માનસ:ગણિકાનો ચોથો દિવસ: જિસસ કોણ હતા, એમની માતા વર્જિન મેરી કોણ હતીઃ જીવન જોવાય છે, જન્મ નહીં

(newspremi.com, મંગળવાર, ‌‌23 જૂન 2020)

(માનસ:ગણિકા, ચોથો દિવસ  : અયોધ્યા, 25 ડિસેમ્બર 2018)

પૂજ્ય મોરારિબાપુની દરેક નવ દિવસીય રામકથાના પ્રત્યેક દિવસનો આરંભ શંખનાદથી અને ત્યારબાદ હનુમાન ચાલીસાના ગાનથી થાય છે. એ પછી વેદ તથા ઉપનિષદના મંત્રોચ્ચારોથી આખોય કથામંડપ મહાન ઋષિમુનિના તપોવનસ્થિત આશ્રમ જેવા વાતાવરણથી છલકાઈ જાય છે. ત્યારબાદ બાપુને વર્ષોથી સાથ આપી રહેલા સંગીતકારો, ગાયકો અને વાદકો તબલાં, હારમોનિયમ, શરણાઈ, બેન્જો કે મંજીરાંની વારાફરતી સંગત કરીને પવિત્ર થઈ ગયેલા વાતાવરણને સ્થિર કરવામાં સહાયરૂપ થાય છે. એ પછી રામચરિત માનસની કેટલીક મનગમતી ચોપાઈઓ તથા રામજીની સ્તુતિઓનું ગાન. એ પછી દરેક કથાના પર્ટિક્યુલર વિષયને અનુરૂપ, કથાના કેન્દ્રીય વિચારને વ્યક્ત કરતી ચોપાઈ-દોહાનું ગાન. વિતેલા વીસેક કલાક દરમ્યાન જે કંઈ સાંસારિક ખલેલોથી ચિત્ત ક્ષુબ્ધ બની ગયું હોય તેનું ડિટૉક્સિફિકેશન કરવાની આ અદ્‌ભુત વિધિ કલાકેક ચાલે અને ત્યાં સુધીમાં આમતેમ ભટકતું તમારું મન હનુમાનજીની પ્રતિમાની છબિમાં કેન્દ્રસ્થ થઈ જાય, તમે પૂરેપૂરા રામમય બની જાઓ. કથામાં ક્યારેક પ્રાસંગિક રમૂજો તો ક્યારેક સંદર્ભ સાથે હિન્દી ફિલ્મની કોઈ પંક્તિ આવે કે લોકગીત કે સમૃદ્ધ ગુજરાતી કવિતા સાહિત્યમાંથી કશુંક ટાંકવામાં આવે તો એ બધા શણગાર પછી પણ તમારું ધ્યાન હનુમાનજીની જેમ રામજીમાં જ પરોવાયેલું રહે.

‘માનસ : ગણિકા’ નો આજે ચોથો દિવસ. અયોધ્યાના જાણીતા દેવ-કાલી રોડ પર આવેલી, નામના કોઈપણ જાતના પાટિયા વગરની, બે ફેમસ નાસ્તાની દુકાનો એકબીજાને અડીને આવેલી છે. જલેબીઓ તળાઈને ચાસણીમાં બોળાઈ રહી છે. રબડીનો થાળ તૈયાર છે. સમોસાં પણ ઊતરી રહ્યાં છે. દહીં કચોરી સાથે આ સઘળો નાસ્તો પેટમાં ઠાંસીને મેળા જેવું વાતાવરણ ધરાવતા કથાસ્થળ પર નવ વાગ્યે પહોંચીને સેટલ થઈ જઈએ છીએ. કથા દસ વાગ્યે શરૂ થશે એ પછીના 4 કલાક સુધી રામચરિત માનસનું પાન કરવાનું છે એટલે આમેય ભૂખ-તરસ ભૂલી જવાનાં છે.

બાપુ કહે છે કે પૈસાને લક્ષ્મીમાં કન્વર્ટ કરવાનો એકમાત્ર ઉપાય એ છે કે એને કરુણાની સાથે કરુણાના અધિકારી સુધી પહોંચાડો.

આજે નાતાલનો દિવસ છે. બાપુની કથામાં રામજન્મના દિવસનું અનેરું મહત્ત્વ છે. આજે ભગવાન ઈસુનો જન્મદિવસ છે. બાપુ વ્યાસપીઠ પર સેટલ થયા એટલે મેં ‘સંગીતની દુનિયા’ પરિવારના મોભી નરેશભાઈ તથા નીલેશભાઈ વાવડિયાના ઈશારાથી મંચ પર જઈ બાપુને પ્રણામ કરીને નાતાલની શુભેચ્છારૂપે સાન્તાક્લોઝદાદાની ફૂમતાંવાળી લાલ ટોપી એમનાં ચરણોમાં મૂકીને આશીર્વાદ લીધા – આજે આવી જ ટોપી પહેરીને કથા શ્રવણ કરવાની આજ્ઞા માગી. બાપુના આશીર્વાદ મેળવ્યા પછી અમે મિત્રોએ સાન્તાક્લોઝની ટોપીઓ અમારા થેલામાંથી કાઢીને માથા પર ગોઠવીને એકબીજાનાં ફૂમતાં સરખાં કર્યાં એક ટોપી અમારી બાજુમાં બિરાજેલાં ન્યૂ યૉર્કથી આવેલાં વિદેશી મહિલાને ભેટ આપી જેઓ અમેરિકન ઉચ્ચારણની છાંટવાળી શુદ્ધ હિન્દી બોલી શકે છે, ચોપાઈ પણ ગાઈ શકે છે. એક ટોપી બાપુના આ વખતના ગણિકાઓના લાભાર્થે જાહેર કરવામાં આવેલા ફંડમાં એક કરોડ રૂપિયાનું દાન આપનાર રમેશભાઈ સચદેવને આપી જેઓ યુ.કે.થી આવ્યા છે. સૌએ પહેરી લીધી.

એક આડ વાતઃ ગઈ કાલે મોડી સાંજે મિત્રો દેવ-કાલી રોડની દુકાનેથી જલેબી બંધાવીને અમારા માટે લાવતા હતા ત્યારે સહેજ ધ્યાન ચૂકાઈ ગયું અને જલેબીનું પડીકું મારા સુધી પહોંચવાને બદલે મારા બાપ-દાદાઓના પૂર્વજો કૂદકો મારીને લઈ ગયા. આજે ઉતારેથી નીકળતી વખતે મુંબઈથી લાવેલા ગાંઠિયા-પાપડીનાં પડીકાં સાથે રાખ્યાં હતાં તેમાંનું એક આવા જ વાંદરાં આવીને ખેંચી ગયા. જલેબી-પાપડી એમની પાસે પહોંચી ગયા છે. કાલે હાથમાં મરચાંનું પડીકું રાખવાનો વિચાર છે.

લગભગ એક કલાક સુધી આંખો બંધ રાખીને ધ્યાનસ્થ થઈ ગયા પછી બાપુનો સ્વર કાને પડે છેઃ ‘બાપ!’

બાપુના હૃદયમાં બે વાત ઘૂમરાતી લાગે છે. આજનો ભગવાન ઈસુનો જન્મદિવસ અને ગઈ કાલે સાંજે પેલા ગણિકાપુત્ર યુવાને પૂછેલો પ્રશ્નઃ બાપુ, હું કોઠા પર શું કામ જન્મ્યો?

ગણિકાઓ માટેના તબીબી ફંડમાં બાપુની અપીલથી અત્યાર સુધીમાં કુલ સવા ત્રણ કરોડથી વધુ રકમ માત્ર 48 કલાકમાં જ ભેગી થઈ ગઈ છે. બાપુ કહે છે કે પૈસાને લક્ષ્મીમાં કન્વર્ટ કરવાનો એકમાત્ર ઉપાય એ છે કે એને કરુણાની સાથે કરુણાના અધિકારી સુધી પહોંચાડો.

બાપુ કહે છેઃ ગણિકાઓમાં રહેલી સમદર્શિતા તો જુઓ.

આજની કથાનું કેન્દ્રબિંદુ જે બે વિચારોના સંદર્ભમાં બંધાઈ રહ્યું હશે તેનો માહોલ બાપુને પ્રિય એવા (અને પીએમ મોદીએ એક જમાનામાં કહેલું કે એમને પણ પ્રિય છે એવા) આનંદ બક્ષીના શબ્દો ભજનના ઢાળમાં ઢાળીને ગવાય છેઃ કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહના…

બાપુ કહે છેઃ ‘આજે જેનો જન્મદિવસ છે એ ઈસુ બહુ માસૂમ છે. એની મા તો એનાથીય માસૂમ છે. મધર મેરી. આ વર્જિન મેરી કોણ હતી? ઈસુ એનો બેટો, અહીં કોણ કેવી રીતે જન્મે છે એ નથી જોવાતું. કોણ કેવી રીતે જીવી જાય છે એનું મહત્ત્વ છે.’

બાપુની વાતનો સંદર્ભ છોડ્યા વિના વિસ્તાર કરીએ. મધર મેરીને વર્જિન મેરી પણ કહે છે. પણ અહીં વર્જિનમાં કુંવારિકાનો અર્થ નહીં પણ અપરિણીતાનો અર્થ અભિપ્રેત છે. મેરી અપરિણીત હતી – અનમેરીડ. વર્જિન કે અક્ષત નહીં, જેના પિતાનું નામ ખબર નથી એવા ઈસુને આ અપરિણીતા મેરી જન્મ આપે છે. મેરીને પણ સમાજે તરછોડી છે, તિરસ્કૃત કરી છે – એના આવા કૃત્ય માટે. અંગ્રેજી શબ્દ વાપરી ન શકાય એવો છે પણ ઉર્દૂમાં જે છોકરો કોઈનોય વારસદાર નથી એને લાવારિસ સંતાન કહે છે. જેના પિતાનો કોઈ પત્તો નથી. ઈસુ આવું સંતાન હતા.

બાપુ કહે છેઃ ‘બધા જ તંતુ એકબીજા સાથે સંકળાયેલા છે.’ કાલે રાત્રે પેલા યુવાને વ્યથાપૂર્વક જે સવાલ પૂછયો હતો તેનો ઉત્તર બાપુ ઈસુના જન્મદિવસના સંદર્ભમાં આપે છેઃ ‘જન્મ-મૃત્યુ આપણા હાથમાં નથી. એ બે છેડા વચ્ચે જીવાતું જીવન આપણા હાથમાં છે.’

બાપુએ 25 ડિસેમ્બરે જન્મેલા અટલ બિહારી વાજપેયીજી તથા પંડિત મદનમોહન માલવિયાજીને પણ ભાવપૂર્વક યાદ કર્યા

બાપુ બહુ ઓછા શબ્દોમાં જે કહેવાનું હોય તે કહી દેતા હોય છે. એમની વાણી શ્લોક જેવી છે. એક પણ વધારાનો શબ્દ નહીં મળે, અમે બહુ બોલકા-બડબડ કરનારા માણસ છીએ. કોઈ વાત એક વાક્યમાં કહી શકાતી હોય તો પણ એના માટે એક આખો લેખ લખી નાખીએ. શ્લોકવાણીને લોકવાણીમાં ઢાળીએ. ઈસુનો જન્મ પણ ગઈકાલે લગભગ બસોથી વધુ ગણિકાઓ સાથે થયેલા સત્સંગ વખતે ઉપસ્થિત રહેલા ગણિકાપુત્રની જેમ જ થયો. પણ ઈસુએ નાની ઉંમરમાં (32 જ વર્ષનું આયુષ્ય) જે કામ કર્યું તેને કારણે દુનિયા આખી આજે એમનો જન્મદિવસ ઉજવે છે એવું કહીને બાપુએ પેલા યુવકને સંબોધ્યા વગર ઈશારો કર્યો કે કોઠામાં મારો જન્મ શું કામ થયો એ પ્રશ્નમાં ગૂંચવાઈ જવાને બદલે જીવન એવું જીવીએ કે લોકોને આપણો જન્મદિવસ યાદ રહી જાય, જીવન દરમ્યાન એવાં મહાન કામ કરવામાં ઓતપ્રોત થઈ જઈએ.

બાકી તો, બાપુ કહે છેઃ ‘અહીં વળી કોણ દૂધે ધોયેલું છે?’ સુરદાસને ટાંકીને કહે છેઃ ‘મો સમ કૌન કુટિલ, ખલ, કામી.’ અને વળી પાછી બાપુની સિક્સરઃ ‘તથાકથિત કેટલીય ધર્મધજાઓ “લહેરાતી” નથી હોતી, “ફફડતી” હોય છે!’

બાપુ કહે છેઃ ગણિકાઓમાં રહેલી સમદર્શિતા તો જુઓ. તેઓ કુળ, જાત, ઉંમર, કાળા-ગોરા કશું જ જોતી નથી. અને આપણે? તુલના કરવા જઈશું તો બહુ પસ્તાઈશું. ગણિકા તો નિમિત્ત છે – આપણા માટે અંદર ઝાંકવાની આ તક છે. આ કથા ‘કામ’ માટે નહીં ‘રામ’ માટે છે. ઈસુ નાની વયમાં બહુ મોટાં કામ કરી ગયા. સૌ સનાતનીઓને વિનંતી કે ઈસુનો જન્મદિવસ આપણે બહુ ભાવથી ઉજવીએ. હું તો એમના જન્મસ્થળ જેરૂસલેમમાં જઈને નવ દિવસની રામકથા ગાઈ આવ્યો છું. ઈસુના જન્મદિવસ કરતાં બમણા ઉત્સાહથી રામના જન્મનો દિવસ-રામનવમી ઉજવીએ, જન્માષ્ટીમી, મહાશિવરાત્રિ, નવરાત્રિ અને હનુમાન જયંતી ઉજવીએ. સામેવાળા આપણા જેટલા ઉદાર ભલે ન હોય તે છતાં ઈસુના જન્મદિવસને બડી ચાહથી ઉજવીએ.

બાપુ ટાંકે છેઃ ‘સબ મમ પ્રિય, સબ મમ ઉપજાયે/ સબ તે અધિક મનુજ મોહે ભાયે’

બાપુએ 25 ડિસેમ્બરે જન્મેલા અટલ બિહારી વાજપેયીજી તથા પંડિત મદનમોહન માલવિયાજીને પણ ભાવપૂર્વક યાદ કર્યા અને પેલા યુવક તથા એના પરિવારજનોને સંબોધીને કહ્યુઃ તમારા માટે વાલ્મીકિ રામાયણમાંથી એક પ્રમાણ લઈને આવ્યો છું. બાપુ સંસ્કૃતનો શ્લોક ટાંકીને એનો સીધો અનુવાદ બોલતાં ઉમેરે છેઃ ‘આ અનુવાદમાં મેં ક્યાંય મારી બુદ્ધિનો વઘાર નથી કર્યો.’

વાલ્મીકિ રામાયણના એ શ્લોકનો સંદર્ભ પૂરેપૂરો સમજાય એ માટે બાપુ પ્રથમ રામચરિત માનસમાં તુલસીએ લખેલી ચોપાઈ ટાંકીને કહે છેઃ ‘પૃથ્વી પર પરમાત્માને અવતરિત કરવાના હતા પણ તે વખતે આખી સૃષ્ટિ ભ્રષ્ટાચારથી ભરાઈ ચૂકી હતી, કોઈ ધર્મને સાંભળવા તૈયાર નહીં એવા વાતાવરણમાં ભગવાન રામના પ્રાગટ્યની તૈયારી કરવા બધા દેવો બ્રહ્માજીની આગેવાનીમાં શું કરે છે? પૃથ્વી પરના અસુર તત્ત્વોના નાશ માટે, આ સમસ્યાના ઉકેલ માટે કેવો ઉપાય સૂચવવામાં આવે છે?’

તુલસીના શબ્દો છેઃ ‘જય જય સુરનાયક જન સુખદાયક પ્રનતપાલ ભગવંતા’

વાલ્મીકિ રામાયણના શ્લોકનો પહેલો શબ્દ અપ્સરા છે. બાપુ કહે છે કે આ અપ્સરા એટલે દેવોની ગણિકા-દેવગણિકા. એક કથા તો એવી છે કે આ સૃષ્ટિનો જન્મ દેવગણિકા અને એક યુવાનના સંસર્ગથી જન્મેલા સંતાન દ્વારા થયો.

“હે અપ્સરાએં, મૈં અવતાર લૂં તબ આપ મેરે કાર્યમેં સહયોગ કરે ઐસે મેરે તુલ્ય (હરિતુલ્ય) પુત્રોં કો પ્રગટ કરો.” વાલ્મીકિના શ્લોકનો આ અનુવાદ છે. અપ્સરાઓ એટલે કે દેવગણિકાઓ ઉપરાંત બીજા વર્ગોનો પણ ઉલ્લેખ છે એમાં પણ પહેલો ઉલ્લેખ અપ્સરાઓનો છે. આ સૌને બહ્માએ કહ્યું કે તમે બધાં પોતપોતાના તપ અને તેજથી સંતાન પ્રાપ્ત કરો જે અસુરોનો નાશ કરે. આનો અર્થ એ થયો કે રામકાર્યમાં જે ફોજ હતી તેમાં (ગણિકાઓના મંચ તરફ હાથ કરીને) આમનાં સંતાનો હતાં. આદિકવિ વાલ્મીકિનાં આ વચનો છે. તો બેટા (પેલા યુવકને સંબોધીને), ક્યાં જન્મ લીધો છે એની ચિંતા જવા દે, તારા પૂર્વજન્મનો હિસાબ એવો છે કે, રામતુલ્ય થઈને રામની સેનામાં જોડાઈને આસુરી વૃત્તિનો વિધ્વંસ કરીને વિશ્વમાં રામરાજ્યની સ્થાપના કરવામાં તમારું પણ યોગદાન હતું. જિસસ કોણ છે? મધર મેરી કોણ છે? તુલસીએ ભગવાનની લાગણી જે શબ્દોમાં વ્યક્ત કરી છે એને બાપુ ટાંકે છેઃ ‘સબ મમ પ્રિય, સબ મમ ઉપજાયે/ સબ તે અધિક મનુજ મોહે ભાયે’

બાપુ કહે છેઃ ‘પ્રત્યેક કથામાં મારો અને તમારો નવો જન્મ થતો હોય છે.’

અર્થ સિમ્પલ છેઃ આ આખો સંસાર મારી માયાથી ઉત્પન્ન થયેલો છે. એમાં અનેક પ્રકારના ચરાચર જીવો છે. એ બધા જ મને પ્રિય છે કારણ કે એ બધા મારું સર્જન છે (પણ) મનુષ્ય મને સૌથી વધુ પ્રિય છે.
કદાચ પેલા યુવકના પિતાના સંદર્ભમાં કે કદાચ હરિનામના સંદર્ભમાં બાપુને ‘આબરૂ’ (1968)માં મુકેશજીએ ગાયેલી આ પંક્તિઓ યાદ આવે છેઃ

જિન્હેં હમ ભૂલના ચાહે
વો અકસર યાદ આતે હૈં
બુરા હો ઈસ મોહબ્બત કા
વો ક્યોં કર યાદ આતે હૈં…

‘હરિરુપેણ પુત્રો પ્રગટ કરવા માટે વાલ્મીકિ રામાયણમાં આ બહેન-બેટીઓનો ખૂબ આદરથી ઉલ્લેખ થયો છે. આ પુત્રોએ જ આસુરી શક્તિઓનો નાશ કરીને દુનિયામાં રામરાજ્ચ સ્થાપવામાં મદદ કરી. એ યુવકને હું ફરીવાર કહીશ કે આપણે કોઈકનું ‘કૃત્ય’ છીએ એ યાદ રાખો, જન્મ અને મૃત્યુ વચ્ચેની જે ક્ષણો જીવવા મળી છે એને યાદ રાખો. સાધુઓનું કુળ અને નદીઓનું મૂળ ન પુછાય એવું કહેવાય છે પણ હું કહું છું કે કોઈનાય કુળ કે મૂળને જાણવાની જરૂર નથી. કારણ કે સારા લોકોને પણ એમનો ભૂતકાળ હોય છે અને ખરાબ ગણાતા લોકોને એમનું નવું ભવિષ્ય હોય છે.’

બાપુ કહે છેઃ ‘પ્રત્યેક કથામાં મારો અને તમારો નવો જન્મ થતો હોય છે.’ બાપુની આ વાતમાં સો ટકા સત્ય છે. દરેક કથા સાંભળતી વખતે બાપુમાં કંઈક નવું ઉમેરાયેલું હોય એવું પ્રતીત થાય છે. અને એ જાણીને, સમજીને, જીવીએ તો આપણામાં પણ કશુંક નવું ઉમેરાયેલું અનુભવીએ છીએ. નવું સત્ય ઉમેરાય ત્યારે આપણામાં નિઃસત્ત્વ જે કંઈ હોય તે નાશ પામતું હોય છે. પુનર્જન્મ કદાચ આને જ કહેતા હશે.

વૈશાલીની નગરવધૂ આમ્રપાલી, ઉજ્જૈનની વસંતસેના અને આગ્રાની રામજનીબાઈના સવિસ્તર ઉલ્લેખ કરીને બાપુ કહે છે કે એક જમાનામાં આ ત્રણેય નગરીઓ (ગણિકાઓનાં) કેન્દ્રો હતી. બાપુ ઉમેરે છેઃ પરમાત્માની રચનાઓને ઠુકરાવશો તો શું મળશે? (કંઈ નહીં મળે, માટે જ સ્વીકારી લો). કોઈ એવી રાત નથી હોતી જેને સવાર ન હોય. અને અત્યારે તો મોં સૂઝણું થવાની ઘડી આવી રહી હોય એવું લાગી રહ્યું છે. આ દુનિયામાં કોઈ દેહ વેચીને કમાય છે, કોઈ દિલ વેચીને તો કોઈ દિમાગ વેચીને કમાય છે. (બાપુએ વિવેક રાખીને કહ્યું નહીં પણ કેટલાય લોકો તો પોતાનો આત્મા વેચીને ધીકતી કમાણી કરી લેતા હોય છે).
બાપુનું કહેવું છેઃ પાપી ગંગામાં સ્નાન કરે તો ગંગા અપવિત્ર નથી થઈ જતી, પાપી પાવન થઈ જાય છે.

ચોથા દિવસની કથા સાંભળીને લાગી રહ્યું છે કે દરેક દિવસે કથાની ઊંચાઈ એટલી વધતી જાય છે કે નવમા દિવસે તો એ કૈલાસને આંબી જવાની.

to read this article in English click here

यह लेख हिन्दी में पढ़ने के लिये यहाँ मिलेगा

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here