આજના જમાનાનો ચાર્લ્સ ડિકન્સ કોણ છે? : સૌરભ શાહ

( લાઉડમાઉથ: ‘સંદેશ’, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૧૨ જુલાઈ ૨૦૨૩ )

કરતાં જાળ કરોળિયો ભોંય પડી પછડાયવાળી કવિ દલપતરામની કવિતામાં પાંચ પાંચ વખત જાળું બાંધવામાં નિષ્ફળતા પામતા કરોળિયાના છઠ્ઠી વખતના પ્રયત્નને સફળતા મળે છે એ આપણે સૌએ ગોખી નાખ્યું:

હિંમત રાખી હોંશથી, ભીડ્યો છઠ્ઠીવાર;

ધીરજથી જાળે જઈ, પોંચ્યો તે નિર્ધાર.

ફરી ફરીને ખંતથી, યત્ન કર્યો નહિ હોત,

ચગદાઈ પગ તળે, મરી જાત વણમોત.

એ રીતે જો માણસો, રાખી મનમાં ખંત,

આળસ તજી મે’નત કરે પામે લાભ અનંત.

પણ વાસ્તવિકતાની દુનિયામાં સંકટ આવતાં જ આપણે ભાંગી પડીએ છીએ, નસીબને દોષ દઈને બેસી રહીએ છીએ. સંકટ જ નહીં મહાસંકટમાં મુકાયેલા એક આદમીની વાત છે.

વીસેક વરસ પહેલાંની વાત. ૨૦૦૩ના ડિસેમ્બર મહિનાનો અંત. એક સામાજિક પ્રસંગ માટે દિલ્હીથી પાછા ફરતાં આદત મુજબ ઍરપોર્ટની બુકશૉપ તરફ પગ વળ્યા. એક પુસ્તક પર નજર પડી: ‘ઑન રાઈટિંગ.’ વિષય ગમ્યો એટલે પાછલા કવરનું બ્લર્બ વાંચ્યું, થોડાં પાનાં ફેરવ્યાં અને ખરીદી લીધું. પુસ્તકના લેખક સ્ટીફન (કે સ્ટીવન) કિંગનું નામ અગાઉ ક્યારેય સાંભળ્યું નહોતું. લેખકનાં સંસ્મરણો અને લેખનકળાને વણી લેતું આ પુસ્તક વાંચ્યા પછી ખબર પડી કે સ્ટીફન કિંગ કોણ છે.

આધુનિક સાહિત્યમાં ચાર્લ્સ ડિકન્સ જેવી એમના રાઈટિંગની આબરૂ છે. પ્રોલિફિક રાઈટર છે, બેસ્ટ સેલર રાઈટર છે, દરેક નવી નવલકથાની દુનિયાભરના લાખો વાચકો આતુરતાથી રાહ જોતા હોય છે અને હવે તો, છેલ્લાં થોડાંક વર્ષથી મારો પણ એમાં સમાવેશ થઈ ગયો છે, હાલાંકિ એ જે જૉનરમાં કામ કરે છે તે હૉરર અને કેટલેક અંશે સાય-ફાયની જૉનરવાળું ફિક્શન મારા ટેસ્ટની રેન્જમાં નથી આવતું. પણ એમની એક લાંબી શૉર્ટ સ્ટોરી પરથી બનેલી ફિલ્મ ‘શૉશૅન્ક રિડેમ્પશન’નો હું દીવાનો છું. બીજી એક નવલકથા ‘ગ્રીન માઈલ્સ’ પરથી બનેલી ફિલ્મમાં ટૉમ હૅન્ક્સે જેલરનો લીડ રોલ કર્યો હતો. આ ‘ગ્રીન માઈલ’ પુસ્તકરૂપે ધારાવાહિક પ્રગટ થઈ હતી – એટલે, જેમ જેમ લખાતી જાય એમ એનું એક પુસ્તક દર એ મહિને પ્રગટ થાય. આ રીતે છ પુસ્તકોમાં નવલકથા ક્રમશ: પ્રગટ થતી રહી. ૨૦૧૫ના વર્ષે જૂનમાં સ્ટીફન કિંગની ‘મિસ્ટર મર્સિડિઝ’ નામની કમ્પ્લીટ સસ્પેન્સ થ્રિલર (નો હૉરર-બોરર) પ્રગટ થઈ.

સ્ટીફન કિંગ કેવી કટોકટીઓમાંથી આજના યુગના પ્રોબેબલી સૌથી ગ્રેટ કહી શકાય એવા રાઈટર બન્યા? ગ્રેટ એટલા માટે કે પૉપ્યુલર રાઈટર્સની નવલકથાઓ લાખોની સંખ્યામાં વેચાય, ખૂબ રૉયલ્ટી કમાય પણ લિટરેચરમાં એમનું સ્થાન ક્યાંય ન હોય. સ્ટીફન કિંગ એકમાત્ર એવા લિવિંગ લેજન્ડ છે જેમના જીવન વિશે અને જેમના લેખનકાર્ય વિશે ડઝનબંધ ઈન્ફર્મેટિવ અને કમેન્ટેટિવ પુસ્તકો વિદ્વાન અને અભ્યાસુ લોકોએ લખ્યાં છે.

૨૧ સપ્ટેમ્બર ૧૯૪૭ના રોજ જન્મેલા ૭૫ વર્ષના અમેરિકન લેખક સ્ટીફન ઍડવિન કિંગના પુસ્તકોની કુલ ૪૦ કરોડ કરતાં વધુ નકલો વેચાઈ ચૂકી છે. ૬૫ નવલકથાઓ અને ૨૦૦ જેટલી શૉર્ટ સ્ટોરીઝ (જે મોટે ભાગે લાંબી લાંબી હોય છે, ક્યારેક તો એક લઘુનવલ જેટલી)ના આ લેખકની કૃતિઓ પરથી ડઝનબંધ ફિલ્મો/ ટીવી સિરીઝ બની ચૂકી છે.

સ્ટીફન બે વર્ષના હતા ત્યારે ‘સિગારેટ લેવા જઉં છું,’ એમ કહીને એમના ફાધર ઘર છોડીને જતા રહ્યા. મા પર બાળક સ્ટીફનને ઉછેરવાની જવાબદારી આવી પડી. સાથે એક એડોપ્ટેડ મોટો ભાઈ ડેવિડ હતો. ઘર ચલાવવાનાં સાંસાં હતાં. કરોળિયાની આ સૌથી પહેલી પછડાટ.

સાવ નાનપણમાં સ્ટીફને એના એક દોસ્તારને ટ્રેન નીચે કચડાઈને મરી જતાં જોયો. એની સાથે બાળક સ્ટીફન રમવા નીકળ્યો હતો. રમીને ઘરે પાછો આવ્યો ત્યારે ગૂમસૂમ હતો, ભયંકર શૉકમાં હતો. પાછળથી બધાને ખબર પડી કે સ્ટીફને દોસ્તનો અકસ્માત જોયો હતો. સ્ટીફન કિંગની સ્ટોરીઝમાં આવતાં ડાર્ક એલીમેન્ટ્સ પાછળ આ દુર્ઘટનાની સ્મૃતિઓ હોઈ શકે છે એવું ઘણાનું માનવું છે. જોકે, આ વાતનો ઉલ્લેખ સ્ટીફન કિંગે ‘ઑન રાઈટિંગ’નાં સંસ્મરણોમાં ક્યાંય થવા દીધો નથી.

હૉરરમાં સ્ટીફનને પહેલેથી જ ઈન્ટરેસ્ટ. લખવામાં પણ. સ્કૂલમાં ભણતા ત્યારે ભાઈની સાથે એક ચોપાનિયું સાઈક્લોસ્ટાઈલ મશીન ઘરે લાવીને છાપતા. પોતે જ બધું લખતાં. ૧૯૭૦માં ઈંગ્લિશ લિટરેચરમાં ગ્રેજ્યુએશન કરીને વાસ્તવિક જગતમાં પ્રવેશ કર્યો એ જ વર્ષે, ૨૩ વર્ષની વયે તે એક દીકરીના બાપ બન્યા. ભણવા માટે ફીના પૈસા કમાવવા એમણે અનેક નાનીમોટી નોકરીઓ કરી જેમાંની એક હતી ઈન્ડસ્ટ્રિયલ લૉન્ડ્રીની નોકરી.

ભણી લીધા પછી સ્ટીફન કિંગે હાઈ સ્કૂલમાં ભણાવવાની લાયકાત આપતો સર્ટિફિકેટ કોર્સ કર્યો પણ તાત્કાલિક શિક્ષકની કોઈ નોકરી મળી નહીં. ક્યાંક કોઈક મૅગેઝિનમાં વાર્તા છપાય ને જે પુરસ્કાર મળે એમાંથી ગાડું ગબડે. ૧૯૭૧ના ગાળામાં સ્ટીફન કિંગને દારૂની લત લાગી. એક આખો દાયકો આલ્કોહોલિક તરીકે વીત્યો. પણ સાથે લખવાનું ચાલુ. ૧૯૭૪માં પહેલી નવલકથા ‘કૅરી’ પ્રગટ થઈ. પુસ્તકરૂપે પ્રગટ થનારી આ પહેલી નવલકથા પણ અગાઉ ત્રણ નવલકથા લખાઈ ચૂકી હતી. પછીનાં વર્ષોમાં ‘કૅરી’ જબરજસ્ત સફળતા પામી, ૧૯૭૬માં એના પરથી ફિલ્મ બની, ૧૯૮૮માં અમેરિકાના ન્યૂયોર્કમાં બ્રોડવે તરીકે ઓળખાતી રંગભૂમિ પર એના પરથી સંગીતનાટક ભજવાયું, ૧૯૯૯માં ફિલ્મની સિક્વલ બની, ૨૦૦૨ ટીવીમૂવી બની અને ૨૦૧૩માં મૂળ ફિલ્મની રીમેક બની.

‘કૅરી’ લખાઈ તે વખતે સ્ટીફન કિંગ પાસે રહેવા માટે પોતાની માલિકીનું (કે ભાડાનું પણ) કોઈ ઘર નહોતું. ટ્રેલરમાં રહેતા. વિચ ઈઝ ઈક્વીવેલન્ટ ટુ અવર ઝોપડપટ્ટી. લખવા માટે પોતાનું ટાઈપરાઈટર નહોતું. પત્ની પાસેથી ઉછીનું લીધું ‘કૅરી’ મૂળ એક શૉર્ટ સ્ટોરી હતી પણ પહેલાં ત્રણ પાનાં લખીને સ્ટીફન કિંગે એને કચરાટોપલીમાં પધરાવી દીધાં. પત્નીને ખબર પડી. એણે પાનાં બહાર કાઢીને સ્ટીફનને આખી વાર્તા પૂરી કરવાની સલાહ આપી. સ્ટીફન કિંગે વાર્તા તો પૂરી કરી જ, એને એકસ્પાન્ડ કરીને નૉવેલ પણ બનાવી. સ્ટીફનનાં પત્ની ટબિથા કિંગ પોતે એક નૉવેલિસ્ટ છે. ‘કૅરી’ નૉવેલ માટે સ્ટીફન કિંગને માત્ર અઢી હજાર ડૉલર્સ ઍડવાન્સ મળ્યા હતા. નૉવેલ લોકપ્રિય પુરવાર થયા પછી એના પેપરબેક રાઈટ્સમાંથી સ્ટીફન કિંગને ૪ લાખ ડૉલર્સની કમાણી થઈ.

૧૯૯૯ના જૂનની ૧૯મી. સમય સાંજના ૪.૩૦. સ્ટીફન કિંગ પોતાના ઘર નજીકના હાઈવે પર વૉક લઈ રહ્યા હતા. એક મિનિવાનના ડ્રાઈવરે વાનના પાછલા ભાગમાં રાખેલા શ્વાનની હરકતોથી ડિસ્ટ્રેક્ટ થઈને સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને રસ્તા પર ચાલી રહેલા સ્ટીફન કિંગને હડફેટમાં લીધા. સ્ટીફન ફંગોળાઈને ૧૪ ફીટ ઊંડા ખાડામાં પટકાયા. સ્ટીફન કિંગે હજુ હોશ ગુમાવ્યા નહોતા એટલે પોલીસને ફૅમિલીના કૉન્ટેક્ટ નંબર્સ આપી શક્યા. નજીકની હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા અને ત્યાંથી હેલિકૉપ્ટરમાં મોટી હૉસ્પિટલમાં. જમણું ફેફસું ફાટી ગયું હતું, જમણા પગે મલ્ટીપલ ફ્રેકચર્સ, હિપ જોઈન્ટને નુકસાન, ખોપરીમાં ઘા, પગનાં હાડકાંનો એટલે ચૂરો થઈ ગયો હતો કે ડૉકટરોએ એક તબક્કે વિચાર્યું હતું કે પગ કાપી નાખવો પડશે. જુલાઈની ૯મી સુધી સારવાર ચાલી. દસ દિવસમાં પાંચ ઑપરેશન્સ થયાં અને ફિઝિયોથેરપી લેવાઈ. જુલાઈમાં જ સ્ટીફન કિંગે અધૂરું રહેલું પુસ્તક ‘ઑન રાઈટિંગ’ લખવાનું ફરી શરૂ કર્યું. હિપની ઈજાને કારણે માંડ ૪૦ મિનિટ સળંગ બેસી શકાતું, પછી ભયંકર દુખાવો ઉપડતો. ૨૦૦૨માં સ્ટીફન કિંગે જાહેર કર્યું કે હવે પોતે લેખનમાંથી નિવૃત્તિ લે છે. ઈજાને કારણે હજુય બેસી શકાતું નહોતું એટલે લખાતું નહોતું. પણ આ ઉપવાસ ઝાઝા ટક્યા નહીં. એક વર્ષમાં જ સ્ટીફન કિંગ ફરી લખતા થઈ ગયા પણ લખતાં હવે વાર લાગતી હતી. ૨૦૦૩થી ૨૦૧૪ સુધીમાં એમની ૧૫ કિતાબ પ્રગટ થઈ. ૨૦૧૫ની બીજી જૂને ઔર એક ‘ફાઈન્ડર્સ કીપર્સ’ પ્રગટ થઈ અને ૨૦૨૩ સુધીમાં હજુ બીજી ૮ દળદાર નવલકથા લખી. લખવાની ઝડપ ઓછી થઈ ગયા પછી પણ આટલાં પુસ્તકો!

આ અમેરિકન કરોળિયાની તકલીફો ક્યાંથી ક્યાં સુધી વિસ્તરે છે. ૧૯૭૦ના દાયકામાં દારૂ અને ડ્રગ્સના પણ અઠંગ બંધાણી બની ગયા હતા. અલમોસ્ટ જીવલેણ પુરવાર થયેલા અકસ્માત પછી શરીર સાવ તૂટી ગયેલું. બાળપણમાં દોસ્તને ટ્રેન તળે કચડાઈ જતાં જોવાનો નાઈટમૅરિશ અનુભવ. પૈસાનાં સાંસાં તો રાઈટરો માટે બહુ કૉમન કહેવાય. આ બધામાંથી ઉપર ઊઠીને આજે કરોડપતિ બનેલા અને કરોડો વાચકોના ચાહીતા બનેલા સ્ટીફન કિંગ વિશે, દલપતરામે – જો કવિશ્રી અત્યારે જીવતા હોત તો – વધુ એક કવિતા રચી હોત: કરતાં લેખન લેખકડો ભોંય પડી પછડાય…

સાયલન્સ પ્લીઝ

જો તમારી પાસે વાંચવાનો ટાઈમ નહીં હોય તો એનો મતલબ એ કે તમારી પાસે લખવાનો ટાઈમ પણ નથી.

– સ્ટીફન કિંગ

 

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

13 COMMENTS

  1. કરતાં લેખન લેખકડો ભોંય પડી પસ્તાય
    👌

  2. for your kind information in north America trailer is a movable house and has all the facilities that you have in your regular house . only difference is where you put your trailer you have to have dranage and water supply as well as either you have to have your own land where you put your trailer or you have to lease it. thanks

    • Those are different kind of trailers used by wealthy people.
      These trailer sites which I have mentioned are worse than zupadpatti, filthy and without any facilities which are inhabited by mostly homeless blacks in US.

  3. વાહ. સર, સ્ટીફન સર વિશે જાણવાની બહુ મઝા આવી. ખરેખર, આટલા અવરોધો વચ્ચે પણ આટલા ઊંચા મુકામ પર પહોંચવું એ સાધારણ વાત નથી. તમે લખેલી ફિલ્મ હું જરૂરથી જોઈશ. ધન્યવાદ 🙏

  4. ફિલ્મ ચોક્કસ જોઇશ.
    Thanks સૌરભમ્ 🌹

  5. वाह માનવું પડેમહાન સ્ટીફન સાદર વન્દના 🙏🌹🙏

  6. Please send list of stiffens books, any translated in Gujarati? If yes send list of Gujarati translation

  7. કરતા લેખન લેખકડો, ભોંય પડી પસ્તાય..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here