માન મળે છે ત્યારે, અપમાન થાય છે ત્યારે

લાઉડ માઉથ : સૌરભ શાહ
(‘અર્ધ સાપ્તાહિક પૂર્તિ’, ‘સંદેશ’, બુધવાર, ૨ જાન્યુઆરી ૨૦૧૯)

સ્થિતપ્રજ્ઞ કોને કહેવાય તે ગયા મહિને રૂબરૂ જોયું. એક હિન્દીભાષી વિશ્વવિખ્યાત સેલિબ્રિટી સાથેના ઈન્ટરેક્શન દરમ્યાન એક જ દિવસમાં બે અનુભવોના સાક્ષી થવાનું મળ્યું. એક જગ્યાએ એમને કોઈ આવકાર નહીં, કારણકે કોઈ ઓળખતું નહોતું અને બીજી જગ્યાએ કોઈ વિદાયમાન નહીં કારણકે સૌ કોઈ પોતપોતાની પ્રવૃત્તિમાં બિઝી હતા.

એ જ દિવસનો બીજો અનુભવ. લોકોને એમની સાથે વાત કરવા માટે પડાપડી કરવી હતી. વાત ન થાય તો ઍટલીસ્ટ જોવા હતા, સેલ્ફી પડાવવી હતી, એય શક્ય ન હોય તો દૂર રહીને પોતાના ફોનમાં એમની તસવીર ખેંચવાનો લ્હાવો મેળવવો હતો. ઓવરવ્હેલમિંગ દ્રશ્ય હતું જે એમના માટે કૉમન હશે, ઠેર ઠેર એમને આવો આદરસત્કાર અને આવાં ભાવપ્રેમ પ્રાપ્ત થતાં હશે. પણ પ્રથમ અનુભવ-આવકાર નહીં, વિદાયમાન નહીં વાળો અનુભવ- શૉકિંગ હતો. એમના માટે નહીં, અમારા માટે. એ તો સ્થિતપ્રજ્ઞની જેમ મંદ મંદ સ્મિત સાથે નવા માહોલને માણતા રહ્યા.

જે જગ્યાએ લોકો આપણને આવકારશે એવી આશા હોય, ખમ્મા ખમ્મા કહીને માથે ચડાવશે એવી અપેક્ષા હોય ત્યાં આપણા આગમનને મોળો પ્રતિસાદ મળે તો આપણને લાગે કે આપણું માન નથી જળવાતું, આપણું અપમાન થાય છે.

કેટલાક કહેવાતા સ્વમાની લોકો આવા વખતે ત્રાગું કરીને-ટેન્ટ્રમ કરીને, રિસાઈ જઈને, ક્રોધે ભરાઈને પરાણે પોતાને માન આપવું જ પડે એવી પરિસ્થિતિ સર્જતા હોય છે. દીપિકા-રણવીરની ઈટલીમાં થયેલી લગ્નવિધિમાં ૩૦ જ મિત્રો-કુટુંબીઓ હતા એવા ન્યૂઝ વહેતા થયા પછી વૉટ્સઍપ પર એક રમૂજ રેલાતી હતી: અમારે ત્યાં તો લગ્નમાં આટલા લોકો રિસાઈને ખૂણામાં ભરાઈને બેઠા હોય.

કોઈ ઠેકાણે આપણે અપેક્ષા રાખી હોય એવું માન ન મળે કે આપણી પૂરતી આગતાસ્વાગતા ન થાય ત્યારે ત્રણ વાત ધ્યાનમાં રાખવાની.

એક: સામેવાળી વ્યક્તિને ખબર જ નથી કે તમે કોણ છો. ડોનાલ્ડ ટ્રમ્પ જો સાવ એકલા આફ્રિકાના જંગલમાં જાય તો કોઈ એમની આગતાસ્વાગતા નહીં કરે. તામિલનાડુના મુખ્યમંત્રી એમના રસાલા વિના ગુજરાતની મુલાકાતે આવશે તો લોકો એમની સાથે એક નૉર્મલ સાઉથ ઈન્ડિયન જેવો જ વ્યવહાર કરશે. ગુલઝારસા’બ કે એવા કોઈ પણ મોટા સાહિત્યકાર-કવિની પાલખી ખભે ઊંચકી લેવા આપણે અહીં આતુર હોઈએ પણ વેસ્ટ ઈન્ડિઝના કોઈ ગામમાં આવા મહાન લેખકો-શાયરો એકલા એકલા ફરતા હશે તો કોઈ એમની સગવડો સાચવવા ખમ્મા ખમ્મા નહીં કરે.

જે જગ્યાએ માનપાન ન મળે કે આગતાસ્વાગતા ન થાય ત્યાં એક શક્યતા એવી હોઈ શકે કે આપણને કોઈ ઓળખતું જ નથી જેમાં ન તો એમનો કોઈ વાંક હોય, ન આપણો કોઈ દોષ હોય.

બે: ક્યારેક એવું બને કે યજમાનની મજબૂરી હોય. એ તમને યોગ્ય માન આપવા માગતા હોય, તમારી સગવડો સાચવવા માગતા હોય પણ કામના બોજને લીધે, પૂરતી વ્યવસ્થાના અભાવે, એમની પોતાની પ્રાયોરિટીને લીધે કે પછી વાત એમના ધ્યાન બહાર ગઈ હોવાને લીધે એ ચાહવા છતાં તમને પૂરતા માન સમ્માન સાથે આવકારી ન શકે એવું બને. તમારે ત્યાં લગ્ન હોય અને તમારા નિવાસસ્થાનના કંપાઉન્ડમાં માંડવો બાંધીને તમે સૌને આવકારતા હો ત્યારે શક્ય છે કે તમામ મહેમાનોની સગવડ સાચવવા માટેની સુવિધા તમે ઊભી ન કરી શક્યા હો. તમારા બૉસને કે તમારા ફૅમિલિ ગુરુને આવકારવામાં તમે તમારા સગા પડોશીની અવગણના કરી બેસો એવું પણ બને. વેવાઈની આગતાસ્વાગતા કરવા જતાં તમારો વર્ષો જુનો લંગોટિયો દોસ્તાર છેક પરદેશથી તમારે ત્યાં પ્રસંગ દીપાવવા આવ્યો હોય પણ તમે એની પૂરતી સરભરા ન કરી શકો એવું બને. ન બનવું જોઈએ, પણ બને. માણસની મજબૂરી હોય. એકલો કેટલાનું ધ્યાન રાખી શકે. મજબૂરીને કારણે કોઈ આપણી ઈચ્છા મુજબનું માન આપી ન શકે કે આપણી સગવડો સાચવી ન શકે ત્યારે એ ક્ષમ્ય હોય. ક્યારેક આપણે પોતે પણ એવી પોઝિશનમાં હોઈએ છીએ જ્યારે ચાહવા છતાં આપણે કોઈની સગવડો સાચવી શકતા નથી, કોઈનો પૂરતો આદરસત્કાર કરી શકતા નથી. આમાં આપણી દાનત ખરાબ નથી હોતી, પરિસ્થિતિ જ એવી હોય છે, આપણી મજબૂરી હોય છે. એટલે આપણે સમજવાનું કે બીજાઓની પણ એવી મજબૂરી હોઈ શકે છે.

ત્રીજી વાત: કોઈ જગ્યાએ આપણને આપણી અપેક્ષા મુજબનાં માનપાન ન મળે, આપણી ધારણા મુજબની આગતાસ્વાગતા ન થાય ત્યારે આ એક વિકલ્પ પણ વિચારી જોવાનો કે આપણી હેસિયત જ નહીં હોય એવાં માનપાન પામવાની. આપણી ઔકાત ઝૂંપડીમાં રહેવાની હોય અને આપણે અપેક્ષા રાખીએ કે આપણને ફાઈવ સ્ટાર સગવડો મળે ત્યારે આપણો અપેક્ષાભંગ થાય એ સ્વાભાવિક છે. માણસે બીજાઓ પાસેથી અપેક્ષા રાખતાં પહેલાં પોતાની હેસિયત માપી લેવી જોઈએ. આપણે આપણા પોતાના વિષે અભિપ્રાય બાંધતી વખતે આપણી જાતને યોગ્ય ત્રાજવાં-કાટલાં વાપરીને જોખી લેવી જોઈએ.

ક્યારેક આપણી હેસિયત હોય છતાં માન ન મળે ત્યારે મુદ્દા નંબર એક અને બે વાળી શક્યતા વિચારીને પેલા વિશ્વવંદનીય મહાનુભાવની જેમ સ્થિતપ્રજ્ઞ થઈ જવું જોઈએ. કોઈ માન આપે એને કારણે આપણી કક્ષા હોય એના કરતાં વધી જતી નથી. આપણી કક્ષા એ જ રહે છે જેટલી હોય છે. કોઈ અપમાન કરે કે માન ન આપે તો આપણી કક્ષા હોય એના કરતાં ઘટી જતી નથી. તે વખતે પણ આપણી કક્ષા એ જ રહે છે જેટલી હોય છે.

સાયલન્સ પ્લીઝ

પ્રેમની જગ્યા ખાલી થઈ ગઈ હોય તો એ ભરવા માટે આદરની શોધ થઈ(અર્થાત્ પ્રેમ અને આદર એક જ છે, પ્રેમ પ્રગટ ન થઈ શકે એમ હોય ત્યારે એ લાગણી આદર વડે વ્યક્ત થઈ શકે).
-લિયો તોલ્સ્તોય

4 COMMENTS

  1. Very true Sirji…..we should not disturb our state of mind because of behavior of others. Whatever reason of respect or insult, we should not give a key to other people for our happiness or sadness. We should think positive, if not getting respect as we had expected. Like, may be that person had done unintentionally. Thanks to explain such points in a simple words. ?

    • I m reading your articles since my college days , I m really a grt fan of yours. I think u were columnist in Samkalin .
      short yet complete analysis of any topic is your speciality , n grt thing about your article is it’s very simple language use .
      I inspired from your articles , I m interesting in writing articles ,novels
      But I don’t know how to start it

      • Thanks.
        Just take a pen, a piece of paper and start writing. Do not worry, don’t stop. Go on writing till you are exhausted.Make it your daily routine. For six months don’t show it to anyone and don’t read what you have written. You will enjoy what you are writing. Meanwhile, read as much you can and whatever you can. Do not inhibit yourself by limiting the choice of subjects. Initially have a wide range of subjects to read. And lastly — never ask anyone how to write! You will be a better writer without asking this question.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here