બાળકને માબાપ તરફથી મળતી શ્રેષ્ઠ ભેટ કઈ : સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૨૮ મે ૨૦૨૩)

બાળક નર્સરી, પ્લે ગ્રુપ કે કે.જી.માં જતું થાય ત્યારે બીજા અનેક અજાણ્યા ચહેરાઓ સાથે એનો સંપર્ક થવાનો છે. ઘરમાં હોય છે ત્યારે જો મોટાં ભાઈ-બહેન કે કાકા-મામાનાં છોકરાં કે અડોશ-પડોશનાં છોકરાં સાથે એણે ભળવાનું હોય છે. હવે અપરિચિતો સાથે રોજ થોડાક કલાક ગાળવાના હોય છે. અત્યાર સુધીનો તમારો ઉછેર નક્કી કરશે કે તમારું બાળક અતડું રહેશે, શરમાળ હશે, ડોમિનેટિંગ બનશે, સબમિસિવ બનશે કે પછી ફ્રેન્ડલી બનશે. સ્કૂલનાં પાછલાં વર્ષોમાં કે કૉલેજનાં વર્ષોમાં તમારા બાળકની સોશ્યલ એક્સેપ્ટન્સ કેટલી હશે તે અહીં જ નક્કી થઈ જવાની.

બે-ચાર વર્ષના બાળકને માબાપ કે એમની ઉંમરના બીજાં વડીલો કરતાં પોતાનાથી એક-બે વર્ષ મોટાં બાળકો સાથે રમવાની – હળવાભળવાની વધારે મઝા આવતી હોય છે, એમની પાસેથી એ ઘણું બધું શીખતું હોય છે. પણ તકલીફ એ હોવાની કે તમારા બાળક કરતાં એક-બે વર્ષ મોટાં બાળકોને પોતાના કરતાં એક-બે વર્ષ મોટાં બાળકોની કંપની વધારે ગમતી હોય છે અને એમને એમના કરતાં મોટાં… છેવટે બાળકે પોતાની જ ઉંમરનાં બાળકો સાથે રમવાનું હોય છે.

બાળકને શિસ્તના પાઠ ભણાવતી વખતે કે એનું ચારિત્ર્યઘડતર કરતી વખતે એને વહાલ અને સહાનુભૂતિની જરૂર પણ છે એ ન ભુલાય. વધુ પડતાં લાડપ્યારથી બાળકને મોઢે ચડાવી નથી દેવું એવી સભાનતા રાખવામાં ક્યાંક એની સાથેનો સ્નેહનો તંતુ તૂટી ન જાય એ ખાસ જોવું જોઈએ. આ ઉંમરે તમે એને જેવી રીતે ટ્રીટ કરશો એ જ રીતે એ મોટું થઈને તમારી સાથે વ્યવહાર કરશે.

જે માબાપોની ફરિયાદ હોય કે મારું ટીનએજ સંતાન કે મારાં પરણેલાં દીકરી/દીકરા મારી આમન્યા નથી રાખતા, મારી સામે બોલે છે, મારું કહ્યું નથી માનતા એ પેરન્ટ્સે આંતરખોજ કરવી જોઈએ કે એ સંતાનોના બાળપણમાં તમે એની સાથે કેવો વ્યવહાર કર્યો હતો. કપડાં-રમકડાં કે બીજી સગવડો પાછળ જે ખર્ચ કર્યો હોય તે – એની વાત નથી. તમે એના પર ક્યારે ક્યારે ગુસ્સે થયા હતા, ક્યારે તમે એના મૂડ પ્રમાણે વર્ત્યા નહોતા, ક્યારે તમે વગર વાંકે એને પનિશમેન્ટ આપતા હતા, ક્યારે તમે બીજાઓની હાજરીમાં એને ઉતારી પાડતા હતા, ક્યારે તમે એનું આત્મગૌરવ હણાય – એનામાં લઘુતાગ્રંથિ જન્મે એવું વર્તન કરતા હતા. તારામાં તો અક્કલ જ નથી – થી માંડીને બીજાં એવાં કેટકેટલાં અપમાનજનક શબ્દો તમે એને કહ્યા હતા.

બાળક પાછળ પૈસા ખર્ચવા એ તમારી મજબૂરી, જરૂરિયાત, શોખ – બધું જ હોઈ શકે છે. બાળક સાથે સારી રીતે વર્ત્યા હશો તો જ એ મોટું થઈને તમારા એ સદ્વર્તનનો બદલો વાળશે. પુખ્ત વયના થઈ ગયેલાં તમારાં સંતાનો વિશે મનમાં (કે કોઈની આગળ) ફરિયાદ કરતાં પહેલાં જરા ભૂતકાળમાં ડૂબકી મારીને જોજો કે તમે કરેલાં ગેરવર્તનનો જ બદલો તો નથી મળી રહ્યોને અત્યારે? માબાપને વૃદ્ધાશ્રમમાં છોડી આવતાં સંતાનોની ટીકા કરતાં પહેલાં બે જાણકારી મેળવી લેવી જરૂરી છે: આ માબાપોએ પોતે એમના માબાપ સાથે યુવાનીમાં કેવો વ્યવહાર કર્યો હતો અને બે, આ માબાપોએ પોતાનાં સંતાનો સાથે કેવો વ્યવહાર કર્યો છે. નેવું ટકા કિસ્સાઓમાં તમને ખબર પડશે કે આમાં સંતાનોનો વાંક ઓછો છે, માબાપોનો વાંક અનેકગણો છે. પણ આપણે ત્યાં હવે ટ્રેન્ડ થઈ ગયો છે કે માબાપ વૃદ્ધાશ્રમભેગાં થાય એટલે સંતાનોની ટીકા કરવાની.

બાળકોને જે ઉંમરે તમારા અફેક્શન અને સિમ્પથીની સૌથી વધુ જરૂર હોય છે તે ઉંમરે તમે પોતે તમારી લાઈફને સજાવવામાં, પૈસા કમાવવામાં, મિત્રો સાથે પાર્ટીઓ કરવામાં, પત્ની (કે ગર્લફ્રેન્ડ) સાથે મોજમજા કરવામાં બિઝી હો છો. તમારી લાઈફની સ્ટ્રગલની અસર તમારા સ્વભાવ પર પડતી હોય છે અને આ સ્વભાવની અસર તમારા સંતાનો પર. છોકરાંઓની ભૌતિક સગવડો સાચવી લેવાથી તમારી ફરજ પૂરી નથી થઈ જતી. એમની આંતરિક જરૂરિયાતોને, માનસિક અને ઈમોશનલ નીડ્સને પૂરેપૂરી સંતોષી શકો તો જ તમને હક્ક છે એ મોટાં થાય પછી એમની પાસે તમારી ભાવનાત્મક જરૂરિયાતો પૂરી કરાવવાનો. જો તમે ખરેખર તમારા બાળકને નાનપણથી ઈમોશનલ સિક્યોરિટી આપી હશે તો એમના મોટાં થયા પછી તમારે એમની પાસે કશું માગવું નહીં પડે. તમારું ઈન્વેસ્ટમેન્ટ અનેકગણું થઈને તમને પાછું મળશે. પણ તમે કાંટા વાવ્યા હશે તો બાવળ જ લણશો અને તોફાન વાવ્યાં હશે તો વાવાઝોડાં જ ઉછેરશો.

પ્લે સ્કૂલ, નર્સરી, કેજી અને પછી સ્કૂલમાં જતું થયેલું બાળક એની સાથેનાં બીજાં બાળકોની કેટલી મદદ કરે છે, એમની કેટલી દરકાર રાખે છે એનો આધાર તમે ઘરમાં એને આપેલાં સંસ્કાર ઉપર છે. તમે પ્રત્યક્ષપણે એને જેટલું શીખવાડો છો એના કરતાં વધારે એ અપ્રત્યક્ષપણે – તમને જોઈ જોઈને – શીખે છે. તમારા પાડોશીઓને, સગાં, મિત્રો, કુટુંબીઓને તમે કેટલા હેલ્પફુલ થાઓ છો, કેવી રીતે એમની સાથે વર્તો છો, એમને કેટલાં છેતરો છો – એ બધું જ બાળકનું અજાગ્રત મન નોંધતું હોય છે. બાળકનું કૅરેક્ટર આ જ રીતે બિલ્ટ થતું હોય છે. તમારી જો ફરિયાદ હોય કે મારું સંતાન ભારે કજિયાખોર છે તો તમારે તમારો સ્વભાવ પહેલાં તપાસવો પડે. તમારી ૧૪ વરસની છોકરી વંઠી ગઈ છે એવું લાગતું હોય તો પહેલાં તમારે તમારું કૅરેક્ટર તપાસવું પડે. કૉલેજમાં ભણતા તમારા દીકરાનો વૉર્ડરોબ સાફ કરતાં તમને એમાંથી કન્ડોમ્સના પૅકેટ્સ મળી આવે તો એનો કાન પકડતાં પહેલાં તમારે તમારો ભૂતકાળ અને વર્તમાન ચેક કરવો પડે. એને ઠપકો આપવાથી કંઈ નહીં વળે.

બાળક સ્કૂલમાં જતું થાય એ પછી એણે તો શાળાના અભ્યાસક્રમ મુજબ જ ભણવાનું હોય છે. આ અભ્યાસક્રમની સરહદો તોડીને, દરેક વિષયની સીમામર્યાદા હટાવીને, તમે બાળકના વિશ્ર્વને મોટું બનાવી શકો છો. આજના જમાનામાં ગૂગલ કંઈ બધી જ વાતોનો ઉકેલ નથી. ગૂગલ સિવાય પણ જ્ઞાનની ઘણી મોટી પરબો છે. ગૂગલ તમને માહિતીનો ખડકલો આપી શકે, એમાંથી તારવણી કરવાનો વિવેક ન શીખવી શકે, કઈ માહિતીની સત્યાસત્યતા કેવી રીતે ચકાસવી એની સૂઝ તમને ગૂગલ ન આપી શકે. આ માટે હજુય જૂના જમાનાની જ રીત અપનાવવી પડે. લાઈબ્રેરી. બાળકને પુસ્તકો વાંચવાની ટેવ પડવી જોઈએ. માત્ર સાહિત્યના જ નહીં. એને જે વિષયમાં વધારે રસ પડે એવા વિષયનાં પુસ્તકો અને મૅગેઝિનો અને છાપાં પણ.

સ્કૂલમાં મળતા શિક્ષણને સમાંતર શિક્ષણ આપવાના આ બધા નુસખા છે. બાળકની એસ્થેટિક સેન્સ ખીલે એવી પ્રવૃત્તિઓમાં એને રસ લેતું કરવું જોઈએ. નૃત્ય, સંગીત, ચિત્રકળા, નાટક-ફિલ્મ, કવિતા. જરૂર નથી કે બાળક આ વિષયોમાં પારંગત બને. પણ સ્કૂલમાં એને આ વિષયોમાં જેટલું એક્સપોઝર મળે છે એના કરતાં વધારે તમે પોતે એને આપી શકો. માત્ર એકસ્ટ્રા ક્લાસીસમાં ફીઝ ભરી દેવાથી કામ નથી પતી જવાનું. એ ક્લાસીસની વાતો તમને બીજા માબાપો પાસે શેખી કરવામાં કામ લાગશે. પણ તમે જાતે રસ લઈને, તમારો સમય કાઢીને, એની સાથે આવી પ્રવૃત્તિઓ કરવાની કે એવી પ્રવૃત્તિઓમાં હાજરી આપવાની કાળજી રાખશો તો તમારો એ સમય, તમે વાપરેલી એનર્જી ઊગી નીકળવાનાં છે. આવું જ સ્પોર્ટ્સની બાબતમાં.

બાળક બાર-પંદર વર્ષનું થાય તે પહેલાં માબાપ તરફથી એને શ્રેષ્ઠ ભેટ મળતી હોય તો તે છે વૅકેશન્સ. વતનમાં, મોસાળમાં, નજીકના કોઈ સ્થળે, મિત્રોને ત્યાં, દૂર બહારગામના કોઈ સ્થળે, હિલ સ્ટેશન, દરિયાકિનારે, જંગલમાં – જ્યાં સાથે લઈ જવાય ત્યાં. બાળક માટે આ બધી સ્મૃતિઓ એની આજીવન મૂડી બની જતી હોય છે. ટીનએજ સંતાનો એમની ઉંમરના છોકરા-છોકરીઓ સાથે વીકએન્ડ ટ્રિપ પર, ટ્રેકિંગ પર કે પછી લાંબા વૅકેશન પર એકલા જ જવાનાં છે, તમારા વિના. પણ એ પહેલાં એમને તમારી કંપનીની જરૂર છે. જો એ વખતે તમે એમને વૅકેશનોની સ્મૃતિઓ આપી હશે તો તેઓ પણ તમારી પચાસ-સાઠ વર્ષની ઉંમર પછી તમને ચારધામની જાત્રા ઉપરાંતના અનેક એક્ઝોટિક વૅકેશન્સમાં કંપની આપવા આવી જવાનાં.

સ્કૂલનાં છેલ્લાં વર્ષોમાં ભવિષ્યમાં તું કરિયર તરીકે આ પસંદ કરીશ કે તે એવું પૂછી પૂછીને એને પ્રેશરમાં નહીં નાખતા. એણે જો કોઈ કરિયરની પસંદગી કરી હોય તો ખોટે ખોટે પ્રોત્સાહન પણ નહીં આપતા અને હતોત્સાહ પણ નહીં કરતા. એનું માઈન્ડ વિવરિંગ થતું હોય તો ટોકતા પણ નહીં કે: હવે તું ફાઈનલી કહે કે તારે પાઈલટ બનવું છે કે રિક્શા ડ્રાઈવર. એને એની રીતે નક્કી કરવા દો. કૉલેજ પ્રવેશ વખતે ‘લાઈન ચૂઝ’ કરવાનો વખત આવે ત્યારે પણ જો એ અવઢવમાં હોય તો ભલે કૉમર્સ કે આર્ટ્સ જેવી કમ્પેરેટિવલી ન્યુટ્રલ અને નિરુપદ્રવી લાઈન ચૂઝ કરે. બે-એક વર્ષમાં એને ખબર પડી જશે કે ફાઈનલી શું કરવું છે. આવું કરવામાં બે-ચાર વર્ષ ‘બગડે’ એમાં કશું ખાટુંમોેળું નથી થઈ જતું. જે જિંદગીમાં કરવું જ નથી એવા કોઈ વિષયની કારકિર્દીમાં એ ભરાઈ પડે અને પૂરી લાઈફ બરબાદ કરી નાખે એના કરતાં આ ઉંમરે જ થોડો સમય બગાડતો હોય તો ધીરજથી કામ લેવાનું.

તમારું સંતાન સ્કૂલમાં અને કૉલેજમાં જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરે છે તેનો મોટો સોર્સ એના શિક્ષકો અને એના સહાધ્યાયીઓ હોવાના. એ બેઉને રિસ્પેક્ટ કરતાં શીખશે તો જ એને જ્ઞાન મળવાનું. શિક્ષકોને ભણાવતાં આવડતું જ નથી કે મારી સાથે ભણતા બધાં ‘આવા’ જ છે એવી ઍટિટયુડ તમારા સંતાનમાં હશે તો તે એને જ ભારે પડવાની. બીજી વ્યક્તિઓનો આદર કરતાં તમારે નાનપણથી જ એને શિખવાડવું પડે.

બાળકને શિક્ષણ આપવાનું કામ એના જન્મ સમયથી જ શરૂ થઈ જતું હોય છે. એ ભણવાનું પૂરું કરી લે ત્યાં સુધીનાં વર્ષોમાં તમારું એના શિક્ષણમાં ક્યાં, ક્યારે, કેટલું પ્રદાન હોવું જોઈએ એનો આછો ખ્યાલ તમને આ લેખમાં આપ્યો. વધારે ઊંડા ઊતરવું હોય તો બર્ટ્રાન્ડ રસેલની ‘ઑન ઍજ્યુકેશન’ બુક વાંચવી. ક્યાં મળે? ગૂગલ સર્ચ કરો. ગુજરાતીમાં છે? ના.

સંતાનોના શિક્ષણ પાછળ ગમે એટલા પૈસા ખર્ચાશે તે ત્યારે જ ઊગી નીકળશે જ્યારે તમે એની કેળવણી પાછળ તમારો સમય ફાળવ્યો હશે. એસ.એસ.સી. અને એચ.એસ.સી.ના રિઝલ્ટ્સ આવી ગયાં છે, કૉલેજનાં ઍડમિશન્સ ખુલી રહ્યાં છે. તમારું બાળક જન્મવાનું હોય, જન્મી ચૂક્યું હોય, નર્સરીમાં પ્રવેશવાનું હોય, સ્કૂલમાં દાખલ થવાનું હોય કે પછી કૉલેજમાં – ભારતની શિક્ષણ પ્રથાનો વાંક કાઢવાને બદલે તમે પોતે તમારા સંતાનના શિક્ષણ માટે શું-શું અને કેટલું કરી શકો છો એટલું વિચારતા થશો તો ઘણું છે, બાળકના ફયુચર માટે, આ દેશના ફયુચર માટે.

પાન બનારસવાલા

જ્યારે સંતાનોને લઈને માબાપને ક્લાસીસ તરફ દોડાદોડી કરતાં જોઈએ છીએ ત્યારે ખબર નહીં કેમ પણ કાર્બાઈડથી કેરી પકવતા વેપારીઓ યાદ આવી જાય છે.

– વૉટ્સઍપ પર વાંચેલું

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. There is one quotation in my personal quotation collection.
    Greatest gift a father can give to his child is to love his/her mother.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here