નેગેટિવ લોકોથી બચવા શું કરવું :સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : Newspremi dot com . સોમવાર, ૨ ઑક્ટોબર ૨૦૨૩)

કલ્પના કરો કે તમને જેમને મળવાનું ગમે છે એવા મિત્ર બહારગામથી આવીને ખાસ સમય કાઢીને તમારે ત્યાં મળવા આવે છે. પ્રસન્ન અને ખુશનુમા સવારે તમે દિલની વાતો શરૂ કરો છો. ત્યાં જ તેઓ તમારા અને એમના કૉમન એવા મિત્રો-પરિચિતોનું વાટવાનું શરૂ કરી દે છે. વાતાવરણ ઝેરીલું થઈ રહ્યું છે. આવી નેગેટિવ વાતોની એમની પાસેથી તમે અપેક્ષા રાખી નહોતી. હંમેશાં આનંદી અને રમૂજી રહેતા આ મિત્રને કારણે અત્યારે તમારામાં પણ નરી નકારાત્મક્તા પ્રસરી રહી છે. શું કરશો તમે?

કોઈ અંગત મિત્ર ૧૨ વર્ષે શુભ તહેવાર પ્રસંગે તમને બોલાવે છે અને તમે હોંશેહોંશે લાંબો, કંટાળાજનક પ્રવાસ કરીને પણ એમને ત્યાં જાઓ છો. પણ ગયા પછી ખબર પડે છે કે તમે જે લોકોને વર્ષભર ટાળો છો, જેમનાથી દૂર રહેવાનું પસંદ કરો છો, જેમની બધી જ બાબતની નેગેટિવ એટિટયુડ તમારા મિજાજને રાસ નથી આવતી તે આખી એમની મિત્રમંડળી પણ એ જ સમયે ઘરે આવી ચડે છે. આવું એક કરતાં વધારે વાર બને છે. અંગત મિત્રને ત્યાં શુભ પ્રસંગે જવું તમને ગમતું હોય છે, ખૂબ ઉમળકાથી તમે જતા હો છો. પણ અચૂક પેલી ટોક્સિક પ્રજા ત્યાં હાજર જ હોય અને તમારા કડક કાંજી કરેલા મૂડ પર પાણી ફરી જાય અને તમારે લોચા જેવા મન સાથે ઘરે પાછા ફરવું પડે. આવી પરિસ્થિતિ ટાળવા તમે શું કરો?

આ દુનિયા છે અને અહીં તમને ગમતા માણસો જ મળે એવું જરૂરી નથી. તમારે સ્વીકારવું જ પડે કે ડગલે ને પગલે તમને નેગેટિવ પ્રકૃત્તિના, ટોકિસક સ્વભાવવાળા, પંચાતિયા, નિંદાખોર અને બીજાઓને ઊતારી પાડીને પોતે મોટા બનવાની કોશિષ કરનારા લોકો મળવાના જ છે. આવા લોકો માટે તમે જેવા સાથે તેવા નથી થઈ શકવાના કૂતરો તમને કરડે એટલે તમે સામે કૂતરાને બટકું ભરવા જાઓ તો મૂર્ખા તમે પુરવાર થવાના.

શાંત ચિત્તે, જરા પણ અકળાયા વિના તમારે તમારી પ્રકૃત્તિને તમારા સ્વભાવને સહેજે ડિસ્ટર્બ કર્યા વિના આવી સિચ્યુએશન્સ ટેકલ કરવાની હોય.

ઉત્તમ એ છે કે આવા લોકોથી દૂર જ રહો. સીધા કે આડકતરા તમામ સંપર્કો કાપી નાખો. વોટ્સએપ કે ફેસબુક જેવાં માધ્યમો દ્વારા પણ એમની કોઈ વાતો તમારા સુધી ન પહોંચે એની તકેદારી રાખો અને અંગત મિત્રના શુભપ્રસંગે તેઓ મળવાના જ છે એવી ખાતરી થઈ ગયા પછી એવા પ્રસંગે હાજરી આપવાનું છોડી દો. કકળાટને સામે ચાલીને મળવા જવામાં કોઈ ડહાપણ નથી હોતું. એના બદલે એવા મિત્રોના શુભ પ્રસંગે જાઓ જ્યાં સમયના અભાવે જઈ શક્તા નહોતા અને જ્યાં એકઠી થતી એ મિત્રની મંડળીમાં તમારો પરિચય અપાયા બાદ સૌ કોઈ અડધા અડધા થઈ જતા હોય. તમારી આગતા-સ્વાગતા સરભરા મન મૂકીને થતી હોય અને વિદાય વખતે કમને છૂટા પડતા હોય એમ છેક નીચે સુધી તમને વળાવવા આવતા હોય.

ટોક્સિક લોકો જ્યાં જમા થતા હોય ત્યાં જવાનું ટાળવાનો નિર્ણય લેવો એ કંઈ બહુ મોટી અઘરી વાત નથી. પણ તમારા જ આંગણે આવીને કોઈ એવી ઝેરીલી વાતો શરૂ કરે ત્યારે તમારે શું રિસ્પોન્સ આપવો? એક તો, એમની એવી વાતોમાં હાએ હા ન કરવી. અન્યથા તેઓ બીજી ચાર જગ્યાએ જઈને કહેશે કે તમે પણ એમની આવી વાતોને સમર્થન આપ્યું. દાખલા તરીકે બે મિત્ર તમારી સાથે ગપ્પાં મારતાં કહે કે ફલાણા જાણીતા કવિ પાસે તો તમારા જેવું અગાધ વાંચન છે જ ક્યાં? ત્યારે તમારે આવાં વચનોને તમારા માટેનાં વખાણ છે એવું માની લઈને એમને સમર્થન આપવાને બદલે કહેવાનું: ‘અરે ભાઈ, એ કવિને તો આજકાલ જે ટેલન્ટેડ યુવાન કવિઓ લખી રહ્યાં છે એ બધાની શ્રેષ્ઠ કવિતાઓ કંઠસ્થ છે. આપણું તો ગજું જ નહીં એવું’ આવું સાંભળીને તે ચૂપ થઈ જશે, અને તે ફરી કદાચ વાત ઉખેળે કે ફલાણા પબ્લિશર આ સ્વર્ગસ્થ લેખકનાં ચિક્કાર પુસ્તકો વેચે છે પણ એમના વારસદારોને રોયલ્ટી આપતા હશે ખરા? તમારે તરત જ આ મુદે ડાયવર્ટ કરવાનો અને કહેવાનું: સો ટકા આપતા હશે પણ જો ન આપતા હોય તો તમારા કે મારા પિતાનું શું જતું રહેવાનું છે? એમ કહીને કૃત્રિમ રીતે ખડખડાટ હસીને વાત બીજે વાળીને કોઈ સરસ મુદ સાથે સાંકળી લેવાની. અમુક મિત્રો સમજુ હોય છે કયાં કઈ વાત કરવી એવું ઈશારામાં જ સમજી જતા હોય છે. પણ ઈશારો કરવાની તસદી તમારે લેવી પડે.

નેગેટિવ માણસોથી બચવું, એમની વાતોથી તમારું માનસિક વાતાવરણ ખોરવાઈ ન જાય આ બધું એટલા માટે જરૂરી છે કે તમે રોજેરોજ, પ્રત્યેક પળે જીવનમાંથી શીખવા મળે એવી વાતો શોધતા રહો છો. એને તમારામાં ઊતારવાની કોશિશ કરતાં રહો છો; તમારા નિર્મળ અને શાંત જળમાં કોઈ કાંકરી નાખવાનો ચાળો કરે ત્યારે સર્જાતાં વલયો તમારી આ પ્રત્યેક પળની મહેનત પર પાણી ફેરવી દે છે.

આવી નકારાત્મકતાથી ઘેરાઈ જવાને બદલે થોડીક શક્તિ ખર્ચીને એનાથી દૂર રહેવું સારું. તમને પોતાને પણ કયારેક આવા ટોક્સિક વિચારો આવે તો એમાંથી ફંટાઈ જવાનું.

વચ્ચે મિત્રોના આગ્રહથી એમની સાથે એક હિંદી નાટક જોવા માટે ‘પૃથ્વી’ થિયેટરમાં ગયા. અતિ નબળું નાટક. છૂટયા પછી જમવા જતાં હતા ત્યારે એ નાટકનાં છોતરાં ફાડી નાખવાનું મન થતું હતું. પણ મારે એવી વાતો કરીને વાતાવરણને વધારે દૂષિત કરવું નહોતું. ત્યાં જ મિત્રપત્નીએ આ નાટક વિશે કંઈક ટિપ્પણ કરી અને મેં એક વાક્યમાં એનો એવો જવાબ આપ્યો જેમાં અમારા સૌનું ફસ્ટ્રેશન વ્યક્ત થતું હતું અને અમે સૌ હસી પડયાં, ખરાબ નાટક જોવાનો ભાર હળવો થઈ ગયો અને પછી જલસાથી સાથે જમ્યાં.

ક્યારેક બહુ હોંશથી બહાર કયાંક જમવા ગયા હોઈએ અને ન ભાવે, ક્યારેક ઘણી આશા રાખીને જોયેલી ફિલ્મ સાવ કચરો નીકળે કે ક્યારેક અતિ ઉત્સાહથી ખરીદેલું પુસ્તક વાંચ્યા પછી તદ્ન ખોખલું નીકળે ત્યારે ‘ઠીક છે, મારા ટેસ્ટનું નથી’ એમ કહીને આવા બેડ એક્સપીરિયન્સને તમારે તમારી પાછળ છોડી દેવાનો હોય. ભૂલથી કાદવમાં પડયા પછી તરત જ નહાઈ લેવાનું હોય, તમે કેવા દેખાઓ છો એ જોવા માટે અરીસા સુધી જવાનું હોય કે સેલ્ફી લઈને બધાને ફોરવર્ડ કરવાની ન હોય.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

5 COMMENTS

  1. ચુંટણી નજીક છે ત્યારે હવે રાજકારણ અને વિપક્ષો ની રાજરમત વિશે લેખ વાંચવા મળશે તો આનંદ થશે.

    તમારા સિવાય કોઈ બીજા ની કલમ નું જોર નથી જે જુઠ્ઠા વિપક્ષોને ઉઘાડા પડે

  2. What if these negative people are staying g with you under the same roof? How so ever you may try, they affect you mentally, and at times, physically also by creating nonsense. 🤔

  3. વાહ અદભુત વાત છે ખુબ સરસ લેખ નેગેટીવ લોકો સાથે કેમ વર્તવું તેનો ખુબજ અદભુત ઉપાય આપે સૂચવ્યો છે
    આભાર સર

  4. મઝા આવી વાંચવાની!! મારી દીકરીને હું કાયમ, આવા ટોક્સિક લોકોથી અંતર રાખવાનું કહેતી હોઉં છું અને સાથે સાથે કોઈની લીટી નાની કરીને આપણી મોટી લીટી રજૂ કરવાની પણ ના પાડતી હોઉં છું. સાચે જ, તમે કહ્યું એમ કોઈ ખોટી વાતમાં, બીનજરૂરી દલીલો ટાળવા, મુંગા રહેવું એ પણ, એમની ખોટી વાતમાં હા પૂરાવવા બરાબર છે. હું આ બાબતનું હવેથી ધ્યાન રાખીશ.

  5. Vaccine war અદ્ભુત અને super movie છે એને please documentary movie ના કહો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here