(ગુડ મૉર્નિંગઃ ચૈત્ર વદ નોમ, વિક્રમ સંવત ૨૦૭૮. રવિવાર, ૨૪ એપ્રિલ ૨૦૨૨)
આજે આખા દિવસ દરમ્યાન જ્યારે જ્યારે સમય મળ્યો ત્યારે લાંબી સાઇઝની નોટબુકમાં એક યાદી બનાવી. ઘરે પાછા જઈને સવાર-સાંજના નાસ્તામાં અને બપોર-રાતના ભોજનમાં કઈ કઈ વાનગીઓ બનાવીશું જે પૌષ્ટિક હોય, સાત્વિક હોય અને જેમાં અગાઉના જેટલાં નમક-સાકર-તેલ વપરાતાં ન હોય. આ સાથે બીજી એક યાદી પણ બનાવી કે બહારથી કયું કયું ખાવાનું ઘરમાં આવશે. અગાઉના કરતાં આ ખાવાનાની ક્વૉન્ટિટી સાવ ઓછી અને અગાઉ મહિને જેટલી વાર મગાવતા એટલી વાર નહીં મગાવવાનું, ઓછી વાર મગાવવાનું, પણ પહેલો મહિનો બહારથી આવતા ખાવાના પર રોક લગાવી દેવાની.
પહેલો મહિનો બહાર ખાવા પણ નહીં જવાનું. ઘરમાં જ બધું બનાવીને ખાવાનું. પછી જેમ જેમ યોગ-પ્રાણાયામનું પ્રમાણ, એની તીવ્રતા વધતો જાય અને ચાલવાનું-સાયકલિંગનું રૂટિન સેટ થતું જાય એમ એમ પેલી બ્રેક પરથી પગ ઉઠાવવાનો અને આ બાજુ વ્યાયામનું એક્સલરેટર વધુ ને વધુ દબાવતાં જવાનું.
મહિના પછી, ત્રણ મહિના પછી કે છ મહિના પછી ખબર પડી જશે કે આવું કરવાથી શ્યુગર, બ્લડ પ્રેશર જે અહીં નૉર્મલ થઈ ગયાં છે તે મુંબઈ પણ નૉર્મલ જ રહે છે કે નહીં. જો એમાં વધારો થઈ જતો હોય તો મહિનામાં જ ચેતી જવું પડશે અને ખોરાકમાં વધુ કડક નિયમો ફૉલો કરવા પડશે. અન્યથા અહીંના 50 દિવસની યોગસાધના પર પાણી ફરી વળશે અને લાંબાગાળે ફરી પાછા હતા ત્યાંના ત્યાં આવી જઈશું.
અત્યારે મને શારીરિક અને માનસિક રીતે જે ફીલ થઈ રહ્યું છે તે વર્ણવવા માટે મારી પાસે ખરેખર કોઈ શબ્દો નથી. વર્ણન કરીને તમને સમજાવી શકું. 1990ની સાલમાં હું સુરતમાં ચારેક વર્ષ ગાળીને પાછો કાયમ માટે મુંબઈ આવી ગયો. એ ચારેક વર્ષ દરમ્યાન વચ્ચે કાન્તિભાઈ-શીલાબેન ભટ્ટના ‘અભિયાન’ સાપ્તાહિક માટે કામ કરવા મુંબઈ જઈને પપ્પા-મમ્મી સાથે રહેતો પણ 1990માં ફાઇનલી સુરત છોડી દીધું. તે વખતે મારી ઉંમર 30 વર્ષની. મુંબઈ આવીને મેં મારી કારકિર્દીની નવી ઇનિંગ્સ શરૂ કરી.
અત્યારે અહીંની રૂમના ડ્રેસિંગ ટેબલના આદમકદ આયનામાં મારું પ્રતિબિંબ જોઉં તો મારું વજન અને મારું શરીર એ વખતે જેવું હતું એવું દેખાય છે. વાળમાં આવી ગયેલી સફેદીને બાદ કરતાં મારો દેખાવ 1990ના સૌરભ શાહ જેવો લાગે છે. છેલ્લાં ત્રીસ વર્ષમાં વચ્ચે તો મારું વજન 93 કિલો પર પહોંચી ગયું હતું. 2004માં શરૂ કરેલા ઇટીવીના ‘સંવાદ’ કાર્યક્રમમાં તમને જે માણસ દેખાય છે તે અત્યારના કરતાં લગભગ દોઢા વજનનો હતો!
જીવનમાં જે કંઈ જ્ઞાન અને જ્ઞાનની સાથે બીજું બધું જ મેળવ્યું છે તે વેડફાઈ ન જાય એ માટે લાંબું જીવવું જરૂરી છે અને લાંબું જીવવા માટે તંદુરસ્તીભર્યું શરીર અનિવાર્ય છે.
જોકે, મારે કંઈ સિત્તેર કિલોના નથી રહેવું. અહીં આવ્યો ત્યારે આના કરતાં આઠેક કિલો વધારે હતું. અહીંના ડૉક્ટરોનું કહેવું છે કે આ જે વજન ઘટ્યું છે તે શરીરમાંની ખરાબીઓ અને નકામી ફૅટ દૂર થઈ જવાથી ઘટ્યું છે. પચાસ દિવસની આ યોગસાધના પછી ખોરાકની સારી ટેવો ચાલુ રહેશે, જૂના ખોરાકમાં જરૂરી એવા ફેરફારો થશે અને સાથે યોગ-પ્રાણાયામની અસરો ઉમેરાશે તેમ જ ખોરાકમાં બીજી કેટલીક પૌષ્ટિક ચીજો ઉમેરાશે એટલે નવેસરથી વજન વધશે, માંસપેશીઓ વધુ મજબૂત બનશે, શરીરનાં અંદરનાં ઑર્ગન્સ વધુ કાર્યક્ષમતાથી કામ કરતા થશે એટલે એનો ઘણો ફાયદો થશે. અત્યાર સુધી અપૌષ્ટિક ખોરાકને લીધે જે વજન વધ્યા કરતું હતું તે ઘટી ગયા પછી પૌષ્ટિક આહાર દ્વારા જૂનું વજન (એટલે કે 80ની આસપાસવાળું- 93 વાળું નહીં!) પાછું આવતું થઈ જશે.
યોગગ્રામની સિરીઝ માટે પહેલા જ લેખથી ઘણી કમેન્ટ્સ આવે છે. ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છો તમે સૌ. ભાગ્યે જ કોઈને જવાબ આપી શકું છું. ઇનફેક્ટ, આ સિરીઝના લેખો લખવા માટે માંડ સમય મળે છે. ક્યારેક સવારની અઢી કલાકની યોગસેશનમાંથી કલાક ઓછો કરીને કે પછી બપોર-સાંજની થેરપીઓમાંથી એકાદ ગપચાવીને કે પછી સાંજના દોઢ કલાકના યોગક્લાસમાંથી અડધો કલાક ચોરીને લખવાનું પૂરું કરવું પડે છે. પણ તમારી કમેન્ટ્સ મળે છે ત્યારે ખૂબ સારું લાગે છે. હું અહીં એકલો નથી પણ આપણે સૌ સ્વામી રામદેવના સાન્નિધ્યમાં પચાસ દિવસ માટેની આરોગ્યસાધના કરી રહ્યા હોઈએ એવું લાગે છે.
દિવસ દરમ્યાન શું શું ખાધું-પીધું અને કઈ કઈ થેરપીઝ-ટ્રીટમેન્ટો લીધી એમાં જો ખાસ કંઈ નવીન ન હોય તો એકની એક વાત હું મારો આ લેખોમાં રિપીટ કરતો નથી. આમેય મારે ઓવરઑલ હેલ્થની બાબતમાં, દવાઓ-મેડિકલ ક્ષેત્ર વિશે, આયુર્વેદ અને આપણી ભારતીય પરંપરાની ચિકિત્સા પદ્ધતિ વિશે એટલું બધું તમારી સાથે શેર કરવાનું છે કે પચાસ દિવસની આ ડાયરી પૂરી થયા પછી પુસ્તકરૂપે પ્રગટ કરતી વખતે એમાં પરિશિષ્ટરૂપે કેટલાક નવા લેખો ઉમેરવા પડશે. આ પ્રકારનું સઘન કામ મુંબઈમાં બેઠાં બેઠાં હું ન જ કરી શક્યો હોત. મારા પોતાના સ્વાસ્થ્ય માટે તેમ જ મારી આરોગ્ય વિષયક સમજને વિસ્તારીને એ સમજણને તમારા સુધી પહોંચાડવા માટે મારે મુંબઈ છોડીને પચાસ દિવસ માટે હરદ્વારના યોગગ્રામમાં જ મારું ‘ઘર’ બનાવી લેવું જરૂરી હતું. મને તો આ બધાયનો જબરજસ્ત ફાયદો થઈ જ રહ્યો છે, આશા રાખું છું કે આ વાંચનાર સૌ કોઈ આમાંથી પોતપોતાની જરૂરિયાત અને ક્ષમતા મુજબ ફાયદો લઈ રહ્યા હશે.
જીવનમાં જે કંઈ જ્ઞાન અને જ્ઞાનની સાથે બીજું બધું જ મેળવ્યું છે તે વેડફાઈ ન જાય એ માટે લાંબું જીવવું જરૂરી છે અને લાંબું જીવવા માટે તંદુરસ્તીભર્યું શરીર અનિવાર્ય છે. બાપાલાલ વૈદ્ય ‘દિનચર્યા’માં કહે છે કે મહર્ષિ ચરકે લખ્યું છે કે ભરદ્વાજ મુનિ આયુર્વેદ ભણીને આવ્યા એટલે દીર્ઘ આયુષ્ય પામ્યા. જ્ઞાન સાથે સુખ અને દીર્ઘ જીવનની પ્રાપ્તિ ન હોત તો એનું પ્રયોજન જ વ્યર્થ જાત.
સવારે બ્રશ કરીને મોટો તેલનો કોગળો મોઢામાં રાખીને ગંડૂષ કરવાથી જડબાં મજબૂત બને છે, સ્વરનું બળ વધે છે, મોં ભરાવદાર થાય છે, અન્ન પર પરમ રુચિ ઉત્પન્ન થાય છે
બાપાલાલભાઈ કહે છે કે આયુર્વેદ જીવનશાસ્ત્ર છે; આયુર્વેદ (માત્ર) ઔષધોનું શાસ્ત્ર નથી. જ્યારે હાલનું મેડિકલ સાયન્સ એ દવાદારૂરોગોનું શાસ્ત્ર છે, જીવનનું શાસ્ત્ર નથી.
બાપાજીએ ‘દિનચર્યા’માં નોંધ્યું છે કે આરોગ્ય બે જાતનાં છેઃ 1. કૃત્રિમ અને 2. સ્વાભાવિક. આજના વિજ્ઞાને કૃત્રિમ આરોગ્ય બક્ષ્યું છે. ઘણા ચેપી રોગો સામે પ્રજાને રક્ષણ આપ્યું છે. આ એક ઉમદા વૈજ્ઞાનિક બક્ષિસ છે. પરંતુ રોગનો અભાવ એ જ કંઈ આરોગ્ય નથી. આપણને કુદરતી આરોગ્ય જોઈએ છે જે ચેપી રોગો સામે સંરક્ષણ કરવાની શક્તિ આપે તે જ શરીરનો હ્રાસ કરનારી વ્યાધિઓ-ડીજનરેટિવ ડિસીસિઝથી શરીરને સાચવીને રાખે. માણસે ઊઠતાં-બેસતાં જરા પણ શરીરનો કે પોતાના સ્વાસ્થ્યનો વિચાર સરખો કરવો ન પડે એ જાતનું તેના શરીરનું સર્જન હોવું જોઈએ. ગમે તેવાં કષ્ટો, સાહસો, ઋતુપરિવર્તનો, ટાઢતાપ, સુખદુઃખનાં દ્વન્દ્વો વગેરે સહન કરી શકે એવું શરીર હોવું જોઈએ. આજે આ સાચું આરોગ્ય છે જ નહીં, કૃત્રિમ આરોગ્યમાં બધા રાચે છે.
યોગગ્રામ આવીને રોજ સવારે ત્રિફળાજળથી આંખો ધોવાની ટેવ પડી. આનો ફાયદો લાંબાગાળે થશે. જલનેતિને કારણે સવારે ઊઠીને જ નાકમાંનો ઘણો બધો કચરો બહાર ફેંકાઈ જાય છે. જલનેતિ તથા ચક્ષુપ્રક્ષાલનની વિધિ અગાઉના કોઈ એક લેખમાં વિગત વાર નોંધી છે.
મહર્ષિ ચરકે ‘ગંડૂષ’ના ફાયદાઓ જણાવ્યા છે. અહીંથી એક વખત ડૉ. પ્રકાશ કોઠારી સાથે ફોન પર વાત થઈ ત્યારે એમણે પણ મને રોજ તલના તેલથી ગંડૂષ કરવાનું કહ્યું હતું. (આયુર્વેદમાં જ્યાં જ્યાં તેલનો ઉલ્લેખ હોય ત્યાં તલનું તેલ છે એમ જ સમજવાનું).
બાપાલાલભાઈ સમજાવે છે કે સંસ્કૃતમાં કોગળા માટે બે શબ્દ છેઃ ગંડૂષ અને કવલ. આમાંથી કવલ એટલે તેલને મુખમાં હલાવી શકાય એટલું ભરવું. સામાન્ય રીતે પાણીના કોગળા આવા જ ભરાય છે. ગંડૂષ એટલે મોંમા જરા પણ જગ્યા ન રહે એવો મોટો તેલનો કોગળો. કવલ સંચારિ (હલાવી શકાય તેવો) હોય અને ગંડૂષ અસંચારિ (હલાવી ન શકાય એવો) હોય. સવારે બ્રશ કરીને મોટો તેલનો કોગળો મોઢામાં રાખીને ગંડૂષ કરવાથી જડબાં મજબૂત બને છે, સ્વરનું બળ વધે છે, મોં ભરાવદાર થાય છે, અન્ન પર પરમ રુચિ ઉત્પન્ન થાય છે. પંદરવીસ મિનિટ સુધી ગંડૂષ મોઢામાં રાખીને બેસી રહેવું અથવા કોઈ કામમાં લાગી જવું અને પછી તેલ થૂંકી કાઢીને પાણીના કોગળા કરી લેવા. આવું કરવાથી માણસનો કંઠ કદીય શોષાતો નથી (ખૂબ પ્રવચનો કરનારાઓએ કે કૉલેજના અધ્યાપકોએ કે ભાષણો કરનારા રાજકારણીઓ તેમ જ કથાકારો વગેરેએ આ પ્રયોગ નિયમિત કરવો જોઈએ). ગંડૂષને કારણે હોઠ કદી ફાટતા નથી, દાંત પડતા નથી, દાંતનાં મૂળ દૃઢ થાય છે, દાંતમાં ચસકા મારતા નથી, ગમે તેવું ખાટું ખાઈ શકાય છે, ગમે તેવો કઠિન ખોરાક ખાઈ શકાય છે.
યોગગ્રામમાં શરૂના દિવસોમાં મને સાંજે સરસવના તેલથી કવલ કરાવતા હતા. એ પછી ડૉક્ટરે મને સાંજે નહીં પણ સવારે દાંત સાફ કર્યા બાદ કવલ કરવાનું કહ્યું અને સરસવને બદલે વર્જિન કોકોનટ તેલ વાપરવાનું કહ્યું. ડૉ.પ્રકાશભાઈ સાથે અહીંથી ફોન પર વાત થઈ ત્યારે એમણે કવલને બદલે ગંડૂષમાં વધારે ફાયદા છે એવું કહીને તલનું તેલ વાપરવાનું કહ્યું. આ દરેકના પોતપોતાના ફાયદાઓ છે. મને તલના તેલથી ગંડૂષ કરવાથી લાંબા ગાળે ખૂબ લાભ થશે.
બાપાલાલભાઈ કહે છે કે તૈલગંડૂષ સેવનથી દાંત બહુ જ સરસ રહે છે, દાંતનાં મૂળિયાંને સ્નેહન મળે છે અને મશીનમાં જેમ તેલ મૂકવાથી મશીન સરસ કામ આપે છે તેમ આપણે જો દાંતને પણ નિયમિત તેલ આપ્યા કરીએ તો આજકાલ જે અનેક પ્રકારના દાંતના રોગો આપણે જોઈએ છીએ તે અદૃશ્ય થઈ જાય અને મરણ સુધી દાંત દૃઢ અને સ્થિર રહી શકે.
આટલું કહીને બાપાજી ઉમેરે છે કે, પણ આ આર્થિક જમાનામાં કોઈ પ્રશ્ન કરે કે, ‘વૈદ્યરાજ! હંમેશનું અધોળ તેલ બગાડવું કેમ પાલવે? (અધોળ એટલે નવટાંકનો અડધો ભાગ, શેરનો સોળમો ભાગ), મહિનાનું બશેર તેલ જાય અને વર્ષમાં પચીસ શેર (બારેક કિલો) તેલ જોઈએ.’ હું કહીશ કે આરોગ્યરક્ષા માટે વર્ષે દહાડે આટલા તેલના રૂપિયા ખર્ચવા એ શું વધારે છે? દાંતના ડૉક્ટરો પાસે દાંત બતાવતાં કેટલા રૂપિયા ખર્ચવા પડે છે? ડૉક્ટરની વિઝિટ, દાંત ધોવાનો ચાર્જ વગેરે ગણો અને તેલનું ખર્ચ અને તેના ફાયદા ગણો તો હું ખાતરીથી કહું છું કે તેલ જરાકેય મોઘું નથી પડતું. સવાલ ખર્ચનો નથી, પણ દંતરક્ષણનો છે. એક વર્ષ સુધી સતત તેલના ગંડૂષ ભર્યા પછી મને પૂછજો કે એનાથી શા શા લાભ થાય છે.’
બાપાલાલ વૈદ્યની આ દલીલ જેવી જ આર્ગ્યુમેન્ટ સ્વામી રામદેવ યજ્ઞ-હવનની બાબતમાં કરતા હોય છે. અને થોડા દિવસ પહેલાંના લેખમાં મેં કેટલાક લોકોને અહીં આવવું ‘મોંઘું’ લાગે છે એવું જાણ્યું ત્યારે કરી હતી.
આપણી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિમાં અભ્યંગનું-માલિશનું-ઘણું મહત્ત્વનું છે. યોગગ્રામમાં મહાનારાયણ તેલથી ફૂલ બૉડી મસાજ કરવા ઉપરાંત કાફ (પીંડી) મસાજ, પોટલી મસાજ વગેરેનો લાભ મળે છે. આયુર્વેદમાં પગનાં તળિયાં પર તૈલાભ્યંગ કરવાનું ભારપૂર્વક કહ્યું છે એવું બાપાલાલ વૈદ્ય જણાવે છે. નાકમાં તેમ જ કાનમાં તેલનાં ટીપાં નાખવાથી પણ અનેક ફાયદાઓ થાય છે એવું બાપાજીએ નોંધ્યું છે. માથામાં વાળમાં અચૂક તેલ નાખવું એમ કહીને તેઓ મહર્ષિ ચરકને ટાંકે છેઃ ‘જે હંમેશાં માથામાં તેલ નાખે છે તેને કદી માથાનો દુખાવો થતો નથી, તાલ પડતી નથી, વાળ અકાળે સફેદ થતા નથી, વાળ ખરી જતા નથી, માથાની ખોપરીનાં હાડકાં બહુ જ મજબૂત બને છે અને વાળ દૃઢમૂલ, લાંબા, કાળા થાય છે. દરેક ઇન્દ્રિયને શાંતિ મળે છે, ઊંઘ સારી આવે છે. (ચરક, સૂ.સ્થા, અ.પ, 75-77)
ચરકે કહ્યું છે કે તેલથી અભ્યંગ કરવાથી શરીર ભરાવદાર, બળવાન અને દૃઢ બને છે, ચામડી પણ સરસ થાય છે, વાયુના વિકારો સ્પર્શતા નથી, શરીર ખડતલ બને છે, ગમે તેવો માર પડેલો હોય છતાંય સહેલાઈથી સહન થાય છે, અને ઘડપણ મોડું આવે છે.’
અભ્યંગથી રુધિરાભિસરણની ગતિ વધે છે, માંસપેશીઓને કસરત મળે છે અને શરીરમાં તાજગી અને સ્ફૂર્તિ ઉમેરાય છે. થાક દૂર થાય છે. બાપાજી છેલ્લે કહે છે કે ભોજન અને અભ્યંગ બંનેમાં તલનું તેલ સારું છે.
રોજ માલિશ કરવાની જરૂર નથી. એને કારણે હાનિ પણ થઈ શકે. અઠવાડિયે એક જ વાર બરાબર છે. બાકીના દિવસોમાં હળવા હાથે તેલથી શરીર મસળીને સાબુ વિના નહાઈ લઈએ તે સારું.
વ્યાયામની મહત્તા તો સૌ કોઈ જાણે છે. ‘દિનચર્યા’ પુસ્તકમાં બાપાલાલ વૈદ્યે વ્યાયામથી થતા લાભ તો વર્ણવ્યા જ છે, અતિવ્યાયામથી થતા ગેરલાભ પણ કહ્યા છે.
સ્નાન વિશેના પ્રકરણમાં તેઓ આરંભે જ કહે છેઃ ‘આપણે હિંદુઓ હંમેશાં સ્નાન કરીએ છીએ. સ્નાન એ તો હિંદુઓ માટે ધર્મનું એક અવિભાજ્ય અંગ બની ગયેલું છે. કોઈ પણ પવિત્ર કાર્ય સ્નાન સિવાય થઈ શકતું જ નથી. મહર્ષિ સુશ્રુત કહે છેઃ ‘સ્નાન નિદ્રા, દાહ અને શ્રમ (થાક)ને હરનાર છે, સ્વેદ, કંડૂ (ખુજલી) અને તૃષાને હણનાર છે. તંદ્રા અને પાપનું શમન કરનાર છે. તૃપ્તિ અને શક્તિ આપનાર છે. પુરુષાતન વધારનાર છે. લોહી સાફ કરનાર છે અને જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર છે.’
નહાવા માટે સૂર્યોદય પહેલાંનો સમય ઉત્તમ છે. જમ્યા પછી તરત ન નહાવું (પાચન ક્રિયા બગડે). રાત્રે નહાવું હોય તો ગરમ પાણીથી નહાવું. ગરમ પાણી માથા પર ન નાખવું. ઠંડા પાણીથી નહાવાની ક્રિયા જલદી આટોપી લેવી.
સુશ્રુતસંહિતાને ટાંકીને (ચિ.28-79,80) બાપાલાલ વૈદ્ય કહે છે કે રોજ ચાર-પાંચ માઇલ (છથી આઠ કિલોમીટર) જેટલું ચાલવાથી વર્ણ, કફ, સ્થુળતા, બહુ નાજુકાઈ વગેરેનો નાશ થાય છે. (પણ) એનાથી વધુ ચાલવાથી જલદી ઘડપણ આવે છે અને બળ ઓછું થઈ જાય છે.’
બાપાલાલ વૈદ્ય ‘ફરવા જવું (ચંક્રમણ)’ પ્રકરણમાં એકદમ પૅશનેટ બનીને કહે છેઃ ‘જો મારી કલમમાં હૅન્રી થૉરો જેવી શક્તિ હોત તો હું ગુજરાતની પ્રજાને હરતીફરતી કરી દેત. જે ભાઈ-બહેનો અંગ્રેજી જાણતાં હોય તેમને હું થૉરોના નિબંધો વાંચી જવા વીનવું છું. થૉરોએ ‘વૉકિંગ’ (ફરવા જવું) અને (અ વિન્ટર વૉક) (શિશિર ઋતુમાં ચંક્રમણ) એ નામના બે સુંદર નિબંધો લખ્યા છે. આપણા ગુજરાતી સાહિત્યમાં કોઈએ ફરવા ઉપર નિબંધ લખ્યો છે કે નહીં (1932 સુધીમાં) તે હું જાણતો નથી. થૉરોના એ લેખો વાંચ્યા બાદ ગમે તેવો મુંજી આદમી કુદરતનો ભક્ત બની જાય; ઘરઆંગણું છોડીને કુદરતી સૌંદર્ય જોતો થઈ જાય. આખો દિવસ પોળોમાં કે બજારોમાં ભરાઈ રહેનાર મનુષ્યોને સાંજે બે કલાક ફરવાનું મન નથી થતું એ રોગગ્રસ્ત મનોવૃત્તિ સૂચવે છે… સાંજે ફરવા જવાનું પડતું રાખવું જોઈએ. ગમે તેવું કામ પડતું મૂકીને પણ કલાક બે કલાક બહારની સ્વચ્છ હવામાં ફરી આવવું જોઈએ. એથી મગજ પ્રફુલ્લિત થાય છે, રુધિરાભિસરણ ત્વરિત થાય છે, શુદ્ધ પ્રાણવાયુ ફેફસાંમાં જવાથી ફેફસાં મજબૂત થાય છે, લોહી સાફ રહે છે અને આસપાસના વાતાવરણની પવિત્રતાની છાપ આપણા મન ઉપર પડે છે… સવારમાં ફરવા જવું પણ સારું છે. સાંજના કરતાં સવારના વાતાવરણમાં ઓર જ તાજગી હોય છે… અને અવારનવાર રાતની ‘વૉક’ પણ રખે ચૂકતા, શરદ ઋતુની ચંદ્રિકામાંથી ઝરતું અમૃત ઝીલવું હોય તો અવારનવાર રાત્રે પણ ફરવા નીકળી જજો.’
‘દિનચર્યા’માંના બે પ્રકરણો વિશે થોડીક વાત કરીને આજના લેખનું સમાપન કરીએ અને બાપાલાલભાઈ વૈદ્યની વાણીને પણ વિરામ આપીએ. ‘ત્રણ એષણા’ શીર્ષક હેઠળ લખાયેલા પ્રકરણ 28માં બાપાજી કહે છે કે એષણા (ઇચ્છા) ત્રણ જાતની છે- 1. પ્રાણૈષણા, 2. ધનૈષણા અને 3. પરલાકૈષણા. આ ત્રણ એષણા વગરનો મનુષ્ય શોધ્યો જડે એમ નથી. પ્રત્યેક વ્યક્તિએ સાવધાન રહીને આ ત્રણેય એષણાઓ પ્રાપ્ત કરવી જોઈએ.
પ્રાણૈષણા માટે દિનચર્યાનું નિયમબદ્ધ પાલન, યોગ વગેરે સાધનો છે. પ્રાણની રક્ષા માટે સદા જાગ્રત રહેવું જોઈએ. પ્રાણરક્ષા માટે, દીર્ઘાયુષ્ય માટે પ્રત્યેક વ્યક્તિએ પ્રયત્ન કરવો જોઈએ.
બીજી ધનૈષણા. મહર્ષિ ચરક કહે છે કે, ‘તદ્દન સાધનહીન માણસ બહુ વર્ષો જીવે એના જેવું પાપ-દુઃખ બીજું કોઈ નથી. માટે પ્રત્યેક મનુષ્યે સાધનસંપન્ન થવાનો પ્રયત્ન કરવો જોઈએ. સાધન વિનાનું, ધનહીન જીવન જીવવું એના કરતાં તો મૃત્યુ સારું. જીવવું તો લહેરથી, પામરતાથી નહીં.
મહાભારતના ઉદ્યોગપર્વમાં વિદુલા પોતાના પુત્રને કહે છેઃ ‘ધનહીન રહેવું એ મોટું દૂષણ છે. દારિદ્ર્ય એ મરણનો પર્યાય છે. ઉદ્યોગપર્વમાં જ યુધિષ્ઠિર કહે છેઃ ‘ધન એ જ પરમધર્મ છે. ધનથી જ સૌ પ્રતિષ્ઠિત છે. ધનવાનો જ સારી રીતે જીવતા હોય છે. ગરીબો મર્યા જેવા છે.’
આટલી વાત કરીને બાપાજી લાલબત્તી ધરે છેઃ ‘ધન ગૃહસ્થાશ્રમને શોભાવે છે, આત્માને આનંદ આપી શકે છે, પણ અધર્મથી મેળવેલું ધન માણસને સુખેથી સૂવા પણ દેતું નથી… લોભથી પ્રજ્ઞા હણાય છે… જે રસ્તે ધન કમાઈને મનને આઘાત પહોંચતો હોય, માનસિક શાંતિને ખલેલ પહોંચતી હોય તે રસ્તો ત્યજી દેવો જોઈએ.’
પરલોકૈષણા વિશે બાપાજીનું કહેવું છેઃ ‘પરલોકનો ડર અહીં ખોટાં કર્મો કરવામાંથી માણસને બચાવી લે છે. જૂઠું બોલતાં બચાવે છે. ચોરી-ચૂગલી વગેરેમાંથી બચાવી લે છે. એ રીતે આરોગ્યને લાભ થાય છે.
‘સંપ્રયોગ’ શીર્ષકના લેખમાં બાપાલાલ વૈદ્યે સેક્સ વિશે કેટલીક વાત કરી છે. આમ તો આ વિષય પર એમણે એક આખું પુસ્તક લખ્યું છે (‘અભિનવ કામશાસ્ત્ર’) જે મારા જોવામાં હજુ સુધી આવ્યું નથી. ભાવમિશ્રને ટાંકીને બાપાજી નોંધે છેઃ ‘પ્રાણીમાત્રને હંમેશાં મૈથુનની ઇચ્છા થાય છે. એ ઇચ્છાને સ્વાભાવિક તૃપ્તિ નથી મળતી તો પછી તેનાથી પ્રમેહ, મેદવૃદ્ધિ અને શરીરમાં શિથિલતા પ્રાપ્ત થાય છે.’
અહીં તેઓ ઉમેરે છેઃ ‘(પણ) દરેક વસ્તુનો અતિરેક ખરાબ છે. જનન અવયવોનો અતિ ઉપયોગ હાનિકર્તા છે.
મહર્ષિ સુશ્રુત કહે છેઃ ‘દીર્ઘાયુષવાળા, જેમને ઘડપણ ઘણું જ ધીમે આવે છે એવા, શરીર-વર્ણ-બળ જેમનાં સારાં છે એવા, પુરુષો સ્ત્રીસંપ્રયોગમાં ઘણા સંયમી હોય છે; જેમ માણસ દુર્બળ વધારે તેમ તેની રતિલાલસા વધુ. દુર્બળોની રતિલાલસા અનિયંત્રિત હોય છે.’
સુશ્રુતે એમ પણ કહ્યું છે કે, ‘અતિસહવાસથી નાડી યંત્ર નબળું પડે છે, હૃદય નબળું પડે છે, સાંધાઓ દુઃખે છે, માંસપેશીઓ પોચી પડે છે, આંખોનું તેજ ઘટે છે, ખાંસી-તાવ-દમ-કૃશતા વગેરે રોગો થાય છે.’
છેલ્લે બાપાલાલ વૈદ્યની આ વાત મોઢે કરી લઈએ અને હંમેશાં યાદ રાખીએ. તેઓ કહે છેઃ ‘જાણવું જુદી વાત છે અને એ જાણકારીનું પાલન કરવું, એ જાણકારીને આચરણમાં મૂકવું એ જુદી વાત છે. મહાભારતના વનપર્વમાં (313-310) યુધિષ્ઠિર કહે છેઃ ‘ભણનારા, ભણાવનારા, શાસ્ત્રનું ચિંતન કરનારા એ બધા જ વ્યસની માણસો જેવા-મૂર્ખાઓ છે. જે ક્રિયાવાન છે-જાણેલું બરાબર અમલમાં મૂકે છે તે જ સાચો પંડિત છે.’
યોગગ્રામ વિશેની આ સિરીઝના લેખો વાંચતાં વાંચતાં આપણે સૌએ નક્કી કરી લેવાનું કે આપણે વ્યસની છીએ કે પંડિત!
• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.
•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
ખૂબ સુંદર. આપની લેખનશૈલી નું હું તો આશિક જ છું. ગમે તે વિષય હોય,વાંચકો રસતરબોળ થઈ જાય એવી આપની કલમ છે.
તબિયત, આરોગ્ય પ્રતિ વધારે સભાન થયાં છે. આભાર, ધન્યવાદ. શીખી રહ્યા છીએ અને સુધરી પણ રહ્યા છીએ.
બદલાવ મહેસુસ થઈ રહ્યો છે.
ખૂબ આનંદ થાય છે સૌરભભાઇ, તમારું સ્વાસ્થ્ય તરફનું વલણ અને શ્રદ્ધાપૂર્ણ લેખ વાંચી ને.
જય શ્રીકૃષ્ણ.. ભાઈ..Keep it up.👌🌹
બહુ સરસ સૌરભ ભાઈ તમારા લેખ વાંચવાની મજા આવી હુ પણ આઠ દિવસ ત્યા હતો
My Grand Father was practitioner of Aurvedic
I grew up watching him daily routine like you are living in Ashram
Than I moved on for further education and DHAN PRAPTI MORDEN LIFE
TODAY I AM 68 and reading your daily intake and living Natural Aurvedic days has prompted me to live that life from now on Satvic life
Thank you for your detail sharing experience and being practical you are real PANDIT
Your Kalam is your Shakti Sharing is Caring Shared Knowledge is Danvir Karan
Sirji
Is it possible to create a day to day dincharya as guidance in the form of time table/food,timings etc.
In Mumbai any particular clinic (where we may get competent advice.)age 70 years,m fit with god grace
Have wife diabetes app.100 units insulin dose daily,don’t have guts to visit there.)
But sometimes simple guideline may help )
Good morning to many articles has given us push to next level.
Your documented book can also guide/inspire us to have daily energy.)
Stay blessed.
Fabulous article
આપના લેખ વાંચીને એક પુસ્તકનું ટાઈટલ કહેવાનું મન થાય છે તંદુરસ્તી આપણા પોતાના હાથમાં જ છે ધન્યવાદ સૌરભ ભાઈ ખુબ જ સરસ લેખ અવાજ લેખ લખતા રહેશો તેથી સમગ્ર પ્રજા ઉર્જાવાન સ્વસ્થ સ્વસ્થતા અને મનની પ્રસન્નતા પ્રાપ્ત કરતા રહે તેવી પ્રાર્થના
નમસ્તે સૌરભભાઈ
દરરોજના લેખ ની રાહ જોવાય છે. તમારા સુંદર લેખ થી ખરેખર યોગગ્રામમાં માનસિક રીતે આવી જવાય છે. ખૂબ લાભ મળે છે ખૂબ આભાર.
નમસ્કાર.
બહુ ઉપયોગી અને સ્વાસ્થ્યવર્ધક માહિતી આભાર🙏
Bhauj saras lekh vachine bhauj janva maliyu.thanks sourabh bhai.
એક આયુર્વેદજ્ઞ છુ આપનો અનુભવ દીર્ઘ આયુષ્ય તરફ ચોક્કસ લઇ જશે
તમારા લેખ વાંચતા વાંચતા જાણે નજર સામે તમને નિહાળતા હોય તેવું લાગે છે. બસ તમને સાક્ષી ભાવે નીરખી રહ્યો છું..