હાઉ ઈઝ ધ જોશ? હાય સર!

ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 8 ફેબ્રુઆરી 2019)

સર્જિકલ સ્ટ્રાઈક વિશે પ્રધાનમંત્રીએ પહેલી જાન્યુઆરીના દીર્ઘ ઈન્ટરવ્યુ દરમ્યાન જે વાત કહી તેને આગળ વધારતાં પહેલાં ‘ઉડી’ ફિલ્મ વિશેની બે વાત કહેવાની લાલચ રોકી શકાતી નથી તો જરા ઉતાવળે એ વાતો પહેલાં આટોપી લઈએ.

‘ઉડી’માં ઉડીને આંખે વળગે એવી બે બાબતો અભિનયની બાબતમાં છે જે તમે જરૂર નોંધી હશે. જેમણે ‘સંજુ’ જોઈ છે એમને સંજય દત્તના ગુજરાતી દોસ્તાર કમલેશ ઉર્ફે કમલી યાદ હશે. બિલકુલ સાદોસીધો, દુબળોપાતળો અને પોતાનાં ‘ઈડાં’ બચાવવા માગતો ખેંખલો છોકરા જેવો યુવાન. એ વિકી કૌશલ હતો જેને તમે ‘મસાણ’ નામની ઉમદા ફિલ્મમાં પણ જોયો છે. હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના (હવે જાણીતા) સ્ટંટમૅનમાંથી ઍક્શન ડિરેક્ટર બનેલા પિતા શામ કૌશલને ત્યાં ત્રીસ વર્ષ પહેલાં જન્મ. એ વખતે શામ કૌશલ મુંબઈના ઉપનગરની એક ચાલીમાં રહેતા. વિકીને ઉજળું ભવિષ્ય મળે એ માટે એન્જિનિયર બનાવ્યો પણ છેવટે એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ આવ્યો. 2012માં બે પાર્ટમાં રિલીઝ થયેલી અનુરાગ કશ્યમની આયકોનિક ફિલ્મ ‘ગૅન્ગ્સ ઑફ વાસીપુર’માં વિકી આસિસ્ટન્ટ ડિરેકટર હતો. આ ફિલ્મમાં અનુરાગને આસિસ્ટ કરનારાઓમાં નીરજ ઘેવન નામનો ટેલન્ટેડ યુવાન હતો જેણે 2015માં ‘મસાણ’ બનાવી. રણબીર કપૂરના અભિનય ઉપરાંત દમદાર દોસ્તનો રોલ નિભાવતા વિકી કૌશલનો ‘સંજુ’નો જાનદાર અભિનય પણ એમાં માણવા જેવો છે. (બેસ્ટ સપોર્ટિંગ ઍકટરનો એવૉર્ડ પાકો છે). આ જ વિકી કૌશલને એક પડછંદ, અડીખમ અને મક્કમ મનોબળ ધરાવતા હટ્ટાકટ્ટા લશ્કરી મેજરના રોલમાં તમે ‘ઉડી’માં જુઓ છો ત્યારે તમે આ ટ્રાન્સફોર્મેશન જોઈને અચંબામાં પડી જાઓ છો, કારણ કે આમાં માત્ર ફિઝિકલ દેખાવનું પરિવર્તન નથી. આખેઆખું પાત્ર જ જુદું છે. જોઈને જ લાગે કે હી મીન્સ બિઝનેસ. નો-નૉનસેન્સ ટાઈપની પર્સનાલિટી. દુશ્મનના ઘરમાં ઘૂસીને આપણા એક શહીદના બદલામાં એ લોકોના દસ આતંકવાદીને ચપટીમાં રહેંસી નાખશે એવું શાંત ઝનૂન એના ચહેરા પર દેખાય. વળી, સ્ક્રિપ્ટ-સંવાદને લીધે એનું પાત્ર પણ સની દેઉલ, આમિર ખાન કે અક્ષયકુમારની જેમ કોઈ જિન્ગોઈઝમમાં સરી પડીને દુશ્મનોના છક્કા છોડાવી દેવાની વાત કરતું નથી એટલે વધારે રિયાલિસ્ટિક લાગે છે. પોતાની ટીમનો જોશ માપવા માટે એ ત્રણ વખત માત્ર એટલું જ પૂછે છે: હાઉ ઈઝ ધ જોશ? અને સ્ક્રીન પરના જવાનોની સાથે તમને પણ ત્રણેય વખત સામે જવાબ આપવાનું મન થાય છે: હાય સર!

‘ઉડી’ના અભિનય વિભાગમાં બીજા નોંધનીય અભિનેતા છે આપણા પરેશ રાવળ જે અજિત ડોભાલનો રોલ કરી રહ્યા છે. (ડોભાલનો અંગ્રેજીમાં ‘ડોવલ’ જેવો સ્પેલિંગ થાય છે તે માત્ર તમારી જાણ માટે). મોદીએ 26 મે 2014ના રોજ પ્રધાનમંત્રી તરીકેના શપથ લીધા અને ચાર જ દિવસમાં, 30મી જૂને, પોતાના નૅશનલ સિક્યુરિટી ઍડવાઈઝર તરીકે અજિત ડોભાલની નિમણુક કરી. અજિત ડોભાલ એક જમાનામાં આઈ.બી. (ઈન્ટેલિજન્સ બ્યુરો)ના ચીફ પણ રહી ચૂક્યા છે. પાકિસ્તાન ખાતેના ભારતીય હાઈ કમિશનમાં સાતેક વર્ષના લાંબા ગાળા સુધી નોકરી કરીને ત્યાંની હકીકતો તથા ભૂગોળ વિશેની ઘણી જાણકારી મેળવી ચૂક્યા છે. અજિત ડોભાલે જાહેરમાં કહ્યું છે કે પાકિસ્તાન હુમલો કરે ત્યારે ભારતે માત્ર પોતાનો બચાવ ન કરવાનો હોય, સામો હુમલો કરવાનો હોય. સર્જિકલ સ્ટ્રાઈક પછી પાકિસ્તાનને ખબર પડી ગઈ છે કે હવે જો એણે ભૂલેચૂકેય 26/11ના મુંબઈ હુમલા જેવું કાવતરું કર્યું છે તો બીજે જ દિવસે બલુચિસ્તાનને પાકિસ્તાનમાંથી છૂટું પાડી દેવાની ભારતની પાકી તૈયારી છે, આ અજિત ડોભાલના શબ્દો છે. આવા સ્ટ્રેટેજિસ્ટ અજિત ડોભાલના શારીરિક દેખાવની ઝલક અને એમની બૉડી લૅન્ગવેજનું સૂચન પરેશ રાવળે પોતાનામાં આત્મસાત કરી દીધું છે. ઝલક અને સૂચન જ – અન્યથા મૂળ પાત્રની મિમિક્રી કરવા જેવું બની જાય, કૅરેક્ટરનું કૅરિકેચર બની જાય. પરેશ રાવળમાં અભિનયની કેટલી બારીક સૂઝ છે એના બે દાખલા. ફિલ્મના અંતમાં મિશન સક્સેસફુલ થયું છે એવા સમાચાર મળે છે ત્યારે પરેશ રાવળ (અજિત ડોભાલ) તરીકે ક્ધટ્રોલ રૂમમાં હાજર રહેલા એમના સિનિયર સાથી સાથે ઉમળકાથી હાથ મિલાવીને થોડીક સેક્ધડ સુધી હેન્ડ શેક ચાલુ રાખે છે, પણ ફીમેલ સાથી સાથે હાથ મિલાવીને સ્ત્રી દાક્ષિણ્યની સાથે વિવેકભેર તરત જ હાથ છોડી દે છે. ‘ઉડી’ બીજી વાર જોઈ ત્યારે ફિલ્મના આરંભના દૃશ્યમાં એક ઔર વાત માર્ક કરી. વડા પ્રધાન જ્યારે એક ફંક્શનમાં વિકી કૌશલ સાથે વાત કરી રહ્યા છે ત્યારે પરેશ રાવળ કૅમેરાની ફ્રેમમાં એ બંનેની વચ્ચે છે. વડા પ્રધાનની કક્ષાની વ્યક્તિ કોઈની સાથે વાત કરતી હોય ત્યારે એમની સામે તાકી ન રહેવાય કે એ જેમની જોડે વાત કરે છે એને જોતાં ન રહેવાય. આવા સમયે એ બંનેથી દૂર થઈ જવું પણ મુનાસિબ ન હોય કારણ કે ક્યારે પીએમને સલાહ માટે જરૂર પડશે એ કંઈ કહેવાય નહીં. તમે ધ્યાનથી જોજો. પરેશ રાવળ આ સંવાદ વખતે કોઈનેય તાક્યા વિના બ્લેન્ક બનીને દૂર ત્રીજી જ દિશામાં જોતા રહે છે. પણ એમના કાન સરવા છે એની તમને ત્યારે ખબર પડે છે જ્યારે એ સંવાદમાંથી વ્યક્ત થતી સમસ્યાનો હલ તેઓ તરત સૂચવે છે. પરેશ રાવળને ‘ઉડી’માં અજિત ડોભાલ તરીકે જોવાનો આહ્લાદક આનંદ મેળવવા માટે પણ તમારે આ ફિલ્મ જોવી જ પડે.

‘ઉડી’ આ દેશ માટે એક અતિ મહત્ત્વની ફિલ્મ એટલા માટે છે કે સર્જિકલ સ્ટ્રાઈક કરીને ભારતે પાકિસ્તાનને પુરવાર કરી બતાવ્યું કે તમારા માટે કૂણી લાગણી ધરાવનારાઓ અગાઉની સરકારમાં હશે તો હશે. એ લોકો અત્યાર સુધીની તમારી નીચ હરકતોને બરદાશ્ત કરતા આવ્યા છે પણ અમે જુદી માટીના છીએ. અમે દેશપ્રેમી છીએ. વતન માટે માથે કફન બાંધીને લડીશું પણ જાન કુરબાન કરવાને બદલે તમને જહન્નમમાં પહોંચાડીશું, જીવતા રહીશું, જેથી ફરીવાર આવી હરકત કરી તો ફરી એકવાર તમારા ઘરમાં ઘૂસીને તમારાં માથાં વાઢી લેવાય. માત્ર દસ-બાર દિવસમાં ઉતાવળે પણ ચોક્સાઈપૂર્વક આટલું મોટું મિશન કોઈ કેઝયુઅલ્ટી વગર પાર પાડવું એ દુનિયાના કોઈ પણ લશ્કર માટે ગૌરવની ઘટના કહેવાય. નરેન્દ્ર મોદીએ પુરવાર કર્યું કે તેઓ દેશ માટે કોઈ પણ કપરી જવાબદારી ઉઠાવવા તૈયાર છે. સર્જિકલ સ્ટ્રાઈક નિષ્ફળ ગઈ હોત કે એવું ધાર્યું પરિણામ ન આવ્યું હોત કે પછી અવળું પરિણામ આવ્યું હોત તો વિપક્ષે એમનું રાજીનામું માગ્યું હોત, કાગારોળ મચાવી હોત. કાગારોળ તો એ લોકોએ સર્જિકલ સ્ટ્રાઈકની સફળતા વખતે પણ મચાવી. મોદીની દરેક સફળ પુરવાર થયેલી નીતિના અમલીકરણ વખતે સરકારને સાથ આપવાની વાત તો દૂર રહી, હંમેશાં વિપક્ષોએ મોદીના રસ્તામાં રોડાં નાખ્યા છે. આ જ પુરવાર કરે છે કે આ દેશનું તંત્ર એ લોકોના હાથમાં હતું ત્યારે રેઢિયાળ કેમ હતું અને ભૂલેચૂકે જો ફરી વાર એમને સુકાન સોેંપવામાં આવ્યું તો એમનો વહીવટ કેવો હશે. એ લોકોએ દેશને વેચીને પોતાની તિજોરીઓ ભરી છે એમાં કોઈ શંકા નથી અને લાગ મળ્યે ફરી એકવાર એવું કરવા તેઓ તલપાપડ છે એવા પુરાવાઓ વારંવાર આપી રહ્યા છે. સર્જિકલ સ્ટ્રાઈકને રાજકીય રંગ આપીને ફરી એકવાર તેઓએ પોતાની આ લોલુપતા જાહેર કરી છે.

વધુ કાલે.

આજનો વિચાર

આજકાલ શેરબજારમાં એકબીજાને પૂછાતો સવાર: ‘હાઉ’ઝ ધ લૉસ?

જવાબ: હાય સર!

– વૉટ્સએપ પર વાંચેલું.

એક મિનિટ!

બકી: મારા વાળ સફેદ થઈ રહ્યા છે. વૉટ શુડ આય ડુ, જાનુ?

બકો: યુ શુડ ડાઈ…

4 COMMENTS

  1. કોંગ્રેસ અને ખાસ તેની હાઈ કમાન્ડ ભારત ને બરબાદ કરવા રીતસર નો પ્રયાસ કર્યો છે તેમ છતાં આવા રાષ્ટ્ર દ્રોહી પક્ષ ને વોટ આપનાર વોટર ( જેમને દેશ માટે પ્રેમ છે તે માત્ર જ ) શુ વિચારી ને વોટ આપતા હશે તે આજ સુધી નથી સમજાયું.

    વિશેષ બુદ્ધિ ધરાવનાર વર્ગ તરીકે ઓળખાનારા
    પત્રકારો પોતાનો આત્મા કેવી રીતે વેંચતા હશે તે મોટો કોયડો છે. આજ કાલ ગુડ મોર્નિંગ લખાય છે તે જ છાપ માં એવા પત્રકાર પણ રોજ લખે છે જે એક સમયે પોતાના લખાણ થી સૌરભ સર ને જે માન આપવાનું મન થાય તે લેવલ નું લખતા હતા જ્યારે આજ ની તેમની ભાષા માં સ્વવેચાણ ની દુર્ગંધ આવે છે.

  2. દુ:ખ એ વાત નું છે કે ટૂંકા સ્વાર્થ ને લીધે બધા માભોમ ને ભૂલી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here