મારા સ્કૂલના દિવસો—ભાગ ચોથો : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવ : શુક્રવાર, ૧૨ ઑગસ્ટ ૨૦૨૨)

સ્કૂલની કેન્ટીનનો નાસ્તો બહુ ભાવે. ગ્રાઉન્ડ ફ્લોર પર એક નાનકડા અંધારિયા ક્લાસમાં કેન્ટીન હતી. વર્ષો પછી મોટી જગ્યામાં પથરાઈ. જૂની કેન્ટીનમાં મહારાજ પૂરી-શાક, ગાંઠિયા એવો નાસ્તો બનાવે અને રિસેસ પડે ત્યારે પોતે જ બારી પર બેસીને દસ-દસ પૈસામાં કાગળના પડીકામાં આપે. પૂરી-શાકમાં બટાટાના શાકના પાંચ-સાત ટુકડા અને ભેળની પૂરીની સાઇઝની પાંચેક પૂરીઓ-જરાક કડક. ઘરેથી ડબ્બો ન લાવ્યા હોઈએ ત્યારે જ કેન્ટીનમાં ખાવાનું.

દસમા ધોરણ સુધીમાં ઘરેથી નાસ્તાનો ડબ્બો લાવવાનું અલમોસ્ટ બંધ થઈ ગયું હતું. સ્કૂલ છૂટ્યા પછી ટ્યુશન હોય એ દિવસે મમ્મી આગ્રહ કરીને ડબ્બો ભરી આપે. બાકી ૩૫ પૈસાના પૉકેટ મનીમાંથી રિસેસમાં જલસા કરવાના. એ વખતે કોકાકોલા ૩૫ પૈસાની મળે. ટેન્થના ક્લાસમાં મારી બેન્ચ પર મારી બાજુમાં જ બેસતો મારો ખાસ દોસ્તાર કૈલાસ ઘણીવાર કેન્ટીનમાંથી ૩૫ પૈસાની કોક પીએ, મને પણ પીવડાવે. અત્યારે ફૅમિલીનો ડાયમંડનો બિઝનેસ સંભાળતો કૈલાસ ત્યારે પણ મારો એકદમ અંગત મિત્ર. પણ થોડા વખત પછી મેં રિસેસમાં એની સાથે જવાનું બંધ કરી દીધું. એના પૈસે રોજ-રોજ કોકાકોલા પીવાનું ગમે નહીં અને મારા બધા જ પૈસા એક કોક પાછળ ખર્ચી નાખું તો મારે આખો દિવસ ભૂખ્યા રહેવું પડે જે મને ફાવે નહીં કેમ કેબપોરની શિફ્ટ ૧૨.૫૦થી શરૂ થાય અને સાંજે છેક ૬.૧૦એ છુટે.

આ બધી વાતો મોટા થયા પછી હું અને કૈલાસ કોઈ વખત બારમાં બેઠાં-બેઠાં યાદ કરીએ અને આંખમાં આંસુ આવી જાય ત્યાં સુધી હસ્યા કરીએ. કૉલેજમાં આવ્યા પછી, ઇવન પરણ્યા પછી અને બાળકો થયાં પછીય, અમે ચાર દોસ્તારો મળીએ ત્યારે વાત ગમે ત્યાંથી શરૂ થઈ હોય પૂરી થતાં પહેલાં પ્યુપિલ્સના દિવસો આવે, આવે ને આવે જ. હું અને કૈલાસ શાહ અને બીજા બેમાં હેમંત સંઘવી અને કિરણ કોઠારી. કિરણ ‘બી’ ડિવિઝનમાં, અને અમે બેઉ દીનાથવાડીમાં રહેતા. હેમંત મારા જ ક્લાસમાં અને એનું રહેવાનું માટુંગા રોડ સ્ટેશન પાસે. અમારા ચારેયની પત્નીઓ અમારી એકની એક વાતો સાંભળીને થાકી જાય, કંટાળી જાય છતાં અમારું પ્યુપિલ્સપુરાણ પૂરું ન થાય. આ લખતી વખતે મને લાગે છે કે પ્યુપિલ્સના દિવસો વિશે હું કોઈક કિસ્સાઓ નરેટ કરવાનું ચૂકી જતો હોઈશ તો અમારી પત્નીઓની સ્મૃતિમંજૂષામાંથી એ બધી સુવર્ણમુદ્રાઓ કદાચ જડી આવે.

સ્કૂલનો ત્રીજો માળ અમારી નજર સામે બંધાયો. બાંધકામ શરૂ થયું ત્યારે અમે સવારની શિફ્ટમાં હતા એટલે કે છઠ્ઠા કે પાંચમા ધોરણમાં. બાંધકામ પૂરું થયું એ વખતે બપોરની શિફ્ટમાં એટલે કે સાતમા ધોરણમાં.

કુસુમબેન સાફી પહેલા ધોરણનાં વર્ગશિક્ષક હતાં. એ પછીનાં વર્ગશિક્ષકોમાં આલુબેન, કુમુદબેન, સ્મૃતિબેન, મિનાક્ષીબેન, વ્યાસ સર, ત્રિવેદી સર, કલ્યાણીબેન, વીણાબેન અને ટેન્થમાં જયાબેન. કોને યાદ કરીએ ને કોને ભૂલીએ. ઠક્કરસર ઉપરાંત ઝા સર હતા જે ઇતિહાસ-ભૂગોળ ભણાવતા. ડાબા કાંડે રૂમાલ બાંધીને એના પર ઘડિયાળ ચડાવે. એમની નજીક જાઓ એટલે કિમામની મસ્ત ખુશ્બો આવે. ભણાવવાને બદલે જનરલ નૉલેજ બહુ આપે. પરીક્ષા વખતે સમજાવી દે કે શું ઇમ્પોર્ટન્ટ છે ને શું નહીં. બાકી આખું વર્ષ જાતભાતની વાતો કરે. ગુરુવારે ‘ચિત્રલેખા’માં જે વાંચ્યું હોય એનો ઉલ્લેખ શુક્રવારે અચૂક ક્લાસમાં કરે. પેન્ટર સરના હાથ નીચે ભણ્યો નથી પણ એમની પર્સનાલિટી પર સ્કૂલની ઘણી છોકરીઓ મરી ફિટે. એમના વાળની સ્ટાઇલ, કપડાં— બધું અપટુડેટ.

વ્યાસ સર ખૂબ યાદ આવે. લાંબો ફડફડતો રંગીન ઝભ્ભો પહેરીને ચાલે ત્યારે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર એમના પ્રાઇમ ડેઝમાં વ્યાસ સર જેવા જ દેખાતા હશે એવો આભાસ થાય. સ્કૂલની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર એટલે શાળાનો ‘વસંતોત્સવ’ અને આ ‘વસંતોત્સવ’નું કેન્દ્ર એટલે ભૂપેન્દ્રભાઈ વ્યાસ. ટાગોરનું ‘ડાકઘર’ અચૂક ભજવાય.

સિક્સ્થમાં વ્યાસ સર અમારા ક્લાસ ટીચર. મોનિટરની ચૂંટણીમાં સરની લાડકી અને મારી દુશ્મન એવી છોકરી હારી ગઈ ત્યારે મેં બ્લૅકબોર્ડ પર એના ઇલેક્શનનું સિમ્બોલ ઝૂંપડી ચીતરીને એમાં જ્વાળાઓ ઉમેરી હતી. વ્યાસ સર ડ્રૉઇંગ અને હિન્દી ભણાવે. સરે આવીને મારું આ ચિત્ર જોયું. એમણે ચાલુ ક્લાસમાં મને બોલાવીને બધાની વચ્ચે મારા ગાલ પર એક જોરદાર થપ્પડ લગાવી દીધી. પેલી હારી ગયેલી ઉમેદવારનું સ્ત્રીદાક્ષિણ્ય મેં ન સાચવ્યું એવું એમને લાગ્યું કે પછી એમને મારું કઢંગું ચિત્રકામ પસંદ ન પડ્યું, ખબર નથી.

નાઇન્થ-ટેન્થમાં એ છોકરી અને એની બીજી બહેનપણીઓ મારા અને મારા મિત્રોના ફ્રેન્ડ સર્કલમાં ગણાતી થઈ ગઈ હતી.


પાઠક સર બે હતા. એક અંગ્રેજી ભણાવતા અને બીજા ઇકોનોમિક્સ લેતા. એક દિવસ એક દોસ્તારે પૂછેલું : પાઠકસરની અટક શું છે?

પ્યુપિલ્સમાં કંઈ કેટલીયે જાણીતી હસ્તીઓનાં સંતાનો ભણી ગયાં અને કંઈ કેટલાંય વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અહીં ભણીને જાણીતી હસ્તી બની ગયાં. સુરેશ દલાલ જ્યારે ખારમાં બનારસી લસ્સીવાળાની નજીક રહેતા ત્યારે એમણે મોટી દીકરી નિયતિને પ્યુપિલ્સમાં મૂકેલી.

નિવૃત્તિ મુનીમ મારા કરતાં બેએક વર્ષ સિનિયર. ટીના મુનીમ તરીકે તેઓ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં છવાઈ ગયાં. ત્રણ ચાર વર્ષ પહેલાં મારું ‘મહારાજ’ નામનું નાટક ચાલતું હતું ત્યારે એમનાં સાસુ કોકિલાબહેન અંબાણી એ જોવા માટે આવેલાં. નાટક જોઈને એટલાં ખુશ થયાં કે છૂટાં પડતી વખતે મને કહે કે ‘નેકસ્ટ ટાઇમ હું મારી ડૉટર ઇન લૉને લઇને જોવા આવીશ.’ મને એમ કે બહેને વિવેક કર્યો. પણ પછીના ચારેક શો બાદ ટીનાબહેન  સાથે આવ્યાં. ઇન્ટરવલમાં મેં એમને કહ્યું કે ‘હું તો તમને સ્કૂલના દિવસોથી ઓળખું છું’ ત્યારે એમણે પૂછેલું, ‘તમે પણ પ્યુપિલ્સમાં ભણ્યા હતા!’

રાગિણી પણ મારા કરતાં સિનિયર. ગુજરાતી સ્ટેજ, ફિલ્મો અને ટીવી સિરિયલોમાં એમનું નામ ગાજતું થયું એ પહેલાં અમે રાગિણીને એક દમામદાર વ્યક્તિત્વ તરીકે ઓળખીએ. નાટકો દરમિયાન દીપક ઘીવાલા અને રાગિણી મળી જાય ત્યારે પ્યુપિલ્સના દિવસો યાદ કરીએ.

‘મિડ-ડે’માં તંત્રી હતો ત્યારે અઠવાડિયે એકવાર કોઇ ગુજરાતી સેલિબ્રિટીને એમની પસંદગીની જગ્યાએ જમાડીને, જમતાં-જમતાં એમના જીવન વિશે, એમનાં ભાવતાં ભોજન વિશે, એમના બીજા શોખ વિશે વાતો કરીને લખાતી એક સિરીઝ ચાલુ કરેલી. ફોટોગ્રાફર પોતાની રીતે અમને ડિસ્ટર્બ કર્યા વિના ફોટા પાડી લે. આવી એક મુલાકાત વખતે ફાલ્ગુની પાઠક સાથે પ્યુપિલ્સની ઘણી વાતો શેર કરેલી. નવરાત્રીના દિવસો જેમની વાઈબ્રન્ટ હાજરી વિના અધૂરા ગણાય એ ફાલ્ગુની મારા કરતાં જુનિયર.

જે શાળામાં તમે ભણ્યા હો તે સ્કૂલના તમારા ક્લાસમેટ્સ કે તમારાથી સિનિયર-જુનિયર એવા સ્કૂલમેટ્સ સેલિબ્રિટી બની જાય એ પછી એમને મળતા હો ત્યારે કેવો રોમાંચ થાય. ટીના અંબાણી, રાગિણી કે ફાલ્ગુની પાઠકને મળતાં મને એવો જ રોમાંચ થયો છે.

પ્યુપિલ્સ જેવી આદર્શ ગણાતી શહેરની ટોચની શાળામાં ભણવાનું સદભાગ્ય બધાને નથી મળતું. અહીં રેંટિયો કાંતતાં શીખ્યો અને અહીં જ કક્કો-બારાખડી લખતાં શીખ્યો. નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, હરીન્દ્ર-સુરેશ અને નર્મદ, મુનશી, મેઘાણી, ધૂમકેતુનો પરિચય પણ અહીં જ થયો. બે વત્તા બે ચાર પણ આ જ શાળાએ શીખવાડ્યું (જોકે, એ હજુ સુધી મને આવડ્યું નથી). એક જ સ્કૂલમાં તમે પહેલા ધોરણથી એસ.એસ.સી. સુધી ભણો તો કેટલા નસીબદાર ગણાઓ એનો અનુભવ પ્યુપિલ્સમાં થયો. મારા માટે તો ડિવિઝન પણ છેક સુધી એ જ- ‘ક’. એટલે મોટાભાગના દોસ્તારો છેક સુધી સાથે ને સાથે જ.

સ્કૂલમાં સાથે ભણ્યા હોઈએ પણ નિકટ ન આવ્યા હોય એવા મિત્રો પણ કેટલા બધા હોય. જપિન શાહ અને નિશીથ સંઘવી આ જ સ્કૂલમાં પણ અન્ય ડિવિઝનમાં. સ્કૂલમાં હતા તે વખતે પરિચય ખરો પણ દોસ્તી નહીં. સિડનહેમ કૉલેજમાં આવીને એ બંને સાથે પાક્કી દોસ્તી થઈ ગઈ. નિશીથ સાથે બારમાના વેકેશનમાં એક આખો મહિનો સાઉથ ઇન્ડિયાની ટૂર કરેલી. આ બધા દોસ્તારો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીને પોતપોતાના ક્ષેત્રમાં બહુ ઊંચે ગયા. મેં સિડનહેમ છોડીને એન.એમ. પકડી. પછી કૉમર્સ છોડીને મીઠીબાઈમાં આર્ટ્સ શરૂ કર્યું. બેઉ અધૂરાં રહ્યાં. કેટલાક લોકો પોતાની જાતને ડબલ ગ્રેજ્યુએટ કહીને ગૌરવ અનુભવે. હું વટથી કહેતો ફરું કે હું ડબલ અન્ડર-ગ્રેજ્યુએટ છું—કૉમર્સમાં પણ, આર્ટ્સમાં પણ.

મેં સિડનહેમનાં વર્ષોથી જ લખવાનું શરૂ કરી દીધેલું અને નરસી મોનજીમાં એસ.વાય.બી.કૉમ.માં એડમિશન મળ્યું કે તરત ‘ગ્રંથ’ અને ‘પરિચય પુસ્તિકા’ પ્રગટ કરતા પરિચય ટ્રસ્ટમાં ફુલ ટાઇમ નોકરી લઈ લીધેલી. અઢાર વર્ષની ઉંમરે મને યશવંત દોશી અને વાડીલાલ ડગલી જેવા દિગ્ગજોના હાથ નીચે કામ કરવાની તક મળી. એ પછીના ચાર દાયકા દરમ્યાન ઘણો લાંબો પ્રવાસ થયો. ૧૯૮૧માં ‘નિખાલસ’,  એ પછી ‘ચિત્રલેખા’, ‘અભિયાન’ વગેરે સાપ્તાહિકો અને ૧૯૭૯માં ‘પ્રવાસી’, એ પછી ‘સમકાલીન’, ‘મિડ-ડે’, ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’ વગેરે દૈનિકોમાં લખ્યું. ક્યાંક લાંબી ટૂંકી નોકરીઓ પણ કરી. આજની તારીખની મારી મુખ્ય જવાબદારી છે ‘મુંબઈ સમાચાર’માં છેલ્લા પાને પ્રગટ થતી મારી ડેઇલી કોલમ ‘ગુડ મોર્નિંગ’ અને ‘સંદેશ’ની બે વીકલી કોલમો- ‘તડકભડક’ અને ‘લાઉડમાઉથ’.

જિંદગીમાં હું જે કંઈ મેળવી શક્યો એ ગુજરાતી ભાષાને કારણે અને ગુજરાતી ભાષા સાથેનો મારો નાતો જોડ્યો પ્યુપિલ્સ ઓન સ્કૂલ જેવી ગુજરાતી માધ્યમની મહાન શાળાએ. એ વખતે પ્યુપિલ્સની આજુબાજુની કૉન્વેન્ટ સ્કૂલોનાં શાનદાર મકાનો અને વિશાળ ગ્રાઉન્ડ જોઈને વિચાર આવતો કે મારો યુનિફોર્મ કેમ મ્યુનિસિપાલિટીની સ્કૂલ જેવો છે અને અમને કેમ ટાઈ,જેકેટ અને શૂઝ કંપલ્સરી નથી. દર મહિને પાંચ રૂપિયાની ફીથી ભણતર શરૂ કર્યું અને એસ.એસ.સી.માં આવ્યા ત્યારે ફી વધીને દસ રૂપિયા થઈ. એ જમાના હિસાબે પણ આ તદ્દન મામૂલી ફી. ગવર્નમેન્ટ એઇડેડ સ્કૂલોમાં પણ આજે તો તોતિંગ ફીઝ હોય છે. જે વિદ્યાર્થીઓને ના પોસાય એમના માટે પ્યુપિલ્સમાં માફી અને અડધી ફીનો રિવાજ હતો. આને કારણે સૌથી મોટો ફાયદો એ થતો કે સ્કૂલની નજીકની જ જયભારત સોસાયટીમાંથી ચાલીને આવવાને બદલે સ્લીવલેસ બ્લાઉઝ પહેરેલી જેમની મમ્મી સેલ્ફ –ડ્રાઇવ કરીને સ્કૂલે આવે એવા શ્રીમંત નબીરાઓથી માંડીને સ્કૂલમાં પાણી ભરવાનું કામ કરતી બાઈઓનાં ઝૂંપડીમાં રહેતાં બાળકો પણ અમારી સાથે ભણતાં. આને લીધે ન તો તમારા મનમાં કોઈ ઇન્ફિરિયોરિટી આવતી, ન સુપિરિયોરિટી કૉમ્પ્લેક્સ ઊભો થતો. પ્યુપિલ્સ જેવું કલ્ચર એ વખતે મુંબઈમાં અમૂલખ અમીચંદ જેવી કેટલીક શાળાઓમાં જ હતું. આજની તારીખે તો શ્રીમંતોની સ્કૂલ, મિડલ ક્લાસના છોકરાઓની સ્કૂલ અને લોઅર ક્લાસની સ્કૂલ એવા અનેક જડબેસલાક પ્રકારો પડી ગયા છે.

મારું કિસ્મત સારું  કે હું પ્યુપિલ્સની આજુબાજુની કોઈ કોન્વેન્ટ સ્કૂલમાં ભણ્યો નહીં. સિટીલાઇટ સિનેમાથી બીજી ઘણી સ્કૂલો નજીકમાં પડતી. દરેકમાં સ્કૂલબસની સગવડ પણ હતી. પણ એવી કોઈ સ્કૂલમાં મૂકવાને બદલે મારા પિતાએ મને માટુંગા રોડથી છેક ખારની પ્યુપિલ્સમાં મોકલવાનો નિર્ણય કર્યો એ ક્ષણ મારા જીવનની સૌથી ધન્ય ઘડી પુરવાર થઈ.

સ્કૂલમાંથી બહારગામની ઘણી ટ્રિપો થતી. મને એક વાર સિકસ્થમાં નાશિક-ત્ર્યંબકેશ્વરની ટૂરમાં મોકલ્યો હતો. એના પહેલાં થર્ડ સ્ટાન્ડર્ડમાં માથેરાન, જ્યાં અમારો ઉતારો બે હૉટેલોમાં હતો- મોટા વિદ્યાર્થીઓ ‘અશોક’માં અને અમે જુનિયરો એની બાજુમાં આવેલી ‘બૉમ્બે-વ્યુ’માં. એ પછી તો વારંવાર માથેરાન ગયા. માલિક જિમી લૉર્ડ હયાત હતા ત્યાં સુધી ‘લૉર્ડ્ઝ’ ગમતી. ‘રગ્બી’ જ્યાં સુધી રિલાયન્સનું ગેસ્ટ હાઉસ નહોતી બની ત્યાં સુધી ‘રગ્બી’ જ ફર્સ્ટ પ્રેફરન્સ રહેતી. આજની તારીખે ‘બૉમ્બે-વ્યુ’ સાથે ખૂબ લગાવ. નાટકની સ્ક્રિપ્ટ લખવા માટે એકાંત જોઈતું હોય કે પછી મારાં પુસ્તકો એડિટ કરવા એકલા રહેવું હોય તો ‘બૉમ્બે-વ્યુ’નો એક ખાસ કૉર્નર રૂમ દિવસો સુધી મારા માટે બુક રહે. ત્યાં જઈને, ત્રીજા ધોરણમાં ભણતો પ્યુપિલ્સની ટુરમાં આવેલો વિદ્યાર્થી કઈ રૂમમાં રહ્યો હશે એની કલ્પના કરું.

આજે જિંદગી એ મુકામે પહોંચી છે કે પ્યુપિલ્સે જે બોલતાં, લખતાં શીખવાડ્યું એ જ મારા અસ્તિત્વનો આધાર બની ગયું. નર્મદ, મુનશી, ર.વ. દેસાઈ, પન્નાલાલ, મેઘાણી અને ધૂમકેતુના પાઠ જે ‘બાલભારતી’ અને ‘કુમારભારતી’નાં પાઠય પુસ્તકોમાં ભણીને હું ગુજરાતી ભાષા શીખ્યો એ જ ‘કુમારભારતી’ ભણનારા વિદ્યાર્થીઓને ૨૦૧૮થી મારો પણ એક પાઠ શીખવાડવામાં આવશે અને એમાંના કેટલાક વિદ્યાર્થીઓ પ્યુપિલ્સમાં હું જે વર્ગોમાં બેઠો હતો એમાંના કોઈ વર્ગમાં બેસીને એ પાઠ શીખશે.

નાઇન્ટીઝમાં જ્યારે મારાં છોકરાંઓને સ્કૂલમાં મૂકવાનો વખત આવ્યો ત્યારે મારો પ્રથમ પ્રેફરન્સ ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં પ્યુપિલ્સ જ હતો. પણ જાણવા મળ્યું કે આખા મુંબઈમાં હવે ગુજરાતી માધ્યમની શાળાઓમાં શિક્ષણનું સ્તર પહેલાં જેવું રહ્યું નથી. મારા માટે નેક્સ્ટ બેસ્ટ ઑપ્શન એ હતો કે જ્યાં ‘મંગલ મંદિર ખોલો, દયામય મંગલ મંદિર ખોલો’ના રચયિતા નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનાં દોહિત્રી કલ્લોલિની હઝરત પ્રેસિડન્ટ અને કવિ સુરેશ દલાલ વાઇસ પ્રેસિડન્ટ હોય અને જે ઇંગ્લિશ મિડિયમની સ્કૂલ હોવા છતાં આઈ.સી.એસ.સી.ના છેલ્લા વર્ષ સુધી ગુજરાતીનું પેપર હાયર લેવલમાં ભણાવતી હોય. એ સ્કૂલનું ગુજરાતીનું શિક્ષણ પ્યુપિલ્સમાં મેં લીધેલા ગુજરાતીના શિક્ષણ કરતાં સહેજે ઊતરતું નહોતું. મારો મોટો દીકરો જ્યારે બીજા ધોરણમાં ભણતો હતો ત્યારે ટ્રેનમાં મુંબઈથી વડોદરા જતાં સુરત સ્ટેશન આવ્યું અને પાટિયું વાંચીને મને પૂછે કે ‘ ‘સુરત’ની ગુજરાતી જોડણીમાં હ્રસ્વ ઉ અને હિન્દી જોડણીમાં દીર્ઘ ઊ કેમ લખ્યું છે?’

મેં તો એને ક્યારેય આવું શીખવ્યું ન હતું. સાહેબ, ઊંધો સાતડો અને છત્તો સાતડો એવું બોલીને એણે પ્રશ્ન પૂછ્યો હોત તો પણ મારી છાતી ફુલાત. આ તો હ્રસ્વ ઉ અને દીર્ઘ ઊ બોલે છે. કેટલી ગુજરાતી માધ્યમની શાળાઓના ગુજરાતી ભણાવતા શિક્ષકો ઊંધો સાતડો અને છત્તો સાતડોને બદલ હ્રસ્વ-દીર્ઘ બોલતા હશે?

વર્ષો વીતી ગયાં. 1975માં સ્કૂલ છોડી. સવાચાર દાયકા કરતાં વધુ સમય થયો. ત્રણેક વર્ષ પહેલાં સ્કૂલના ટ્રસ્ટીઓને મારું કંઈક કામ હતું એટલે હું એમને મળવા ગયેલો. દાયકાઓ પછી સ્કૂલમાં પગ મૂક્યો. સ્કૂલમાં એ દિવસે રજા હતી. મેં એક ટ્રસ્ટીને કહ્યું કે મને સ્કૂલની ટૂર કરાવો. મેં યાદ કરી-કરીને હું કયા-કયા વર્ષે આમાંના કયા ક્લાસરૂમમાં ભણ્યો હતો એ એમને કહ્યું. સ્મૃતિયાત્રા પૂરી કરતી વખતે હું એમને પહેલા માળની લૉબીની મધ્યમાં લઈ આવ્યો. મેં કહ્યું : ‘સ્કૂલનાં દસ વરસ દરમિયાન જે કામ મેં ક્યારેય કર્યું નહીં અને જે કરવાની અદમ્ય ઇચ્છા આજેય મારા મનમાં ધરબાયેલી છે, એ હું કરું? જો આપની પરવાનગી હોય તો?’

એમણે મારી સામે જોઈને મિશ્ચિવિયસ સ્માઇલ આપીને હા પાડી.

અને મેં તરત કૂદકો મારીને શાળાનો ઘંટ વગાડ્યો.

સ્કૂલનો બેલ વગાડીને મેં લાઇફનો એક પિરિયડ પૂરો કર્યો.

રોજ સવારે પવઈમાં સામેની સ્કૂલના છોકરાઓને કહેરવા તાલના ઠેકા પર ગાતાં સાંભળું છું:

વાસુદેવ ગૌ,
વિશ્વરૂપ તૂ,
ચિદાનંદ હરિ તૂ;
અદ્વિતીય તૂ,
અકલ નિર્ભય,
આત્મલિંગ શિવ તૂ…
ઓમ તત્સત્ શ્રી નારાયણ તૂ,
પુરુષોતમ ગુરુ તૂ;

સિદ્ધબુદ્ધ તૂ,
સ્કંદ વિનાયક
સવિતા પાવક તૂ,
સવિતા પાવક તૂ,
સવિતા પાવક તૂ…

પ્રાર્થના પૂરી થાય છે અને સ્મૃતિમાં પ્યુપિલ્સના ઘંટનો એ રણકાર સંભળાય છે.

(સમાપ્ત)

You can join Saurabh Shah’s WhatsApp group to get regular updates on the articles posted on newspremi.com

Send ‘Hi’ to 90040 99112 to join the group.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

20 COMMENTS

  1. સૌરભ ભાઈ તમે તો કમાલ કરી મારું બાળપણ મને યાદ કરાવી આપ્યું જાણે મારી નજરની સામે થી પસાર થયુ હું પણ ગુજરાતી સ્કૂલમાં ભણેલો છું

  2. Very nice article. Cleared SSC in 1992 i.e. however nothing much chang. In our time we used to get only Vada pav and samosa in the canteen. Proud to be part of golden jubilee celebrations in 85 at Kshanumukanad auditorium where Kalyanji Anandji night was organised.

  3. હું તો જ્યારે પણ પણ પૂપિલ્સ ઓન સ્કૂલ નુ નામ આવે ત્યારે ભાવુક બની જાઉં છું.
    English medium school કરતા જરા પણ ઉતરતું ઇંગ્લિશ નથી આપણું.
    મને ગર્વ છે કે હું ગુજરાતી માધ્યમ માં ભણી અને એક એટલી અદભૂત શાળા જ્યાં સાહિત્ય, અને દરેક પ્રવૃતિ માટે તૈયાર કર્યાં હતા અને કોઈ પણ સ્વાર્થ વગર
    તમારો ખૂબ આભાર. અમારું 1986 નું pupils besuties નામનું whatsapp group ma a લેખ મૂકી ને બધાં ને સરસ્વમજની ભેટ આપું છું

  4. Enjoyed all yrs article about our school
    Our old school canteen Maharaj used to make lovely Chivado on Saturday we used to enjoy
    I passed 11 th in 69 so senior to u
    Yrs time this May not be practice. In our time no soft drinks in our school
    Saurabh u bunked the school period to watch movie?
    In imaginable in our times
    At the most on Saturday we had morning school so after school and lunch we friends used to go to watch movie in Neptune Theatre Oppo Bandra station or to Bandra talkies that was the practise
    Our school is The Best
    I was in B class from 5 to 11 th std
    Always had 11 th rank
    Never 12 th or 10th
    U reminded that to me
    Enjoyed all yrs article
    Thxs

  5. Bahu j sudar lakahan…mane pan mara school na divso yaad aavi gaya…bai kabibai high school..canteen ladies ( baa) jewdi umar na chalavta hata..50p ma ragada pav maltu…jeno swad aajeevan nahi bhulai evo….prem thi aapta…picnic matheran gaya hata…maneklal terrace ma rokaya hata….tyanu khavanu vakhnatu hatu..nikadwana divse pooran poli…jamadta…tya na sheth pote piraswa aavta…yaad aa gaya wo goojra jamana …

  6. Shri Saurabhbhai,
    Very good artical. Old memories specially teacher’s names is recollected. Your last sentence of your wish for ringing bell is really touched my heart.
    Expecting more articles like this.
    Thank you

  7. હજૂ એક સારો દિવસ☀️ પસાર થયો. અદભૂત લખ્યું

  8. સૌરભભાઈ, કાંદીવલીમાં ” સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિધાલય ” માં ધોરણ 1 થી 10 ( s.s.c ) સુધી ભણતર લીધુ ગુજરાતી માધ્યમમાં, આજે પણ whattsapp પર gang of sardar group થી એકબીજા સાથે ટચમાં છીએ. તે વખતના શિક્ષકો આજે પણ યાદ આવે કારણકે માતા-પિતા પછી જીવન ઘડતર માં તેમનો પણ વિશેષ ફાળો છે.

  9. મારા સ્કુલ ના દિવસો માં ના આપના લેખ મા અમુલખ
    અમીચંદ ભીમજી વિવિધલક્શી વિદ્યાલય માટુંગા નુ નામ વાંચી ને ખુબ જ ઞમયુ.હું પારસ બાવચંદ ઘાટલીયા અમુલખ
    અમીચંદ મા બાલમંદીર થી એસ. એસ. સી. સુધીનુ ભણતર પૂરું કરેલ છે. આપનો પ્રતિભાવ આપશોજી.

  10. જીવનના અમૂલ્ય મૂલ્યૌની જીવંત ઈમારત પ્યુપિલ્સ …… આ મંદિરમા ભણનારા હરેક વિદ્યાર્થીઓને આનો ગર્વ…. આપનો ખૂબ ખૂબ આભાર…. આપની આ શ્રેણી પ્યુપિલ્સ ના અમારા ફેસ બુક પર શેર કરી છે…

    • hi Nilay Jai Jalaram,

      Felt very happy to know that u also follow saurabhbhais article.

      Saurabh bhai thank u very much.

      u are always an inspiration to us and whether some body likes or not your article it is always good.

      • Jai jalaram Dharmendra …. saurabh sir ne hu ek j school ma hata e Emna article parthi j khabar padi..
        Aapna thi ghana senior… pupils ma me principal Bihari bhai Joshi sir ni niche bhantar puru karyu. Sir na lekh ma badha teacher and principal ne hu indirectly olkhu kem k Mara mummy aa j school ma bhanya hata khar na ekdam old resident Daksha Randeri…. laxmi nivas khar station ni same no ek Matra bungalow emno…. mummy ne aakhi shreni khub j gami…. amara school na face book page par khub j saras pratibhav aavya che….

  11. ખૂબ મઝા પડી. જૂના મિત્રોના નામ વાંચીને સ્મૃતિ સળવળી ઉઠી. તારી પ્રગતિ વિશે ખૂબ ગર્વ અનુભવું છું. ઈશ્વર તને સુખ, શાંતિ અને સારી health આપે.

  12. સોરભભાઇ તમે કોન્વેન્ટ સ્કુલ માં ન ભણ્યા નો આફસોસ નહીં હોવાનું જણાવ્યું તેમાં તમને વસવસો રહી ગયો હોય તેમ લાગે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here