અવાસ્તવિક વિચારોવાળા અને તરંગી કાર્યો કરનારાને યમદૂત લઈ જાય એવું વિદુરજીએ કહ્યું

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: સોમવાર, 13 એપ્રિલ 2020)

*વિદુરનીતિના* પાંચમા અધ્યાયના આરંભે ૧૭ પ્રકારના માણસો બતાવવામાં આવ્યા છે જેમને યમદૂતો પાશમાં બાંધીને નરકમાં લઈ જતા હોય છે. અહીં સમજવાનું એ કે આ સત્તર પ્રકારના લોકોએ જીવતેજીવ નર્ક જેવું દુ:ખ ભોગવવું પડતું હોય છે. સ્વામી સચ્ચિદાનંદે આ શ્લોકોનો સરળ સાર તેમ જ એનું વિશ્લેષણ આપ્યાં છે:

૧. ચોમાસામાં થતા મેઘધનુષને ધનુષ્ય સમજીને વાંકું વાળી બાણ ચઢાવવા માગે છે તે. અર્થાત્ કલ્પિત, અવાસ્તવિક વિચારોવાળા.

૨. સૂર્યનાં કિરણોને પકડવાનો પ્રયત્ન કરનારા. અર્થાત્ તરંગી, અસંભવિત કાર્યો કરનારા.

૩. જે શાસન કરવા યોગ્ય ન હોય અર્થાત્ શિષ્ય બનાવવાને લાયક ન હોય તેવી વ્યક્તિને શિષ્ય બનાવનાર. જે અનુશાસનમાં રહે, ગુરુઆજ્ઞાનું પાલન કરે તેને જ શિષ્ય બનાવાય. જે મનમુખી હોય, આજ્ઞાનું ઉલ્લંઘન કરતો હોય, તેને શિષ્ય ન બનાવાય. કદાચ બનાવે તો દુ:ખી થાય, સુખી ન થાય.

૪. જે વડીલ હોવા છતાં મર્યાદાઓનું ઉલ્લંઘન કરતો રહે છે, અર્થાત્ વડીલે તો બમણી મર્યાદા પાળવી જોઈએ. જે મર્યાદા પાળે તે જ બીજાને પળાવે.

૫. જે પોતાની સાથે શત્રુતા રાખતો હોય તેને ત્યાં નોકરી કરે.

૬. જે અયોગ્ય સ્ત્રીનાં રક્ષણ-પાલનની જવાબદારી સ્વીકારે છે. સ્ત્રીનું રક્ષણ કરવું જ જોઈએ. સ્ત્રી સ્વરક્ષિત નથી હોતી, પુરુષ-રક્ષિત હોય છે. પણ જે સ્ત્રી સ્વયં મર્યાદામાં ન રહેતી હોય, કુમાર્ગી હોય તેવી સ્ત્રીનાં રક્ષણ-પાલનની જવાબદારી જે પુરુષ સ્વીકારે તેને યમદૂત જ દેખાય. આવી સ્ત્રીથી દૂર જ રહેવાય. મદદ કરવી હોય તો દૂરથી જ મદદ કરાય. નજીક જનારને તે વળગતી હોય છે અને ડુબાડતી હોય છે.

૭. આવી કુપાત્ર સ્ત્રી દ્વારા પોતે 
સુખી થશે તેવી કલ્પનામાં રાચતા પુરુષને યમદૂત મળે.

૮. જે યાચના કરવા યોગ્ય ન હોય તેની પાસે યાચના કરે. પહેલાં તો બને ત્યાં સુધી કોઈની પણ પાસે યાચના કરવી ન જોઈએ. પણ કદાચ કરવી જ પડે તો કોઈ ઉદાર દાતા હોય તેની પાસે જ યાચના કરાય. પણ જે માણસ દાતાને ઓળખ્યા વિના કૃપણ, લોભી, મખ્ખીચૂસ જેવા માણસ પાસે યાચના કરે છે તેને યમદૂત મળે.

૯. જે આત્મશ્લાઘી વ્યક્તિ હોય અર્થાત્ પોતે જ પોતાની બડાઈ હાંક્યા કરતી હોય એવી વ્યક્તિને યમદૂત ભાળે.

૧૦. જે ઉચ્ચ કુળમાં જન્મીને પણ નીચ કર્મો કરતો રહે છે તે યમદૂતનો શિકાર બને છે.

૧૧. જે પોતે દુર્બળ હોવા છતાં બળવાન સાથે વેર બાંધે છે તે યમદૂતનો શિકાર બને છે. કદાચ કોઈ કારણસર પોતાનાથી બળવાન સાથે ઝઘડો થયો હોય તો ક્ષમા વગેરે માગીને વાતચીત દ્વારા સમાધાન કરી લેવું જોઈએ. ઝઘડાને ચગાવવો ન જોઈએ. પણ એ ઝઘડો જો વધારે તો તેને યમદૂત જ ભેટતા હોય છે.

૧૨. જે વક્તા થઈને શ્રદ્ધાહીન – નાસ્તિકને ઉપદેશ આપતો રહે છે તે મૂર્ખ છે. તે યમદૂતનું ભક્ષ્ય બને છે.

૧૩. જે શાસ્ત્રનિષિદ્ધ વસ્તુની ઈચ્છા કરીને તેને મેળવવાની કોશિશ કરે છે તે યમદૂતનો શિકાર બને છે.

૧૪. જે શ્વસુર હોવા છતાં પુત્રવધૂની સાથે છૂટ લઈને તેની સાથે અટકચાળાં કરે છે તે કોઈ દિવસ યમદૂતનો શિકાર બને છે. વડીલોએ પોતે પણ અમુક સ્થાનોએ મર્યાદા રાખવી જોઈએ.

૧૫. જે હલકી પરસ્ત્રી સાથે સંબંધ બાંધીને પોતાનું ઉત્તમ વીર્ય તેમાં સ્થાપિત કરે છે, તે યમદૂતનો શિકાર બને છે.

૧૬. જે પુરુષ કારણ વિના સ્ત્રીઓની વધુ પડતી નિંદા અથવા વધુ પડતાં વખાણ કરતો રહે છે તેને પણ યમદૂત લઈ જાય છે.

૧૭. અને છેલ્લે, જે વ્યક્તિ ઉછીની વસ્તુ કે ધન લઈને પછી કહે છે કે મને યાદ નથી, જાણી કરીને ભૂલી જાય છે અથવા ભુલવાડી દેવાના પ્રયત્ન કરે છે તેનો કોઈ વિશ્વાસ કરતું નથી. તે યમદૂતનો શિકાર થાય છે. અને જે પોતે આપેલા દાનનાં પોતે જ વખાણ કરતો ફરે છે તે યમદૂતનો શિકાર બને છે.

વિદુરજી કહે છે કે ઉપર જણાવેલી સત્તર પ્રકારની પ્રવૃત્તિઓ કે વૃત્તિઓથી દૂર રહેવું જોઈએ.

સ્વામી સચ્ચિદાનંદ વિદુરનીતિના અન્ય શ્લોકોની સમજ આપતાં કહે છે કે આશા અર્થાત્ તીવ્ર ઈચ્છા ધીરજને હરી લેતી હોય છે. અર્થાત્ આ વસ્તુ મને મળવી જ જોઈએ એવી તીવ્ર ઈચ્છા જાગે તો તે ધીરજ ન રહેવા દે. ઈર્ષ્યાવૃત્તિ ધર્માચરણને હરી લેતી હોય છે. કામ-લોલુપતા લજ્જાને હરી લેતી હોય છે. સ્ત્રીનો અસાધારણ ગુણ લજ્જા છે. નિર્લજ્જ પુરુષ કરતાં નિર્લજ્જ સ્ત્રી વધુ ભયંકર પરિણામ દેનારી બની જતી હોય છે. કોઈ સમાજની ભવ્ય સંસ્કૃતિ જ્યારે નષ્ટ થવાની થાય ત્યારે તેની સ્ત્રીઓ નિર્લજ્જ થઈ જાય. નિર્લજ્જ સ્ત્રીઓ કામાક્રમક થઈ જાય જેમાંથી સંસ્કૃતિનાશ પેદા થાય. ક્રોધ લક્ષ્મી અર્થાત્ ધંધા-રોજગારનો નાશ કરે છે. ક્રોધી માણસ સારો વેપારી ન થઈ શકે. સંબંધો સાચવીને વ્યાપાર થાય. ક્રોધ સંબંધો બગાડતો રહે તેથી લક્ષ્મીનો નાશ થાય.

આ ઉપરાંત વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કહ્યું હતું કે ખરેખર તો મૃત્યુ માણસને મારતું નથી પણ નીચેના દોષો માણસને વહેલો મારી નાખે છે:

૧. અભિમાન. પોતાની ઔકાત કરતાં વધુ પડતા માનની અપેક્ષા રાખનાર અને તેવો વ્યવહાર કરનાર.

૨. અતિવાદ. બહુ બોલબોલ કરનાર વગર પ્રસંગે પણ બોલબોલ કરનાર વહેલો મરી જતો હોય છે અર્થાત્ એનું પતન વહેલું થતું હોય છે.

૩. ત્યાગ ભાવના વિનાનો, અનુદાર, લોભી, સંગ્રહી વહેલો મરી જતો હોય છે. માણસે આવી ગયેલી અને આવી રહેલી વસ્તુઓને યથોચિત ત્યાગતા રહેવું જોઈએ.

૪. ક્રોધ. અતિક્રોધી વ્યક્તિ વહેલી મરી જાય.

૫. પેટુ વ્યક્તિ પણ લાંબું જીવતી નથી. પેટુના બે અર્થ કરવાના. ન પચે તેટલું ખા-ખા કરનારો અને માત્ર પોતાનું જ પેટ પાળનારો.

૬. મિત્રદ્રોહ. મિત્રનો વિશ્વાસઘાત કરનારો વહેલો મરી જતો હોય છે. વિશ્વાસઘાત મહાપાપ કહેવાય છે.

આ છ દુર્ગુણો નોખી તલવારો છે અને આ તલવારો જ મનુષ્યના આયુષ્યની દોરી કાપી નાખે છે. એવું સમજાવીને સ્વામી સચ્ચિદાનંદ વિદુરનીતિ વિશે બીજી ઘણીબધી સમજણો આપે છે. આપણે અહીં પૂરું કરીએ.

*આજનો વિચાર*

મૌન કરતાં વધુ સુંદર એવું કંઈક બોલવાના હો તો જ મોઢું ખોલવું.

– અરબી કહેવત

4 COMMENTS

  1. ખરેખર આ લેખ બહુ જ ઉમદા છે મને બહુ ગમ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here