જે કામ કરે છે એ જ ભૂલ કરે છે

તડકભડક : સૌરભ શાહ

(સંદેશ, ’સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૨૯ માર્ચ ૨૦૨૦)

રસોડામાં કાચનું વાસણ તૂટવાનો અવાજ આવે અને ડ્રોઈંગ રૂમમાં બેસીને ટીવી જોતાં જોતાં મોઢામાંથી નીકળી પડેઃ સરખાં વાસણ ધોતાંય નથી આવડતું?

ક્યારેક તમે જાતે જઈને રસોડામાં પડેલાં ઢગલો વાસણો ધુઓ તો ખબર પડે કે કેટલે વીસે સો થાય છે. અને તે પણ એક વાર નહીં, દિવસમાં બે-ચાર વાર અને એક દિવસ નહીં, આખો મહિનો, આખું વરસ, આખી જિંદગી. પછી નક્કી કરીએ કે કોનાથી વધુ વાસણો ફૂટે છે.

નવરા લોકોનું આ જ કામ હોય છે: અમિતાભ બચ્ચને કેટલી ફ્લૉપ ફિલ્મો આપી, ગાંધીજી કઈ કઈ બાબતે નિષ્ફળ ગયા, ટાગોરની કેટલી કવિતાઓ નબળી છે, શંકર-જયકિશને કઈ કઈ ધૂનની ઉઠાંતરી કરી, વિરાટ કોહલી ક્યાં  થાપ ખાઈ ગયો.

જે કામ આપણે કરતા નથી એ કામ બીજાઓ કરે અને નિષ્ફળ જાય ત્યારે એમની કાર્યનિષ્ઠાને બિરદાવવી જોઈએ, પછી ભલેને એમાં એમને નિષ્ફળતા મળી હોય. તમને ખબર નથી કે એ કામ તમે કરવા ગયા હોત તો તમે કેટલો મોટો ધબડકો વાળ્યો હોત.

પણ આપણે કામ કરવું નથી અને બીજું કોઈ કરતું હોય ત્યારે એમાં વાંધાવચકા કાઢવા છે અને ન કરે નારાયણને જો ભૂલ કરે તો તો ધીબેડી જ કાઢવા છે.

રસ્તાઓ ચોખ્ખા કેમ નથી – ત્યાંથી લઈને દેશના શાસન સુધીની હજાર બાબતોએ આપણને રોજ વાંકું પડતું હોય છે. રોજ એ દરેક માટેની ફરિયાદોને આપણે બીજાઓની આગળ પ્રગટ કરતા રહીએ છીએ. રોજ ક્રિકેટરોને શીખવાડીએ છીએ કે એમણે બૅટ સાડા સુડતાલીસ ડિગ્રીએ પકડવું અને રોજ નાણામંત્રીને સલાહ આપતા હોઈએ છીએ કે એમણે દેશની ફિસ્કાલ ડેફિસિટ ઘટાડવા કેવાં પગલાં લેવાં જોઈએ. આવા લોકોને ગલીના પાનવાળાના ગલ્લો ચલાવવા આપીએ તો એક જ અઠવાડિયામાં દેવાળું કાઢીને શટર પાડી દે.

અને આવી સલાહો આપનારા આપણે પોતે આપણા ક્ષેત્રમાં તે વળી ક્યાં મોટાં તીર મારીએ છીએ. સરકારની, ક્રિકેટરોની, ઉદ્યોગપતિઓની કે કોઈનીય ખોડખાંપણો શોધવાનો શોખ ધરાવનારા આપણે ડૉક્‌ટર હોઈએ તો આપણા વ્યવસાયમાં શું હન્ડ્રેડ પર્સેન્ટ રિઝલ્ટ આપીએ છીએ? પત્રકાર-શિક્ષક-બિલ્ડર-ચાર્ટડ્‌અકાઉટન્ટ વગેરે કોઈ પણ ક્ષેત્રના માણસ હોઈએ – શું આપણે ભૂલો નથી કરતા? પણ આપણને બીજાની ભૂલો જ દેખાતી હોય છે. જે કામ આપણે નથી કરતા એ કામ બીજાઓ કરે છે ત્યારે એમાં ભૂલો કાઢવી સહેલી છે. એ જ કામ આપણે કરવાનું હોય અને ભૂલ કરીએ તો ખબર પડે કે આવી ભૂલો શા માટે થતી હોય છે.

કોઈ વ્યક્તિને અત્યાર સુધીમાં એણે માથે લીધેલા સો પ્રોજેક્‌ટમાંથી વીસમાં સફળતા મળી હોય તો લોકો કહેશે કે જુઓ આના એંશી પ્રોજેક્‌ટ નિષ્ફળ ગયા. આવું કહેનારાઓ છાતી ફુલાવીને ફરશે કે મારો તો સક્‌સેસ રેટ એઈટી પર્સેન્ટ છે. જાણવા મળશે કે એણે જિંદગીમાં માત્ર પાંચ જ પ્રોજેક્ટ હાથમાં લીધા છે જેમાંના ચાર સફળ થયા છે.

આ ચાર સફળ પ્રોજેક્‌ટવાળી વ્યક્તિ વીસ પ્રોજેક્‌ટોમાં સફળતા મેળવનારને ઉતારી પાડવા માટે અને પોતાની કામ કરવાની સ્પીડ, ક્ષમતા કે દાનતને છુપાવવા માટે સફળતાની વાતો પર્સેન્ટેજમાં વાતો કરશે અથવા કોને કેટલા પ્રોજેક્‌ટમાં નિષ્ફળતા મળી છે તેના આંકડા ગણાવશે.

માણસની પ્રતિભાનું મૂલ્ય એણે કેટલી નિષ્ફળતા મેળવી છે એના પરથી નીકળતું હોય છે. લતા મંગેશકરે ગાયેલાં કુલ ગીતોમાંથી કેટલાં ગીત હિટ કે સુપરહિટ થયાં? લતાજીનાં ભુલાઈ ગયેલાં કે ‘નબળાં પુરવાર થયેલાં’ ગીતોની સંખ્યા અનેકગણી વધારે છે. છતાં લતાજી લતાજી છે. કારણ કે બીજા કોઈ પણ પ્લેબેક સિંગર કરતાં વધારે ગીતો આજે તમને એમનાં યાદ છે. કોઈ પણ રાજકારણી, ઉદ્યોગપતિ, નવલકથાકાર, ક્રિકેટર કે કોઈ પણ ક્ષેત્રની નામી વ્યક્તિએ કરેલા સમગ્ર કામની યાદી તમે જુઓ. એમના નિષ્ફળ પ્રોજેક્‌ટ્‌સની સંખ્યા ઘણી મોટી હોવાની. આ નિષ્ફળતાઓ જ એમને શીખવાડે છે અને સફળતા તરફ દોરી જાય છે.

દરેકે દરેક કામ અને એ કામ કરનારી વ્યક્તિનો આદર કરતાં શીખીએ છીએ ત્યારે આપણા કામને પણ ઓપ આપતાં શીખીએ છીએ. કામ કરતાં કરતાં કોઈ ભૂલ કરે છે ત્યારે એ જાણી જોઈને તો નથી કરતું. કામમાં બેદરકાર છે કે ધ્યાન નથી એવી ફરિયાદ પણ ત્યારે જ સાચી ગણાય જ્યારે આપણે એની જગ્યાએ હોઈએ અને પૂરેપૂરું ધ્યાન રાખીને, સ્હેજ પણ બેદરકારી રાખ્યા વિના કામ કરી શકીએ.

સાચું કહેજો, મામૂલી પગારમાં જો તમારે રોજ પાંચ ઘરનાં વાસણ-કપડાં–કચરાપોતું કરવાના હોય તો તમારાથી મહિને કેટલી વાર કાચનાં વાસણો તૂટે?

નેક્‌સ્ટ ટાઈમ રસોડામાં વાસણ તૂટવાનો અવાજ આવે ત્યારે યાદ રાખજો. નેક્‌સ્ટ ટાઈમ વિરાટ કોહલી તમારા ધાર્યા કરતાં વહેલો આઉટ થઈ જાય ત્યારે પણ આ વાત યાદ રાખજો.

પાન બનાર્સવાલા

જેમને મે મહિનામાં કેરી ખાવી હોય તે અત્યારે ઘરે રહે.

–વૉટ્‌સએપ પર વાંચેલું

9 COMMENTS

  1. સૌરભ ભાઈ ની વાત સીધી ને સટ હોય છે…આ વાંચતી વખતે જો તમને યોગ્ય સંદર્ભ માં રા.ગા. અને નમો નું નામ યાદ આવ્યું હોય તો સમજવું કે સૌરભ ભાઈ ની પેન મા થી નીકળેલી શાહી ઢોળાઇ નથી….

    • Oh, that’s entirely your perception and your own interpretation. This article has very wide approach towards life, not confined to politics. As far as the names you have mentioned I am NOT amongst those who write between the lines about them. You know very well that I call the spade a spade. Whenever I write about them I am quite forthright and always take their names while criticising or praising.

  2. બીજા ના દોષો જોવા માણસ નો સ્વભાવ છે
    સાચી વાત??

  3. દોષ દૃષ્ટિ થી દૂર રહેવું જોઈએ. સરસ બહુજ સરસ ? ? ?

  4. Saurabh shah ji pranam
    Tamara badha lekh saras hoy che
    Hu tamara lekh no nitya vachak chu
    Mumbai samachar ma good morning ma roj tamara lekh vanchyo hato
    Pan ema lekh bandh thai Gaya che
    Ane sandesh paper mumbai ma not available
    tamra lekh no vachak
    Hiren Gogri

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here