પંડિત જસરાજ ગાતા હોય ત્યારે ધ્યાનસ્થ ઋષિ જેવા લાગતા: સૌરભ શાહ

(‘ગુડ મૉર્નિંગ ‘ : મંગળવાર, 18 ઑગસ્ટ 2020)

વર્ષોની સાધના અને તપસ્યાથી તપીને તેજસ્વી થયેલો ખુલ્લો રણકતો અવાજ હવે ક્યારેય લાઈવ સાંભળવા નહીં મળે. રેકૉર્ડિંગથી જ સંતોષ માનવાનો.

છેલ્લાં ચાર-પાંચ વરસથી દર વર્ષે પંડિત જસરાજને સ્ટેજ પર સંગીત પ્રસ્તુત કરતાં જોઇને મન છલકાઈ જતું. નેવું વર્ષનું આયુષ્ય માણ્યું. 2016માં મુંબઈમાં ‘આઠ પ્રહર’ નામનો શાસ્ત્રીય સંગીતનો 24 કલાક સુધી અખંડ ચાલતો મહોત્સવ પહેલીવાર યોજાયો—સાયનના ષણ્મુખાનંદ હૉલમાં. સવારે છ વાગ્યે કાર્યક્રમ શરૂ થાય. મોડી રાત્રે, મધરાત પછી, પંડિત જસરાજનું આગમન થાય. પરવીન સુલતાનાથી શરૂ થયેલી સંગીતયાત્રાની પૂર્ણાહુતિ જસરાજજીથી થાય. 2016 પછી દર વર્ષે અચૂક જવાનું. જસરાજજીની શારીરિક સ્વાસ્થતા દર વર્ષે ક્રમશઃ ઓછી થતી જાય છે એવો અણસાર આવે. પણ આલાપ શરૂ કરે એટલે તમે ભૂલી જાઓ કે એમની ઉંમર શું છે. એમને વર્ષો સુધી પ્રત્યક્ષ જોયા-સાંભળ્યા એવો સંતોષ થાય છે આજે. અને એમનો સૂરજ મધ્યાહ્ને તપતો હતો ત્યારે શાસ્ત્રીય સંગીતનું કોઈ આકર્ષણ નહોતું એનો અફસોસ પણ થાય છે.

ભારતીય શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે પંડિત જસરાજ એટલે માઉન્ટ એવરેસ્ટ જેટલું ઊંચું નામ. વી. શાંતારામનાં દીકરી મધુરા સાથે એમનાં લગ્ન થયાં. સારંગ દેવ એમનો દીકરો. દુર્ગા જસરાજ દીકરી. દુર્ગા જસરાજે જ ‘આઠ પ્રહર’નું આયોજન શરૂ કર્યું હતું.

આખું ઑડિટોરિયમ ભાવવિભોર બની જતું, જ્યારે પંડિત જસરાજનો ઘૂંટાયેલો અવાજ હૉલના ખૂણે ખૂણે ફરી વળતો ત્યારે

બનારસમાં પંડિતજીને યાદ કર્યા હતા. સંકટમોચન હનુમાનનાં દર્શન કરવાં ગયા ત્યારે જાણકારી મળી કે દર વર્ષે આ મંદિર પરિસરમાં યોજાતા સંગીતસમારંભમાં પંડિત જસરાજ અચૂક આવે. કોઈ ફી કે આવવા-જવાનું ભાડું લેવાની વાત તો બાજુએ રહી, ફાઇવ સ્ટાર હૉટેલની સુવિધા ત્યજીને મંદિરમાં જ બાંધવામાં આવેલી બિલકુલ સાદી-નાનકડી ઓરડીમાં રહે. અમે એ જોઈ. જગત આખામાં કીર્તિ ફેલાયા પછી પણ હનુમાનજી માટે, સંગીત માટે આટલું ડેડિકેશન.

ગાતા હોય ત્યારે ધ્યાનસ્થ ઋષિ જેવા લાગતા. આપોઆપ મનોમન વંદન થઈ જાય.

એમનું ‘ગોવિંદ દામોદર માધવેતિ’ નામનું આલ્બમ મને વર્ષોથી ખૂબ ગમે. ભગવાન કૃષ્ણ અમારા ઇષ્ટદેવ-શ્રીનાથજી બાવા એમનું જ સ્વરૂપ. નાનપણથી ઘરમાં, મોસાળમાં, દેવગઢ બારિયાના રણછોડજીના મંદિરમાં સાંભળ્યાં હોય એ સ્તવનો, ભજનો, સ્તુતિઓ મોટા થઈને પંડિત જસરાજના આ આલબમમાં સાંભળ્યાં ત્યારે ટ્રાન્સમાં પહોંચી ગયાની અનુભૂતિ થાય. આ લેખની સાથે એની લિન્ક આપવાની કોશિશ કરું છું.

મારી ‘મહારાજ’ નવલકથા પરથી 2013ના ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં નાટક બનાવતા હતા ત્યારે એમાં 1860ના ક્રાંતિકારી પત્રકાર કરસનદાસ મૂળજીનો રોલ ભજવતા મલ્હાર ઠાકર (હા, એ જ. આજના સુપરસ્ટાર) પંડિત જસરાજે ગાયેલા આ શબ્દો પર લિપસિન્ક કરતા તે દ્રશ્ય રિહર્સલો વખતે જોવાની જેટલી મઝા આવતી એટલી જ શોમાં આવતી. આખું ઑડિટોરિયમ ભાવવિભોર બની જતું, જ્યારે પંડિત જસરાજનો ઘૂંટાયેલો અવાજ હૉલના ખૂણે ખૂણે ફરી વળતો ત્યારે:

કરાર વિન્દે ન પદાર વિન્દમ્,
મુખાર વિન્દે વિનિવેશ યન્તમ્.
વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ્,
બાલમ્ મુકુંદમ્‌ મનસા સ્મરામિ.

(વટવૃક્ષનાં પાંદડાં પર વિશ્રામ કરતા, કમળસમાન પગને કમળ સમાન હાથથી પકડીને પોતાના કમળરૂપી મુખમાં જેણે ધારણ કર્યા છે તે બાળ સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણનું મનમાં સ્મરણ કરું છું)

શ્રી કૃષ્ણ ગોવિન્દ હરે મુરારી,
હે નાથ નારાયણ વાસુદેવ.
જિવ્હે પિબસ્વામૃતમેતદેવ,
ગોવિન્દ દામોદર માધવેતિ.

(હે નાથ, મારી જીવ્હા કેવળ તમારાં વિભિન્ન નામો (કૃષ્ણ, ગોવિન્દ, દામોદર, માધવ વગેરે)નું અમૃતમય રસપાન કરતી રહે)

વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા,
મુરારિ-પદાર્પિત-ચિત્ત-વૃત્તિઃ.
દધ્યાદિકમ્ મોહવસાદ વોચદ્,
ગોવિન્દ દામોદર માધવેતિ.

(ગોપિકાઓ દૂધ-દહીં-માખણ વેચવાના ઇરાદે ઘરેથી નીકળી તો છે પણ ચિત્ત બાલમુકુન્દ (મોરારી)ના ચરણારવિન્દને એ રીતે સમર્પિત થઈ ગયું છે કે પ્રેમવશ પોતાની સુધબુધ ખોઈને ‘દહીં લો દહીં’ને બદલે મોટે મોટેથી (કોઈ) ‘ગોવિન્દ-દામોદર-માધવ વગેરે (લો)’ એવું જોર જોરથી પોકારવા લાગી છે.)

સુખાવસાને તુ ઈદમેવ સારમ્,
દુઃખાવસાને તુ ઇદમેવ ગેયમ્.
દેહાવસાને તુ ઇદમેવ જાપ્યં,
ગોવિન્દ દામોદર માધવેતિ.

(સુખનો અંત આવે ત્યારે એનો આ જ સાર છે, દુઃખનો અંત થાય ત્યારેય આ જ ગાવા યોગ્ય છે અને શરીરનો અંત આવે એ સમયે પણ આ જ જપવા યોગ્ય છેઃ હે, ગોવિન્દ, હે દામોદર, હે માધવ.)

પંડિતજીના સ્વરમાં ગવાયેલું મધુરાષ્ટકમ્ પણ માણવા જેવું છે. ‘મહારાજ’માં એનો પણ ઉપયોગ કર્યો હતોઃ
અધરમ્ મધુરમ્, વદનમ્ મધુરમ્, નયનમ્ મધુરમ્, હસિતમ્ મધુરમ્, હૃદયમ્ મધુરમ્, ગમનમ્ મધુરમ્, મધુરાધિપતે અખિલમ્ મધુરમ્…

(તમારા હોઠ મધુર છે, મુખ મધુર છે, આંખો મધુર છે, સ્મિત મધુર છે, હ્રદય મધુર છે, ચાલ મધુર છે, મધુરતાના ઇશ્વર હે શ્રીકૃષ્ણ! તમારું સર્વસ્વ મધુર છે)

ગયા વર્ષે ધ્રુપદ સંગીત વિશેનાં કેટલાંક પુસ્તકો મગાવ્યાં ત્યારે ગુન્દેચા બ્રધર્સ રચિત ‘સુનતા હૈ ગુરુ જ્ઞાની’ પણ અનાયાસે હાથમાં આવ્યું. એમાં વિશ્વવિખ્યાત ધ્રુપદ ગાયકો ઉમાકાન્ત, રમાકાન્ત અને અખિલેશ ગુન્દેચાએ દેશના શીર્ષસ્થ સંગીતજ્ઞો સાથેની મુલાકાતો પ્રગટ કરી છે. આમાંની એક મુલાકાત પંડિત જસરાજની છે. એ ઇન્ટરવ્યુમાંથી પ્રાપ્ત થતી માહિતીના આધારે જસરાજજીના જીવનકર્મ વિશે જાણીએ તેમજ શાસ્ત્રીય સંગીતની કેટલીક બાબતો વિશે જાણીએ એ પહેલાં આ મહામૂલા પુસ્તકના એક રચયિતાને યાદ કરી લઈએ.

મને તો શાસ્ત્રીય સંગીતમાં રાગ વિશે, ગાયકી વિશે કે સૂર વિશે એક ટકાનીય સમજ નથી. આયમ કમ્પલીટલી બ્લૅન્ક. પણ મને આ સંગીત સાંભળવું ગમે છે. એમાં તન્મય થઈ જવું ગમે છે.

ગુન્દેચા બંધુઓનું નામ ધ્રુપદ ગાયકીના ક્ષેત્રે પ્રથમ પંક્તિનું નામ ગણાય.ઝિયા ફરિદુદ્દીન ડાગર અને એમના ભાઈ ઝિયા મોહિયુદ્દીન ડાગરને ગુરુપદે સ્થાપીને ગુન્દેચા બંધુઓએ ધ્રુપદ સંગીતમાં સાધના કરી. 1981માં ગુન્દેચા બંધુઓએ ભોપાલ સ્થાયી થઈને ગુરુકુળની સ્થાપના કરી જ્યાં પ્રાચીન ગુરુશિષ્ય પરંપરા મુજબ ધ્રુપદ સંગીત શીખવાડવામાં આવે છે.

ગયા વર્ષે ‘આઠ પ્રહર’નો કાર્યક્રમ ચાલતો હતો ત્યારની આ વાત છે. દર વર્ષે ઉમાકાન્ત ગુન્દેચા અને રમાકાન્ત ગુન્દેચાની ધ્રુપદ સંગીતની જુગલબંધી સાંભળવા મળે. એમની પ્રખર પ્રતિભાએ મને ધ્રુપદમાં રસ લેતો કર્યો જે રસ બીજા બે મહાન ગાયકોને (પંડિત ઉદય ભવાલકર અને ચિંતન ઉપાધ્યાયને) સાંભળીને આગળ વધ્યો. મને તો બહુ મોડેથી જાણકારી મળી કે પરંપરાગત શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે ધ્રુપદ ગાયકી વન ઑફ ધ મોસ્ટ ડિફિકલ્ટ ગાયકીનો પ્રકાર છે. ઘણો ઉચ્ચ પ્રકાર છે અને એટલો શુદ્ધ છે કે ક્લાસિકલ મ્યુઝિકની કૉન્સર્ટ્સની કમર્શિયલ સરકીટમાં એના કળાકારોની એટલી ડિમાન્ડ નથી જેટલી અન્ય કળાકારોની હોય છે કારણ કે જેમને શાસ્ત્રીય સંગીતમાં સમજ પડે છે એવા રસિક શ્રોતાઓમાંથી પણ ધ્રુપદને માણવાવાળા કમ્પેરેટિવલી ઘણા ઓછા હોય છે.

મને તો શાસ્ત્રીય સંગીતમાં રાગ વિશે, ગાયકી વિશે કે સૂર વિશે એક ટકાનીય સમજ નથી. આયમ કમ્પલીટલી બ્લૅન્ક. પણ મને આ સંગીત સાંભળવું ગમે છે. એમાં તન્મય થઈ જવું ગમે છે. વાદ્ય દ્વારા કે કંઠ દ્વારા— કોઈપણ રીતે કાન સુધી પહોંચે ત્યારે સીધું હ્રદયના સૌથી ઊંડા ખૂણે સ્થાયી થઈને મનના ભાવોમાં ગજબના પલટા લાવતું હોય છે —શાસ્ત્રીય સંગીત. ધીમે ધીમે મને વેસ્ટર્ન ક્લાસિકલમાં રસ પડવા માંડ્યો અને હું એની કૉન્સર્ટ અટેન્ડ કરતો થયો. આ વર્ષના આરંભથી મેં દક્ષિણ ભારતીયો જેમાં ખૂબ આગળ વધ્યા છે એવા કર્ણાટકી સંગીતની કૉન્સર્ટમાં જવાનું શરૂ કર્યું. ફિલ્મી સંગીતથી શરૂ કરીને ગઝલ-સંગીત સુધી પહોંચેલી એક શ્રોતા તરીકેની મારી યાત્રા ધ્રુપદ સુધી આવી એનો મને આનંદ છે.

દુઃખની વાત એ કે 2019ના ‘આઠ પ્રહર’ના કાર્યક્રમમાં ગુન્દેચા બ્રધર્સનું નામ જાહેર થયું હતું, કાર્ડમાં છપાઈ ગયું હતું પણ રવિવાર, 10 નવેમ્બરે તેઓ હાજર નહીં. 8 નવેમ્બરના શુક્રવારે હાર્ટ એટેક આવ્યો અને રમાકાન્ત ગુન્દેચા 57 વર્ષની આયુએ સ્વર્ગવાસી થયા. સ્વાભાવિક છે કે શાસ્ત્રીય સંગીતનું આખું વિશ્વ શોકમાં ડૂબી ગયું. પણ શો મસ્ટ ગો ઑન. ‘આઠ પ્રહર’ના કાર્યક્રમમાં એમના માટેનો ત્રણ કલાકનો સ્લૉટ ખાલી પડ્યો. નાનાભાઇ રમાકાન્તજીના મૃત્યુ પછી ઉમાકાન્તજી એકલા હાજરી આપે અને ગાઈ શકે એવી કોઈ શક્યતા વિચારી શકાય પણ નહીં. ગુન્દેચા બ્રધર્સ જેમના શિષ્ય હતા તે ડાગર બંધુઓના એક અન્ય શિષ્યનો સંપર્ક કરવામાં આવ્યો. એમનું પણ ધ્રુપદ સંગીતમાં એટલું જ વિરાટ નામ. પંડિત ઉદય ભવાલકર. પણ તેઓ પોતાના ગુરુભાઈના શોકમાં સહભાગી થવા પૂણેથી ભોપાલ જવા નીકળી ગયા હતા. 9મીએ અંતિમવિધિ હતી. પંડિત ઉદય ભવાલકરની એ પછી ઢાકામાં કૉન્સર્ટ હતી. એ કૅન્સલ કરીને ઉદયજીએ ગુરુભાઈને શ્રદ્ધાંજલિરૂપે ‘આઠ પ્રહર’ના ખાલી પડેલા સ્લૉટમાં આવવાનું આમંત્રણ સ્વીકાર્યું. પંડિત ઉદય ભવાલકરને પણ ‘આઠ પ્રહર’માં તેમ જ અન્યત્ર સાંભળ્યા છે, ખૂબ માણ્યા છે. પણ દસમી નવેમ્બરે એમની ગાયકીમાં જે દિવ્યતા અનુભવી તે અવર્ણનીય છે. શબ્દોમાં બોલ્યા વિના માત્ર સૂર દ્વારા પોતે જેમની સાથે એક ગુરુ નીચે વર્ષો સુધી ભણ્યા હોય, શીખ્યા હોય, જીવ્યા હોય એમને ખરી શ્રદ્ધાંજલિ આપવી હોય તો કેવી રીતે અપાય તે ષણ્યુઆનંદમાં બેઠેલા હજારો શ્રોતાઓએ પ્રત્યક્ષ અનુભવ્યું.

પંડિત ઉદય ભવાલકર પણ પૂણેમાં ગુરુકુળ પદ્ધતિથી ગુરુશિષ્ય પરંપરાને આગળ વધારીને ધ્રુપદની તાલીમ આપે છે. એમના એક શિષ્ય ગુજરાતી છે—ચિંતન ઉપાધ્યાય. ધ્રુપદમાં રસ પડ્યો પછી ચિંતન સાથે ઓળખાણ થઈ, ક્રમશઃ મૈત્રીમાં પરિણમી. ઉદયજીની કૉન્સર્ટમાં તમને પાછળ, જમણી તરફ તાનપુરા સાથે જોવા મળશે. ચિંતન ભાવનગરના છે. એમના વિશે મેં લખ્યું છે અગાઉ. હવે મુંબઈ સ્થાયી થયા છે. પૂણે રહીને પંડિત ઉદય ભવાલકર પાસે વર્ષો સુધી શીખ્યા. એ પહેલાં પણ અનેક વર્ષો તપશ્ચર્યા કરી. પૂણે રહેતા ત્યારે ગુરુશિષ્ય પરંપરા મુજબ ગુરુના ઘરે જ રહેવાનું. ગુરુનાં નાનાં મોટાં કામ પણ પોતે ઉપાડી લેવાનાં.
બજારમાંથી શાક લાવવાનું હોય, બાળકોને સ્કૂલે મૂકવા જવાનું હોય… ચિંતન ઉપાધ્યાયને સાંભળવા પણ એક લહાવો છે. ભવિષ્યમાં એમનું નામ પણ ડાગર બંધુ ગુન્દેચા બંધુ અને પંડિત ઉદય ભવાલકરની હરોળમાં મૂકાતું થઈ જાય એવી એમની સાધના છે, ટેલેન્ટ છે, નિષ્ઠા છે.

ધ્રુપદ ગાયકીમાં સંગત માટે તબલાંનું નહીં પણ પખવાજ (કે પખાવજ)નું મહત્વ ઘણું છે. સાઉથમાં એને મૃદંગમ્ કે મૃદંગ કહે. આ પખવાજ કે મૃદંગ આપણા સંગીતનું સૌથી જૂનું તાલવાદ્ય. તબલાં કરતાં તો ઘણું જૂનું. શાસ્ત્રીય સંગીતનો જન્મ ક્યારે અને કેવી રીતે થયો એની વાતો અભ્યાસીઓ સાથે બેસીને જાણવા મળે એ પહેલાં જો આ વિશે જાણી-માણી લેવું હોય તો અહીં મેન્શન થયેલા કોઈપણ સર્જકનું ધ્રુપદ ગાન સાંભળશો તો ખ્યાલ આવશે કે સંગીતનો જન્મ કેવી રીતે થયો- એટલું પ્યોર ફૉર્મ છે એનું.

પખવાજ હવેલી સંગીત માટેનું પણ એક અનિવાર્ય વાદ્ય ગણાય. હવેલી એટલે વલ્લભાચાર્યજીએ સ્થાપેલી વૈષ્ણવ પરંપરાને જેમણે આગળ વધારી તે સૌએ પેઢી દર પેઢી ભગવાન શ્રીકૃષ્ણ બાળસ્વરૂપની આરાધના કરવા માટે જે મંદિરો બનાવ્યાં તેને હવેલી કહેવાય. (હિન્દી ફિલ્મોમાં ઠાકુરની હવેલીઓ આવે તે સાવ જુદી. એની સાથે સ્નાનસૂતકનોય સંબંધ નહીં) આ મંદિરોમાં કૃષ્ણસ્તુતિ માટે ગવાતાં પદો જે શૈલીમાં ગવાય તે શૈલી હવેલી સંગીત તરીકે શાસ્ત્રીય સંગીતમાં ઓળખાઈ. પંડિત જસરાજને હવેલી સંગીતમાં ખૂબ ઊંડો રસ.

પંડિત જસરાજજી સાથે કેટકેટલી વાતો સંકળાયેલી છે. બાકીની કાલે.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

2 COMMENTS

  1. નમસ્તે વીડીયો ક્લીપ બહૂજ ઓછી મળે આવે સારી સંગીત ની વીડીયો ક્લીપ મોકલતા રહેશો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here