ભાજપને કૂર્તો, વિપક્ષને ધોતિયું : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવ : શનિવાર, ૨ જાન્યુઆરી ૨૦૨૧)

૧૯૮૪માં ગ્વાલિયરની ચૂંટણી હાર્યા પછી અને ભાજપને આખા દેશમાંથી કુલ માત્ર બે જ સીટ મળી એના પરિણામસ્વરૂપે અટલ બિહારી વાજપેયીએ પક્ષના પ્રમુખપદેથી તાત્કાલિક રાજીનામું આપવા માગતા હતા. પણ વાજપેયીની આ માગણી પક્ષ મંજૂર રાખે એમ નહોતું. છેવટે વાજપેયીએ ૧૯૮૬માં ભાજપના પક્ષપ્રમુખનો હોદ્દો લાલકૃષ્ણ આડવાણીને સોંપી દીધો. ભાજપને વાજપેયીની સંસદમાં જરૂર હતી. ૧૯૮૬માં એમને મધ્ય પ્રદેશમાંથી ચૂંટીને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા.

૧૯૮૯માં રાજીવ ગાંધીની સરકારને પ્રજાએ બીજી ટર્મ ન આપી. બોફોર્સ અને અન્ય ભ્રષ્ટાચારોથી ત્રાસી ગયેલી પ્રજાને રાજીવ ગાંધીના એક જમાનાના નિકટના સાથી અને એમની સરકારમાં નાણામંત્રી તેમ જ સંરક્ષણમંત્રી રહી ચૂકેલા અને પછીથી એમની સાથે બાખડીને રાજીનામું આપી ચૂકેલા વિશ્ર્વનાથ પ્રતાપ સિંહ પર ઘણી મોટી આશા હતી. ૧૯૮૯ની ચૂંટણીમાં વી. પી. સિંહની ડગુમગુ સરકાર બની. તકવાદી અને તકલાદી વી. પી. સિંહે પોતાના શાસન દરમ્યાન દેશનું ઘણું મોટું નુકસાન કર્યું. વી. પી. સિંહની સરકાર પૂરા એક વર્ષ પણ ટકી નહીં. એમને ઊથલાવીને એમના જેવા જ તકવાદી અને તકલાદી રાજનેતા ચંદ્રશેખર વડા પ્રધાન બન્યા. એમની સરકાર પણ સાત-આઠ મહિનામાં ઉખડી ગઈ. બે જ વર્ષમાં દેશમાં ફરીવાર લોકસભાની ચૂંટણી કરાવવાની નોબત આવી.

૧૯૯૧માં દસમી લોકસભાની ચૂંટણી અનાઉન્સ થઈ. વાજપેયી રાજ્યસભામાં હતા. હવેથી પોતે ક્યારેય લોકસભાની ચૂંટણી નહીં લડે એવી જાહેરાત કરી ચૂક્યા હતા. પણ ભાજપને એમની જરૂર હતી. લોકસભાની સાથે સાથે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પણ થવાની હતી. ભાજપ દ્વારા યુપીમાં સરકાર બનાવવાની ભરપૂર કોશિશ ચાલતી હતી. રાજ્યના ચૂંટણી પ્રચારને વેગ આપે એવા નેતામાં માત્ર વાજપેયી જ હતા. ડૉ. મુરલી મનોહર જોશી તે વખતે પક્ષપ્રમુખનો હોદ્દો સંભાળતા હોવાથી ચૂંટણી લડવાના નહોતા. રાજમાતા વિજયા રાજે સિંધિયા અને લાલકૃષ્ણ આડવાણી પોતપોતાની સીટો સંભાળવામાં બિઝી થઈ જવાના હતા. વાજપેયી અગાઉ લખનૌથી લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા હતા. પક્ષે એમને ફરીથી લખનૌમાંથી ઊભા રહેવાની જવાબદારી સોંપી. એ દરમ્યાન નક્કી થયું કે આડવાણી દિલ્હી ઉપરાંત ગાંધીનગરની બેઠક પરથી પણ ચૂંટણી લડશે. એટલે વાજપેયીને પણ બે બેઠકો પરથી લડાવવાનું નક્કી થયું – બીજી બેઠક વિદિશાની. વાજપેયી લખનૌ અને વિદિશા બેઉ બેઠકો પરથી જીતી ગયા હતા અને એમાંથી વિદિશાની બેઠક એમણે છોડી દીધી જેના પરથી શિવરાજ સિંહ ચૌહાણને લડાવવામાં આવ્યા. એ જીતી ગયા અને ૧૯૯૬, ૧૯૯૮, ૧૯૯૯ તથા ૨૦૦૪માં પણ શિવરાજ સિંહ ચૌહાણ વિદિશામાંથી જીત્યા. ૨૦૦૫માં એમને બાબુલાલ ગોરના સ્થાને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા. અત્યારે એમની એ જ જવાબદારી છે. વિદિશામાંથી છેલ્લી બે લોકસભાની ચૂંટણીઓમાં સુષ્મા સ્વરાજ જીતતાં આવ્યાં છે.

વાજપેયીની સેન્સ ઑફ હ્યુમરના તો અનેક કિસ્સાઓ છે. ૧૯૯૧માં લોકસભા તથા યુપીની વિધાનસભા માટેની ચૂંટણી સાથે થવાની હતી એટલે પ્રચાર પણ લોકસભા – વિધાનસભા માટે સાથે જ થાય. ભાજપને તો ભરોસો હતો જ કે લખનૌમાંથી વાજપેયીની જીત નિશ્ચિત છે, વિરોધ પક્ષોને પણ ગળા સુધી ખાતરી હતી કે લોકસભાની ચૂંટણીમાં વાજપેયી જ જીતવાના. લખનૌ લોકસભા મતદાર ક્ષેત્રમાં વિધાનસભાની કુલ પાંચ બેઠકો પડે: લખનૌ – વેસ્ટ, લખનૌ-નૉર્થ, લખનૌ-ઈસ્ટ, લખનૌ-સેન્ટ્રલ અને લખનૌ કેન્ટોન્મેન્ટ. આ પાંચેય વિધાનસભા ક્ષેત્રના બિનભાજપી ઉમેદવારોએ માની લીધેલું કે લોકસભા માટે તો મતદારો વાજપેયીને જ વોટ આપવાના છે એટલે તેઓ ચૂંટણી પ્રચાર વખતે અપીલ એવી કરતા કે: તમે ઉપરનો વોટ (એટલે કે લોકસભા માટેનો વોટ) ભલે વાજપેયીને આપો પણ નીચેનો વોટ (એટલે કે વિધાનસભાનો મત) એમને જ આપજો.

વાજપેયીનેે કાને આ વાત પડી. એક જાહેરસભામાં એમણે આ વાતનો ઉલ્લેખ કરીને મજાક કરી: ‘તમે જો ઉપરનો કૂર્તો ભાજપને પહેરાવશો અને નીચેનું ધોતિયું બીજા કોઈને આપી આવશો તો જરા વિચારો કે મારી હાલત કેવી થશે!’

વાજપેયીમાં જેમ કૉલેજકાળથી જ વાણીની કળા ખીલી એમ ચૂંટણીની વ્યૂહરચના કેવી રીતે ગોઠવવી એનો કસબ પણ એમણે કૉલેજકાળથી જ શીખવા માંડ્યો હતો. ગ્વાલિયરમાં એ જે કૉલેજમાં ભણતા તે વિક્ટોરિયા કૉલેજમાં સ્ટુડન્ટ્સ યુુનિયનની ચૂંટણી હતી. વિદ્યાર્થી વાજપેયી જનરલ સેક્રેટરી પદ માટે ઊભા રહ્યા. એમની સાર્મ ચન્દ્રસેન કદમ નામનો વિદ્યાર્થી હતો જે ગ્વાલિયર રિયાસતના એક મોટા શ્રીમંત સરદારનો નબીરો હતો. ચન્દ્રસેને પૈસા પાણીની જેમ વાપરવા માંડ્યા. વિદ્યાર્થીઓમાં લોકપ્રિયતાની બાબતે વાજપેયી ખૂબ આગળ હતા પણ શ્રીમંત ચન્દ્રસેનની સામે પૈસાથી બિલકુલ લાચાર હતા. ચન્દ્રસેને ચૂંટણીના દિવસે એક મોટો મંડપ બાંધીને કૉલેજના તમામ વિદ્યાર્થીઓ માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરી. ચન્દ્રસેનના પ્રચાર માટે કૉલેજની ખૂબસુરત છોકરીઓને કામે લગાડવામાં આવી. વાજપેયી મૂંઝાયા. હવે શું કરવું. એમણે એક ફરફરિયું બહાર પાડ્યું જેમાં લખ્યું હતું: ‘ચાંદી કે ચંદ ટુકડોં કે લિયે અપના અમૂલ્ય વોટ મત બેચો… યદિ મેરે વિરોધી કો મુઝસે આધે વોટ ભી મિલે તો મૈં અપની હાર માન લૂંગા ઔર કભી ચુનાવ નહીં લડૂંગા.’

ટીન એજર અટલજીનો આ કૉન્ફિડન્સ, એમની આ સ્ટ્રેટેજી કામ કરી ગઈ. ચન્દ્રસેન કરતાં ડબલ નહીં, અનેકગણા વધારે મત એમને મળ્યા.

કવિ જીવ અટલ બિહારી વાજપેયી રાજકારણમાં પોતાને પહેલેથી જ મિસફિટ માનતા રહ્યા. પોલિટિક્સ અને જાહેર જીવનમાં ગંજાવર પ્રદાન કરવા છતાં એમની આ ફીલિંગ રહી અને પહેલેથી જ રહી. મૂળ પત્રકારત્વના જીવ. ‘સ્વદેશ’ અને ‘પાંચજન્ય’ સહિતનાં અખબારો-સામયિકોનું સંપાદન કર્યું. ‘પાંચજન્ય’માં એમના માટે ફિલ્મ રિવ્યુઝ કોણ લખતું હતું? લાલકૃષ્ણ આડવાણી! જોકે, આડવાણીને હૉલિવૂડની ફિલ્મો વધુ ગમે, વાજપેયીને હિન્દી. દિલ્હીમાં બેઉએ ઘણી ફિલ્મો સાથે જોઈ. દેવ આનંદ એમના ફેવરિટ હીરો. લાહોરવાળી બસયાત્રામાં એમને સાથે લઈ ગયા હતા. દેવ આનંદ ઉપરાંત દિલીપ કુમાર અને સંજીવ કુમારની ફિલ્મો પણ ગમતી. ‘હમ દોનોં’, ‘દેવદાસ’ અને ‘મૌસમ’ એમની ગમતી ફિલ્મો હતી. રાજ કપૂરની ‘તીસરી કસમ’ અને અશોક કુમારની ‘બન્દિની’ના પણ ચાહક હતા. હીરોઈનોમાં નૂતન, સુચિત્રા સેન અને રાખી ફેવરિટ હતી. રાખી-અમિતાભ બચ્ચનવાળું ‘કભી કભી’નું ટાઈટલ સૉન્ગ એમને ખૂબ ગમતું. મૂકેશ અને મોહમ્મદ રફી એમના ફેવરિટ ગાયકો અને ગાયિકામાં લતા મંગેશકર. લતાજીએ એમની કવિતાઓ ગાઈ છે (જગજિત સિંહે પણ ગાઈ છે). એસ. ડી. બર્મને કંપોઝ કરેલું અને ગાયેલું. ‘ઓ રે માઝી’ એમને બહુ ગમતું. શાસ્ત્રીય સંગીતમાં પંડિત ભીમસેન જોશી, સરોદવાદક અમજદ અલી ખાન અને પંડિત હરિપ્રસાદ ચૌરસિયાનું વાંસળીવાદન એમને કર્ણમધુર લાગતા. પંડિત ભીમસેન જોશી એમના નજીકના મિત્રોમાંના એક હતા. ગ્વાલિયરમાં જન્મ્યા, ઉછર્યા એટલે મરાઠી ભાષા પર પણ સારો કમાન્ડ હતો. મરાઠી નાટકો એમને ખૂબ ગમતાં.

વધુ કાલે.

આજનો વિચાર

જો કલ થે,
વે આજ નહીં હૈ.
જો આજ હૈ,
વે કલ નહીં હોગે.
હોને, ન હોને કા ક્રમ
ઈસી તરહ ચલતા રહેગા.
હમ હૈ, હમ રહેંગે
યહ ભ્રમ ભી સદા પલતા રહેગા.

અટલ બિહારી વાજપેયી

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here