની જરૂર નથી.

તમારો જ વાંક હતો, દીવામાં તમારું તેલ ખૂટી પડ્યું હતું કે પછી બીજાનો વાંક હતો, કોઈકે ફૂંક મારીને તમારો દીવો ઓલવી નાખ્યો— આવું વિચાર્યા કરવાથી અંધારું દૂર નહીં થાય. અંધારું બીજો દીવો પ્રગટાવશો તો જ દૂર થશે. આજની નિષ્ફળતાનો અંત આવતી કાલની નવી સફળતાના આરંભ છે.
કાલે નવમો અને અંતિમ લેખ.

8 COMMENTS

  1. એક સારો લેખક, શ્રેઠ મનોચિકિત્સક પણ હોય છે. આ લેખ ની શૃંખલા પર થી સાબિત થાય છે. કેમ કે હું પોતે આજ થી 5 વર્ષ પહેલા અત્તિ ભયંકર પરિસ્થિતિ નો સામનો કરી ચુક્યો છું.
    જીવન માં આવનારી વિપરિત પરિસ્થિતિ નો તાગ મેળવવા અને તેના નિરાકરણ મા સચોટ માર્ગદર્શક શ્રેણી.
    ધન્યવાદ સૌરભસર.

  2. નિષ્ફળતા અને સફળતા ના લેખ ની સચોટ ષ્રેણી વાંચ્યા પછી,પોતાને તેની સાથે સરખામણી કરતા સમજણ પડે કે આપણે અત્યાર સુધી ક્યાં ક્યાં ગલતી કરેલી છે,જ્ઞાનસભર લેખ બદલ આભાર,સતત તમરા જીવનઉપયોગી લેખ વાંચવા મળતા રહેશે એવી હાર્દિક અપેક્ષા.

  3. બહુજ સરસ આર્ટિકલ છે.આજ ના સમય માં લોકો ને સચોટ માર્ગદર્શન ની ખુબજ જરૂર છે.છેલ્લા ૬૦ દિવસ થી લગભગ લોકો ના ઉદ્યોગ ધંધા બંધ છે.લગભગ ૮૦ ટકા લોકો આ કપરા સમય થી ઝઝૂમી રહ્યા છેત્યારે તમારા લેખ માનસિક મનોબળ પૂરું પાડે છે.વેપાર માં સફળતા સાથે નિષ્ફળતા નો પણ સ્વાદ ચાખવો પડે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here