લૉકડાઉન પછી પરિસ્થિતિ ક્યારે થાળે પડશે : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગઃ મંગળવાર, 18 ઑગસ્ટ 2020)

કોરાનામાંથી ક્યારે મુક્તિ મળશે એનો જવાબ શોધવાની કોશિશ ચાલી રહી છે ત્યાં જ બીજા એક મોકાણના સમાચાર આવ્યા છે.

વિશ્વના નિષ્ણાતોનું કહેવું છે કે કોરોના પછી દુનિયામાં આપઘાતનું પ્રમાણ વધી જશે, માનસિક રોગીઓ ઘણા વધી જશે.

આવા સંજોગોમાં આપણે શું કરવું?

સૌ પ્રથમ તો તમને કહી દઉં કે કોરોનાના આ સમયમાં અંગત રીતે હું કોઈ કરતાં કોઈ તકલીફોમાંથી પસાર થઈ રહ્યો નથી. કોઈ જાતનું જોખમ લીધા વિના, માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સિંગ વગેરેની હન્ડ્રેડ પર્સેન્ટ કાળજી લીધા પછી જ ઘરની બહાર નીકળવું એવા નિયમનું ચુસ્ત પાલન થાય છે. લિફ્ટમાં જતાં આવતાં બટન દબાવવા માટે દર વખતે નવા ટિશ્યુ પેપર વાપરવાના. બહારથી જે કંઈ ખરીદાઈને આવે તે બધાં પેકેટો સેનિટાઈઝ કર્યા પછી જ વાપરવાના અને શાક-ફળ વગેરેને દસ મિનિટ માટે ખાવાના સોડાવાળા પાણીમાં ડૂબાડ્યા પછી થોડા કલાક કોરા કરીને વાપરવાના કે ફ્રિજમાં મૂકવાના. બહારથી આવીને પગરખાં ઘરના દરવાજાની બહારના પેસેજમાં ઉતારીને પ્રવેશવાનું અને સ્મશાનેથી આવીને પહેલું કામ નહાવાનું કરીએ એમ માથે શેમ્પુ ચોળીને નૉર્મલ સાબુને બદલે ડેટોલ જેવા સાબુથી નહાઈ લેવાનું. બહાર જવા માટે પહેરેલાં કપડાં અલગથી ધોઈ નાખવાનાં. ઘરમાં કામ કરવા માટે આવનારાઓ માટે પેઈડ લીવ રાખી છે. ક્યારેક કોઇ બહારની વ્યક્તિ આવે, ગેસ આપવા માટે કે પછી કશુંક રિપેર કરવા કે ઇન્સ્ટૉલ કરવા તો માસ્ક- સેનેટાઈઝિંગ- ડિસ્ટન્સિંગની પૂરેપૂરી તકેદારી રાખવાની. બહારનું ખાવાનું તદ્દન બંધ. બહારથી તૈયાર ખાવાનું ઘરે મગાવવાનું પણ સંપૂર્ણપણે બંધ. ભલે અમુક પિઝાવાળા કહેતા હોય કે અમારા પિઝા અનટચ્ડ હોય છે તો તેમના પર પણ ભરોસો નહીં મૂકવાનો. શું નાસી જાય છે? પિઝા, સેવપૂરી, દહીં મિસળ, પાણીપુરી કે ઇડલી-સંભારની જાણીતી રેસ્ટોરાં યાદ આવે એ ઠીક છે. પણ ઘરમાં એ બધું જ બની શકે છે.

મૉલમાં શૉપિંગ કરવા જવા ક્યારે મળશે, મલ્ટીપ્લેક્સમાં પિક્ચરો જોવા ક્યારે મળશે એની ચિંતા છોડી દેવાની.

બહાર કશું ખરીદ્યું હોય તો રોકડાના વહેવાર કરવાનો નહીં. બને ત્યાં સુધી પેટીએમ કે ગૂગલ અથવા તો પછી કાર્ડ. ન છૂટકે રોકડા આપવા પડે એમ હોય ત્યાં છુટા પૈસા પાછા ન લેવા પડે એવી ગણતરી કરીને ખરીદી કરવાની. આમ છતાં પૈસા પાછા આવે તો સિક્કા જતા કરવાના, નોટોને ઘરે આવીને સેનેટાઈઝ કરીને બે દિવસ મૂકી રાખવાની.

હળદર-આમળાંનો જયુસ તો ઘણા વખતથી સવારના ડિટોક્સનો એક હિસ્સો છે જ. આ ઉપરાંત ખાવાપીવામાં પહેલેથી કાળજી રખાય છે. હવે પ્રીકૉશન્સ વધ્યાં છે. આટલું કર્યા પછી પણ કોરોના ઘરમાં નહીં જ આવે એની કોઈ ખાતરી નથી એટલે બેદરકાર તો ન જ રહેવાય. પણ આટલું કર્યા પછી નિશ્ચિંત રહીને જે રોજનું કામ છે એમા એકાગ્ર બનીને ખૂંપી જવાય.

હવે હું જે વાત કરવાનો છું. તે અનુભવ પરથી નહીં પણ મારા પર્સેપ્શનથી કરી રહ્યો છું.

કોરોનાનો કાળ ક્યારે પૂરો થાય અને ક્યારે બધું નૉર્મલ થઈ જાય એવું વિચારવાનું બંધ કરવું. આ જ પરિસ્થિતિ કાયમ માટે રહેવાની છે (હાલાંકિ રહેવાની નથી) એવું વિચારીને જિંદગીનાં તમામ રૂટિન્સ ગાઠવી દેવાં. (લૉકડાઉને મને એક જ ટંકનું ભોજન લેતાં કરી દીધો છે જેને કારણે ભોજનનો સ્વાદ વધી ગયો છે અને શરીરની સ્ફ્રુર્તિ વધી ગઈ છે. હવે મારા માટે આ ન્યુ નૉર્મલ છે.) મૉલમાં શૉપિંગ કરવા જવા ક્યારે મળશે, મલ્ટીપ્લેક્સમાં પિક્ચરો જોવા ક્યારે મળશે એની ચિંતા છોડી દેવાની. એ બધું જેટલું બને એટલું જલદી શરૂ થાય એવી ભગવાનને પ્રાર્થના જરૂર કરવાની પણ એના વિશે ન તો કોઈ વિચારો કરવાના કે ન એ માટે ઉતાવળ રાખનારાઓને કોઈ સમર્થન આપવાનું. ઑનલાઈન શૉપિંગ અને નેટફ્લિક્સ જેવાં અનેક ઓટીટી હવે ન્યુ નૉર્મલ છે. ઘરે રહીને જ બને એટલું કામ કરવાનો આગ્રહ રાખવાનો. ન છૂટકે જ કામની જગ્યાએ જવાનું.

કોરોનાનો કાળ લાંબો ચાલે કે ટૂંકો – ભારત અત્યારે જેટલું સમૃદ્ધિ પામ્યું છે એના કરતાં અનેકગણી રીતે આર્થિક સમૃદ્ધિ મેળવવાનું છે એમાં કોઈ જ શંકા નથી.

આવકમાં ફેરફારો થાય એટલે ઝડપથી ખર્ચમાં પણ ફેરફારો કરવાના હોય. મનમાં કોઈ સંતાપ રાખ્યા વિના, જાત પર દયા ખાધા વિના આવા ફેરફારો સ્વીકારી લેવાના. બીજા વિશ્વયુદ્ધ સમયે આનાથી વધારે કફોડી સ્થિતિ હતી—સમગ્ર યુરોપની. 1929-30ના મહામંદી વખતે તો એથી ય કપરા સંજોગો અમેરિકામાં સર્જાયા હતા. (એ વખતના સમયનું સહી ચિત્રણ કરતું ‘સિન્ડ્રેલામૅન’ જોયું કે નહીં તમે? મેં કહ્યું તો હતું તમને.)
મહામંદીના માર પછી અને બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થયા પછી અમેરિકા-યુરોપે કેવી સડસડાટ સમૃદ્ધિ જોઈ એનો ઇતિહાસ આપણી આંખ સામે જ છે.

કોરોનાનો કાળ લાંબો ચાલે કે ટૂંકો – ભારત અત્યારે જેટલું સમૃદ્ધિ પામ્યું છે એના કરતાં અનેકગણી રીતે આર્થિક સમૃદ્ધિ મેળવવાનું છે એમાં કોઈ જ શંકા નથી. વચ્ચે આ જરા રફ પૅચ આવ્યો છે એટલું જ. વિમાન પ્રવાસમાં ક્યારેક બે-પાંચ મિનિટ માટે ફલાઇટ બમ્પી નથી થઈ જતી? નૉર્મલ છે એ. હાઇવે-એક્સપ્રેસ વે પર પણ નાના નાના રફ પૅચ આવતા જ હોય છે. તમારા પોતાના જીવનમાં નથી આવ્યા? મોદી- અંબાણી- બચ્ચનના જીવનમાં પણ આવ્યા છે.

માટે જે ને-સેયર્સ છે, સતત નકારાત્મકતાની વાછૂટ કરનારા છે, એમની દુર્ગંધથી દોરવાઈ ન જવું. એમનાથી દૂર થઈ જવું, એમને દૂર કરી દેવા. જેમનો સ્વભાવ જ નેગેટિવ છે, જેમને આ દેશ માટે, મોદી માટે, આપણી ધાર્મિક-સામાજિક વ્યવસ્થા માટે ઊંધું જ બોલવું છે એમને આપણા મનના પૂજા રૂમના જેવા ઘીના દીવાની, અસલ ચંદનની અગરબત્તીની તથા પ્યોર કપૂરની મહેકથી મઘમઘતા વાતાવરણમાં શું કામ આવવા જ દેવા? પ્રદૂષણ છોડવા?

કપરું છે. ઘણું કપરું છે લૉકડાઉનમાં નવસેરથી જિંદગી ગોઠવવાનું. પહેલાં કેવું હતું કે ઘરમાં સૌ કોઈ સાંકડેમાંકડે ગોઠવાઈ જતા, એકબીજાને અનુકૂળ થઈ જતા, એકબીજાને પૂરતી સ્પેસ મળી રહે એવી એટિટ્યુડ રાખતા.

વન રૂમ કિચન, વન બેડરૂમ કિચન, ટુ બેડરૂમ – થ્રી બેડરૂમ કે પછી ડુપ્લે કે બંગલો. ઘરમાં ન ગોઠતું હોય ત્યારે બહાર નીકળી જતા. બાપા સાથે નથી બનતું? સાંજે એ આવે એટલે દોસ્તારો સાથે ગલીના નાકે ગપ્પાં મારવા નીકળી જતા, બાપા ઊંઘી જાય પછી પાછા આવવાનું. પત્ની સાથે કંઇક ખટકયું? ફ્રેન્ડને બારમાં બોલાવી મૂડ પાછો લઈ આવ્યા. પતિ સાથે ખટક્યું? ફ્રેન્ડ સાથે શૉપિંગમાં ઉપડી ગયા. સ્કૂલમાં ભણતાં બાળકો બહુ કચકચ કરે છે? માસીને ત્યાં મોકલી દીધા. ટીન એજર સંતાનો માથે ચડી ગયાં છે? પૉકેટ મનીનો વધારાનો હપતો આપીને એમને રખડવાની મંજૂરી આપી દીધી.

ફૅમિલીમાં સૌ કોઈને એકબીજાની સાથે હન્ડ્રેડ પર્સેન્ટ બને એવું ભાગ્યે જ હોય. કોઇકને કોઇકનું કંઇક નડતું હોય, બીજાને તમારું કંઇક ખટકતું હોય.પણ લૉકડાઉન પહેલાં એના ઇલાજો હતા. હવે ઘરમાં ને ઘરમાં રહેવાનું. નાની જગ્યામાં વધારે સભ્યો હોય ત્યાં વધારે તકલીફ થવાની. અગાઉ જે તકલીફો નિવારી લેતા હતા તે તકલીફો હવે બિલોરી કાચ તળે મૂકાઈને વિકરાળ લાગવાની.

અઠવાડિયું પંદર દિવસ માટે ક્યાંક ફરવા ગયા હોઇએ ત્યારે ઘર જેવી સગવડો બધે ન મળે તો કેવી રીતે ચલાવી લેતા હોઈએ છીએ.

જો તમે સદ્દભાગી હશો, જો તમને લૉકડાઉન પહેલાં તમારાં માતાપિતા / દીકરોદીકરી / પતિ-પત્ની સાથે ચોવીસે કલાક, સાતેય દિવસ, ત્રણસોએ પાંસઠ દિવસ રહેવાનું આકર્ષણ રહેતું હતું તો અત્યારે લૉકડાઉનમાં તમારો આનંદ વધી ગયો હશે. પણ નાનામોટા મતભેદો હશે તો એ ખાઈ અત્યારે વધારે પહોંળી થતી જશે. માનસિક રોગચાળો ફાટી નીકળશે કહેનારા નિષ્ણાતોએ આ વાતને ધ્યાનમાં રાખીને આગાહી કરી હશે.

આવા સંજોગોમાં ‘જતું કરવું’ એ જ શ્રેષ્ઠ ઇલાજ છે. જીદ પર અડી જવાને બદલે, હશે – કોરોના કેટલા દિવસ છે? એવું વિચારીને ટેમ્પરરી એડજસ્ટમેન્ટ કરી લેવું. અઠવાડિયું પંદર દિવસ માટે ક્યાંક ફરવા ગયા હોઇએ ત્યારે ઘર જેવી સગવડો બધે ન મળે તો કેવી રીતે ચલાવી લેતા હોઈએ છીએ. એવી જ મેન્ટાલિટી રાખવી. શક્ય છે કે કોરોનાનો ગાળો પૂરો થયા પછી આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ જીવનમાં ત્યાં સુધી જણવાઈ જાય કે તમે પરમેનન્ટલી તમારાં પેરન્ટસ, સ્પાઉઝ, બાળકો સાથે એડજસ્ટ કરતાં થઈ જાઓ. એ પણ આવું શીખી ગયા હોય અને જીવન જાણે નંદનવન બની ગયું હોય એવું લાગે.

જોકે બહુ આશાઓ રાખવી નહીં અને ઝાઝા સપનાંઓ જોયા વિના અત્યારનો કાળ કકળાટ, કલેશ, કજિયા- કંકાસ- કલેહથી મુક્ત રહે એટલી તકેદારી લઈએ તો ય ઘણું.

ઘરમાં રહેવાનું ડિફિકલ્ટ થઈ જાય અને બહાર હરવા ફરવાનું બંધ થઈ જાય એટલે નકામા વિચારોથી મન ઊભરાઈ જાય એ સ્વાભાવિક છે. ડિપ્રેશનની આ શરૂઆત છે. સુસાઈડની લાગણીના જન્મનું આ પહેલું પગથિયું છે. જે રીતની જિંદગી જીવ્યા છીએ એવી જિંદગી હવે જીવવા મળવાની નથી એવી હતાશામાં સરી પડવાને બદલે— અરે વાહ, હવે કંઇક નવું કરવાનો મોકો મળ્યો છે તો જોઇએ કે આ નવી તરાહની જિંદગી કેવી ફાવે છે—એવા ઉત્સાહથી વિચારવું. આ કંઈ પેપ ટૉક નથી, મોટિવેશનિયા પ્રવચનકારો/ લેખકો જેમ ખોટેખોટો પાનો ચડાવે એવી વાત નથી. લાઇફમાં ખરેખર કંઇક નવું કરવાની, નવી રીતે જીવવાની તક કુદરતે સામે ચાલીને આપી છે. નોકરી જતી રહી હોય કે પગાર અડધો થઈ ગયો હોય કે ધંધો બેસી ગયો હોય તો કામચલાઉ ધોરણે સાદગી, કરકસર અને બચતના પાઠને અમલમાં મૂકવાનો આ ઉત્તમ અવસર છે. આ દિવસો કાયમ માટે રહેવાના નથી. ખેલ ખતમ થઈ ગયો નથી. પ્રોજેક્ટરમાં એક રિલ ઊંધી મૂકાઈ ગઈ હતી તે ઉતારીને ફરીથી વીંટાળીને પ્રોજેકશન શરૂ થશે એટલે ફિલ્મ પાછી શરૂ થઈ જવાની. એમાં તે શું વળી મોટી વાત છે? પગે ફ્રેકચર થયું હોય તો ઘણાને છ-છ મહિનાનો ખાટલો નથી આવતો? એમ સમજી લો કે એકાદ હાડકું ભાંગ્યું છે જે સાજું થઈ ગયા પછી ફરી દોડતા થઈ જઈશું. કેટલીક વાર અમુક અઠવાડિયા- મહિના માટે ખાવામાં કેટલીક ચીજોથી દૂર રહેવાનું એવી સૂચના આપવામાં આવે છે ત્યારે શું આભ તૂટી પડતું હોય છે માથા પર?

કોરોનાથી તો બચીએ જ. આવી રહેલા સુસાઇડ પેન્ડેમિકથી, મેન્ટલ હેલ્થના ઇશ્યુઝથી બચવાની પણ આજથી જ તૈયારી કરીએ.

અમારી સોસાયટીમાં એક અતિ બુઝુર્ગ પંજાબી દંપતિ રહે છે. દાદા નેવીના નિવૃત્ત કમાન્ડર છે. લૉકડાઉન પહેલાં અમે જયારે સાંજે નીચે ઉતરીએ ત્યારે આ સુંદર દંપતિ એમની મંડળી સાથે સર્કલ બનાવીને ખુરશીમાં બેઠું હોય. હું એમની પાસે જઇને બે હાથ જોડીને પગે લાગું. દાદી બે મને આશીર્વાદરૂપે બે શબ્દો કહેઃ ખુશ રહો…

મને આ બે શબ્દો ખૂબ ગમે. જયારે તેઓ જોવા મળે ત્યારે આ બે શબ્દો સાંભળવા એમની પાસે પહોંચી જઉં. કોરોનાને લીધે હવે તેઓ નીચે નથી ઉતરતા પણ એમના આશીર્વાદ સતત મારી સાથે હોય છે. આજે આ વડીલોના એ આશીર્વાદને મિત્રભાવે તમારા સૌની સાથે વહેંચી દઉં છું:

ખુશ રહો.

આજનો વિચાર

બાપદાદાઓની સલાહ હતી કે પાંચ વર્ષની આવક હાથમાં હોય તો જ પોતાનું ઘર ખરીદવાનો વિચાર કરવાનો.

—અજ્ઞાત

3 COMMENTS

  1. No need to Suicide ,
    Saurabh Bhai ne Shabdo thi Mali lo to pan ye Suicide jevi Bimari thi Bachi Javay ..
    Sushant Singh bhi ekad baar Mil Gaya Hota to ye nobat Nahi Aati …

    KHUSH RAHO …
    Panjabi Prasadi Distribute kari Aetale Ashirvad to Malashe jj …

  2. લૉકડાઉન ને લીધે newspremi સાથે નાતો બંધાયો. ગયા વરસે જ્યારે અચાનક સૌરભભાઇ ની ગૂડ મોર્નિંગ કોલમ મુંબઇ સમાચારમાં બંધ થઈ ગઇ ત્યારે શાં માટે આ થયુ એ ખબર નહોતી. લોકડાઉન ના શરૂઆત ના દિવસો માં YouTube સર્ફિંગ કરતા સૌરભભાઇ નો કાંદિવલી ની સભાનો વિડિયો જોઇ ને newspremi ની ખબર પડી. ત્યારથી newspremi નો આશિક બની ગયો.મારા મતે લોક્ડાઉન એ એવી પરિસ્થિતિ છે કે જેમાં વ્યક્તિની સાચી ઔકાત તેને પોતાને તેમજ બીજાઓને ઉજાગર થાય છે. Stay positive stay healthy keep distance with others

  3. કોરોના વિષે ની તમારી સાવચેતી જોઈ ને કોરોના ના વિષાણુ આપસમાં વાત કરતા હશે કે ભાગો અહીં થી નહીંતર આપણને saurabh shah થઇ જશે ,કોઈ દવા કામ નહીં આવે,લખી લખી ને મરી જશો ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here