ગઈ કાલનો પડછાયો આજ પર પડતો રહે ત્યારે : સૌરભ શાહ

( તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. ૧ ઑક્ટોબર ૨૦૨૩)

વીતી ગયેલી કાલે જે આપવાનું હતું કે પછી જે લઈ લેવાનું હતું— તે અપાઈ ગયું, લેવાઈ ગયું. તમારામાં એ ઉમેરાઈ ગયું કે બાદ થઈ ગયું. હવે એ વાત તમારી આજ જીવાતી હોય ત્યારે વચ્ચે ન આવવી જોઈએ.

ન તો ગઈ કાલની સમૃદ્ધ ક્ષણોને, ન ગઈ કાલની તોડી નાખનારી ક્ષણોને આજે યાદ કરવાથી કશો ફાયદો થવાનો છે. એકજમાનામાં મારી પાસે કેવી જાહોજલાલી હતી- સંબંધોની, ભૌતિક સુખસગવડોની, શારીરિક દેખાવની, તબિયતની-એ બધું યાદ કર્યા કરવાથી એમાંથી કશુંય પાછું આવવાનું નથી. એક જમાનામાં તમે કેટલા દુખી થયા હતા- કેવી રીતે સંજોગોએ તમારા પર એક પછી એક પ્રહારો કરીને તમને તોડી નાખ્યા હતા- એ યાદ કરીને પણ કશું જ બદલાવાનું નથી.

ગઈ કાલનો પડછાયો તમારી આજ પર પડતો રહે છે ત્યારે એ તમારી આજને છાંયડો આપવાને બદલે તમારી આજને મળતો સૂરજનો નવો- તાજો પ્રકાશ અટકાવી દે છે. આ એ પ્રકાશ છે જેમાં તમારી આજનો છોડ ઉછરવાનો છે. આ એ પ્રકાશ છે જે તમારા છોડની રોજે રોજે વૃદ્ધિ કરીને એમાંથી ભવિષ્યમાં ઘટાદાર વૃક્ષ બનાવવા માટે સૂર્યે મોકલ્યો છે. ગઈકાલ ઝળુંબતી હશે તમારી આજ પર, તો એ પ્રકાશ તમારા સુધી પહોંચી નહીં શકે. તમારી આજ જન્મ્યા વિનાની જ રહી જશે. તમે ગઈ કાલના માણસ બનીને જ જીવ્યા કરશો.

શું થઈ ગયું અને શું કરી શકીએ છીએ એ બંનેની વચ્ચે શું કરી રહ્યા છીએનો તબક્કો હોય છે. પણ એ સમયગાળાને ઓળખવાને બદલે વીતેલા અને આવનારા વખતને જ વાગોળ્યા કરીએ છીએ, એની કલ્પનામાં રાચ્યા કરીએ છીએ. ભૂતકાળમાંથી બહાર આવીએ તો જ આજ વિશે કંઈક વિચારી શકીએ. ભવિષ્યની ફિકર કે લલચામણા સપનાં છોડી દઈએ તો જ આ વિશે જે વિચાર કર્યો છે તેનો અમલ કરી શકીએ. આજે કરવાનું કામ જ તમને આવતી કાલ તરફ લઈ જશે. આજ જો વેડફાઈ ગઈ તો કહેવું પડશે કે: તમારું કોઈ ભવિષ્ય નથી.

માણસને જે મળી ચૂક્યું છે એની કદર નથી હોતી. જે નથી મળ્યું તે મેળવવામાં એ જે મળી ચૂક્યું છે તે પણ દાવ પર લગાડી દે છે. આમ કરીને એ જે છે તે પણ ગુમાવી દે છે.

ક્યારેક એવો વિચાર આવી જાય કે જે મળ્યું હતું તે જો સાચવી રાખવાની સદ્‌બુદ્ધિ પ્રગટી હોત તો આજે કેટલા સમૃદ્ધ હોત. સૌથી વધુ અફસોસ જે સમય મળ્યો તેનો ઉપયોગ નહીં કરવાની ભૂલનો થવાનો. જે સરી ગયો છે તે સમયની નિષ્ક્રિયતા અથવા એને વેડફાઈ જવા દેવાની બેદરકારીમાંથી એટલું જ શીખવાનું કે આજની સાથે હવે એવું ન થવા દેવું જોઈએ. સમયને સાચવી લેતાં આવડશે, સમયનો ભરપૂર ઉપયોગ કરતાં આવડી જશે તો બધું જ સચવાઈ જશે જીવનમાં, બધું જ. પૈસો, સંબંધો, પ્રતિષ્ઠા બધું જ.

પ્લાનિંગ શબ્દ ક્યારેક બેમાની, અર્થહીન લાગે ત્યાં સુધી આપણે ફ્યુચરનું આયોજન કરતાં રહીએ છીએ. ભવિષ્યનું પ્લાનિંગ કરવામાં આજને માણવાનું ચૂકી જઈએ છીએ. પ્લાનિંગ હોય તો, બહુ બહુ તો આજનું હોય. આજે મારે શું કરવું છે, અત્યારે મારે શું કરવું છે. આજે જે કરવાનું છે તે કરવાની જવાબદારીમાંથી છટકી જવા માટે ઘણી વખત આપણે ભવિષ્યમાં શું કરવું છે એના વિચારો કરવામાં સમય બગાડતા થઈ જઈએ છીએ.

ગઈ કાલના અનુભવોને લીધે ડર છે એટલે હવે ડરમુક્ત થવા, સલામતી મેળવવા ભવિષ્યનું આયોજન કરતાં રહીએ છીએ. પણ એનું પરિણામ ઊંધું જ આવે છે. ભવિષ્યને જેટલું વધારે સલામત કરવાની મથામણ કરીએ છીએ એટલો ડર વધતો જાય છે. મોટી રકમની ઈન્શ્યોરન્સ પૉલિસી કઢાવીને સિકયૉર્ડ થઈ ગયા પછી ડર લાગવા માંડે છે કે ક્યાંક મુદત પહેલાં જ એ પાકી ન જાય! પૉલિસી નહોતી કઢાવી ત્યાં સુધી એવો ડર નહોતો.

કુદરત ક્યારેય વર્તમાન સિવાયની ક્ષણોને મહત્ત્વ નથી આપતી. એટલે જ એ હરહંમેશ તરોતાઝા રહે છે. આ દુનિયા ચાલે છે કારણ કે અહીં દરેક જણ આજનું મહત્ત્વ જાણીને આજે અને અત્યારે જ પોતાનું કૉન્ટ્રિબ્યુશન નોંધાવે છે. વિમાનનો પાયલટ નથી કહેતો એના પૅસેન્જરોને કે આજે તમે બેસી રહો તમારી સીટ પર, કાલે તમને લઈ જઈશ તમારા ડેસ્ટિનેશન પર. કરિયાણાની દુકાન પર ઊભેલા ગ્રાહકને એવું નથી કહેવામાં આવતું કે છ કલાક ઊભા રહો પછી તમારું મીઠું- મરચું- તેલ બાંધી આપવામાં આવશે. આખી દુનિયા આજે અને અત્યારેના સિદ્ધાંત પર ચાલે છે. કાલે જે શોધ થવાની છે તેનું કામ પણ આજે જ થઈ રહ્યું છે. ભવિષ્યમાં જે ફિલ્મ રિલીઝ થવાની છે તેનું શૂટિંગ તો આજે જ કરવું પડશે. આજનું અને અત્યારની ક્ષણનું મહત્ત્વ જે જે લોકો નથી સમજયા તેઓ ક્રમશ: વાસી થતા જાય છે. આઉટડેટેડ થતા જાય છે અને પછી કોઈને ખબર ન પડે એમ ફેંકાઈ જતા હોય છે.

અને આપણે કોણ વળી આજનું મહાત્મ્ય સમજાવવાવાળા? નરસિંહે પાંચસો વર્ષ પહેલાં ગાયું: આજની ઘડી રે રળિયામણી

પાન બનારસવાલા

ભૂતકાળના ડરથી હું મારું ભવિષ્ય રંગાવા નહીં દઉં.

– જુલી કગાવા (અમેરિકન ઑથર, જન્મ: ૧૨ ઑકટોબર ૧૯૮૨, ‘આયર્ન ફે’ સિરીઝની ચાર બુક્સ માટે જાણીતી લેખિકા).

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. સર, સાચી વાત છે તમારી. આજનો દિવસ મારી જીંદગીનો અંતિમ દિવસ છે એમ વિચારીને જીવીએ તો પણ ઘણું બધું કરી શકીએ એમ છીએ. આપણને ત્રણવાર દુઃખી થવાની એક આદત જ પડી ગઈ છે. દુઃખ આવ્યું હતું, દુઃખ છે અને દુઃખ આવશે તો?? આ જ ચક્કરમાંથી બહાર આવવાનું છે.

  2. Hari Om 🙏 One of the master strokes
    So very obvious… so very inevitable.. so very sensible
    But unfortunately for most of the cases this basic concept is either not understood or may be can not be followed due to exaggerated self ego …
    એટલે જ આપણી સનાતન ધર્મ કહે છે કે એક હદ થી વધારે દેહાત્મવાદ જીવન ના ઊર્ધ્વીકરણ માટે બહુ મોટી અડચણ ઊભી કરે છે.

    Thanks Bhai…for such beautiful…valuable advice

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here