‘અંત આરંભ’ પછી ‘ક્ષેત્ર સન્યાસ’ લખાય તે પહેલાં જ હરકિસન મહેતાએ જીવનલીલા સમેટી લીધી

(હરકિસન મહેતાના પરિવાર સાથે સૌરભ શાહની ગોષ્ઠિ : સ્મૃતિઓ વરસવા આતુર છે: ભાગ 3)

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: રવિવાર, 31 મે 2020

‘પપ્પાને ઉજવણીનો, સેલીબ્રેશનનો ગજબનો શોખ હતો,’ સ્વાતિના સ્વરમાં છલકાતા આદરભાવમાં વિસ્મય ઉમેરાય છે, ‘સેલિબ્રેશન કરવા માટે પપ્પા હંમેશાં અવસરની શોધમાં જ હોય. છાસઠમે-સડસઠમે વર્ષે સુદ્ધાં. બર્થ-ડે સેલિબ્રેશનનું આયોજન કરતી વખતે એ નાના બાળક જેટલો ઉત્સાહ અનુભવતા. પોતાની બર્થ-ડેની રીતસરની રાહ જોતા. મમ્મીને કહેતા કે કલા, લગ્નનાં પચાસ વર્ષ પૂરાં થાય ત્યારે આપણે ધામધૂમથી પ્રસંગ ઉજવવો છે અને ફરીથી ફેરા ફરવા છે. 2003ની દસમી ફેબ્રુઆરીએ મમ્મી-પપ્પાની પચાસમી વેડિંગ એનિવર્સરી ગઈ ત્યારે અમે સૌએ એમને બહુ જ મિસ કર્યા.’

હરકિસન મહેતાએ ઉજવેલો સૌથી યાદગાર પ્રસંગ કયો?

‘એમનો સાઠમો જન્મદિવસ,’ સ્વાતિ વિચારવાનો સમય લીધા વિના તરત જવાબ આપે છે, ‘હૉટેલ સન-એન્ડ-સેન્ડમાં એમણે દોસ્તોને બહુ જ સરસ પાર્ટી આપી હતી. સાઠમો બર્થ ડે હતો એટલે સાઠ કપલ્સને આમંત્રણ આપેલું. બહુ જ ખુશ હતા પપ્પા તે દિવસે…મને લાગે છે કે છેલ્લો દાયકો એમના જીવનનો શ્રેષ્ઠ તબક્કો હતો. સોરાયસિસની બીમારી તો હતી જ, પણ હવે પપ્પા એને સ્વીકારીને આનંદપૂર્વક જીવતાં શીખી ગચા હતા. પાછલાં વર્ષોનો એકેએક દિવસ એન્જોય કરવો છે, ભરપૂરપણે જીવવું છે.’

તુષાર યાદ કરે છે. પપ્પાનો ષષ્ટિપૂર્તિ મહોત્સવ મુંબઈમાં બહુ દમામદાર રીતે ઉજવાયો હતો. 1988માં ષણ્મુખાનંદ હૉલમાં ગુજરાતના તે વખતના મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના હાથે એમનું સન્માન થયું અને હાજર રહેલાઓ માટે કલ્યાણજી-આણંદજીની સંગીતસંધ્યા હતી. આ ઉપરાંત ‘નવલકથા લેખનમાં કલા અને કસબ’ તેમ જ પત્રકારત્વ તથા ધારાવાહી નવલકથા વિશે પણ પરિસંવાદો યોજાયા હતા. એમાં વિખ્યાત બંગાળી નવલકથાકાર સુનીલ ગંગોપાધ્યાય સહિત ટોચના ભારતીય લેખકો-પત્રકારોએ ભાગ લીધો હતો.

લાઇફ એન્જોય કરવાનો અર્થ સ્વકેન્દ્રી બની જવું એમ નહીં. યુવાનીમાં, કારકિર્દી જમાવવાના સંઘર્ષરત તબક્કામાં બાળકોની અવગણના થઈ ગઈ હતી તે હકીકત હરકિસનભાઈ ભુલ્યા નહોતા.

જેમની સાથે અડધા ઉપરાંતનું આયખું વીતાવ્યું તે ‘ચિત્રલેખા’ના સ્ટાફ સાથે હરકિસન મહેતા.

‘પપ્પા કહેતા કે, તમે નાનપણમાં જે મિસ કર્યું હતું એ બધું મારે તમને હવે વ્યાજ સહિત આપવું છે’, સ્વાતિ કહે છે, ‘અમે નાનાં હતાં ત્યારે પપ્પા અમને ક્યારેય બહારગામ નહોતા લઈ ગયા. મોડે મોડે એમણે શરૂઆત માથેરાન-મહાબળેશ્વરની નાની નાની ટ્રિપ્સથી કરી. પછી તો અમે એમની સાથે ભારતમાં ઠેકઠેકાણે ફર્યાં. પેલેસ ઑન વ્હિલ્સની રજવાડી રેલયાત્રા પણ કરી. પપ્પાએ જે પ્રથા શરૂ કરી તેને અમે હજુ પણ ચુસ્તપણે વળગી રહ્યા છીએ. વર્ષમાં એક વખત આખા પરિવારે સાથે બહારગામ જવાનું એટલે જવાનું. છેલ્લે પપ્પા કહેવા લાગેલા કે હવે મારે કેટલાં વર્ષ જીવવાનું છે? ચાલો, આપણે વર્ષમાં એકને બદલે બે વાર ફરવા જવાનું રાખીએ.’

એ કાયમ કહેતા કે હું સિત્તેર પાર કરું એટલે ભયો ભયો

બદરીનાથ-કેદારનાથની જાત્રાનું ચોક્સાઈભર્યું આયોજન એમણે સ્વયં કરેલું, પણ આયોજનનો અમલ થાય તે પહેલાં તેઓ લાંબા ગામતરે ઊપડી ગયાં. ‘અમે બદરી-કેદાર ગયાં ત્યારે અમારી સાથે પપ્પા નહીં, પણ પપ્પાનાં અસ્થિ હતાં’, સ્વાતિના સ્વરમાં આછો વિષાદ ઉતરી આવ્યો , ‘પોતાનાં અસ્થિ પધરાવવા માટેની યાત્રાની વ્યવસ્થા જાણે એ પોતે જ કરીને ગયા.’

‘એ કાયમ કહેતા કે હું સિત્તેર પાર કરું એટલે ભયો ભયો’, હર્ષદભાઈ કહે છે, ‘અમે આ ઘરમાં રહેવા આવ્યા તે વાતને આઠ-નવ વર્ષ થયાં. એ મને કહેતા કે, હસુભાઈ, તમે કલકત્તાથી મુંબઈ આવી ગયા છો એટલે આપણે હવે જલસા જ કરવા છે… અમે ખરેખર ખૂબ જલસા કર્યા છે. મોટેભાગે ઘરે અથવા તો હૉટેલમાં. અમારે ભેગા થવાનું કાં તો શુક્રવારે અથવા તો રવિવારે. એમને ખાવાનો શોખ, ડ્રિન્ક્સનો શોખ…’

‘મમ્મીને તેઓ અન્નપૂર્ણાદેવી કહેતા,‘ અલકા વળિયા કહે છે. મમ્મી એટલે અલકાનાં સાસુ અને હર્ષદભાઈનાં પત્ની જ્યોત્સના વળિયા.

‘દાળ, સેવનું બીરંજ, રીંગણાનું શાક, દાળઢોકળી… આ બધું એમને ખૂબ ભાવે,’
જ્યોત્સનાબહેન હરકિસન મહેતાની સ્વાદસૃષ્ટિની એક ઝલક આપતાં કહે છે.

‘પપ્પાને કારેલાનું શાક અને પાતરાંય બહુ વહાલાં.’ પુત્રવધૂ નીતા સૂચિમાં ઉમેરો કરે છે.

હરકિસન મહેતાને ખાવાપીવા ઉપરાંત પાનાં રમવાનો પણ એટલો જ શોખ. હર્ષદભાઈ ઉપરાંત પ્રીતિબહેનના સસરા રસિકભાઈ અને નવનીત મૂછાળા નામના ઔર એક મિત્ર એમના કાયમી સાથીદાર. ‘નવનીતઅંકલ’ કહેતા કે હું અને હરકિસન બંને હારીને પણ આનંદ કરનારા છીએ.’ તુષાર કહે છે, ‘પપ્પા પાનાં રમીને સાચા અર્થમાં રિલેક્સ થતા.’

હરકિસન મહેતાની ખાસિયત એ કે તીનપત્તી રમતી વખતે કદી પાનાં ન ઉપાડે- બ્લાઈન્ડ જ રમે અને હારે.

‘કલકત્તામાં ચુમ્માલીસ વર્ષ રહ્યા પછી અમને મુંબઈમાં સેટલ કરવામાં હરકિસનભાઈએ ખૂબ મદદ કરી,’ હર્ષદભાઈ યાદ કરે છે, ‘એમના મિત્રવર્તુળમાં મને સૌ હરકિસન મહેતાના સાળા તરીકે જ ઓળખે. સુરેશ દલાલ, રમેશ પુરોહિત, જયરામભાઈ પટેલ ઉપેન્દ્ર ત્રિવેદી… હરકિસનભાઈ મહેફિલના માણસ. એમના વ્યક્તિત્વનું આ મને સૌથી ગમતું પાસું. તેઓ જ્યાં જાય ત્યાં, દરબાર રચાઈ જાય. કંઈ કેટલીય વાતો થાય…’

‘હરકિસનભાઈ સાથે હું ઘણું ફર્યો છું, ઘણી મજા કરી છે…’ ચંદુભાઈ લાખાણી કહે છે, ‘અમે દહાણુ ગયેલા. ત્યાં ત્રણ દિવસ ખૂબ એન્જોય કરેલું. સાપુતારા અને બોરડી પણ ગયેલા. સાપુતારામાં અમારી સાથે તારક મહેતા અને તેમનાં પત્ની, ચંદ્રકાન્ત બક્ષી અને તેમનાં પત્ની, કમાન્ડર ગોરી અને ડૉક્ટર પ્રકાશ કોઠારી પણ હતા. હરકિસનભાઈ ઝીણામાં ઝીણી બાબતનો પ્રબંધ કરી રાખે. મને કહેઃ ચકલા, બધું બરાબર છે? હું કહું: ફિકર ન કરો, વ્યવસ્થા પૂરેપૂરી છે. મારું આખું નામ ચંદ્રકાન્ત કરસનદાસ લાખાણી એટલે હરકિસનભાઈ મને ટૂંકમાં ચકલા કહીને બોલાવતા’, હરકિસનભાઈના હમઉમ્ર ચંદુભાઈ પોતાના રૂપેરી થઈ ચૂકેલાં ઝુલ્ફાં પર હાથ ફેરવે છે.

હરકિસન મહેતાએ સ્વર્ગસ્થ કલ્યાણજીભાઈને ઘરે પણ ઘણી મહેફિલો કરી. રાત્રે બબ્બે વાગી જાય પણ જશ્ન ચાલતો રહે.

‘હું હરકિસનભાઈના ઘરે જાઉં એટલે કલાભાભી મારા પર ખીજાય: ચંદુભાઈ, તમે તમારા ભાઈને સાવ બગાડી મૂક્યા છે’

ચંદુભાઈ લાખાણી એટલે ખાણીપીણીના માણસ. સાંજે પાંચ-સાડા પાંચ થાય એટલે ક્યારેક હરકિસન મહેતા ચંદુભાઈની બોરા બજારની દુકાને પહોંચી જાય અને મોટેભાગે તો ચંદુભાઈ જ ઘરેથી જાતજાતના ગરમ નાસ્તાના ડબ્બા લઈને ‘ચિત્રલેખા’ના વજુ કોટક માર્ગવાળા જૂના કાર્યાલયે પહોંચી જતા. હાજર રહેલા સૌ કોઈ જયાફત માણે.

‘હું હરકિસનભાઈના ઘરે જાઉં એટલે કલાભાભી મારા પર ખીજાય: ચંદુભાઈ, તમે તમારા ભાઈને સાવ બગાડી મૂક્યા છે. મહેતા મને કાયમ ટોક્યા કરે છે કે તું મધુબહેન જેવા નાસ્તા કેમ નથી બનાવતી?’ ચંદુભાઈની આ વાત કલાબહેનને હસાવી દે છે.

‘મહેતાને ખાવાપીવાનો શોખ, સારાં કપડાં પહેરવાનો શોખ…’ કલાબહેન કહે છે, ‘એ કહેતા કે હું જ્યારે ખાઈ શકતો હતો ત્યારે પૈસા નહોતા અને જ્યારે પૈસા છે ત્યારે બીમારીને કારણે ખાઈ શકતો નથી… એમને સોરાયસિસનો રોગ પંદર વર્ષ રહ્યો. બહુ થાકી ગયા હતા આ દરદથી .’

સોરાયસિસને કારણે શરીર પરથી ચામડી એટલી બધી ખરે કે સુપડી ભરાઈ જાય. ક્યારેક જમીન પર પગ ટેકવીને બેઠા હોય તો બૂટના સોલની માફક ત્વચાનું તળિયું આખેઆખું ઉખડીને નીકળી જાય.

‘અમે ભણતાં હતાં ત્યારે પપ્પાને માર્કશીટ દેખાડતી વખતે સહેજ પણ ડરતા નહીં કારણકે અમને ખાતરી હોય કે પપ્પા ગુસ્સે થવાના નથી…’

‘એકવાર ડ્રાયવર ગેરહાજર હોવાથી હરકિસન મહેતા રિક્ષામાં ઘરે આવ્યા. રિક્ષાવાળાએ ભાડાના પૈસા લેતી વખતે કહ્યુઃ ‘સાહેબ, ક્યાંક મને ચેપ તો નહીં લાગે ને? મારે રિક્ષા ધોવડાવવી તો નહીં પડે ને?’ રિક્ષાવાળો આવું બોલ્યો એટલે મહેતાને એટલું બધું ખરાબ લાગ્યું હતું કે ન પૂછો વાત,’ કલાબહેન કહે છે, ‘તે આખો દિવસ બહુ જ અપસેટ રહ્યા.’

સોરાયસિસને કારણે હરકિસન મહેતાના સ્વભાવમાં ચિડીયાપણું ઉમેરાઈ ગયું હતું. ‘મહેતા નાનપણથી જ લહેરીલાલા હતા, કલાબહેન કહે છે, ‘ખૂબ હસે, ખૂબ હસાવે… પણ આ દરદ પછી એમનો સ્વભાવ ગુસ્સાવાળો થઈ ગયો હતો. છોકરાઓ પર ચીડાયા કરે, પણ મારા પર ગુસ્સો આવે ત્યારે મૂંગા થઈ જાય, કંઈ પણ બોલ્યા વગર, સમસમીને બેસી રહે. એમનું આવું સ્વરૂપ જોઉં એટલે મને સમજાઈ જાય કે મહેતા રોષે ભરાયા છે.’ હર્ષદભાઈ ઉમેરે છે, ‘કલાએ આ માંદગીમાં એમની ખૂબ ચાકરી કરી.’

‘અમે ભણતાં હતાં ત્યારે પપ્પાને માર્કશીટ દેખાડતી વખતે સહેજ પણ ડરતા નહીં કારણકે અમને ખાતરી હોય કે પપ્પા ગુસ્સે થવાના નથી…’ સ્વાતિ કહે છે.

ફોઈની આ વાત સાંભળીને અનેરીને એક વાત યાદ આવી જાય છે, ‘એક વાર મને સ્કૂલમાંથી રીમાર્ક મળી હતી. પપ્પાએ સાઈન કરવાની ના પાડી. એમણે કહ્યું: પહેલાં એ કહે કે આ રીમાર્ક શા માટે મળી. મેં કહ્યું: તમારે સાઈન ન કરવી હોય તો કંઈ નહીં, હું દાદા પાસે કરાવી લઈશ.’

અનેરીની ચાલ સફળ પુરવાર થઈ. દાદાએ કોઈ જાતની લપ્પનછપ્પન કર્યા વગર સાઈન કરી આપી. તુષારે પપ્પાને અટકાવવાની કોશિશ કરી તો એમણે ચોખ્ખું સંભળાવી દીધુઃ ‘તારે અમારી વાતમાં માથું નહીં મારવાનું!…હું તો જોતો જ રહી ગયો’, તુષારભાઈ હસી પડે છે, ‘અનેરી તે વખતે પહેલા ધોરણમાં હતી. પપ્પા ગુજરી ગયા એના એક વર્ષ પહેલાંની આ વાત છે.’

પ્રીતિબહેનની તરુણ પુત્રી પ્રાચીને પણ વચ્ચે થોડા સમય માટે સોરાયસિસ થઈ ગયેલો. ‘પ્રાચીથી હું દૂર ભાગતો, પણ દાદાને અડવામાં મને કશો વાંધો ન આવતો’, ટીન એજર દોહિત્ર ચિરાગ કહે છે, ‘હું નાનાને ઘણી વખત પગ દબાવી આપતો. બહુ ગમતું એમને. મને પણ એમની સેવા કરવામાં આનંદ આવતો.’

તુષારને પપ્પાના વ્યક્તિત્વના કયાં પાસાં ધ્યાનાકર્ષક લાગતાં?

‘મહેતા કદી કપડાંનું માપ આપવા પણ ક્યાં જતા?’ કલાબહેન કહે છે, ‘એમનાં કપડાંની ખરીદી અને એને સીવડાવવાનું કામ પણ છોકરીઓએ જ કરવું પડતું.’

‘પપ્પા ઘણા ઉદાર હતા. નિખાલસ અને આખાબોલા પણ એટલા જ,’ તુષાર કહે છે, ‘જે કંઈ મનમાં હોય તે તરત બહાર ઠાલતી દે. મને લાગે છે કે જીભની કડવાશને કારણે એમને ઘણું નુકસાન થયું હોવું જોઈએ.’

સ્વાતિ પપ્પાની ફક્ત ડ્રાયવર જ નહીં, હેરડ્રેસર પણ હતી! અગાઉ આ જવાબદારી પ્રીતિએ સંભાળી હતી. ‘પપ્પા કહેતાઃ જો, હજામ પાસે તો હું જવાનો નથી. તું જ વાળ કાપી આપ.’ સ્વાતિ યાદ કરે છે, ‘મેં કહ્યં કે પપ્પા, હું કેવી રીતે તમારા વાળ કાપી શકું? આડાઅવળા કપાઈ ગયા તો? તમારે આટલા બધા લોકોને મળવાનું હોય, તમારી તસવીરો છપાતી હોય… પપ્પા કહે: એ બધી ચિંતા તું નહીં કર. તું ફક્ત એટલું ધ્યાન રાખ કે કાતર મને વાગી ન જાય…’ પછી તો આ ક્રમ છેક સુધી અકબંધ રહ્યો.

‘પપ્પાની એક આદત મને ખટકતી’, સ્વાતિ કહે છે, ‘એમના ખિસ્સામાં કદી પૈસા જ ન હોય. રસ્તામાંથી દવા ખરીદે અને પછી પૈસા ડ્રાયવર સાથે મોકલી આપે. હું એમને બહુ ટોકતી અને કહેતી કે પપ્પા, આમ તો તમે મોટા હરકિસન મહેતા ગણાઓ અને ખિસ્સામાં એક પૈસો પણ નહીં? એ હસીને કહેતા કે મારે પૈસાની શી જરૂર છે? મારે તો હજામ પાસે વાળ કપાવવાનોય ખર્ચ કરવો પડતો નથી…’

‘મહેતા કદી કપડાંનું માપ આપવા પણ ક્યાં જતા?’ કલાબહેન કહે છે, ‘એમનાં કપડાંની ખરીદી અને એને સીવડાવવાનું કામ પણ છોકરીઓએ જ કરવું પડતું.’

‘પપ્પાની બીજી એક ખાસિયત હતી,’ તૃપ્તિ કહે છે, ‘એ કદી કોઈને પાણીનો ગ્લાસ લાવવાનું ન કહે. જાતે કિચનમાં જઈને પાણી પી લે. પપ્પાને અમારા પર પૂરેપૂરો ભરોસો. બ્લાઈન્ડ ફેઈથ. અમને ત્રણેય દીકરીઓને એમણે પૂરેપૂરી આઝાદી આપી હતી. રાત્રે ઘરે પહોંચતા વહેલુંમોડું થાય તો કદી ખુલાસાઓ ન માગે. ક્યારેય કોઈ વાતની ના ન પાડે. પપ્પાને મારા પર વિશેષ ભાવ હતો. પ્રીતિનો સ્વભાવ જબરો પણ હું જરા નરમ. પપ્પા મને હંમેશા કહેતાઃ પ્રીતિ દૂર જાય, પણ તારું સાસરું તો મારાં નજીકમાં જ શોધવું છે.’

કલાબહેન સાથે સંતેષની સંધ્યાછાયા. જીવનના અંતિમ દાયકામાં દર વર્ષે સમગ્ર પરિવાર સાથે લાંબા પ્રવાસે નીકળી પડતા હરકિસન મહેતા કહેતા: લેખન પત્રકારત્વની વ્યસ્તતાને કારણે પરિવારને જે નથી અપાયું તે બધું જ હવે આપી દેવું છે.

‘તૃપ્તિ માટે સારું ઠેકાણું શોધવાની એમને બહુ ચિંતા રહેતી હતી’, ચંદુભાઈ કહે છે, ‘તૃપ્તિનાં લગ્ન પાર્લાના ભાઈદાસ સભાગૃહની બાજુમાં આવેલા જશોદા રંગમંદિરના ભવ્ય પ્રાંગણમાં થયાં. તે દિવસે હરકિસનભાઈ દિલથી રાસગરબા રમેલા. એમનું આવું સ્વરૂપ મેં અગાઉ ક્યારેય નહોતું જોયું. તે દિવસે એ એટલા બધા ખુશ હતા કે ન પૂછો વાત. એમનું એ રૂપ આજેય મારી આંખ સામે તરવરે છે.’

તૃપ્તિ મહેતા અને શૈલેષ વોરાનાં લગ્ન વખતે આમંત્રિતોનું લિસ્ટ બનાવવાથી માંડીને કંકોત્રીની ડિઝાઈન તૈયાર કરવા સુધીનાં બધાં જ કામ વત્સલ હરકિસનભાઈએ હરખભેર કર્યા હતા. ‘અરે, એકેએક કંકોત્રી પર નામસરનામાં તેમણે જાતે જ લખ્યાં હતાં.’ તૃપ્તિબહેન કહે છે, ‘આ કામનું એમને એટલું બધું વળગણ હતું કે બીજું કોઈ કંકોત્રીને હાથ લગાવે તે પણ ન ચલાવતા. વરમાળા ખાસ મદ્રાસથી મગાવી હતી. ઓહો, એટલી બધી વજનદાર હતી એ…’

‘તૃપ્તિનાં લગ્નમાં ઊંધિયાની સામગ્રી ખાસ સુરતથી મગાવવામાં આવી હતી’, ચંદુભાઈ ઉમેરો કરે છે, ‘બેહિસાબ લોકો લગ્નમાં ઉમટ્યા હતા.’

તૃપ્તિનાં લગ્ન જોઇન્ટ ફેમિલિમાં થયાં. ‘અમારે ત્યાં વહુદીકરીઓને છૂટછાટ પ્રમાણમાં ઓછી મળે’, શૈલેષકુમાર કહે છે, ‘તે વખતે ઉંમર પણ કાચી. તૃપ્તિને બધા સાથે એજડસ્ટ થતા થોડી વાર લાગી, જે બિલકુલ સ્વાભાવિક હતું. પપ્પા ફોન કરીને પૂછે: બેટા, સાસરિયે ફાવે છે ને? તૃપ્તિ મોળો જવાબ આપે એટલે પપ્પા સલાહ આપે કે જો બેટા, તારે કોઈપણ રીતે એડજસ્ટ થવું જ પડશે, અને સાસરિયાની રહેણીકરણી પ્રમાણે તારી જાતને ઢાળવી જ પડશે. પપ્પાની વાત મને બહુ ગમતી.’

‘મારાં લગ્ન સહેજ મોડાં થયાં’, સ્વાતિ પોતાનાં લગ્નની વાત કહે છે, ‘પપ્પા સાથે હું વધુ પડતી અટેચ્ડ થઈ ગઈ હતી. મારાં લગ્ન થયાં એના બે જ મહિના પછી એમને અમેરિકા જવાનું થયું. મને કહે સ્વાતિ દીકરા, તું ય મારી સાથે ચાલ. મેં કહ્યું કે પપ્પા, હવે હું કેવી રીતે આવું? પપ્પા કહે: આપણે પ્રશાંતને ય લઈ જઈએ. તું સાથે હો તો મને ફેર પડે. ખેર, અમે પપ્પા સાથે અમેરિકા જઈ શક્યા ન હતા. એ ફોન પર રોજ સવારે એક જોક સંભળાવતા. કહેતા કે બેટા, આય વૉન્ટ યુ ટુ બી હેપી ઇન લાઇફ…’
ઇન્સિડેન્ટલી હર્ષદ વળિયાના પુત્રનું નામ અને સ્વાતિના પતિનું નામ સરખું—પ્રશાંત.

દીકરીઓને સાસરે વળાવી દીધા પછી ફોન પર સતત એમની સાથે સંપર્કમાં રહેવાનો એમનો નિત્યક્રમ હતો. ‘હું બે દીકરીની મા બની ગઈ તો પણ રોજ સવારે સાડા આઠ-નવ વાગે ફોન કરીને પપ્પા મારા ખબર-અંતર પૂછતા’, તૃપ્તિ કહે છે, ‘ત્રણ-ચાર દિવસ સુધી મળવા ન જઈએ તો ગુસ્સે થઈ જાય…એમને બહુ ફીલ થઈ આવે.’

‘અમે હરકિસન મહેતાના ફેમિલી મેમ્બર્સ હતા એટલે ત્યાંના કેટલાક પરિવારોએ અમારી એટલી બધી આગતાસ્વાગતા કરી કે ન પૂછો વાત. તે વખતે મને પહેલીવાર ભાન થયું કે ફુઆ ભારતમાં તો જાણીતા છે જ, પણ ભારતની બહાર પણ એમનું ઘણું નામ છે.’

હરકિસન મહેતાના પ્રેમાળ સ્વભાવો અને એમની વ્યવસ્થાશક્તિનો આસ્વાદ જમાઈઓને પણ માણવા મળતો. ‘રાતની મહેફિલ હોય કે ક્યાંક બહારગામ જવાનું હોય, પપ્પાનું આયોજન એકદમ ટકોરાબંધ હોય’, પ્રશાંતકુમાર કહે છે, ‘અમે પનવેલના ફાર્મહાઉસ પર ગયા હોઈએ અને સુમન મૉટેલમાં સ્વિમિંગ કરવા જવાના હોઈએ તો પપ્પા ચૂપચાપ પહેલેથી જ ત્યાં તમામ પ્રકારની એરેન્જમેન્ટ કરાવી રાખે. અમે ત્યાં પહોંચીએ ત્યારે બધું જ રેડી હોય.’

હર્ષદભાઈ વળિયાનું મોટાભાગનું જીવન કલકત્તામાં પસાર થયું. ‘પપ્પાની સોશ્યલ લાઈફ ત્યાં બહુ એક્ટિવ હતી’, દીકરા પ્રશાંત વળિયા કહે છે, ‘અમે મુંબઈ શિફ્ટ થયા પછી શરૂઆતના તબક્કામાં પપ્પા ખૂબ ડિપ્રેસ્ડ થઈ ગયેલા. પપ્પાને ડિપ્રેશનમાંથી બહાર કાઢીને એમને જૂહુની સોશ્યલ સરકિટનો એક હિસ્સો બનાવનાર હરકિસનફુઆ જ.’

પ્રશાંત વળિયા લગ્ન પછી ફરવા માટે યુરોપ ગયા હતા. ‘અમારી સાથે સ્વાતિ અને અન્ય ત્રણેક જણ હતાં.’ અલકા વળિયા કહે છે, ‘અમે ઇંગ્લેન્ડ, સ્વીડન અને બીજા ઘણા દેશોમાં ફર્યાં. ત્યાં પણ હરકિસનફુવાએ અમારી પૂરેપૂરી વ્યવસ્થા કરાવી રાખી હતી. અમે હરકિસન મહેતાના ફેમિલી મેમ્બર્સ હતા એટલે ત્યાંના કેટલાક પરિવારોએ અમારી એટલી બધી આગતાસ્વાગતા કરી કે ન પૂછો વાત. તે વખતે મને પહેલીવાર ભાન થયું કે ફુઆ ભારતમાં તો જાણીતા છે જ, પણ ભારતની બહાર પણ એમનું ઘણું નામ છે.’

માત્ર મોટેરાઓ જ નહીં, નવી પેઢી પાસે પણ દાદા કે નાના વિશેની ઘણી વાતો છે. ચિરાગ કહે છે, ‘મને નાનાની એક વાત બહુ ગમતી અને એ જ વાત નહોતી પણ ગમતી. નાના બહુ જ સિમ્પલ માણસ હતા. એ જ ઝભ્ભો લેંઘો, એ જ ચપ્પલ, એ જ લેધર પાઉચ. એમની પેન પણ એ જ- સફેદ, પાઇલટ પેન. એકવાર અમે છોકરાઓએ સરસ પેન ગિફ્ટ કરી હતી, પણ એ પેલી પાઈલટ પેનથી જ લખતા.’

પેનની વાત પરથી તુષારને પપ્પાની કેટલીક વાતો યાદ આવી જાય છે, ‘પપ્પાને સારી સ્ટેશનરી માટે ખૂબ લગાવ હતો. તકલીફ એટલી જ હતી કે ઉપયોગ કરવાને બદલે પપ્પા એને સંઘરી રાખતા. કેટલીય પેનો એમણે છેક સુધી ખોલી સુધ્ધાં નહીં. સારી ક્વૉલિટીના કાગળ પીળા પડી જાય ત્યાં સુધી મૂકી રાખે. વળી, આ બધી ચીજવસ્તુઓને કોઈને અડવા પણ ન દે. એમની સ્ટેશનરી હજુ અમે સાચવી રાખી છે.’

તૃપ્તિબહેને દીકરી રચનાને ચા બનાવતાં શીખવી લીધેલું. ‘પણ મારા હાથની ચા પીવા કોઈ તૈયાર નહોતું’, રચના હસી પડે છે, ‘તે વખતે હું આઠ-દસ વર્ષની હોઈશ. અમે નાના-નાની પાસે વરસોવાના બંગલે રહેવા ગયેલા. હું સ્કૂલેથી ચાર વાગે આવું ત્યારે નાનાને પ્રેસ પર જવાનો સમય થયો હોય. મને કહેતા: રચના, બીજું કોઈ તારા હાથની ચા પીએ કે ન પીએ, હું જરૂર પીશ.’ એ ખરેખર આખો કપ ભરીને મારી બનાવેલી એકદમ કડક થઈ ગયેલી ચા પી જતા.’

વાતો કરવાનો ખૂબ શોખ. રાત્રે બધાંને ભેગાં કરીને ખૂબ વાતો કરે.

‘નાનાએ નિયમ ઘડી કાઢેલો: કોઈએ બે કરતાં વધારે સિરિયલ નહીં જોવાની’, રચનાની મોટી બહેન વિધિ કહે છે, ‘નાના પ્રેસથી ઘરે આવે ત્યાં સુધી અમે ચોરીછૂપીથી બે સિરિયલ જોઈ લેતા અને એ આવી જાય પછી ફરી પાછી બીજી બે સિરિયલો જોઈ નાખતા…’

‘પપ્પા અમારા સૌનું ધ્યાન ખૂબ રાખે, પણ તોય એમનો ડર તો લાગતો જ’, પુત્રવધૂ નીતા કહે છે, ‘ઘરમાં આવે અને ટીવી ચાલતું હોય તે એમને જરાય ન ગમે. વાતો કરવાનો ખૂબ શોખ. રાત્રે બધાંને ભેગાં કરીને ખૂબ વાતો કરે. પપ્પા, મમ્મી, હું અને તુષાર ઘણીવાર બુખારો પણ રમતાં.’

‘એકવાર દાદાની તબિયત ઠીક નહોતી. હું ને અનેરી જોરજોરથી ઝઘડી રહ્યાં હતાં’, અનોખી કહે છે, ‘વાંક મારો હતો એટલે દાદાએ મને તમાચો મારી દીધો. અનેરી આમેય દાદાની બહુ લાડકી. હું કાયમ ફરિયાદ કરતી કે તમે દર વખતે મને જ કહ્યા કરો છો, અનેરીને ક્યારેય કંઈ નથી કહેતા.’

‘સવારે ઊઠતાંવેંત અનેરીનું મોઢું જોઈ લઉં એટલે મારો આખો દિવસ સરસ જાય’ એવું દાદા બોલે એટલે અનોખી ચિડાયા વગર ન રહે.

‘બધાંમાં હું એક જ નાના જેવી દેખાઉં છું’ પ્રાચી ગર્વપૂર્વક કહે છે. ‘મને બીમારી પણ એમની જ લાગુ પડી ગયેલી- સોરાયસિસ.’

‘એક વાર અમે બધાં મધ્યપ્રદેશ ગયેલા. ત્યારે હું અને નાના એક રૂમમાં રહેલા’, ચિરાગ કહે છે, ‘તે વખતે નાનાએ કોઈક કોર્સ કરેલો- શું ખાવું, કેવી રીતે સૂવું વગેરે. રાત્રે વારે વારે મને કહ્યા કરતા: ‘ચિરાગ ઊંધા ન સુવાય, ચિરાગ, આ રીતે હાથ ન રખાય. આજે પણ હું ક્યારેક ઊલટો થઈને સૂતો હોઉં ત્યારે નાનાની એ વાતો બહુ યાદ આવે…’

‘હું ક્યારેક ગુસ્સે થઈને કહેતો: પપ્પા જો તમારો એટિટ્યુડ આવો જ રહેશે તો હું તમારા પહેલાં રિટાયર્ડ થઈ જઈશ.’

એકના એક દીકરાને પપ્પા સાથે ઘણી બધી બાબતોમાં અસહમતી રહી જીવનભર. ‘પણ અમારી કોઈ વાત એકબીજાથી છૂપી રહી શકતી નહીં’, તુષાર કહે છે, ‘એનું કારણ હતું. રોજ સવારે આઠથી દસ વચ્ચે અમે બંને જણા સામસામે ફોન લઈને ગોઠવાઈ જઈએ. મને ડિસ્ટર્બ થાય તો પણ એમની વાતો ન અટકે અને એમને ડિસ્ટર્બ થાય ત્યારે હું ય નમતું ન જોખું.’

‘હું ક્યારેક ગુસ્સે થઈને કહેતો: પપ્પા જો તમારો એટિટ્યુડ આવો જ રહેશે તો હું તમારા પહેલાં રિટાયર્ડ થઈ જઈશ. અમારી વચ્ચે છેક સુધી કેટલીક વાતોમાં ડિસએગ્રીમેન્ટ રહ્યું. પણ બંનેનો એકબીજા માટે અનહદ પ્રેમ. હવે પાછળ ફરીને જોતાં મને લાગે છે કે મેં મારા તરફથી કૉમન ગ્રાઉન્ડ શોધવાનો પ્રયત્ન કર્યો હોત તો સારું થાત.’

 ‘લેખક કદાચ જીવનની અંતિમ ક્ષણ સુધી નિવૃત્ત થઈ શકતો નથી.’

તુષાર આગળ કહે છે, ‘વચ્ચે એક તબક્કો એવો આવેલો જ્યારે હરકિસન મહેતા ગંભીરપણે રિટાયર થવાનું વિચારી રહ્યા હતા. સુરેશ દલાલ એમને પોતાના ગુરુ નાથાલાલભાઈ પાસે ગોંડલ તેડી ગયેલા. પપ્પા પત્રકારત્વ છોડીને સામાજિક પ્રવૃત્તિઓમાં રસ લેવા માગતા હતા. નાથાલાલભાઈએ એમને સમજાવ્યું હતું કે તમે અત્યારે જે કામ કરો છો તે સમાજની સેવા જ છે. બીજું કોઈ કામ કરશો તો બસો-પાંચસો માણસોને ફાયદો થશે, પણ ‘ચિત્રલેખા’ દ્વારા તમે લાખો લોકોને લાભ આપી રહ્યા છો.’

‘લેખક કદાચ જીવનની અંતિમ ક્ષણ સુધી નિવૃત્ત થઈ શકતો નથી.’ તૃપ્તિ કહે છે, ‘અમે સપરિવાર જયપુર હતા ત્યારે પપ્પા કહેતા હતા કે મને એક પ્લૉટ સૂઝ્યો છે. એના પરથી હું ‘ક્ષેત્ર સંન્યાસ’ નામની નવલકથા લખીશ. આ ‘અંત આરંભ’ લખાઈ ચૂક્યા પછીની વાત છે.’

હરકિસન મહેતા આ ન લખાયેલી નવલકથા વિશે પરિવારજનો સાથે ચર્ચા પણ કરતા. શું હતું આ નવલકથાનું કથાવસ્તુ?

‘એમાં માણસની બુદ્ધિક્ષમતાનો સંચય કરવાની વાત હતી’, તુષાર કહે છે, ‘માણસ મૃત્યુ પામે પણ તેની બુદ્ધિશક્તિ, જીવનભરના અનુભવોને આધારે આવેલું ડહાપણ સંગ્રહાયેલાં રહે અને તે બીજા લોકોને કામમાં આવે એવી કંઇક તેની થીમ હતી. ઉદયપુરથી ચાલીસ કિલોમીટર દૂર આવેલા ‘જયસમંદ’ ટાપુની પશ્ચાદભૂમાં તેઓ ‘ક્ષેત્ર સંન્યાસ’ લખવા માગતા હતા.’

પણ ‘ક્ષેત્રસંન્યાસ’ લખાય તે પહેલાં જ હરકિસન મહેતાએ પોતાની જીવનલીલા સમેટી લીધી.

‘એક છાયાશાસ્ત્રીએ પપ્પાને કહેલું કે જો તમે સિત્તેર વટાવી જશો તો બીજા પાંચ વર્ષ અચૂક જીવશો..; તેઓ દોઢ મહિનો વધારે જીવ્યા હોત તો સિત્તેર પાર કરી જાત…’

‘હરકિસનભાઈના મનમાં વહેમ પેસી ગયો હતો કે પોતે કદાચ સિત્તેર વર્ષ પૂરાં નહીં કરે.’ હર્ષદભાઈ કહે છે, ‘કોઈપણ માણસની જેમ એમની જિજીવિષા પણ ઘણી તીવ્ર હતી.’

‘એક છાયાશાસ્ત્રીએ પપ્પાને કહેલું કે જો તમે સિત્તેર વટાવી જશો તો બીજા પાંચ વર્ષ અચૂક જીવશો’, તુષાર કહે છે, ‘છાયાશાસ્ત્રીએ એમના નિધનની તારીખ પણ આપેલી. પપ્પાનું મૃત્યુ જોકે એ તારીખના છ મહિના પછી થયું. તેઓ દોઢ મહિનો વધારે જીવ્યા હોત તો સિત્તેર પાર કરી જાત…’

બે-ચાર અશબ્દ ક્ષણો માહોલમાં પથરાઈ જાય છે.

‘અમે બધા જોકે એવી જ ઇમ્પ્રેશનમાં હતા કે મમ્મી કરતાં પપ્પા વધારે જીવવાના છે’, તુષાર કહે છે, ‘લાંબા આયુષ્ય માટેની તેમની પ્રબળ ઇચ્છા હતી.’

હરકિસન મહેતા મોટી દીકરીને કહેતા, ‘તૃપ્તિ, તારાં લગ્ન જેટલી જ ધામધૂમ મારે તારી રચનાનાં લગ્ન વખતે પણ કરવી છે.’

‘એ ક્યારેય બહુ ગુસ્સો કરે તો હું કહેતી કે મહેતા, આટલો ક્રોધ સારો નહીં… શું કામ તમારું આયુષ્ય ટૂંકાવો છો? તેઓ જવાબ આપતા કે હું તો બહુ લાંબું જીવવાનો છું. હું નીચે કેટલા જલસા કરું છું એ તું ઉપરથી જોયા કરજે…’ કલાબહેન જીવનસાથીની ગેરહાજરીને કારણે સર્જાયેલા ખાલીપાને ઉદાસીથી છલકાતા હાસ્યમાં છૂપાવી દે છે.

( સમાપ્ત)

13 COMMENTS

  1. જેની કલમના ફેન નહીં પણ ભક્ત છીએ એવા શ્રી હરકિસન મહેતા વિશે એમના પ્રિયજનોને મોઢે સાંભળીને જાણે સમક્ષ દરેક પ્રસંગ કે ઘટના બની હોય એવી અનુભૂતિ થઈ છે.
    બહુ જ સુંદર, સૌરભભાઈ.
    ખૂબ ખૂબ ધન્યવાદ…????????

  2. I thought harkishan mehta was tantri of chitralekha…thanks for the info that he was also a partner. Never heard of gujarati writer possessing so much real estate in mumbai. But if he is partner of chitralekha than its possible.

  3. What a class editor was Harkishan Mehta saheb.ચિત્રલેખાને એવરેસ્ટ મેગેઝીન બનાવનાર તંત્રી.

  4. હરકિસન મહેતાના જીવન વિષે ઘણી નવીવાતો જાણવા મળી. ખૂબ સરસ લેખ.

  5. Saurabh bhai I am old fan. I read your story of vaishnav pusti margi maharaj case ans mumbai samachar all articles. After reading your this interview of late shri Harkishanbhai Mehta. It was really a marvelous.Thanks a lot for the same.Bipin Gandhi.

  6. Chitralekhaa nanpan thi vanchvano chasko pujay bapa hamesha lavta tyare o40 Paisa prize Maheta ni Naval kathao 1,ver na valamna 2,pila rumal ni ganth,3,santu rangili 4,sambhav Asambhav Guruware talaveli & Tarak Maheta na Ulta chashma mana yaadgar patro champk lal Dya ben,’TAPUDO’champak lal nu pidha pa6i sambodhan”MAHETUS” Marta sudhi Rsmuj ni masti bhuli nhi shakay.?

  7. સૌરભ ભાઈ ?વંદન. સુખ અને દુખ ની મિશ્ર લાગણી. સુખ..હરકિશન મહેતા સાહેબ થી વધુ પરિચિત થયા. દુખ…આ લેખ આજે સમાપ્ત થયો. આભારની લાગણી વ્યક્ત કરતા આપનો વાચક મિત્ર.

  8. જીવનલીલા સમેટી લીધી…..પછીના છેલ્લા ૬ ફકરા મીસ થઈ જાય એમ છે.

  9. My dear Saurabh thanks again I am in Valsad.And myage is near75 years.I am a Retired Architect

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here