આપણી અને બીજાનીઃ ખામીઓને સ્વીકારીને જીવતાં શીખીએ

તડકભડક : સૌરભ શાહ
(‘સંદેશ’, ’સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૧૩ જાન્યુઆરી ૨૦૧૯)

કાલ ઊઠીને અકસ્માતમાં મારો એક પગ જતો રહે કે વાચા હણાઈ જાય કે આંખોની જ્યોતિ બુઝાઈ જાય તો શું હું મારી જાતને કોસતો રહીને બાકીની જિંદગી પૂરી કરીશ? જો જન્મજાત જ મારામાં આવી કોઈ ખામી હોત તો શું હું અત્યારે મારી જાતને નફરત કરતો હોત?

માણસ જેમ પોતાની શારીરિક ખામીઓને સ્વીકારીને પોતાની જાત સાથે કમ્ફર્ટેબલ થઈ જાય છે એ જ રીતે એણે નજરે ન દેખાતી હોય એવી, શારીરિક ન હોય એવી, ખામીઓ સાથે પણ કમ્ફર્ટેબલ થઈને જીવવું જોઈએ. આપણા સ્વભાવની કેટલીક ઊણપો હોય છે. દરેકના સ્વભાવમાં એવી કોઈને કોઈ ખામી રહેવાની. કેટલીક જન્મજાત હોય તો કેટલીક ધીમે ધીમે પ્રવેશી ગઈ હોય. એના પ્રત્યે આપણે સભાન પણ હોવાના – કોઈકે કહ્યું હોય એને કારણે કે પછી આપણને પોતાને જ લાગતું હોય એટલે આપણે આ ખામીઓ આપણામાં છે એવું સ્વીકારતા થઈ ગયા હોઈએ છીએ અને એને દૂર કરવાના પ્રયત્નો પણ કરતા હોઈએ છીએ. જેમ એક પગ ન હોય તો કાખઘોડી વાપરીએ, અંધાપો-બહેરાશ-મૂંગાપણું કે એવી કોઈપણ દિવ્યાંગતા આપણને કે બીજાને ન નડે એ માટે બધા જ પ્રયત્નો કરતા હોઈએ છતાં એ ખામીઓને સો ટકા દૂર કરી શકતા નથી.

બિનશારીરિક કે સ્વભાવગત કે લાગણી પ્રેરિત ખામીઓનું પણ એવું જ છે. એને દૂર કરવાના પ્રયત્નો કર્યા પછી પણ એના જે અંશ બાકી રહી જાય છે એની સાથે સમાધાન કરીને કમ્ફર્ટેબલ થઈ જવું પડતું હોય છે. મારામાં આ સ્વભાવગત ખામીઓ છે એવું વિચાર્યા કરીને જાતને કોસ્યા કરવાની નહીં.

કોઈકને કસમયે રસોડામાં જઈને કટકબટક ખાઈ લેવાની આદત હોય, કોઈકને બીજાનાઓથી તરત ખોટું લાગી જતું હોય, કોઈક પોતાના સ્વાર્થને જ કેન્દ્રમાં રાખે, કોઈક વાતે વાતે ઝગડી પડે, કોઈક બીજાનું વાટ્યા જ કરે, કોઈકને પોતાની શેખી મારવાની આદત હોય, કોઈ દોસ્તો સાથે પણ વાતે વાતે કંજૂસાઈ કરે, કોઈ ક્યારેય બીજાનું ન વિચારે, બીજાને ઉપયોગી ન થાય. આ અને આવી બીજી અસંખ્ય સ્વભાવગત ખામીઓમાંની એક યા એકથી વધુ ખામીઓ આપણા સૌમાં હોવાની. કેટલીક ગાંધીજીમાં પણ હતી અને ધોબીની દ્રષ્ટીએ જોઈશું તો રામમાં અને કૌરવોની દ્રષ્ટિએ જોઈશું તો કૃષ્ણમાં પણ હોવાની. તો પછી આપણામાં કેમ ન હોય.

સ્વભાવની ખામીઓ જીવન સાથે અનિવાર્યપણે જોડાયેલી છે. એને દૂર કરવાની કોશિશ કરીએ અને ક્યારેક સો ટકા સફળ પણ થઈએ. પરંતુ બધી ખામીઓને સો ટકા નાબૂદ નથી કરી શકાતી. ગમે એટલા પ્રયત્નો કરતાં રહીએ તે છતાં એના કેટલાક અંશ રહી જતા હોય છે. તો શું કરવાનું? સહન કરી લેવાની. આપણી હોય કે બીજાની- સહન કરીને એ ખામીઓ સાથે કમ્ફર્ટેબલ થઈ જવાનું. સ્વીકારી લેવાનું કે છે તો છે. હવે આગળ શું કરવાનું છે એ વિચારવાનું. કારણ કે દરેક વ્યક્તિમાં જેમ નાનીમોટી ખૂબીઓ હોય છે એવું જ આ ખામીઓનું છે. આમાંની દરેક ખૂબી કંઈ વ્યક્તિએ પોતે અભ્યાસ, તાલીમ કે અનુભવથી મેળવેલી હોય તે જરૂરી નથી. અમુક જન્મજાત ખૂબીઓને તમે કોઈ રીતે સંવારો નહીં તો પણ એ તમારી ખૂબી બનીને તમને કામ લાગતી જ હોય છે. ખામીઓનું પણ આવું જ છે. આપણા તમામ પ્રયત્નો બાવજૂદ કેટલીક ખામીઓ દૂર થતી નથી અને આપણું નાનુંમોટું નુકસાન કરતી રહે છે. ધંધામાં વરસ દરમ્યાન અમુક સોદામાં નફો થાય, અમુકમાં નુકસાન એ રીતે જીવનમાં પણ આ ખૂબી-ખામીઓ દ્વારા નફો-નુકસાન થતાં રહેવાનાં છે. દરેક વખતે નફો જ થાય એવું નથી. વરસના અંતે સરવૈયું નીકળે ત્યારે ખબર પડે કે ઓવરઑલ સમગ્ર વર્ષ નફાનું રહ્યું કે નુકસાનનું. જિંદગીનો તાળો દરવરસે મેળવાતો નથી. જિંદગી પૂરી થઈ ગયા પછી જ એનું સરવૈયું નીકળે. આ બાબતમાં જિંદગીના વેપારધંધાય અલગ હોય છે. ભગવાને એવી વ્યવસ્થા કરી આપી છે કે દરેક જિંદગીના સરવૈયામાં છેવટે તો પ્રોફિટવાળું પલ્લું જ ભારે રહેતું હોય છે. એટલે જિંદગી જીવાતી હોય એ દરમ્યાન નુકસાનીની ઝાઝી પરવા કરવાની નહીં. જે દેખીતી રીતે નુકસાની કરવાનું કામ કરતા હોઈએ તે જીવનના અંત પછી નફાના ખાનામાં ઉમેરાઈ જાય એવું પણ બને.

એટલે આપણી નબળાઈઓ કે આપણી માનસિક ખોડખાંપણો પ્રત્યે બહુ આળા થવું નહીં. આપણી પોતાની ખામીઓ સાથે કમ્ફર્ટેબલ થઈને જીવતાં શીખી જવાનો બીજો મોટો ફાયદો એ છે કે આપણે આપણી આસપાસના લોકોને પણ, કુટુંબીઓ-મિત્રો-ઑફિસ કલીગ્સને, એમની ખામીઓ સાથે સ્વીકારતાં થઈ જઈએ છીએ.
ખામીઓ પર જ વારંવાર ધ્યાન કેન્દ્રિત કર્યા કરવાનો મોટો ગેરફાયદો એ કે આપણને આપણી કે બીજાની ખૂબીઓ દેખાતી જ નથી. આપણે આપણામાંની જે ખૂબીઓની ધાર કાઢવાની છે એના પ્રત્યે બેધ્યાન બની જઈએ છીએ. છેવટે એ ખૂબીઓ બુઠ્ઠી બની જાય છે. નકામી થઈ જાય છે અને આપણને લાગવા માંડે છે કે આપણે તો કોઈ ખૂબી વિનાના માણસ છીએ, આપણામાં તો ખામીઓ જ ખામીઓ છે. આવું ન થાય એટલા માટે પણ આપણે પોતાની નબળાઈઓ સાથે કમ્ફર્ટેબલ થઈને જીવતાં શીખવાનું શરૂ કરવું જોઈએ. આજથી જ.

પાન બનાર્સવાલા

જે પુરુષો સ્ત્રીઓની નાનીમોટી ખામીઓને નજરઅંદાજ નથી કરી શકતા એ પુરુષો સ્ત્રીઓનાં મહાન ગુણોને ક્યારેય માણી શકવાના નથી.
-ખલિલ જિબ્રાન

4 COMMENTS

  1. U r too good saurabhbhai wish to hear u personally in any program when u come to Bombay. U r a swing of fresh air every morning for us all Sahitya premis. May God give u the best health to write more and more ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here