( લાઉડમાઉથ : ‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, બુધવાર 30 ઑગસ્ટ ૨૦૨૩)
તમારે જે ખાવું જોઈએ તે જ ખાધું હોત તો તમારું શરીર ઘણું મજબૂત અને વધુ નિરોગી હોત. કચરપટ્ટી ખાવાનું છોડીએ. તમારે જે વાંચવું જોઈએ તે જ વાંચ્યું હોત તો તમારું મન ઘણું સ્વસ્થ અને વધુ વિશાળ હોત.કચરપટ્ટી વાંચવાનું છોડીએ. કચરાપટ્ટી વાચનથી કેવી રીતે દૂર રહેવું એ વિશે ભવિષ્યમાં ક્યારેક. આજે કચરપટ્ટી ખોરાક વિશે, જન્ક ફૂડ વિશે.
સરકાર કે સરકાર સાથે સંકળાયેલી કોઈ પણ સંસ્થા હવે જે કંઈ નિર્ણય લે છે તેની સામે અમુક મીડિયા વિરોધ કરશે જ કરશે. ૨૦૧૬ની નોટબંધીની હોહાના માહોલમાં એક બહુ અગત્યનો અને દૂરગામી અસરો ધરાવતો નિર્ણય ઘણાની ધ્યાન બહાર જતો રહ્યો હતો. ગુરુવાર, ૧૦મી નવેમ્બર ૨૦૧૬ની સાંજે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુ.જી.સી.)ની વેબસાઈટ પર એક સકર્યુલર પોસ્ટ થયો હતો.
યુ.જી.સી. વિશે એક વાક્યમાં માહિતી આપીને વાત આગળ વધારીએ. દેશભરની તમામ યુનિવર્સિટીઓને ભારત સરકાર આ સંસ્થા (નામે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન) દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપીને એમનો વહીવટ સ્મૂધ કરી આપે છે. સાથોસાથ યુ.જી.સી.એ અભ્યાસ તથા વહીવટને લગતા અમુક સ્ટાન્ડર્ડસ સેટ કર્યા છે જે દરેક યુનિવર્સિટીએ પાળવાનાં હોય. યુ.જી.સી.નાં ચૅરપર્સન તરીકે એક જમાનામાં મધુરીબેન શાહ નામનાં તેજસ્વી વિદુષી ગુજરાતણ હતાં.
યુ.જી.સી. ડૉટ એ.સી. ડૉટ ઈન નામની વેબસાઈટ પર લાગેલા સર્ક્યુલરમાં કહેવાયું હતું : ‘કૉલેજોની કૅન્ટીનમાં જન્ક ફૂડ પીરસવાનું બંધ કરી દેવું જેથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યમાં સુધારો થાય, તેઓની જિંદગી બહેતર બને, વધુ સારી રીતે અભ્યાસ કરી શકે તેઓ અને યુવાન ઉંમરે મેદસ્વી (ચરબીથી લથબથ, અદોદળા) થતાં તેઓ બચે. ખરાબ લાઈફ સ્ટાઈલથી થનારા રોગો (ડાયાબીટીસ, હાઈપર ટેન્શન, હાર્ટ અટૅક વગેરે)થી તેઓ બચે… કારણ કે આ રોગોનો સીધો સંબંધ વધુ પડતા શારીરિક વજન સાથે છે.’
સાત વર્ષ પહેલાંના આ સર્ક્યુલરમાં ફોડ પાડીને કહેવાયું નથી કે ‘જન્ક ફૂડ’ કોને કહેવું પણ બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, વેફર્સથી માંડીને થમ્સઅપ – કોકાકોલા – પેપ્સી અને વડાપાંઉ વગેરેને પણ તમે ‘જન્ક ફૂડ’માં ગણી શકો. જે ફૂડ તમારા શરીરમાં નકરી કેલરીઝ જ ઉમેરતું હોય પણ એના પ્રમાણમાં તમને પોષણ ન આપતું હોય તે ‘જન્ક ફૂડ’. જન્ક એટલે ડિક્શનરી મીનિંગ પ્રમાણે ભંગાર. જન્ક યાર્ડ એટલે ભંગારવાડો.
અમેરિકાની સ્કૂલો-કૉલેજોમાં જન્ક ફૂડનો પ્રૉબ્લેમ દાયકાઓથી છે. આજે અમેરિકાની બહુમતી પ્રજા, તે કાળિયાઓ હોય કે ધોળિયાઓ, અદોદળી થઈ ગઈ છે તેનું કારણ નાનપણથી એમણે ખાધેલું આ જન્ક ફૂડ જ છે. મોટા થયા પછી પણ એમની આ ખરાબ ફૂડહેબિટ સુધરતી નથી. પરિણામે ચાળીસી પછીના અમેરિકાનોનાં શરીરો ઘૂંટણનાં દર્દ, અસ્થમા, હાય બી.પી., કોલેસ્ટરોલ તથા ડાયાબીટીસનાં દર્દોથી ખદબદે છે. કરોડો ડૉલર્સના સરકારી ખર્ચે એમની સારવારો થાય છે.
ભારતમાં આવું ન બને તે માટે નવી સરકાર ચૌકન્ની થઈ છે તો કેટલાક લોકો એનો વિરોધ કરવા માંડ્યા છે. વિદ્યાર્થીઓએ, યંગ જનરેશને શું ખાવું ને શું નહીં તે સરકાર શું કામ નક્કી કરે? અરે ભાઈ, સરકાર નક્કી નહીં કરે તો કોણ કરશે? કૉલેજોની કેન્ટીનની જ વાત છે ને. બહાર જઈને ડૉમિનોઝના પિત્ઝા કે કે.એફ.સી.ની ફ્રાઈડ ચીકન કે મેકડોનાલ્ડ્સના બર્ગર તેઓ ખાઈ જ શકે છે ને. સરકાર ક્યાં ના પાડે છે. કોઈને ઝેર ખાવું હોય તો ખાય, સરકારના બાપના કેટલા ટકા. પણ યુનિવર્સિટી કે કૉલેજના કૅમ્પસમાં આહારને લગતી પણ શિસ્ત હોવી જોઈએ.
મેં જોયું છે કે શાળાઓની કૅન્ટીનમાં કોલાઝ બનાવનારી કંપનીઓ કેટલું હેવી માર્કેટિંગ કરતી હોય છે. મારાં બાળકો જે જમાનામાં સ્કૂલમાં હતાં તે જમાનામાં મેં તેના પ્રિન્સિપાલને ફરિયાદ પણ કરી હતી. (એ સ્કૂલની સ્થાપના મધુરીબેન શાહે કરી હતી). વિદ્યાર્થીઓને યંગ એજમાં જ આહાર વિશેની જે આદતો પડવાની છે તે જિંદગીભર ચાલુ રહેવાની છે. અહીં કોઈ વિદેશી કંપનીના બહિષ્કારની વાત નથી. પિત્ઝા, બર્ગર, કોલાઝ વગેરેનું ઉત્પાદન ૧૦૦% ભારતીય માલિકીની કંપનીઓ કરતી હોય તો પણ તેનો વિરોધ જ છે. મલ્ટીનૅશનલ કંપનીઓનો જ શું કામ રસ્તા પર વેચાતાં વડાપાઉંનો પણ વિરોધ છે. કોઈ ગરીબ માણસ વડાપાઉંનો સ્ટોલ લગાવીને બે પૈસા કમાય એમાં તમને શું વાંધો હોઈ શકે એવી દલીલ વાહિયાત છે અહીં. વડાપાઉંની સરખામણી હું ડ્રગ્સ સાથે નથી કરતો એટલે કોઈએ એવી ચાંપલી દલીલ મારી સામે નહીં કરવી પણ કોઈ ગરીબ માણસ ડ્રગ્સ વેચીને પોતાની માના ઈલાજ માટે પૈસા રળતો હોય તો શું તે ચલાવી લેવાય? ના. કોઈ ગરીબને નોકરી ના મળતી હોય તો એ ડોક મઝદૂરમાંથી સ્મગલર બની જાય એવી કથા ફિલ્મોમાં અતિ રોમાંચક લાગે. પણ રિયલ લાઈફમાં તમે એને જસ્ટિફાય કરી શકો નહીં.
જન્ક ફૂડ આફ્ટર ઑલ જન્ક ફૂડ છે. ઈડલી-ઢોંસા-ઢોકળા – હાંડવો વગેરે પણ ઈન અ વે જન્ક ફૂડ છે કારણ કે એમાં આથો લાવવાની જરૂર પડે છે. સેવટાંમેટાનું શાક પણ જન્ક ફૂડ છે કારણ કે ટામેટું ચૂલે ચડે એટલે ઝેર બરાબર થઈ જાય. ખાંડ તો ઈન ઍની ફૉર્મ ઝેર જ છે અને નમક (મીઠું) પણ ખપ પૂરતું જ ખોરાકમાં જરૂરી છે અન્યથા ઝેર છે. ચાઈનીઝ વાનગીઓમાં વપરાતા ઘણા પદાર્થો તેમ જ તેલ, ચીઝ, બટર, બ્રેડનો ખૂબ ઉપયોગ થતો હોય તે બધું જ ફૂડ જન્ક ફૂડ છે. ચલણી નોટો અંગેનો નિર્ણય લીધા પછી દેશના અર્થતંત્ર પર જે પોઝિટિવ અસર પડી છે એવી જ શુભ અસર યુ.જી.સી.એ લીધેલા જન્ક ફૂડને બાન કરવાના નિર્ણયથી દેશના આરોગ્ય પર પડવાની છે.
પરંપરાથી ભારતીય પરિવારોમાં જે ભોજન ખવાતું આવ્યું છે તે મહદ્ અંશે આદર્શ છે. આહારમાં ઘી-તેલ મરી-મસાલા ગળ્યું-તીખું બધું જ જરૂરી છે. ખોરાક સ્વાદિષ્ટ હોવો જોઈએ તાજો પણ હોવો જોઈએ. આયુર્વેદમાં આખી આહારસંહિતા આપેલી છે. એમાંથી જેટલી વાતોનું પાલન થાય, કરવાનું. આજના જમાનામાં સ્વયંપાકી ન થવાય તો કંઈ નહીં ઘરના રસોડામાં બનેલું તો ખવાય ને.
ધારો કે ઘરે રસોઈ બનાવવાનું કામ માતા, પત્ની, પુત્રી કે પુત્રવધુ દ્વારા ન થતું હોય તો રસોઈકામ માટે મહારાજ રાખી શકાય, કોઈ બહેનને બોલાવી શકાય અને એ પણ શક્ય ન હોય તો ઘરે બનાવીને ટિફિન મોકલી આપનારી સુવિધાનો લાભ લઈ શકાય. બહારનું ખાવાનું ક્યારેક અનિવાર્ય હોય, ક્યારેક મજબૂરી હોય, ક્યારેક મોજશોખ પણ હોય. આ બધું જ સ્વીકારી લેવાનું પણ ધ્યાન એ રાખવાનું કે તમારું કે સંતાનોનું શરીર ઘરનું પૌષ્ટિક ખાઈને જ ખડતલ બનવાનું છે.
કચ્છના ધરતીકંપ વખતે હું રિપોર્ટિંગ કરવા મુંબઈથી ભૂજ ગયો અને મારા ફોટોગ્રાફરને સામખિયાળી બોલાવ્યો. સવારે ૮ વાગે મળવાનું હતું. એની સાથે ચાનાસ્તો કરીશ એવું વિચારેલું. એ પ્રેસ ફોટોગ્રાફર આવ્યો પણ એણે નાસ્તો ન કર્યો કે ચા પણ ન લીધી. કેમ? એણે ટેવ રાખેલી આ વ્યવસાયમાં ગુજરાતભરમાં ગમે ત્યારે રખડવાનું થાય એટલે ઘરેથી નીકળતાં પહેલાં પત્નીના હાથનો ચોખ્ખા ઘીનો શીરો અડધી થાળી ભરીને ખાઈ લેવાનો.
ગુજરાતના મહાપુરુષ સ્વ. કે. કા. શાસ્ત્રી ૧૦૧ વર્ષ જીવ્યા. એમણે ૯૯મા વરસે લખીને છપાવેલું પુસ્તક મારી પાસે છે. તનથી અને મનથી પણ સ્વસ્થ જીવ્યા. કેકા સ્વયંપાકી હતા. પોતાનું ખાવાનું જાતે રાંધતા. પ્રવાસે જાય ત્યારે ઘરેથી સીધું લઈ જતા અને રસોઈ કરવાની સગવડ મેળવી લેતા.
આપણે કેકા ન બની શકીએ પણ કમસે કમ ફોટોગ્રાફરમિત્રને તો અનુસરી શકીએ.
સાયલન્સ પ્લીઝ
ક્રિયેટિવ હોવું એટલે જિંદગી સાથે ગળાડૂબ પ્રેમમાં હોવું. તમે ક્રિયેટિવ ત્યારે જ બની શકો જ્યારે તમે આ જીવનના સૌંદર્યમાં ઉમેરો કરવાની આકાંક્ષા રાખતા હો, તમે એમાં થોડું વધારે સંગીત ઉમેરવા માગતા હો, થોડી વધારે કવિતા ઉમેરવા માગતા હો, થોડું વધારે નૃત્ય ઉમેરવા માગતા હો.
– ઓશો
• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
ઉપયોગી, ઘણો અને આબાલ વૃદ્ધ સહુ માટે અત્યંત ઉપયોગી લેખ. ઘરનું ખાવાનું પણ પૌષ્ટિક, રુચિકર, સુપાચ્ય, સ્વચ્છ,શુદ્ધ બને અને એ પણ સાત્વિક ભાવ, ભક્તિભાવ સાથે બને, પીરસાય અને ગ્રહણ કરાય આ વાત તરફ જેટલી જાગૃતિ વધે તેટલું લાભદાયક છે. વિશ્વવંદ્ય આશ્રમ, વડોદરા થી પ્રકાશિત પુસ્તકોમાં આ વાત ઘણાં લેખોમાં સુપેરે વાંચવા મળે છે. પુનરૂત્થાન વિદ્યાપીઠ, અમદાવાદ દ્વારા તો આ વિષય લઈને એક સંદર્ભ ગ્રંથ જ પ્રકાશિત થયેલ છે. નામ :”આહાર શાસ્ત્ર “. શ્રી સૌરભભાઈ, આપનો ફરી ફરી આભાર આ અગત્યની, આવશ્યક વાતને સમાજ પાસે વ્યવસ્થિત મૂકવા બદલ.
સાથે એક વાત પર મેં સંશોધન કરવાનો પ્રયત્ન કર્યો પણ આગળ વધી નથી શક્યો. બહેનો પહેલા તો માસિક ધર્મ વખતે અછૂત રહેતા જે આજે તે કોઈ પાળતું નથી. જો આપ સૌરભભાઈ, આ વાત પર પ્રકાશ પાડવા ઈચ્છશો તો આભારી થઈશ. મહેશભાઈ ધ્રુવ., મુંબઈ.
Good article,but DHOKLA and IDLI can’t be considered as junk foods…They are steamed food ,made from fermented batter of Rice, Black gram and Cheachpea….So they are highly nutritious and healthy foods…DHOSA r also not entirely junk food ,but some varieties of dhosa may make it calorie dense ….
Consult a good Ayurved expert. He will advise you to control or stop eating fermented food like dhokla, idli, handvo, dosa etc.
excellent article. First of all parents should understand. Then children.
Where were u for so many years??,??
M isso g u lot in Bombay Samachar
Now it’s good to hear
Very nice article