ઘણી કરવા જેવી ભૂલો મેં નથી કરી એ મારી ભૂલ છે, હરકિસન મહેતાએ કહ્યું હતું : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : ન્યુઝપ્રેમી.કૉમ, ગુરુવાર, ૨૫ મે ૨૦૨૩ )

આજે હરકિસન મહેતાની જન્મ જયંતી. ૧૯૨૮ની ૨૫મી મે એમનો જન્મદિવસ. એમન સગા ભાણેજ નગીનદાસ સંઘવી જેવું જીવ્યા હોત તો આજે એ 95 વર્ષના હોત, ફુલ્લી એક્ટિવ હોત, ‘ચિત્રલેખા’ને ધમધોકાર ચલાવતા હોત અને ‘અંત-આરંભ’ પછી બીજી ઓછામાં ઓછી ડઝનએક નવલકથાઓ લખી ચૂક્યા હોત.

પત્રકારત્વના ક્ષેત્રોના મારા ત્રણ વિદ્યાગુરુઓ. યશવંત દોશી, જેમને હું 18 વર્ષની ઉંમરે પહેલી વાર મળ્યો. હસમુખ ગાંધી, જેમને 19 વર્ષની ઉંમરે મળ્યો અને હરકિસન મહેતા, જેમને 20 વર્ષની ઉંમરે. ત્રણેય પત્રકાર શિરોમણિઓના હાથ નીચે વર્ષો સુધી કામ કર્યું અને ત્રણેયના ગયા પછી એમના પ્રભાવ તળે હજુ એ કામ કરી રહ્યો છું.

યશવંતભાઈ પાસેથી ભાષાની સુઘડતા-સ્વચ્છતા શીખવા મળી. ગાંધીભાઈ પાસેથી વિચારોની સ્પષ્ટતા અને હરકિસનભાઈ પાસેથી અભિવ્યક્તિની સરળતા શીખવા મળી. આ ત્રણેય મહાન વડીલોના આશીર્વાદને કારણે આપણી દુકાન ચાલતી રહી છે.

હરકિસનભાઈમાં ગજબની ન્યુઝ સેન્સ હતી. છાપામાં કોઈ નાનકડા સમાચાર વાંચે તો એમની ઘ્રાણેન્દ્રિય કહી દે કે અઠવાડિયા-પંદર દિવસ પછી આ સમાચારનું મહત્વ કેટલું વધવાનું છે. એ જમાનામાં ‘ચિત્રલેખા’નું કવર પેજ ઘણું વહેલું છાપી દેવું પડે. કવર સ્ટોરી ઘણી વખત તો અઠવાડિયા 10 દિવસ પહેલાં તૈયાર કરી રાખવાની હોય. એનો સબ્જેક્ટ 15-20 દિવસ અગાઉ નક્કી થઈ જાય. હરકિસનભાઈની દીર્ઘ દ્રષ્ટિ અને વિષયની માવજત એવાં કે ગુરુવારની સવારે તમે ‘ચિત્રલેખા’ વાંચો તો લાગે કે હજુ ગઈ કાલે જ બનેલા બનાવ વિશે એકદમ ફ્રેશ કવર સ્ટોરી તમે વાંચી. આવી ન્યુઝસેન્સ મેં ભાગ્યે જ કોઈ બીજા તંત્રીમાં જોઈ છે.

એમની એકાગ્રતા અજોડ. મલ્ટીટાસ્કર. સ્વિચ ઑન સ્વિચ ઑફ કરવાની કળા કોઈ એમની પાસેથી શીખે.

આજની તારીખે જ્યાં સરખો ફ્લેટ ખરીદવા જાઓ તો બે-ત્રણ કરોડમાં પડે એવા પનવેલમાં એ જમાનામાં હરકિસન મહેતાએ ફાર્મ હાઉસ બનાવેલું. રહેવાનું જુહુના સિક્સ્થ રોડ પર. અતિ વૈભવશાળી ઇલાકો. વર્ષો પછી પરેશ રાવળે બે પાંદડે થયા બાદ હરકિસનભાઈના સામેના જ મકાનમાં ફ્લેટ ખરીદ્યો. હરકિસનભાઈ ‘ચિત્રલેખા’ના માલિકોમાંના એક. પ્લસ એમની નવલકથાઓ પુસ્તકરૂપે બહુ વેચાય. તે ઉપરાંત નવલકથાના વિવિધ રાઈટ્સ ના પણ પૈસા આવે. પૈસા મેનેજ કરતાં પણ એમને ફાવે.

પનવેલના ફાર્મહાઉસમાં નિરાંતની પળો

હરકિસનભાઈના ગયા પછી રાજકોટના પ્રવીણ પ્રકાશનના માલિક ગોપાલભાઈ પટેલ અને હરકિસનભાઈના પુત્ર તુષાર મહેતાએ મારી પાસે એક કામ કરાવ્યું જે યાદગાર બની ગયું. હરકિસનભાઈ વિશે અનેક લેખકો પાસે લખાવેલા લેખોનું સંપાદન ‘સર્જન-વિસર્જન’ નામે પ્રગટ થયું. હરકિસનભાઈની સાઠમી વર્ષગાંઠે મેં જે એક લાંબો ઇન્ટરવ્યૂ લીધો હતો તે પણ એમાં છે અને મેં લખેલી લગભગ 4000 શબ્દોની પ્રસ્તાવના પણ વાંચવા જેવી છે. ‘સર્જન-વિસર્જન’ પુસ્તક અત્યારે ઉપલબ્ધ નથી, આઉટ ઑફ પ્રિન્ટ છે. હરકિસન મહેતાનું વિકિપીડિયા પેજ તમે જોશો તો એ પેજ બનાવનારાઓએ નવ રેફરન્સમાંથી ચાર રેફરન્સમાં મારો ઉલ્લેખ કર્યો છે. એમાં જે ફોટો છે એ પણ પુસ્તકનું જ કવરપેજ છે.

હરકિસનભાઈએ એમની ષષ્ટિપૂર્તિ વખતે વિલેપાર્લે કેળવણી મંડળમાં મોટું ડોનેશન આપીને પત્રકારત્વની ઇન્સ્ટિટયૂટ શરૂ કરાવી હતી. હું ‘મિડ-ડે’માં તંત્રી હતો તે વખતે હરકિસન મહેતા ઈન્સ્ટિટ્યુટમાં મેં અંગ્રેજી મિડિયમનાં એક આખું વરસ એડિટિંગનું પેપર ભણાવ્યું.

છેલ્લાં પચ્ચીસેક વર્ષથી દર 25 મી મેના રોજ તુષાર મહેતા મને એમના પનવેલના ફાર્મહાઉસના આંબાની કેરીઓનો કરંડિયો અચૂક મોકલે. હરકિસનભાઈ સદેહે એમની વર્ષગાઠની ઉજવણી કરવા મારા ઘરે પધારતા હોય એવી ફીલિંગ થાય. પીવાનું તો મેં ઘણા વખતથી છોડી દીધું છે પણ હરકિસનભાઈની સો ટચના સોના જેવી ( કે પછી પહેલી ધારના મહુડા જેવી) એક વાત વારંવાર યાદ આવે. એ કહેતા : ઘર જેવો બાર નહીં!

હરકિસનભાઈ વિશે અને અફકોર્સ ગાંધીભાઈ તથા યશવંતભાઈ વિશે છેલ્લા અઢી દાયકામાં ખૂબ લખ્યું. ત્રણેયનું અવસાન 12-13 મહિનાના ગાળામાં થયું —1998-99 ના ગાળામાં. ત્રણેયના જીવતે જીવ ‘મારા તંત્રીઓ’ શીર્ષક હેઠળ એક લાંબો લેખ પણ લખ્યો હતો.

હરકિસનભાઈ વિશે અગાઉ જે લખ્યું છે એ માંના થોડાક ટુકડા અહીં સ્વાદ માટે મૂક્યા છે. પૂરેપૂરું જમણ માણવા માટે ’ન્યુઝપ્રેમી’ પર જઈને સર્ચમાં તેમનું નામ નાખશો તો ઘણા બધા લેખો મળી આવશે.

*
‘જન્મભૂમિ-પ્રવાસી’માં જનાર્દન ઠાકુરની કૉલમ તમે જ ટ્રાન્સલેટ કરો છો?’

‘જી, હા.’

‘સારી કરો છો.’

પીઠ થાબડવાની એમની આ જ શૈલી હતી. મોં ભરાઈ જાય એટલી પ્રશંસા ક્યારેય નહીં કરવાની. પ્રશંસા જ શું કામ, બધી જ લાગણીઓને તેઓ સંયમિત રહીને પ્રગટ કરતા.

1979-1980ના ગાળામાં ડાંગ જવાનું થયું હતું. આઇએનટીના લોકમેળામાં. જયંત પારેખે હરકિસન મહેતા સાથે ઓળખાણ કરાવી ત્યારે જર્નલિઝમમાં હું દોઢ-બે વર્ષનું બચ્ચું હતો. અને હાથ મેળવીને તરત જ એમણે આ સવાલ પૂછ્યો હતોઃ ‘જનાર્દન ઠાકુરની કૉલમ તમે ટ્રાન્સલેટ કરો છો?’ ક્યાંય અનુવાદકનું નામ છપાતું નહોતું. એમણે ‘પ્રવાસી’ના તંત્રી હરીન્દ્ર દવેને પૂછ્યું હશે.

૧૯૮૪માં ચિત્રલેખાના વજુ કોટક માર્ગ પરના જૂના કાર્યાલયના અંતિમ ધનતેરસમિલનની યાદગાર તસવીરમાં ચન્દ્રકાન્ત બક્ષી વિશે સૌરભ શાહે કરેલી એક ભયંકર રમૂજ સાંભળીને ખડખડાટ હસતા હરકિસન મહેતા, હરેશ દફ્તરી, ભરત ઘેલાણી, સૌરભ શાહ અને રમેશ પુરોહિત

*
1988માં હરકિસન મહેતાની ષષ્ટિપૂર્તિ ઊજવવાની હતી. ખૂબ મોટા પાયે આયોજન થઈ રહ્યું હતું. એ વખતનાં ચાર-પાંચ વર્ષ હું સુરતનાં પ્રકાશનોમાં નોકરી કરતો હતો. એક દિવસ હરકિસનભાઈનો એસટીડી કૉલ આવ્યોઃ

‘તમે મુંબઈ આવી શકો, બે-ત્રણ દિવસ માટે?’

‘તમે કહો ત્યારે, ખાસ શું કામ છે?’

‘અરે ભાઈ, આ લોકો એક સુવેનિયર બહાર પાડવા માગે છે મારી ષષ્ટિપૂર્તિ પ્રસંગે અને હરીન્દ્રભાઈએ અને એસ. વેંકટનારાયણ એનું એડિટિંગ સંભાળવાના છે. એ બંનેનો આગ્રહ છે કે સુવેનિયરમાં મારો એક લાંબો ઇન્ટરવ્યૂ છાપવો અને તમારે જ લેવો એવું નક્કી થયું છે. ફાવશે?’

ન ફાવે એવી વાત જ ક્યાં હતી? મુંબઈમાં એમના ઘરે, ‘ચિત્રલેખા’ની ઑફિસમાં, કારમાં- કુલ મળીને સાત-આઠ કલાકની પ્રશ્નોત્તરી રેકૉર્ડ કરી જેમાંથી મેગેઝિન સાઇઝના પૂરાં સત્તર પાનાંનો ઇન્ટરવ્યૂ બનાવ્યો અને સ્મરણિકામાં પ્રગટ થયો. મુલાકાત આપતી વખતે ઘણીવાર એ કહેતા, ‘સૌરભ, હવે તમને એક ઓફફ ધ રેકૉર્ડ વાત કહું છું. પણ તમે ટેપ ચાલુ રાખજો. બસ, લખતા નહીં.’ વિશ્વાસ મૂકતાં એમને આવડતું અને વિશ્વાસ સાચવતાં પણ આવડતું. અહીંની વાત ત્યાં ને ત્યાંની વાત અહીં કે પર્સનલ પોલિટિક્સભરી કૂથલીઓ ક્યારેય એમના મોઢે સાંભળી નથી. જેના વિશે જે કહેવું હોય તે એને મોઢામોઢ કહી દેતા. કદાચ, એટલે જ એમનો સ્વભાવ આકરો છે એવી છાપ ઊભી થતી હતી.

*
૧૯૮૧ દરમિયાન નવું ગુજરાતી સાપ્તાહિક શરૂ થયું — ‘નિખાલસ’. સંપાદનની સંપૂર્ણ જવાબદારી મારી. ઉંમર ૨૧ની. સરસ બનતું. ખૂબ વખણાતું અને વેચાતું પણ ઘણું. છ જ મહિનામાં સરક્યુલેશન ૫૫,૦૦૦ નકલ. ‘ચિત્રલેખા’ ત્યારે સવા લાખ કૉપી વેચાચ. નગેન્દ્ર વિજયનું ‘ફ્લેશ’ નામનું જબરજસ્ત સાપ્તાહિક આવે. બીજાં પણ વીકલી પ્રગટ થાય. ‘નિખાલસ’ના પ્રકાશકોના પૈસા ખૂટ્યા અને હું છુટો થઈને મારું પોતાનું મૅગેઝિન પ્લાન કરવા લાગ્યો. સાઉથમાં ‘કુમુદને’, ‘કુંગુમમ્’ કે ‘મંગલમ્’ જેવાં વીકલી બહુ ચાલે. ‘નવનીત સમર્પણ’ની સાઈઝનાં. હું એના પરથી પ્રેરણા લઈને ‘સોમગુરુ’ નામનું મૅગેઝિન કાઢવાનાં સપનાં જોતો જે અઠવાડિયે બે વાર બહાર પડે. ‘યિત્રલેખા’ની છુટ્ટી થઈ જાય!

હરકિસન મહેતાની દુકાનનું શટર બંધ કરવાનું સપનું જોતાં જોતાં મારે જ માથે ટોપલો ઊંચકીને ફેરી કરવાનો વખત આવ્યો, ફ્રીલાન્સિંગ કરવાનો વખત આવ્યો અને એ વખતે કોણે મારો હાથ ઝાલ્યો- હરકિસન મહેતાએ, 1982માં મારી પાસે એમણે ‘ચિત્રલેખા’નું છેલ્લું પાનું ‘મુખવાસ’ શરૂ કરાવ્યું, જે કામ હું ‘સમકાલીન’માં જોડાયો ત્યાં સુધી મેં કર્યું.

હસમુખ ગાંધીના ‘સમકાલીન’માં આસિસ્ટન્ટ એડિટર તરીકે સાપ્તાહિક, અર્ધસાપ્તાહિક પૂર્તિ અને એડિટ પેજના સંપાદનની જવાબદારી મારા માથે. એક વખત રવિવારની પૂર્તિમાં, એક નવલકથા પૂરી થાય ને બીજી શરૂ થાય તેની વચ્ચેના ગાળામાં, મેં એક વાર્તા લખી —‘ડિટેક્ટિવ દેસાઈના સત્યના પ્રયોગો’. એક જ લાંબી વાર્તા ચાર ટુકડા કરીને છાપી.

‘મુખવાસ’ લખ્યા પછી હરકિસનભાઈની ખાસ્સો નિકટ આવી ગયેલો. ‘મુખવાસ’નું મેટર સબમિટ કરવાની ડેડલાઇન મંગળવાર હતી. ગુરુવારે ‘ચિત્રલેખા’ બજારમાં આવે. મંગળવારે અગિયાર-બાર વાગ્યે હરકિસનભાઈ એમના જુહુ-સિક્સ્થ રોડના ઘરેથી લંચ લઈને નીકળે એટલે ફોન પર મને સૂચના આપે. હું સાંતાક્રુઝના મારા ઘરેથી ચાલીને મેઈન રોડ- એસ.વી. રોડ પર – ખીરા નગરના મેઈન ગેટની સામે આવીને ઊભો રહું. સુરેશ ડ્રાઇવર એમની ફિયાટ ચલાવે. ગાડીમાં મને સાથે બેસાડીને બોરીબંદરના વજુ કોટક માર્ગ (જૂની કારવાર સ્ટ્રીટ)ની ઓફિસે લઈ જાય અને રસ્તામાં અલકમલકની વાતો આ ભાંખોડિયા ભરી રહેલા પત્રકારની સાથે વહેંચતા જાય.

‘સમકાલીન’માં પેલી લાંબી ચાર હપ્તાવાળી વાર્તા પ્રગટ થયા પછી એક દિવસ ચૌપાટી ભવન્સના કોઈ કાર્યક્રમમાં પહોંચ્યાં હું એમને નમસ્તે કરવા ગયો તો મને પૂછે કે ‘તમે નવલકથા લખી છે?’ મેં કહ્યું, ‘ના’. ‘લખો.’

બસ આટલું જ. પેલી લાંબી વાર્તાનો કોઈ ઉલ્લેખ નહીં. મને બતાવજો, સારી લાગશે તો ‘ચિત્રલેખા’માં છાપીશ એવો કોણીએ કોઈ ગોળ નહીં.

નવલકથા લખવાની તડકભડક ઇચ્છા તો મારી અંદર વાવાઝોડાની જેમ ઘૂમ્યા કરતી હતી. એ જ ગાળામાં હનીમૂન માટે આંદામાન ગયો હતો. લગ્ન ભલે કાળાપાણીની સજા હોય પણ મારા માટે પોર્ટ બ્લેરની સેલ્યુલર જેલ શુકનવંતી પુરવાર થઈ. મુંબઈ પાછો આવીને થોડા વખત બાદ ઓફિસમાંથી રજા લઈને મારા ખર્ચે ધનબાદ-ઝરિયા ગયો. પાછા આવીને ત્રણ પ્રકરણ લખ્યાં અને મઠારીને ફાઈનલ કરીને હરકિસનભાઈને સોંપ્યા, થોડા જ વખતમાં મારા માટે ‘શોલે’ કે ‘મૈંને પ્યાર કિયા’, કે ‘ડીડીએલજે’ કે ‘કુછ કુછ હોતા હૈ’ પુરવાર થયેલી નવલકથા ‘ચિત્રલેખા’માં શરૂ થઈ. ‘વેરવૈભવ’. એ વખતે મારી ઉંમર 24ની.

૧૯૮૩માં સૌરભ શાહના લગ્નમાં હાથમાં સિગરેટ સાથે હરકિસનભાઈ,ભારતીબેન દવે અને હરીન્દ્ર દવે, ઈન્દુબેન તારક મહેતા, રાજેન્દ્ર ગાંધી ( એમની ડિસ્ટ્રિબ્યુશન એજન્સીમાં મુંબઈ એકલામાં ચિત્રલેખાની એકથી સવા લાખ કૉપી વેચાતી), કળાબેન હરકિસન મહેતા, વીણાબેન મહેન્દ્ર ત્રિવેદી, તારક મહેતા અને મહેન્દ્ર ત્રિવેદી ઉર્ફે કાર્ટુનિસ્ટ નારદ

1987માં અભિયાનમાં તેર નવી વાર્તાઓની સિરીઝ ‘ડિટેક્ટિવ દેસાઈના સત્યના પ્રયોગો’ લખી અને એ જ ફોર્મેટમાં 1992માં ‘અભિયાન’માં જ સૌરભ શાહની પ્રણયકથાઓ (સત્ય ઘટનાઓ પર આધારિત) લખી. ઈન બિટવીન 1989ની આસપાસ ‘ચિત્રલેખા’માં મારી બીજી નવલકથા ‘જન્મોજનમ’ ધારાવાહિક પ્રગટ થઈ.

*
( હરકિસન મહેતાની ષષ્ટિ પૂર્તિ નિમિત્તે લીધેલી મુલાકાતના બેચાર અંશ. આખો ઈન્ટરવ્યુ ‘ન્યુઝપ્રેમી’ પર છે.)

સૌરભ શાહ: તમારા જેટલી જ કે તમારાથી વધારે પ્રતિભા ધરાવતા તમારી જ ઉંમરના અન્ય લેખકો-પત્રકારોનો તમને ડર લાગે ખરો?

હરકિસન મહેતા: કઈ બાબતનો ડર?

સૌરભ: સ્પર્ધાનો ડર કે ઈર્ષ્યા…

હરકિસનભાઈ: લેખકોની વાત કરીએ તો હું એટલે મોડો નવલકથા લખતો થયો કે એ વખતે મારી ઉંમરના બીજા લેખકોએ ઘણી નવલકથાઓ લખી નાખી હતી. 1959થી 1966 સુધી મેં રૂપાંતરિત વાર્તાઓ અને નવલકથાઓ લખી પણ મૌલિક નવલકથાઓ જાતે લખવાને બદલે બીજા પાસે જ લખાવી. ચંદુલાલ સેલારકા કહેતા કે તમે લેખો આટલા બધા લખ્યા, રૂપાંતર કર્યા, સાહસકથાઓ અને ગુલશન નંદાની નવલકથાઓના અનુવાદ કર્યા છતાં પોતે નવલકથા લખવાને બદલે અમારી પાસે જ લખાવી અને સંયમ રાખ્યો અને જ્યારે લખવાનું શરૂ કર્યું ત્યારે પાંચ કે પંદર-પચીસ પ્રકરણોની નવલકથાઓ લખાતી હતી એ જમાનામાં એક સાથે સોથી ય વધારે પ્રકરણોની નવલકથા લખવાનું સાહસ કર્યું. એટલું જ નહીં, પહેલે જ ધડાકે એ સુપરહિટ પણ થઈ ગઈ. એ વખતે કનૈયાલાલ મુનશીની ‘કૃષ્ણાવતાર’ ચાલતી હતી એ ખૂબ વંચાતી. લોકો કહેતા કે એક બાજુ ‘કૃષ્ણાવતાર’ ચાલે છે અને બીજી બાજુ ‘જગ્ગાવતાર’ ચાલે છે! આટલી સિદ્ધિ મળ્યા પછી બીજા લેખકો સાથે સ્પર્ધાનો ડર કે એમની ઈર્ષ્યાનો ભાવ ન રહે… એમની મીઠી ઈર્ષ્યા જરૂર થાય કે આ માણસ પાસે આ લાક્ષણિકતા છે જે મારી પાસે નથી. મારું સ્થાન કોઈ લઈ લેશે એવો ડર લાગવાનો પ્રશ્ન જ નથી કારણ કે હું વારંવાર પ્રયત્નો કરું છું કે ‘ચિત્રલેખા’માં મારા ઉપરાંત સારા નવલકથાકારની વાર્તાઓ નિયમિત આવે. એવા પ્રયત્નોમાં હું સતત હોઉં છું જેથી બે નવલકથાઓ વચ્ચે મને આરામ મળે. કોઈ મને કહે કે આ લેખક તમારા જેવું લખે છે તો હું તરત જ એ લેખકને આમંત્રણ આપું; તમે ‘ચિત્રલેખા’ માટે લખો…કોઈની ઈર્ષ્યા એટલા માટે નથી થતી કે ‘ચિત્રલેખા’ સાથેના મારા જે સંબંધો છે એમાં કોઈને એમ ન લાગે કે કોઈ મને કાઢી મૂકશે અથવા હું ગુસ્સે થઈને ચાલ્યો જઈશ… એવું તો બને નહીં, કારણકે જે વસ્તુને તમે જતનથી ઉછેરી હોય, પહેલાં તમે ‘ચિત્રલેખા’ના સંતાન જેવા હતા, હવે ‘ચિત્રલેખા’ તમારું સંતાન છે…હું નહીં લખતો હોઉં કે તંત્રી નહીં હોઉં ત્યારે પણ આ સંસ્થામાં તો રહેવાનો જ છું. જીવીશ ત્યાં સુધી… એટલે કોઈ મારી સ્પર્ધા કરશે કે મારું સ્થાન પડાવી જશે એવી ચિંતા નથી. હું સમજું છું કે હવે જે કંઈ સમય મારી પાસે છે તે એકાદ દાયકાના ગાળા દરમિયાન મારે ઘણું બધું વાંચવું છે, મોકળાશથી જીવવું છે, સિરિયસ થિંકિંગનાં પુસ્તકો વાંચવાં છે. કૉલેજ કાળમાં રાધાકૃષ્ણનનાં પુસ્તકો કે કવિતા કે એ પ્રકારનું ગંભીર વાચન કરતો તે બધું કરવું છે, ધાર્મિક દ્રષ્ટિએ નહીં પણ આપણા પોતાના વિકાસ માટે ગીતા-મહાભારત વાંચવાંસમજવાં છે…આ બધું કરી શકું એ માટે મારી હાલની જવાબદારી સંભાળી શકે એવું કોઇક મળી જાય તો ઘણું સારું… એટલે સ્પર્ધાનો કે ઇર્ષ્યાનો તો સવાલ જ નથી આવતો.

સૌરભ: પંદર વર્ષ પછી તમારો અમૃત મહોત્સવ ઊજવીશું ત્યારે તમારા વ્યક્તિત્વમાં કેવા ફેરફારો થયા હશે?

હરકિસનભાઈ: ત્યાં સુધી તો કદાચ પહોંચીએ કે ન પહોંચીએ… સાત, આઠ, નવ, દસ… ગમે ત્યારે મૃત્યુ આવી જાય… આ ગાળા દરમિયાન હું એટલું ઇચ્છું કે જેટલું જીવન જીવવાનું હોય એ સ્વસ્થપણે જિવાય, એટલે કે આરોગ્યની દ્રષ્ટિએ પરવશ-પથારીવશ ન રહેવું પડે… એક પરિવર્તન હું એ જોઈ રહ્યો છું કે આખી જિંદગી જે સંઘર્ષ કર્યો, આટલો શ્રમ-પરિશ્રમ, ઉજાગરા-ઉચાટ, ટેન્શન… એને બદલે છેલ્લાં જે કંઈ વર્ષ છે એમાં મોકળા મને જીવવાને કારણે આપણી પ્રકૃતિ બદલાય, એક અભાવો જે રહી ગયો છે તે થોડઘણે અંશે, જેટલાં વર્ષો રહ્યાં છે એના પ્રમાણમાં ભરપાઈ થઈ જાય તો સાત-આઠ કે દસ વર્ષ પછી હું વધુ સારો માણસ બન્યો હોઇશ, બનીશ. વ્યવસાયને કારણે કે આ બધી જવાબદારીને કારણે જે સ્વભાવગત વ્યવસાયગત નબળાઈઓ, કટુતા, આકરાપણું આવી ગયું છે… આ બધામાંથી થોડોઘણો મુક્ત થઈ જઈશ અને વધારે પ્રેમ સંપાદન કરી શકીશ. એ વખતે મારા વ્યવસાયની સિદ્ધિ કરતાં મારા જીવનની સિદ્ધિ માટે સાચા દિલથી પ્રશંસા થાય એવું જીવી લેવાની ઇચ્છા છે.

સૌરભ: હરકિસનભાઈ, જીવનમાં તમે ભૂલો કરી છે?

હરકિસનભાઈ: જીવનમાં ભૂલો તો ઘણી કરી હશે…

સૌરભ: તમારા જીવન પર જેની સૌથી વધારે અસર પડી હોય એવી ભૂલ કઈ ?

હરકિસનભાઈ: જો કપટ કરીને કહું તો ઘણી કરવા જેવી ભૂલો મેં નથી કરી એ મારી ભૂલ છે અને એનું મને દુઃખ છે!

•••

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

6 COMMENTS

  1. ખુબ સરસ રીતે હરકીસન ભાઈને યાદ કર્ઇ

  2. ચિત્રલેખાની આવે તેની આતુરતા હતી, લેખકો સોલિડ હસમુખ ગાંધી તો મારા પત્રો લિખીતાંગમાં અચૂક છાપતા, પત્રમાં ટિપ્પણી હોય બાહુબધું લેખક વિશે લખ્યું હોય તોય છાપે મને ખબર che એક આખું પાનું લીખીતન્ગ વાળાઓના ચાબખા છાપતા. એક વખત મેં આયતાયી કોને કહેવાય તે me સસઁસ્કૃતના શ્લોક લખી મોક્લ્યો, કારણ તેઓ દુસ્ટો અને અતતા્યીઓ બહુ લખતા.. ખુશ થઇ ને મારા બધા પત્રો છાપે પ્રફુલ પંડ્યા કવિમિત્ર સાથે મળ્યો હતો.અંગ્રેજી ગુજરાતીના આવા વિદ્વાન તંત્રી મેં જોયા નથી.
    ઈશ્વર પુરોહિત

  3. હરકિસન મહેતા ને સજીવન કર્યા અમારા મનોજગતમાં. તમને પણ થોડા વધૂ નઝદીકથી જાણ્યા. આભાર

  4. હરકિસન મહેતા વિશે નુ પુસ્તક એ મારી લાયબ્રેરી ની શોભા છે ,તમારુ અને મહેતાજી નુ કોમ્બિનેશન એ ગુજરાતી પત્રકારત્વની વિરલ ઘટના છે , ક્યારેય સમય મળે બિરાદર બક્ષી વિશે પણ લખો એવી ખાસ વિનંતી છે .
    અને આચાર્ય રજનીશ ના જીવનમાં એક મસ્તો નામનુ પાત્ર હતુ (એમના બાળપણ ના સંસ્મરણો ) આ ના વિશે પુરો અભ્યાસ કરી ને તમે જ લખી શકશો . ( શુ એ એમના જીવન ની ઈશવરીય વિભૂતિ/ કે મહાઅવતાર બાબાજી જેવી સિદ્ધ વિભૂતિ હતી ???)

  5. Saurabh bhai hu tamara lekho vanchine tamaro moto chahak thai gayo chu.

    hu muscat ma chu. mari tamne malvani gani j ichhaa che. to tamaru address mane moklavso.

    maru address niche mujab che.
    ( I have edited your address and kept with me.
    My email is: hisaurabhshah@ @gmail.com
    and my public Whasapp no is 9004099112.
    Please message with your details.
    —Saurabh)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here