નાના નાના અન્યાયો : સૌરભ શાહ

( લાઉડમાઉથ: ‘સંદેશ’, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૨૩ મે ૨૦૨૩)

દરેક શહેરમાં જાત જાતની ઉપયોગી સંસ્થાઓ ચાલતી હોય છે, પણ સંસ્થાઓ ચલાવવી એક થૅન્કલેસ જૉબ છે. સારું કામ કરો તોય ટીકા કરનારા નીકળી જ આવે. મારા એક મિત્ર એક સંસ્થા ચલાવે છે. નિજાનંદ માટે. બીજા શબ્દોમાં કહો તો પાઈની પેદાશ નહીં અને ઘડીની ફુરસદ નહીં જેવી પ્રવૃત્તિ કરે છે. એમને પોસાય એમ છે.

સંસ્થામાં છસોએક સભ્યો સંકળાયેલા છે. એમના ડે ટુ ડે વર્કની જવાબદારી એમણે પોતાના એક અંગત મિત્રને સોંપેલી છે. એ મિત્ર પણ વિનામૂલ્યે સેવા આપે છે, ફરજ બજાવે છે. કન્ફ્યુઝન ના થાય એટલે મારા મિત્રને ‘મિત્ર’ અને એમના મિત્રને ‘મૅનેજર’ કહીશું. મૅનેજર માત્ર કહેવા ખાતર, બાકી એ પણ, આગળ કહ્યું એમ, એમના અંગત મિત્ર જ છે.

સંસ્થાની પ્રવૃત્તિઓને કેવી રીતે હૅન્ડલ કરવી એના નીતિનિયમો વગેરે લેખિત છે અને સૌ મેમ્બર્સને એની જાણકારી જોડાતી વખતે જ આપી દેવામાં આવી છે. ક્યારેક કોઈ સભ્ય નિયમ બહાર જઈને કોઈ પ્રવૃત્તિ કરે તો મૅનેજર એ સભ્યને વિવેકથી સમજાવે, ટપારે પણ ખરા – એમની એ ફરજ છે. મારા મિત્ર અને મૅનેજર વચ્ચે પણ ખાસ્સી એવી ચર્ચા પછી નક્કી થઈ ગયું છે કે સંસ્થામાં કઈ પ્રવૃત્તિઓ ન જ થવા દેવી, કઈ પ્રવૃત્તિઓને ઉત્તેજન ન આપવું.

એક દિવસ મારા મિત્ર મૂંઝવણ લઈને આવ્યા. મૅનેજરે સંસ્થાના એક સભ્ય સામે કડક હાથે કામ લીધું હતું. ચાર જણાની હાજરીમાં એક સભ્યને ટપારવામાં આવ્યા હતા. મેં મિત્રને કહ્યું, એમાં ખોટું શું છે? તમે જ તો મૅનેજરને એ જવાબદારી સોંપી છે. મિત્ર કહે, વાત બરાબર છે પણ આમાં મૅનેજરની ક્યાંક ભૂલ થઈ છે, જે સભ્યને બધાની વચ્ચે ટપારવામાં આવ્યા એમણે સંસ્થાના નીતિનિયમો વિરુદ્ધ કંઈ નથી કર્યું, મૅનેજરે જરા વધારે કડક હાથે કામ લીધું છે.

મિત્ર માનતા હતા કે ભલે મુદ્દો સાવ મામૂલી હોય પણ મૅનેજરે આવું નહોતું કરવું જોઈતું. મૅનેજરના આવા વલણથી બીજા સભ્યો પર સંસ્થાની છાપ ખોટી પડે.

મેં એમને સાંભળીને આટલા મુદ્દા કહ્યા:

૧. મૅનેજરે જે કર્યું તે તમારી સાથે નીતિનિયમોના અમલીકરણની બ્રૉડ પૉલિસી વિશે વાત થયા પછી એમને જે લાગ્યું, એમણે અમુક નિયમ જે રીતે ઈન્ટરપ્રીટ કર્યો તે પ્રમાણે જ કર્યું છે. મૅનેજરના ઈન્ટરપ્રીટેશનમાં ભૂલ હોઈ શકે, એમની દાનતમાં ખામી ન હોઈ શકે, કારણ કે તમે જેમ વગર સ્વાર્થે આ સંસ્થા ચલાવો છો એમ એ તમારા અંગત મિત્ર હોવાને નાતે તમારી સંસ્થાના મૅનેજમેન્ટમાં વગર સ્વાર્થે સેવા આપી રહ્યા છે. આ એક વાત.

૨. બીજી વાત એ કે મૅનેજરનું એરર ઑફ જજમેન્ટ હોવા છતાં આ મુદ્દો એવો ક્ષુલ્લક છે કે એનાથી કોઈ સભ્યને કે સંસ્થાને લાંબા ગાળાનું તો શું, ટૂંકા ગાળાનું પણ કોઈ નુકસાન નથી એટલે વાત આગળ ન વધારવી જોઈએ, જ્યાં છે ત્યાં પૂરી કરો.

૩. ત્રીજી સૌથી મહત્ત્વની, વાત એ કે મૅનેજરે તમારી સંસ્થા માટે બીજા પચાસ ઉપયોગી નિર્ણયો લીધા છે, એના અમલીકરણ માટે સમય-શક્તિ ખર્ચ્યાં છે. સંસ્થાના સભ્યો તમને સંસ્થા ચલાવવામાં મદદ કરતા નથી અને સભ્યો તો આવશે ને જશે. મૅનેજર જેવા નિષ્ઠાવાન અંગત મિત્રો તમારા માટે આટલો સમય ફાળવે અને પોતાની નિપુણતાનો લાભ આપે એવા લોકો કેટલા? તમે મૅનેજરના એ નિર્ણય સાથે સહમત ન હો તે છતાં અને પેલા સભ્ય સાચા હોવા છતાં તમારે મૅનેજરને કંઈ કહેવું ન જોઈએ. જાહેરમાં તો નહીં જ અંગતપણે પણ નહીં. અન્યથા, આવા દરેક નાનામોટા નિર્ણય લેવાના આવશે ત્યારે એમને મૂંઝવણ થશે – એમની નિર્ણયશક્તિ ખોરવાઈ જશે, છેવટે સંસ્થાને જ નુકસાન થશે.

જિંદગીમાં અનેકવાર એવી પરિસ્થિતિ સર્જાતી હોય છે જ્યારે તમારી વાજબી ફરિયાદ પણ કોઈએ સાંભળી ન હોય. હું કોઈ સરકારી કે મૉલની દુકાનમાં કરેલી ફરિયાદોની વાત નથી કરતો જેમાં ફરિયાદ સાંભળવામાં ન આવી હોય ત્યારે ગ્રાહક સુરક્ષા ફોરમને વચ્ચે લાવવી પડે. કૌટુંબિક, સામાજિક કે નાનીમોટી ઑફિસો-દુકાનોમાં કામ કરતા લોકોની વાત છે.

બહોળા કુટુંબમાં તમારી સામે કોઈ વાતે અન્યાય થયો હોય, દાખલા તરીકે નાનપણમાં તમારી માતાએ તમને કોઈ અન્યાય કર્યો હોય તો પિતાએ તમારી ફરિયાદને કાને ન ધરી હોય એવું બની શકે, કારણ કે પિતા માટે તમારી માતા જે રીતે ઘરની વ્યવસ્થા સંભાળે છે તે મહત્ત્વનું છે. ક્યારેક માતાએ ઓવરબોર્ડ જઈને પોતાની સત્તાનો વિસ્તાર કર્યો હોય તો પિતા ચલાવી લે, કારણ કે આવી નાની નાની વાતોમાં જો એ તમારી માતાને લગામમાં રાખવા જશે તો મા એક તો હતોત્સાહ થઈ જશે અને બીજું, બધા જ નિર્ણયો લેવાની જવાબદારી એ તમારા પિતા પર નાખતી થઈ જશે જેને કારણે ઘરનું રોજનું કામકાજ, રૂટિન, ખોરવાઈ જશે.

સામાજિક કાર્યોમાં પણ આવું બની શકે. તમે જે નાનીમોટી ઑફિસ – દુકાન – ફેકટરીમાં કામ કરતા હો ત્યાં પણ જો તમને અન્યાય થતો હોય ત્યારે વિચારવું જોઈએ કે અલ્ટીમેટલી અહીં તમે કેટલા કામના છો અને તમને તથાકથિત અન્યાય કરનારી વ્યક્તિ કેટલી કામની છે.

આ સમજવું એટલા માટે જરૂરી છે કે આપણે સાચા હોઈએ ત્યારે એને તરત ઈગો ઈશ્યૂ બનાવી લઈને અન્યાય કરનારા સામે તલવાર કાઢીને ધસી જતા હોઈએ છીએ (કેટલાક તો પોતે ખોટા હોય ત્યારે પણ પોતાની એબ છુપાવવા અને સામેવાળાને ડરાવવા આવું કરતા હોય છે.) સાચા હોવાથી બીજાના પર દાદાગીરી કરવાનું લાઇસન્સ મળી જતું નથી. અન્યાય થતો હોય (આવી વાતોએ) ત્યારે દર વખતે વિક્ટિમાઈઝ્ડ ફીલ કરીને જંગ છેડવાની જરૂર હોતી નથી.

જીવનમાં કજિયો, કંકાસ અને ક્લેશ આવી ઝીણીઝીણી વાતોથી જ સર્જાતો હોય છે. સહનશીલતા કે ધીરજ ગુમાવીને આપણે પોતે જ આપણા સોના જેવા સ્વભાવનું મૂલ્ય બીજાઓ કથિર જેટલું આંકે એવું વર્તન કરતા થઈ જઈએ છીએ. મોટાં મોટાં યુદ્ધો જીતવાં હશે તો નાનીમોટી લડાઈઓમાં હાર સહન કરી લેવાની એવી સલાહ આજથી ૩૫ વરસ પહેલાં એક મિત્રે મને આપી હતી. મેં સામે જવાબ આપ્યો હતો કે નાની નાની લડાઈઓમાં પણ જે હારી જાય તે ક્યારેય મોટું યુદ્ધ જીતવાની આશા ન રાખી શકે.

તે વખતે હું એવું માનતો પણ એ મારી ભૂલ હતી તે વર્ષો વીતતાં ગયાં એમ મને સમજાતું ગયું. સંરક્ષણકળામાં જેને વ્યૂહાત્મક પીછેહઠ કહે છે એનું જીવનમાં કેટલું મહત્ત્વ છે તે મોડે મોડે સમજાય છે. સારું છે, સમજાયું તો ખરું.

સાયલન્સ પ્લીઝ

સૌથી અઘરું કામ કરવાની જવાબદારી હું સૌથી આળસુ માણસ પર નાખું છું. મને ખબર છે કે સહેલાઈથી એ કામ કરવાની કોઈ રીત એ શોધી જ કાઢવાનો!

– બિલ ગેટ્સ

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. સચોટ વાત , ખૂબ સુંદર પ્રસ્તુતિ સૌરભભાઈ 💐

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here