પાપ અને પુણ્યનો હિસાબ કેવી રીતે થતો હશે

તડકભડક

સૌરભ શાહ

પાપ એટલે ખરાબ કામ અને પુણ્ય એટલે સત્કાર્ય એટલી જ વ્ચાખ્યા કરીએ ખરાબ કામ કોને કહેવું અને સારું કામ કોને કહેવું એ નક્કી કરવાનું દરેક વ્યક્તિની પોતાની નીરક્ષીર વિવેકબુદ્ધિ પર છોડી દઈએ.

તમે બે કામ પુણ્યનાં કર્યાં અને એમાં બીજાં બે સારાં કામ વધુ ઉમેર્યાં એટલે તમારુ પુણ્યનો સરવાળો થયો ચાર. હવે તમે એક પાપ કરો છો તો ચારમાંથી એક જાય એટલે ત્રણ તમારા પુણ્યનો સરવાળો ચારમાંથી ઘટીને ત્રણ થઈ ગયો એવું નથી. પુણ્ય ચારનાં ચાર રહે છે. એ ચારેય સત્કાર્યનું જીવનમાં તમને જે સુખદ ફળ મળવાનું છે તે મળશે જ. સાથેસાથ પેલા એક પાપનું પરિણામ પણ તમારે ભોગવવાનું જ છે. આજે નહીં તો આવતીકાલે તમારે એ વાત બદલ સહન કરવાનું જ છે.

આજે વધારે ખવાઈ ગયું છે તો કાલે ચાલો એક ટંક ઉપવાસ કરી નાખીએ જેથી પેટની ગરબડ દૂર થઈ જાય એવું પાપપુણ્યમાં નથી હોતું. બહુ વાત થઈ. ગયા તો હવે થોડાં પુણ્યકાર્યો કરી નાખીએ જેથી પાપ ધોવાઈ જાય એવું નથી બનવાનું.

પાપ કદી ધોવાતાં નથી. પુણ્યનો સુખદ બદલો પણ મળવાનો જ છે. આ બેઉ સત્ય યાદ રાખવાં. કેટલાક પાપીઓ, યાને જિંદગીમાં ધંધામાં સતત ખોટાં કાર્યો કરનારાઓ વિચારતા હોય છે કે પાપી પેટને ખાતર મારે જુઠ્ઠું બોલીને માલ વેચવો પડે છે, નકામી અને હાનિકારક દવાઓ પેશન્ટના ગળે ઉતારવી પડે છે, તકલાદી માલ બનાવીને ગ્રાહકોને છેતરવા પડે છે, કાળાંબજાર કરવાં પડે છે, ભક્તોને-શિષ્યોને ઉલ્લુ બનાવવા પડે છે, કોચિંગ ક્લાસ ચલાવીને વિદ્યાર્થીઓને ઊઠાં ભણાવવા પડે છે, મોટિવેશન સ્પીકર બનીને ભોળા શ્રોતાઓની કોણીએ ગોળ લગાડવો પડે છે, મતદારોને ખોટાં વચનો આપીને ચૂંટણી જીતવાનાં કારસ્તાનો કરવાં પડે છે, હોદ્દાનો દુરૂપયોગ કરીને મજબૂર લોકો પાસેથી એમનો કામ કરાવવા હરામની કમાણી કરવી પડે છે- તો ચાલો હવે પુણ્યકાર્ય પણ કરી લઈએ. જ્ઞાતિની સંસ્થામાં ગરીબ વિદ્યાર્થીઓના ફંડ માટે થોડા પૈસા આપીને પુણ્ય કમાઈ લઈએ. બગીચામાં બાંકડા બેસાડીને, જનરલ વોર્ડના દર્દીઓને મફત દવા-ફ્રુટ્સ વહેંચીને કે પરબડી બંધાવીને, સદાવ્રત ખોલીને, અપંગોમાં વ્હીલચેર્સ વહેંચીને, પર્યાવરણની રક્ષા કાજે બે પૈસાનું દાન કરીને, વાઘ-સિંહ-વ્હેલ બચાવીને કે ટાઢમાં ઠુંઠવાતા ભિખારીના શરીર પર ધાબળો ઓઢાડીને પુણ્ય કમાઈ લઈએ જેથી દિલ પરનો બોજ હળવો થઈ જાય.

એરણની ચોરી કરીને સોયનું દાન કરનારાઓએ એરણની ચોરીની સજા ભોગવવી જ પડતી હોય છે- અને તે પણ આ જ જન્મમાં. ઉતરવાનો કદીય તમારી ઉધારી બાકી રાખતો જ નથી. જે કંઈ લેવડદેવડ છે તેનો તમારા જીવતેજીવ હિસાબકિતાબ થઈ જ જતો હોય છે.

જો તમે સત્કાર્યો કર્યાં હશે તો તમારી ભલાઈનો બદલો તમને મળવાનો જ છે- આજે નહીં તો આવતીકાલે. જો તમે કોઈને કનડ્યા હશો તો કુદરત તમને કનડવાની જ છે- આજે નહીં તો આવતીકાલે. 

બીજી એક વાત પણ સમજવા જેવી છે. અહીં બદલો વહેલોમોડો મળે છે પણ જરૂરી નથી કે એવું સ્વરૂપ તમે કરેલા કામની સાથે મેચ થતું હોય. સમજાવું. તમે કોઈ ભૂખ્યા માણસને રોજીરોટી આપીને એનું ભવિષ્ય ઉજ્જવળ કર્યું. તો તમારું ભલું કોઈક બીજા જ વિષય કે ક્ષેત્રમાં થાય એવું બને. તમારા સંતાનને ઉચ્ચ અભ્યાસ માટે સારી યુનિવર્સિટીમાં કે શિક્ષણ સંસ્થામાં એડમિશન અપાવીને કુદરત તમને ભૂખ્યા માણસના માટે કરેલા પુણ્યનો બદલો આપી શકે છે.

એ જ રીતે તમે કોઈને એનું સારું કાર્ય કરતાં અટકાવો છો, એના યજ્ઞમાં હાડકાં નાખો છો તે જરૂરીનથી કે કુદરત તમારા બિઝનેસમાં આડી આવે. કુદરત કદાચ એવું કરે કે તમે લાડકોડથી ઉછેરેલી અને ભવ્ય પ્રસંગ ઉજવીને પરણાવેલી તમારી દીકરીને એના દારૂડિયા, કજિયાખોર, દેવાળિયા, લંપટ પતિથી ત્રાસીને તમારા ઘરે પાછી મોકલે અને તમારે પછી આજીવન એને આશ્રય આપવો પડે.

હજુય એક વાત. કુદરતના હિસાબકિતાબની ફાઈન પ્રિન્ટ ગજબની હોય છે. તમે જેનું ભલું કર્યું છે એ જ વ્યક્તિ તમારું ભલું કરશે એવી બાર્ટર સિસ્ટમ પણ અહીં નથી. તમે કોઈનું ભલું કર્યું, એ તમને ભૂલી ગયો, અણીના સમયે તમને કામ ન આવ્યો, એટલું જ નહીં તમારો ઉપકાર ભૂલીને તમારો વિરોધી પણ બની ગયો. ભલે કંઈ નહીં તમે એના પર કહેલો ઉપકારનો બદલો તમને એની પાસેથી ન પણ મળે, નહીં જ મળે. કોઈ બીજી વ્યક્તિ તમારા પર ઉપકાર કરી જશે.

એ જ રીતે તમે જેનું બગાડ્યું છે તે વ્યક્તિ કદાચ તમારું ન પણ બગડે અને તમે નિશ્ચિત થઈ જાઓ કે એનામાં તાકાત નથી મારું બગાડવાની પણ તમારું એ પાપ કોઈ ત્રીજાના છાપરે ચડીને પોકારશે. કોઈ ત્રીજી જ વ્યક્તિ તમારું બગાડશે. તમને થશે કે મેં તો આનું કશું બગાડ્યું નથી, કે નથી હું ક્યારેય એને નડ્યો. તો પચી શું કામ એ મારે આડે આવ્યો? પણ આ હિસાબકિતાબ સરભર કરી લેવાની પ્રભુની અકાઉન્ટિંગ પદ્ધતિનું એક પાસું છે.

બસ, આટલું સમજીએ તો જીવનમાં કોઈ દુઃખ આપત્તિ સમાન લાગવાનું નથી.

પાન બનારસવાલા

સારું કામ કરવા માટે સારા લોકોની સાથે કામ કરવું જોઈએ. તમારી આસપાસનું વાતાવરણ સારું હશે, સારા લોકોથી બનેલું હશે, પરસ્પરનો આદરભાવ હશે, વિશ્વાસ હશે તો જ તમે સારાં કામો કરી શકશો.

-રણબીર કપૂર (અભિનેતા)

(સંદેશ, સંસ્કાર પૂર્તિ, રવિવાર, 13 મે 2018)

6 COMMENTS

  1. Saurabhbhai just want to say that if Mr A does some wrong to Mr B it definitely means that it is the result of some wrong doing of Mr A of some other person but it definitely means that Mr B has definitely done some wrong to Mr A either in this or some prior births

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here