વિદુરનીતિ કહે છે કે સતત સંતાપ કરવાથી રૂપ નષ્ટ થઈ જાય


(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: સોમવાર, 13 એપ્રિલ 2020)

સંતાપ એટલે ખૂબ તાપ, ગરમી. કામ, ક્રોધ અને લોભ વગેરેથી ઊપજતો મનસ્તાપ. પીડા, દુ:ખ, પશ્ચાતાપ, ઉદ્વેગ, કલેશ. સંતાપવું એટલે પીડા આપવી, દુ:ખ દેવું, હેરાન કરવું, પજવવું, વિતાડવું, બાળવું, ઉત્તાપ કરાવવો, કોચવવું, શોક કરવો.

ભૂતકાળના પ્રસંગોને યાદ કરી કરીને લોહી બાળવાનો કોઈ અર્થ નથી. જે લોકો આવા સંતાપમાં પડ્યાપાથર્યા રહીને સતત લોહીઉકાળો કરતા રહે છે તેઓ પોતાનું જીવન તો આકરું બનાવે જ છે, પોતાની આસપાસના લોકોને પણ દઝાડે છે. તમારા જ લોકો દૂર થઈ જાય તમારાથી.

સ્વામી સચ્ચિદાનંદે તો ‘વિદુરનીતિ’ વિશે એક સ્વતંત્ર પુસ્તક લખ્યું છે. સંતાપ વિશે ‘વિદુરનીતિ’ના ચોથા અધ્યાયના ૪૪મા શ્લોકની સમજૂતી આપતાં સ્વામી સચ્ચિદાનંદે કહ્યું છે: ‘સંતાપ એક મહાવ્યાધિ કહેવાય. જે વ્યક્તિ સતત સંતાપભર્યું જીવન જીવતી હોય છે, તેના વિશે વિદુરજી કહે છે…’ આટલું કહીને આ શ્લોકમાં વિદુરે કહેલી જ વાતોની સમજૂતી સરળ બાનીમાં સ્વામીજી રજૂ કરે છે:

૧. સતત સંતાપ કરવાથી રૂપ નષ્ટ થઈ જાય છે. રૂપ આહારની સાથે પ્રસન્નતાથી ખીલતું હોય છે. આહાર ગમે તેટલો સારો હોય, પણ જો પ્રસન્નતા ન હોય અને વ્યક્તિ તપેલા લોઢા જેવી બળબળ થયા કરતી હોય તો રૂપ ખીલે નહીં. જે હોય તે પણ નષ્ટ થઈ જાય.

૨. આવી જ રીતે જે વ્યક્તિ સતત સંતપ્ત રહ્યા કરતી હોય તે બળવાન હોય તો પણ તેનું બળ ક્ષીણ થઈ જાય.

૩. એટલું જ નહીં, સંતાપથી જ્ઞાન પણ નષ્ટ થઈ જતું હોય છે, અર્થાત્ વ્યક્તિની સ્મરણશક્તિ મંદ પડી જતી હોય છે.

૪. અને છેવટે સતત સંતાપથી વ્યક્તિને મનોરોગ લાગુ પડી જતો હોય છે. માનસિક વ્યાધિ શરીરવ્યાધિ પેદા કરતો હોય છે. એટલે વ્યક્તિએ સંતાપમુક્ત થઈને પ્રસન્નતાભર્યું જીવન જીવવું જોઈએ. શોક-સંતાપ કરવાથી ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થતી નથી, ઊલટાનું સતત શોકથી શરીર તપેલું રહે છે અને દુર્બળ અને ફિક્કા શરીરને જોઈને શત્રુઓ રાજી થતા રહે છે, તેથી હે રાજન! તમે શોક ન કરો.

આ વાત સ્વામી સચ્ચિદાનંદે ‘વિદુરનીતિ’ શીર્ષક ધરાવતા એમના પુસ્તકમાં લખી છે. પોણા ત્રણસો પાનાં ધરાવતા આ પુસ્તકની પ્રસ્તાવનામાં સ્વામીજી જણાવે છે કે, ‘જે જીવતાં શિખવાડે તેને ધર્મ કહેવાય, જે મરતાં શિખવાડે તેને અધ્યાત્મ કહેવાય, અને જે અનિષ્ટોથી બચતાં શિખવાડે તેને નીતિ કહેવાય. આપણે ત્યાં ઘણાં ધર્મશાસ્ત્રો છે. ખાસ કરીને સ્મૃતિશાસ્ત્રોને ધર્મશાસ્ત્ર કહી શકાય. આપણે ત્યાં ઘણાં અધ્યાત્મશાસ્ત્રો છે. ખાસ કરીને ઉપનિષદોને અધ્યાત્મશાસ્ત્ર કહી શકાય. આવી જ રીતે આપણે ત્યાં ઘણાં નીતિશાસ્ત્રો પણ છે. ચાણક્ય-નીતિ, શુક્ર-નીતિ વગેરે નીતિશાસ્ત્ર કહેવાય. આમાં વિદુરનીતિ પણ નીતિશાસ્ત્ર જ કહેવાય. વિદુરનીતિ મહાભારતમાંના પાંચ રત્નોમાંનું એક રત્ન છે. હજારો વર્ષ ઉપર લખાયેલું આ શાસ્ત્ર આજે પણ પ્રસ્તુત છે. તે જ તેની વિશેષતા કહી શકાય.’

મહાભારતની કથા પ્રમાણે પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુર ત્રણ ભાઈઓ. પાંડુ વહેલા મરી ગયા. તેમના પાંચ પુત્રો જે પાંડવો ગણાયા. ધૃતરાષ્ટ્ર જન્મથી આંઘળા અને એમના સો પુત્રો કૌરવો ગણાયા. કથા એવી છે કે વિચિત્રવીર્યની સ્ત્રી અંબિકાની દાસીની કૂખે કૃષ્ણદ્વૈપાયન વ્યાસથી થયેલો પુત્ર તે વિદુર. ધૃતરાષ્ટ્ર અંધ જન્મ્યા અને પાંડુ પણ રોગી જન્મ્યા ત્યારે સત્યવતીએ પોતાની બંને પુત્રવધૂઓને વ્યાસ પાસે ફરીથી જવાની આજ્ઞા કરી. એમણે પોતે ન જતાં અંબિકાની દાસીને મોકલી જેના પેટે વિદુરનો જન્મ થયો. પાંડવો માટે વિદુરને પહેલેથી જ પ્રીતિ. ધૃતરાષ્ટ્ર મોટા ભાઈ હતા પણ વિદુરનું ખૂબ માન રાખતા. વિદુરનીતિ વિદુરે ધૃતરાષ્ટ્રને આપેલી શિખામણોનો શ્લોકસંગ્રહ છે. મહાભારતના ઉદ્યોગ પર્વમાં અધ્યાય ૩૩થી ૪૧ એમ ૯ અધ્યાયમાં વિદુરનીતિ પથરાયેલી છે. પાંડવો જ્યારે મહાભારતના યુદ્ધમાં વિજયી નીવડ્યા એ પછી થોડા વખત વિદુર એમની સાથે રહ્યા પછી યાત્રા કરવા નીકળી પડ્યા. આયુષ્યનો બાકીનો સમય વિદુરે અરણ્યમાં ગાળ્યો. માંડવ્ય ઋષિના શાપ પ્રમાણે વિદુરે પોતાનાં સો વર્ષ પૂરાં થતાં જ દેહનો ત્યાગ કર્યો.

ડહાપણના ભંડાર એવા વિદુરે ધૃતરાષ્ટ્ર સાથે વાત કરતા ૪૬મા શ્લોકમાં જે કહ્યું તેની સરળ ગુજરાતી સમજૂતી આપતાં સ્વામી સચ્ચિદાનંદ કહે છે: જીવન હોય ત્યાં વારંવાર પુરુષ (એટલે કે જીવ) જન્મતો અને મરતો હોય છે. તેની વારંવાર ચઢતી અને પડતી થયા કરતી હોય છે. માણસ વારંવાર યાચક અને દાતા થતો હોય છે. માણસ વારંવાર બીજા માટે શોક કરતો રહે છે અને બીજા તેના માટે શોક કરતા રહે છે. આ સંસારક્રમ છે.

વિદુરે ધૃતરાષ્ટ્રને જે ત્રણ પ્રકારના સંબંધોની વાત કરી તેના વિશે સ્વામીજીએ વિસ્તૃત સમજૂતી આપી છે:

૧. અત્યંત આત્મીય મિત્રસંબંધ જે વિશ્વાસ આધારિત હોય. વિશ્વાસથી સમર્પણ ઉત્પન્ન થાય. સમર્પણથી એકતા-ઐક્ય થાય. આ સાચો સંબંધ છે જે દુર્લભ છે.

૨. વ્યાવહારિક સંબંધ અથવા સ્વાર્થનો સંબંધ જે બન્ને પક્ષની પ્રામાણિકતાથી આગળ ચાલે. પણ આમાં વાંધો ત્યારે આવે જ્યારે એક કે બન્ને પક્ષની દાનત બગડે.

૩. જબરજસ્તી માથે પડેલા અથવા વળગેલા કે અનિચ્છિત સંબંધ જે છોડી ન શકાય અને રાખી પણ ન શકાય. આવા સંબંધો દુ:ખ અને અશાંતિનું કારણ બને. જેનાથી ભયભીત રહેવું પડે તેવા અનિચ્છાએ પણ શંકાશીલ થઈને સેવા કરવી પડે તે મિત્ર ન કહેવાય પણ જે પિતાની માફક અત્યંત વિશ્વાસપાત્ર હોય તે જ સાચો મિત્ર કહેવાય, બાકી તો બીજા બધા સાથે ચાલનારા માત્ર છે.

વિદુર કહે છે કે હે રાજન! ચંચળ ચિત્તના લોકો તથા જેમણે વૃદ્ધોની સેવા કરી નથી તેવા ચંચળ બુદ્ધિવાળા લોકો મિત્રોનો સંગ્રહ કરી શકતા નથી અર્થાત્ તેઓ નાની નાની બાબતોમાં વાંકું પાડીને મિત્રોને છોડી દેતા હોય છે. આવા લોકો ખરા સમયે એકાકી થઈ જતા હોય છે.

મિત્રસંગ્રહની વાત કરતી વખતે સ્વામીજી કહે છે કે સંગ્રહ ચાર પ્રકારના હોય છે:

૧. ધનસંગ્રહ: ધન કમાવું જોઈએ અને તેમાંથી બચાવી શકાય તેટલું બચાવીને સંગ્રહ કરવો જોઈએ. ભવિષ્યમાં આવનારી આપત્તિ માટે ધનની રક્ષા કરો – આવું ચાણક્યનું કહેવું હતું.

૨. વસ્તુસંગ્રહ: ઉપયોગી વસ્તુઓનો સંગ્રહ કરવો જોઈએ જેથી પોતાના માટે કે પછી બીજાઓ માટે પણ કામ આવે.

૩. ગ્રંથસંગ્રહ: વાચનપ્રેમમાંથી એ પેદા થાય. જુદા જુદા વિષયના દુર્લભ ગ્રંથોનો સંગ્રહ ધનસંગ્રહ કરતાં પણ વધુ મહત્ત્વનો હોય છે. કોઈનું ઘર જોવા જાઓ તો ત્યાં પુસ્તકાલય કેવું છે તે પણ જોવું. તેના આધારે તમે તેનું વ્યક્તિત્વ જાણી શકશો.

૪. મિત્રસંગ્રહ: સૌથી ઉપયોગી સંગ્રહ તે મિત્રસંગ્રહ. કેટલાક લોકો અતડા સ્વભાવના, મિત્ર વિનાના હોય છે. કેટલાક ઉતાવળિયા જલદી જલદી મિત્રો બનાવે અને પછી છોડી દે… બુદ્ધિમાન – ધીરગંભીર માણસ નીવડ્યા પછી મિત્ર કરતા હોય છે અને મરણ સુધી નિભાવતા હોય છે. ખાનદાન મિત્ર તો મરણ પછી પણ મિત્રતા ચાલુ રાખતા હોય છે.
વિદુરનીતિ વિશે થોડી વાતો કરવાની બાકી છે. પછી.

8 COMMENTS

  1. ટૂંકું ને ટચ, સામાન્ય ને સમજણ, સ્પષ્ટ અને સચોટ રીતે લખાયેલ શૈલી ભગવદ્ ભેટ.. બસ અમોને સતત મળતી રહે તે જ પ્રાર્થના.

  2. આવા લેખોથી જીવનનાં કડવા સત્યો નો પરિચય થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here