બોલવા કરતાં ન બોલવું વધારે સારું- વિદુરજી ઃ સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ એક્‌સક્‌લુઝિવ: રવિવાર, ૧૯ એપ્રિલ ૨૦૨૦)

‘સળગતી આગથી સોનાની કસોટી થાય છે, સદાચારથી ભદ્ર પુરુષની, વ્યવહારથી શ્રેષ્ઠજનની, ભયમાં શૂર પુરુષની, આર્થિક કઠિનાઈમાં ધીર પુરુષની તથા વિપત્તિમાં શત્રુ અને મિત્રની કસોટી થાય છે.’ એવું વિદુરે ધૃતરાષ્ટ્રને કહ્યું.

તમે જોયું? દરેક ગુણની કસોટી કઠિન સમયમાં જ થતી હોય છે. સારા સમયમાં તમામ ગુણ વણપરખાયેલા જ રહેવાના. એનો અર્થ એ કે વિપત્તિ આવે ત્યારે માનવાનું કે ભગવાનને પરીક્ષા લેવાનું મન થયું છે. એનો અર્થ એ કે સારા સમય દરમ્યાન આપણે જાતને એવી રીતે તૈયાર કરવાની કે ભગવાન ગમે ત્યારે સરપ્રાઈઝ ટેસ્ટ અનાઉન્સ કરશે અને આપણે એમાં ઉત્તીર્ણ થવાનું છે. આપણે આપણી જાતને ગમે એ માનતા હોઈએ પણ ખરેખર આપણામાં શું છે, કેટલું છે એનું માપ જીવનમાં કપરો કાળ આવે ત્યારે જ નીકળતું હોય છે. દુઃખનો સમય આપણી પાસે આવેલી અમુલ્ય તક છે. આપણામાં જે કંઈ ખૂટતું હોય તેને ઉમેરવાની તક.

પૈસા વિશે વિદુરજીએ એકદમ જ અલગ ઊંચાઈની વાત કરી છે: ‘શુભ કાર્યો કરવાથી લક્ષ્મી ઉત્પન્ન થાય છે, પ્રગલ્ભતાથી વધે છે, દક્ષતાથી દૃઢ થાય છે અને સંયમથી સ્થિર થાય છે.’

કોઈને છેતરીને, કોઈને ફસાવીને, બનાવટ કરીને, ચોરી કરીને આવેલો પૈસો લક્ષ્મી નથી બનતો. લક્ષ્મી હંમેશાં શુભ કાર્યો કરવાથી જ મળે. પ્રામાણિકતા અને મહેનતથી જ આ શુભ કાર્યો થઈ શકે. લક્ષ્મી દરેકને એના ગજા મુજબ મળતી હોય છે. જિંદગી આખી ડ્રાઈવરની નોકરી કરનાર પાસે આવી આવીને કેટલી લક્ષ્મી આવશે? પણ જો એ બેન્ક લોન લઈને પોતાની ટેક્સી ફેરવશે તો વધુ કમાશે. એ કમાણીમાંથી નવી નવી ટેક્સીઓ ખરીદીને પોતાને ત્યાં બીજા ડ્રાઈવરોને નોકરીએ રાખશે તો એનાથી વધુ કમાશે. ટ્રાવેલ એજન્સી શરૂ કરીને મોટી મોટી કંપનીઓના કૉન્ટ્રાક્ટ લેશે તો હજુ વધુ કમાશે. અને કોને ખબર, એનામાં સૂઝબૂઝ તથા કૌવત હશે તો એ ઓલા કે ઉબર જેવી કંપનીઓનો સ્થાપક પણ બની શકે. આપણે ક્યા સ્તરે રહીને કેટલું કામ કરીએ છીએ તેનો ક્યાસ કાઢીને નક્કી કરવું પડે કે મારા આ કામમાંથી મને કેટલી કમાણી થઈ શકે એમ છે.

શુભ કાર્યો દ્વારા પ્રાપ્ત થયેલી લક્ષ્મી પ્રગલ્ભતાથી વધે છે. પ્રગલ્ભ એટલે મેચ્યોર, ધીરગંભીર. ઉછાંછળા માણસના હાથમાં આવી ગયેલી લક્ષ્મી ટકતી નથી, વેડફાઈ જાય છે. તમે કમાણી કેવી રીતે કરો છો એ વાત જેટલી અગત્યની છે એના કરતાં વધુ અગત્યની વાત એ છે કે તમે ખર્ચાઓ ક્યાં ક્યાં કરો છો. જેની પાસે ખર્ચો કરવાની આવડત નથી એનામાં કમાણી કરવાની ગમે એટલી ત્રેવડ હશે તો પણ એની લક્ષ્મીમાં વધારો નહીં થાય. દક્ષતા એટલે પ્રવીણતા, ચાતુર્ય, હોશિયારી, આવડત. લક્ષ્મીને સાચવવાની જવાબદારી ઘણી મોટી છે. બાપદાદાનો પૈસો ત્રીજી પેઢી પછી કામ નથી લાગતો એવું સમાજમાં ઘણાએ જોયું છે. અચ્છા અચ્છા ઉદ્યોગગૃહોની ચોથી પેઢી લાખના બાર હજાર કરી નાખતી હોય છે. આપણને તરત એમની ‘કંગાલિયત’ નજરે નથી પડતી કારણ કે એમનો લાખ ઈટસેલ્ફ એટલો તોતિંગ હોય કે એમના બાર હજાર પણ ઘણા મોટા હોય. વાલકેશ્વરના મહેલ જેવા બંગલામાં રહેતા લોકો ‘ગરીબ’ થઈ જાય ત્યારે નેપિયન્સી રોડના થ્રી બેડરૂમ હૉલ કિચનના સી ફેસિંગ ફ્લેટમાં રહેતા થઈ જાય એટલે આપણા માટે તો તેઓ શ્રીમંત જ ગણાય પણ વાસ્તવમાં તેઓએ બાપદાદાનો લાખનો વારસો બાર હજાર જેટલો કરી નાખ્યો હોય છે. લક્ષ્મીને સાચવવાની આવડત સૌ કોઈનામાં નથી હોતી.

સંયમથી લક્ષ્મી સ્થિર થાય છે. ગરીબ કે મધ્યમ વર્ગના માણસે જ નહીં શ્રીમંતે પણ ખર્ચ કરવામાં સંયમ જાળવવો પડે, કરકસર કરવી પડે. તો જ લક્ષ્મી એના ઘરમાં સ્થિર થઈને રહે. પાણીની જેમ પૈસો ખર્ચાતો હોય, વગર ફોગટના ખર્ચા થતા હોય ત્યારે લક્ષ્મી પણ વહી જવાનું પસંદ કરે, કોઈ બીજું ઘર શોધી લે. વાપરવામાં સંયમ ન રાખો તો કુબેરનો ખજાનો પણ ખાલી થઈ જાય.

આગળ વધીએ. સારો માણસ કોને કહેવો? સારો માણસ કેવી રીતે પરખાય? આપણે પોતે સારા બનવું હોય તો શું કરવું? વિદુરજીએ સૂચવેલા આ આઠ ગુણમાંથી આપણામાં કયા કયા છે, કયા નથી અને ક્યાં આપણે સુધરવાની જરૂર છે તે જાતે જ નક્કી કરી લઈએ. લખે છેઃ ‘આ આઠ ગુણો પુરુષની શોભા વધારે છે: બુદ્ધિ, કુલીનતા (ખાનદાની), ઇન્દ્રિયનિગ્રહ, શાસ્ત્રજ્ઞાન, પરાક્રમ, મિતભાષીપણું, યથાશક્તિ દાન, તથા કૃતજ્ઞતા.’
આ આઠમાંના બાકીના ગુણોની તો ખબર નથી પણ છેલ્લેથી ત્રીજો મારામાં નથી જ નથી.

આ અધ્યાયમાં વિદુરજીએ બે અલગ શ્લોકમાં બહુ ઊંડી વાત કરી: ‘ગુણોમાં પણ દોષદૃષ્ટિથી જોનાર…સદૈવ મહાન દુઃખને પામે છે (અને) બીજાના દોષ ન જોનાર મોટા સુખને મેળવે છે.’

આપણામાંના ઘણામાં એક કુટેવ હોય છે. કેટલાયને મોઢે તમે સાંભળ્યું હશે: ‘ઓહો, ફલાણી વ્યક્તિ બહુ મહાન, બહુ સરસ પણ…’ આ ‘પણ’ પછી જે કંઈ આવે તેને કારણે આગળની મહાનતાને આપણે ઢાંકી દઈએ. કોઈનો ગુણ આપણને સ્પર્શી જાય તો પછી એનામાં ખોડખાંપણ શોધવાનું બંધ કરીએ. એ ગુણમાંથી જે કંઈ શીખવાનું, મેળવવાનું હોય તે મેળવીએ. શક્ય છે કે કોઈ ગુણીજનમાં દોષ હોય પણ ખરા. પરંતુ આપણે શું કામ એના દોષ જોવા; એનામાં રહેલી ખરાબીઓમાંથી શીખવાનું કે એમની પાસે રહેલી સારી વાતોમાંથી. વાંકદેખાઓ અને વક્રદૃષ્ટાઓની ખાસિયત હોય છે કે તેઓ દરેકમાં કંઈ ને કંઈ ખોડખાંપણ શોધી કાઢશે. આવું કરીને તેઓ કદાચ બીજાઓ આગળ અને પોતાની આગળ સિદ્ધ કરવા માગતા હશે કે મારામાં જેમ ખામીઓ છે એમ એમનામાં પણ ખામીઓ છે. અમે બેઉ સરખા છીએ. તેઓ ભૂલી જતા હોય છે સરખાપણું ખામીઓની સામ્યતાને કારણે સિદ્ધ નથી થતું. ગુણોની સરખામણી કર્યા પછી કોણ મોટું ને કોણ નાનું તે નક્કી થાય. તમે દારૂ પીતા હો અને કે. એલ. સાયગલ પણ દારૂ પીતા હોય એટલે તમે બેઉ જણા ઈક્વલ નથી થઈ જતા. સાયગલ કેવું ગાય છે અને તમે કેવું ગાઓ છો એના આધારે નક્કી થશે કે તમે બંને સરખા છો કે નહીં. પોતાની ભવાઈને લીલાનો દરજ્જો આપવા નહીં પણ બીજાની લીલાને પોતાની ભવાઈની કક્ષાએ ઉતારી પાડવા કેટલાક લોકો સતત અન્યના દોષ શોધતા રહે છે.

મહાભારતના ઉદ્યોગપર્વના છત્રીસમા અધ્યાયમાં વિદુરજીની વાત આગળ ચાલે છે. કેટલાક લોકોને અંગત વાતચીતમાં જ નહીં, જાહેરમાં પણ કઠોર વાણી બોલવાની આદત પડી ગઈ હોય છે. પોતે જેમની સાથે સહમત ન થતા હોય અથવા પોતાની સાથે જેઓ સહમત ન થાય એમને ઉતારી પાડવા, એમના વિશે એલફેલ સર્ટિફિકેટો ફાડવાં, એમનું ઘોર અપમાન કરવું એવી ટ્રેઈટ તમે ઘણામાં જોઈ હશે. વિદુરજીએ ચાર શ્લોકમાં આ વિશે જે વાતો કહી એનું સંકલન કરીએઃ ૧. બીજાઓની ગાળો સાંભળીને જ્યારે સામે ગાળ નથી આપતા ત્યારે ગાળને સહન કરનારાનો અપ્રગટ ક્રોધ ગાળ દેનારને સળગાવી દે છે. અને ગાળ સહન કરનારને પુણ્ય પ્રાપ્ત થાય છે. ૨. બીજાઓને ન ગાળો દેવી તેમ ન તો તેમનું અપમાન કરવું. કઠોર અને રોષભરી વાણી ન બોલવી. ૩. ધર્માનુરાગીએ ઉદ્ધત અને કઠોર વાણીનો નિત્ય ત્યાગ કરવો. ૪. જે મનુષ્ય ક્રૂર તથા કઠોર વાણીરૂપી કાંટા વડે લોકોને પીડા ઉપજાવે છે તેને મનુષ્યોમાં મહાદરિદ્રી સમજવો.

તો પછી વાણી કેવી હોવી જોઈએ? વિદુરજીએ સમજાવ્યું છે: ‘બોલવા કરતાં ન બોલવું વધારે સારું . વાણીની આ પ્રથમ વિશેષતા . જો બોલવું જ પડે તો સત્ય બોલવું. વાણીની આ બીજી વિશેષતા. સત્ય અને પ્રિય બોલવું એ ત્રીજી વિશેષતા અને સત્ય તથા પ્રિય સાથે ધર્મયુક્ત બોલવું એ વાણીની ચોથી વિશેષતા.’

મનુષ્યો ત્રણ પ્રકારના હોય છે, વિદુરજી કહે છે: ‘જે સર્વનું કલ્યાણ ઈચ્છે છે, કોઈનું અકલ્યાણ નથી ચાહતો, જે સત્ય બોલનારો, કોમળ સ્વભાવનો અને જિતેન્દ્રિય છે તેને ઉત્તમપુરુષ સમજવો. જે ખોટું આશ્વાસન નથી આપતો, (કશુંક આપવાની) પ્રતિજ્ઞા કર્યા (અર્થાત્‌ વચન આપ્યા) બાદ તે અવશ્ય આપે છે અને (પોતે) કરેલા અપરાધને ઓળખે છે તેને મધ્યમપુરુષ સમજવો.’

અને અધમપુરુષ કોણ છે? ‘જેનું શાસન ભયંકર છે, જે અનેક દોષોથી ભરેલો છે, જે બીજાને સમજાવી શકતો નથી, જે ક્રોધને લીધે બીજાની બૂરાઈ કરવામાં પાછો પડતો નથી, જે કૃતઘ્ની છે, જે કોઈનો મિત્ર બની શકતો નથી, જે દુષ્ટાત્મા છે, જે (પોતાના) કલ્યાણ માટે પણ બીજાઓનો વિશ્વાસ કરી શકતો નથી, જેને પોતાના પર પણ શંકા છે – વિશ્વાસ નથી, જે મિત્રોને પણ પોતાનાથી દૂર રાખે છે તે નિશ્ચિતપણે અધમપુરુષ છે.’

મિત્રો વિશે વિદુરજીએ સરસ ચિંતન કર્યું છે: ‘જે મિત્રના ગુસ્સે થવાની બીક લાગે તથા જે મિત્રની સાથે શંકાપૂર્વક વર્તવું પડે તે મિત્ર નથી, તે મિત્રતાને પાત્ર નથી. જે મિત્ર સાથે પિતાની જેમ વર્તી શકાય તે જ મિત્ર છે…તમારો સંબંધી ન હોવા છતાં જે તમારી સાથે મિત્રભાવે વ્યવહાર કરે તે જ આપણો બંધુ અને તે જ આધાર તથા તે જ આપણો આશ્રય સમજવો…જેનું ચિત્ત ચંચળ છે, જે વૃદ્ધોની (વડીલોની) સેવા નથી કરતો, જેની બુદ્ધિ અનિશ્ચિતતાથી ભરેલી છે તેવા પુરુષનો મિત્રસંગ્રહ (એનું ફ્રેન્ડસર્કલ) પણ સ્થાયી નથી… મિત્રોએ જેમનું સન્માન કર્યું હોય તથા કામ કરી આપ્યાં હોય છતાં જેઓ તે મિત્રનું હિત કરતા નથી, તેઓ કૃતઘ્ની છે. આવા લોકો મૃત્યુ પામે છે ત્યારે માંસભક્ષી પ્રાણીઓ પણ એના શબનું માંસ ખાતા નથી…મિત્રોની પાસે માગણી અવશ્ય કરવી જોઈએ, ધન હોય કે ન હોય, કારણ કે મિત્ર પાસે માગ્યા સિવાય તેના સાર કે અસારની પરીક્ષા થઈ શકતી નથી (સાર એટલે સત્ત્વ, અસાર એટલે નિઃસત્ત્વ).

આજે બસ આટલું જ. બાકીનું કાલે.

છોટી સી બાત

‘ઘણા દિવસોથી તને જોઈ નથી, ચાલને વિડિયો કૉલ કરીએ.’

‘જાનુ, મારા ફોનનો કૅમેરા ખરાબ છે.’

‘ચાલ જુઠ્ઠી! એમ કહે ને કે બ્યુટી પાર્લર બંધ છે…’

7 COMMENTS

  1. Always better then best of yesterday’s

    સાહેબ તમારી પાસે જેટલું શીખીએ અને જાણીએ એટલું ઓછું છે

  2. સુપર્બ લેખ. તમારા આવા અનેક લેખો વાંચેલા છે. એક વિષય સૂઝે છે એના પર જો લેખ મળી શકે અને તમારૂ ઊંડું અધ્યયન આ વિષય પર માહિતી આપી શકે. ઘણીવાર કેટલાયે કામોની ક્લેરિટી હોતી નથી. મનમાં એમ થાય કે આવું કૈક કરવું છે પણ ગેડ બેસતી ના હોય. કન્ફ્યુઝન રહ્યા કરતુ હોય. એટલે એ કામ ખેંચાતું જાય. અને અનેક ઘટનાઓ એવી બને કે છેવટે એ કામને કારણે વિસ્ફોટ થઇ જાય. આવી પરિસ્થિતિમાં હિમ્મત કરીને એક યા બીજો નિર્ણય લઈને અવઢવને ક્લિયર કરી નાખવી જોઈએ। અને એને કારણે એ કામમાં પરોવાયેલા લોકોને પણ ક્લેરિટી મળી જાય નહીંતર બધા લોકો અવઢવના કળણમાં ખૂંપ્યા જ કરે અને એવી વિચિત્ર પરિસ્થતિ આવીને ઉભી રહે કે બધા કંટાળે, આર્થિક અને સામાજિક પ્રતિસ્થાનું પારાવાર નુકશાન થઈને ઉભું રહે. આવા કેટલાયે ઉદાહરણો છે જેમાં ત્વરિત અથવા છેવટે ક્લેરિટી ઉભી કરીને નિર્ણય ના લેવાની માણસોની ખામી કે સ્વભાવને કારણે કેટલાયે લોકોને વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. “ભાઈ તારે જે કરવું હોય એ નક્કી કરીને અમને કહી દે ને? તારે એ ધંધો ના લેવો હોય કે કામ ના કરવું હોય તો ના પાડી દે પણ જે હોય એ ચોખ્ખું કહે તો અમને અમારે રસ્તે જવાની ખબર પડે”. આવા હજારો ઉદાહરણો આપણી પોતાની જિંદગીમાં કે લોકોની જિંદગીમાં થયેલા જોવા મળે છે. આવી સ્થિતિમાં આપણે કઈ રીતે વર્તવું જોઈએ એવો લેખ આપી શકો તો વાંચવાની મજા આવશે અને જાણકારી મળશે।

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here