માનસ:ગણિકાનો છઠ્ઠો દિવસ : પરમ અવ્યવસ્થાનું નામ પરમાત્મા છેઃ મોરારિબાપુ

(newspremi.com, ગુરુવાર, ‌‌25 જૂન 2020)

(માનસ:ગણિકા, છઠ્ઠો દિવસ : અયોધ્યા, 27 ડિસેમ્બર 2018)

અયોધ્યામાં ‘માનસઃ ગણિકા’નો આજે છઠ્ઠો દિવસ છે. હરિ અનંત, હરિકથા અનંતા. કાશ, પૂજ્ય મોરારિબાપુની આ રામકથા નવ દિવસના પૂરી થવાને બદલે અનંતકાળ સુધી ચાલ્યા કરે, અમે સાંભળ્યા કરીએ અને ક્યારેય પાછા મુંબઈ ન જઈએ.

આજે ઠંડીનું જોર વધ્યું છે. સમયસર તૈયાર થઈને ક્વિક બ્રેકફાસ્ટ માટે નજીકના દિગંબર જૈન દેરાસરની ભોજનશાળામાં પહોંચી જઈએ છીએ. ભગવાન ઋષભદેવની સંગેમરમરની ત્રીસ ફૂટ કરતાંય ઊંચી વિરાટ પ્રતિમા છે. ભવ્ય દર્શનને આંખોમાં સમાવીને અમે તાજા ગરમાગરમ બનાવવામાં આવી રહેલા નાસ્તા (શિંગદાણા નાખેલો સ્વાદિષ્ટ ઉપમા અને વટાણા સાથેના અતિસ્વાદિષ્ટ પૌંઆ પ્લસ ચા)ને પેટમાં પધરાવીને કથામંડપ પર પહોંચી જઈએ છીએ.

બાપુની સંગીતકાર મંડળીના સભ્યો વારાફરતી આવીને વ્યાસપીઠ સન્મુખ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરીને વાજિંત્રોને ટ્યુનિંગ કરવામાં વ્યસ્ત છે. મુંબઈ-થાણેની કથા દરમ્યાન આ સંગીતકારો સાથે સારી દોસ્તી થઈ ગઈ છે. સૌને પવઈના મારા ઘરે નિમંત્રણ આપ્યું હતું. એક આખી સાંજ એમની સાથે સત્સંગ કર્યો હતો. કેટલાકની સાથે તો એ પહેલાંથી પરિચય હતો.

બાપુની આ સમગ્ર સંગીતમંડળી પણ બાપુની માફક જ કલાકો સુધી એક જ આસને, એકધ્યાને બાપુ શું ગાવાના છે તેની રાહ જોતા હોય છે.

અત્યારે સૌથી નજીક, સબ-સ્ટેજના મારા તરફના છેડે ગજાનન સાળુંકે નજરે પડે છે. શું શરણાઈ વગાડે છે આ મહારાષ્ટ્રિયન મહાશય. એમની બાજુમાં દિલાભાઈ છે. પાકા રામભક્ત દિલાભાઈનું આ હુલામણું નામ છે. બહુ ઓછાને ખબર હશે કે તેઓ દિલાવરભાઈ સમા છે. સુંદર કંઠે ગાય છે. બાકીના સાથીઓની જેમ રામચરિત માનસ કંઠસ્થ છે. મંજીરાં અને સાઈડ રિધમ દ્વારા પણ સંગત કરે છે. દિલાભાઈની બાજુમાં કીર્તિ લિંબાણી છે. નાનપણથી બાપુ સાથે છે. ગજબનો કંઠ છે એમનો. મંજીરાં વગાડતાં મારે એમની પાસેથી શીખવાનું છે. કીર્તિની બાજુમાં બાપુ જેમને હકાના હુલામણા નામે બોલાવે છે એ રમેશ ચંદારાણા હાર્મોનિયમ અર્થાત્ સંવાદિની પર છે. ગાય પણ છે. હકાભાઈની બાજુમાં પંકજ ભટ્ટ બેઠા છે. તબલાંવાદક તરીકે એમને બાપુના અસંખ્ય શ્રોતાઓ પહેચાને છે. પંકજભાઈના યુવાન પુત્ર ભગીરથ ભટ્ટ સિતારવાદક છે. ક્યારેક ભગીરથ પણ આ સંગીતમંડળીમાં સામેલ થાય છે. પંકજભાઈની બાજુમાં બેઠેલા મહેંદી હસન નામના યુવાન પણ તબલાં વગાડે છે. એમને હું પહેલી જ વાર મળ્યો. મઝાના માણસ છે. હવે જે ભાઈ બેઠા છે એમની આંગળીઓને બેન્જો પર નર્તન કરતી તમે ઘણીવાર જોઈ છે. હિતેશ ગોસાંઈને સૌ કોઈ ‘હિતેશ બેન્જો’ કહે છે. છેક છેવાડે, અને પેલી તરફથી જુઓ તો સૌથી પહેલા હરિશચંદ્ર જોશી ટટ્ટાર મુદ્રામાં બેઠા છે. વિદ્વાન પ્રોફેસર, તત્વજ્ઞાની કવિ. ઘેઘૂર અને બુલંદ કંઠ માટે જાણીતા. એમને ધ્યાનમગ્ન અવસ્થામાં હનુમાન ચાલીસા, શિવસ્તુતિ અને લોકસાહિત્યની રચનાઓ ગાતાં તમે ‘આસ્થા’ પર કથાના લાઈવ ટેલિકાસ્ટમાં તમે એમને જોયા-સાંભળ્યા છે.

બાપુની આ સમગ્ર સંગીતમંડળી પણ બાપુની માફક જ કલાકો સુધી એક જ આસને, પાણીનું ટીપુંય પીધા વિના એકધ્યાને બાપુ શું ગાવાના છે તેની રાહ જોતા હોય છે. માનસની ચોપાઈ, ભજન, ગીત, લોકગીત કે પછી કોઈ રાગ. કશું જ પૂર્વનિર્ધારિત નથી હોતું. બાપુ પોતાની મોજ પ્રમાણે કથા ગાતા રહે. એમના ઈશારાની પણ કોઈને જરૂર નથી. સેકંડના છઠ્ઠા ભાગમાં આ સૌ સંગીતકારો બાપુ જે ચોપાઈ ઉપાડે કે લોકગીત શરૂ કરે તેમાં સાથ આપતા થઈ જાય. તમને નવાઈ લાગે કે આટલું સાહજિક કોઓર્ડિનેશન કેવી રીતે થતું હશે? આ જ તો એ સૌનું તપ છે, જે એમના રિયાઝને ભગવા રંગની ઊંચાઈ બક્ષે છે.

શરૂઆતના કલાકમાં જે વાતાવરણ બંધાય છે તેમાં વિલંબિત સૂરે લોકાભિરામં રણરંગધીરંથી શરૂ કરીને મંગલભવન અમંગલ હારિ સુધીનાં પદ, સ્તુતિ, ચોપાઈ ગવાય છે. બાપુ આરંભ કરે, સૌ કોઈ ઝીલે.
એ પછી કથાનો જે વિષય હોય તેનો કેન્દ્રીય વિચાર જેમાં સ્ફૂટ થાય તે માનસની ચોપાઈ/દોહાનું પુનઃ પુનઃ ગાન થાય. ‘માનસઃ ગણિકા’નો મધ્યસ્થ વિચાર તુલસીદાસના આ શબ્દોમાં વ્યક્ત થાય છેઃ

અપતુ અજામિલ ગજ ગનિકાઉ
ભએ મુકુત હરિ નામ પ્રભાઉ
પાઈ ન કેહિ ગતિ પતિત પાવન રામ ભજિ સુનુ સઠ મના.
ગનિકા અજામિલ બ્યાધ ગીધ ગજાદિ ખલ તારે ઘના

બેઉના અર્થ વારાફરતી સમજી લઈએઃ
નીચ અજામિલ, ગજ અને ગણિકા પણ હરિનામ નામથી મુક્ત થઈ ગયા.
અરે મૂર્ખ મન, સાંભળ! પતિતોને પાવન કરવાવાળા શ્રી રામને ભજીને કોને પરમગતિ નથી મળી! ગણિકા, અજામિલ, વ્યાધ, ગીધ, ગજ આદિ અનેક દુષ્ટોને એમણે તારી દીધા છે. (વ્યાધ એટલે શિકારી).

ગણિકા તબીબ ફંડમાં આજ સુધીમાં રૂપિયા 5 કરોડ 17 લાખ ભેગા થઈ ગયા છે એવી ઘોષણા થઈ.

બાપુએ આજે ઋગવેદમાંથી પાંચ શ્લોક ટાંકીને ગણિકાનું સ્થાન સમાજમાં કયા જમાનાથી છે તે સિદ્ધ કર્યું. બાપુ કહેઃ ‘પણ આ કથા કશું સિદ્ધ કરવા નથી થતી, શુદ્ધ કરવા થઈ રહી છે.’

તર્કથી કંઈ પણ સિદ્ધ કરી શકો અને કુતર્કથી એ વાતને તમે કાપી પણ શકો, બાપુ કહે છે. દલીલબાજોએ, આર્ગ્યુમેન્ટેટિવ સ્વભાવ ધરાવનારા આપણે સૌ કોઈએ બાપુની આ વાતમાંથી ઘણો મોટો બોધપાઠ લેવો પડશે. લૉજિકથી, તર્કથી તમે કંઈ પણ સિદ્ધ કરી શકો પણ જરૂરી નથી કે સત્ય સુધી પહોંચી જ શકો એવું બાપુ કહેવા માગે છે એમ હું સમજ્યો. સમજફેર હોઈ શકે.

રહીમને યાદ કરીને બાપુએ કહ્યું કે રામચરિતમાનસને એણે હિન્દુઓ માટે વેદ અને મુસ્લિમો માટે કુર્રાનનો દરજ્જો આપ્યો. આજે રહીમની જરૂર છે, તથાકથિતોની નહીીં, બાપુ ભારપૂર્વક જણાવે છે.

કથામંડપમાં ઊંચા આસને બિરાજી રહેલી સાધુ-સંતો-પંડિતો-ધર્માચાર્યોની મંડળી વિશે બાપુ કહે છે કે સાધુસંતોની સભા મળે ત્યાં આપોઆપ અયોધ્યા રચાઈ જાય. અહીં તો અયોધ્યા પણ છે, સાધુસંતોની સભા પણ છે. બાપુ કહે છે અહીંની કથા પૂરી કરીને 19 જાન્યુઆરીએ પ્રયાગરાજ જઈશ, કુંભમેળામાં કથા કરવા. એક તીર્થસ્થળેથી બીજા તીર્થસ્થળે.

માત્ર જોડી બનાવીને મારી પાસે આવી જવાનું, મંગલાષ્ટક તમારો આ બાપ ગાશે: મોરારિબાપુ

ઋગ્વેદના એક પછી એક એવા કુલ પાંચ મંત્રોનું ઉચ્ચારણ કરીને એના અર્થમાં ઝાઝા ઊંડા ઉતરવાને બદલે બાપુ વિવેક રાખીને કુતૂહલપ્રેમીઓને પોતાની મેળે એમાં ઊંડા ઉતરવાનું કહે છે. આજની કથા પણ યુ ટ્યુબ પર ઉપલબ્ધ છે. મંત્રો એમાંથાી સાંભળી લેવા. અમે ક્વોટ કરવા જઈશું તો અણઆવડતને લીધે ખોટું વેતરાઈ જશે.

બાપુ કહે છે કે જ્યારે ગણરાજ્યો હતાં ત્યારે ગણિકાઓ નાગરપુત્રો સાથે વેદાધ્યયન કરતી. સામ્રાજ્યવાદ આવ્યા પચી ગણિકાઓએ પોષિતામાંથી શોષિતા બનવું પડ્યું.

બાપુએ આજે એક મહત્વની જાહેરાત કરીઃ આ બેટીઓનો હું બાપ છું. જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી દર વર્ષે આમાંની સો બેટીઓને પરણાવવાની જવાબદારી મારી. માત્ર જોડી બનાવીને મારી પાસે આવી જવાનું, મંગલાષ્ટક તમારો આ બાપ ગાશે. તમારું કન્યાદાન આપશે. ભારતભરની આવી કોઈ પણ બેટી, ભારતની જ શું કામ વિશ્વમાં ક્યાંય પણ આ કામ કરતી કોઈ પણ બેટી આવે. તમને યુવકો શોધતાં મુશ્કેલી પડવાની, જાણું છું. પણ તમારામાં જ ઘણાને દીકરાઓય હશે. આપસમાં જેમનું ગોઠવાય તેમણે ગોઠવી લેવાનું. હું સ્વીકારની માત્ર શબ્દોથી વાતો નથી કરતો, સ્વીકાર કરી રહ્યો છું. અયોધ્યામાં સંતોની ઉપસ્થિતિમાં એમના આશીર્વાદ સાથે આટલી નિર્ભિકતાથી ન બોલું તો બીજે ક્યાં બોલું?

આ સૃષ્ટિમાં, આસપાસની દુનિયામાં નજીકના જગતમાં, આપણા પોતાના જીવનમાં, આપણા આંતરિક વિશ્વમાં બધું જ બરાબર હોય, બધું જ એકદમ વ્યવસ્થિત ઈસ્ત્રીટાઈટ ગડી જેવું હોય એવી આશા રાખીને દુઃખી થયા કરતા લોકો માટે આ ઘણો કામનો શિલાલેખ બાપુએ કોતરી આપ્યો છેઃ પરમ અવ્યવસ્થા કા નામ પરમાત્મા હૈ.

બાપુને જોકે, ખ્યાલ નહીં હોય (ક્યાંથી હોય? અમને પણ અમારા ‘એવા’ મિત્રો દ્વારા માહિતી મળી છે, ફર્સ્ટ હેન્ડ જાણકારી નથી) કે બેન્ગકોકની બેટીઓને પરણવા કેટલાય યુરોપિયન યુવકો ઉત્સુક હોય છે. છેલ્લા દાયકામાં આ નવો ટ્રેન્ડ શરૂ થયો છે (અને હૉલિવુડની ફિલ્મોમાં ઝીલાયો પણ છે). આનું મુખ્ય કારણ એ કે બેન્ગકોકની આ બેટીઓને ઘર ચલાવવાની પાકી તાલીમ મળતી હોય છે. એ જો કોઈની સાથે બે-ચાર દિવસ કે અઠવાડિયું રહે તો પત્નીની જેમ એની ચાકરી કરે, એનાં કપડાં ઈસ્ત્રી કરે, ભોજનની વ્યવસ્થા કરે, બીજા દિવસ માટેનાં કપડાં ગોઠવીને તૈયાર કરી રાખે વગેરે. કાર્યેષુ મંત્રી, ભોજયેષુ માતા અને શયનેષુ રંભા જેવું જ કંઈક. અને એટલે યુરોપના યુવકો એમને પરણવા, એમની સાથે ઘરસંસાર માંડવા આતુર હોય છે. બાપુની આ દીર્ઘદ્રષ્ટિભરી જાહેરાત દ્વારા ભારતમાં પણ આવો ટ્રેન્ડ શરૂ થશે. જે દીકરીઓ સંસાર માંડીને સ્થિર થવા માગે છે એમને બાપુના આશીર્વાદથી જરૂર મનગમતો કોડીલો વર મળી જશે.

બાપુએ આજે એક વાત ભારપૂર્વક કહી. ભારપૂર્વક એટલે એક શ્વાસે ત્રણ ત્રણ વાર કરીઃ ‘પરમ અવ્યવસ્થાનું નામ પરમાત્મા છે.’

કોઈની સમજફેર ન થાય એટલે ત્રણ વાર આ વાક્ય બોલ્યા. આ સૃષ્ટિમાં, આસપાસની દુનિયામાં નજીકના જગતમાં, આપણા પોતાના જીવનમાં, આપણા આંતરિક વિશ્વમાં બધું જ બરાબર હોય, બધું જ એકદમ વ્યવસ્થિત ઈસ્ત્રીટાઈટ ગડી જેવું હોય એવી આશા રાખીને દુઃખી થયા કરતા લોકો માટે આ ઘણો કામનો શિલાલેખ બાપુએ કોતરી આપ્યો છેઃ પરમ અવ્યવસ્થા કા નામ પરમાત્મા હૈ.

બીજા શબ્દોમાં સમજવું હોય તોઃ આ અવ્યવસ્થા જ પરમાત્માની સિસ્ટમનો (વ્યવસ્થાનો) ભાગ છે.

રામજીની અયોધ્યાનગરીમાં આજે તો જાણે નંદલાલાની ગોકુળ નગરી ઊતરી આવી હતી.

ગઈ કાલે રામજન્મ રંગેચંગે ઉજવાયો પણ એ ખુશાલીમાં નાચવાનું તો રહી જ ગયું, બાપુએ યાદ દેવડાવ્યું. સૌને પોતપોતાની જગ્યાએ જ ઊભા રહીને ગરબાના સ્ટેપ્સ લેવાનું કહ્યું અને શરૂ કર્યુંઃ અવધ મેં આનંદ ભયો, જય રઘુવર લાલ કી, હાથી દિયો ઘોડા દિયો ઔર દિયો પાલખી, અવધ મેં આનંદ ભયો જય રઘુવર લાલ કી… અમે પણ ઊભા થઈને, અમારા થેલામાંથી મંજીરાં કાઢીને તાલ પુરાવવા માંડ્યા. એકાદ બે મિનિટ પછી આજુબાજુના થોડાક લોકો મારી સામે જોઈને ઈશારો કરવા લાગ્યા. મને થયું કે મારું બેતાલ મંજીરાંવાદન એમને ખટકતું હશે, પણ હું મારી ધૂનમાં હતો. ત્રણચાર વખત આવું થયું પછી કોઈકે ગોદો મારીને મને ઈશારાથી સમજાવ્યું કે બાપુ બોલાવે છે. બાપુએ કીર્તિદાન ગઢવી પાસે ‘અમે મહિયારાં રે ગોકુળ ગામના’ રાસ શરૂ કરાવ્યો હતો. મંચ પર આવીને મંજીરાં સાથે નર્તન કરવાનો આગ્રહ તેઓ કરી રહ્યા હતા. મને નાચતાં આવડે નહીં. ભીતરમાં થતા નર્તન પૂરતી જ આપણી નૃત્યકળા સીમિત. પણ બાપુના અતિ આગ્રહને માથે ચડાવી અમે મંજીરાં સાથે મંચ પર પહોંચીને આવડે એવા સ્ટેપ્સ લેવા માંડ્યા. બાપુની એક તરફ રામજન્મભૂમિ શિલાન્યાસ ટ્રસ્ટના વયોવૃદ્ધ મહંત શ્રી બિરાજમાન હતા. એમના ચરણસ્પર્શ કરીને યુકેથી આવેલા લોર્ડ પોપટ, રમેશ સચદેવ અને કેટલાક ભજનિક, સાધુઓના વૃંદમાં અમે જોડાઈ ગયા. એક નૃત્ય કરતા સાધુએ આવીને મારી પાસે મંજીરાં માગી લીધાં. મેં તરત આપી દીધાં. બાપુએ પોતે તાલ આપવા કરતાલ મગાવી લીધી. મને યાદ આવ્યું કે અમારા થેલામાં પણ કરતાલ છે. મુઠ્ઠી ઉઘાડબંધનો ઈશારો કરીને મગાવી લીધી. બસ, પછી તો પૂછવું જ શું… નરસિંહ મહેતાના શબ્દો છે, કીર્તિદાનનો કંઠ છે અને બાપુની અને અમારી કરતાલની સાથે સંગીત મંડળીની રમઝટ છેઃ મારે મહીં વેચવાને જાવાં મહિયારાં રે ગોકુળ ગામનાં… રામજીની અયોધ્યાનગરીમાં આજે તો જાણે નંદલાલાની ગોકુળ નગરી ઊતરી આવી હતી.

સમયપત્રક કંઈક એવું ગોઠવ્યું છે કે આજની કથા સાંભળ્યા પછી એક જમાનામાં જ્યાં બાબરી ઢાંચો હતો તે સ્થળ પરની રામ જન્મભૂમિની મુલાકાત લઈને ત્યાં બિરાજમાન રામલલ્લાની મૂર્તિનાં દર્શન કરવાં છે. ટૂંક સમયમાં જ ત્યાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ શરૂ થઈ જશે એવી સૌ કોઈને શ્રદ્ધા છે. મંદિરની ઈમારતના વિવિધ હિસ્સા સંપૂર્ણ કોતરણી સાથે તૈયાર જ છે. ઉતારેથી કથામંડપ જતાં આવતાં રોજ અમે મંદિરના આ હિસ્સાઓ જ્યાં રાખ્યા છે ત્યાંથી પસાર થઈએ છીએ. બસ, ‘ઉપરવાળા’નો આદેશ થાય એટલી વાર છે!

to read this article in English click here

यह लेख हिन्दी में पढ़ने के लिये यहाँ मिलेगा

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

2 COMMENTS

  1. સૌરભભાઈ, કેવા બડભાગી મનુષ્ય છો.
    કર,કલમ,કડછો,કરતાલ અને પગનર્તન
    કરવા બાપુનું સાનિધ્ય મળ્યું.
    જય હો જય હો.

  2. Very good Lectures by Bapu.and is very polite to evryone without any pride or prejudice to anyone. Sometimes somewhere he can easily e explain in Gujarati
    Very good article

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here