કૅલેન્ડરમાં રવિવારો હોવા જોઈએ? કેટલા? : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક : સોમવાર, ૨૭ નવેમ્બર ૨૦૨૩)

આજે સોમવાર. સોમવારની સવારથી જ રવિવારની રાહ જોવાનું શરૂ થઈ જાય છે. મન્ડે બ્લુઝને ભગાવવાનો આ જ એક ઈલાજ છે કે છ દિવસ પછી રવિવાર આવવાનો છે એની ખાતરી છે. ભલું થજો અંગ્રેજોનું જેમણે અઠવાડિયાનો એક દિવસ એમના ભગવાનની પૂજા કરવા માટે કામકાજ બંધ રાખવાનો નિર્ણય કર્યો. બાકી, આપણે તો તહેવારોમાં પણ કામ કરવાવાળી કામગરી પ્રજા. અઠવાડિયાના સાતેય દિવસ જોતરાયેલા રહીએ.

રવિવારની સૌથી મોટી મઝા મોડા ઊઠવાની. કામ પર જવાનું નથી, આઠ પચ્ચીસની ગાડી પકડવાની નથી એટલે ઊંઘ્યા કરવાનું, ઊંઘાય એટલું. પણ પ્રૉબ્લેમ એ થાય કે રવિવારની સવારે પાડોશીનો ઈન્ટરકોમ આવે, ‘સોસાયટીની એક્સ્ટ્રા ઑર્ડિનરી જનરલ મીટિંગમાં પધારો છોને? બહુ ઈમ્પૉર્ટન્ટ ડીસિઝન લેવાનું છે. તમારા વિના કોણ ગાઈડન્સ આપશે, વડીલ?’

અને વડીલે પરાણે, રોજ કરતાં વહેલા તૈયાર થઈને દુનિયાનો ઉદ્ધાર કરવા પથારીની બહાર, ઘરની બહાર નીકળી જવું પડે.

રવિવારની બીજી સૌથી મઝા ઘરે બપોરનું જમવાની. રોજ ટિફિન કે લંચબૉક્સમાંથી ટાઢું-કોરું જમીને કંટાળ્યા પછી આ એક દિવસ એવો મળે જ્યારે ગરમ પૂરી બટાટાંવડાં-શીખંડ-દાળ-તૂરિયાપાતરાનું શાક અને ભાત જમવા મળે. નસીબદાર હો તો. નહીં તો કોલેસ્ટરોલનું બહાનું આગળ ધરીને મેનુમાંથી બટાટાંવડાં કૅન્સલ થઈ જાય અને ડાયાબિટીસના બહાને શીખંડ. પનોતી બેઠી હોય તો હાઈપર ટેન્શનને કારણે ડૉક્ટરે નમક ખાવાની ના પાડી છે એમ કહીને દાળ-શાક પણ ફિક્કાં મળે.

રવિવારની ત્રીજી મોટી મઝા એટલે વામકુક્ષિ. ઊંઘ આવે કે ન આવે ડાબે પડખે સૂઈ જવાનું. વીક ડેઝમાં ક્યાં આવો લહાવો મળવાનો છે. ભારેખમ જમણ પછી આંખો ભારે થવા માંડે. અડધો કલાક ઊંઘીને આંખનું ઝેર નીચોવી લેવાનું વિચારતા હો ને ઘરમાં કોઈ ને કોઈ પેન્ડિંગ કામ લઈને આવે. આ જૂનાં બિલો જોઈ જાઓ, કામનાં હોય તો ફાઈલ કરો નહીં તો ફાડી નાખો, છ મહિનાથી અટવાયા કરે છે. અથવા-ચાલો, આજે વૉર્ડરોબ ઠીક કરી નાખીએ, જૂનાં કપડાં કાઢી નાખીએ , એક પછી એક કામ આટોપતાં જઈશું તો માંડ પાર આવશે. તમારાથી એવું કહેવાની હિંમત ન ચાલે કે હમણાં જ તો દિવાળીની સાફસૂફી કરી હતી. સાંજે ઘરે બેસીને સોફામાં ભરાઈને ઓટીટી પર મસ્ત પૈકી કોઈ સિરીઝ જોવાનું વિચારતા હો ત્યાં જ ટહુકો થાય: ફલાણાભાઈ હૉસ્પિટલમાંથી પાછા આવી ગયા છે. હૉસ્પિટલમાં તો ન જવાયું, હવે ઘરે પણ નહીં જોઈએ તો એમને ખોટું લાગી જશે.

રવિવાર ચૌપટ.

રાત્રે ફલાણાભાઈને ત્યાંથી રિક્ષામાં પાછા આવતી વખતે વિચાર આવે કે આના કરતાં રવિવારો ન આવે તે સારું. ખોટી આશાઓ તો ન બંધાય.

પણ રવિવારો જરૂરી છે જિંદગીમાં. બાકીના છ દિવસ દરમિયાન જે જે કામ ન કરવાં હોય એ તમામ ‘રવિવારે કરીશ’ એવું આશ્ર્વાસન લેવા માટે પણ કૅલેન્ડરમાં લાલ અક્ષરે છપાયેલો રવિવાર હોય તે જરૂરી છે. પછી ભલેને બીજા દસ રવિવાર સુધી એ કામ હાથમાં ન લેવાય.

મને ઈર્ષ્યા આવે છે એવા લોકોની જેઓ સોમવારે પંદરમી ઑગસ્ટ કે એવા કોઈ પબ્લિક હૉલિડેની છુટ્ટી હોય અને શનિ-રવિ-સોમનો લૉન્ગ વીકએન્ડ મનાવવાનું પ્લાનિંગ છ મહિના પહેલાં જ કરી નાખે. અને પાછા એ પ્લાનિંગને વળગીને પણ રહે. રવિવારની ઉજવણીની મારી કલ્પના ઘણી ભવ્ય છે. રવિવાર બહાર જવા માટે નથી, ફરવા માટે નથી, ઘરમાં રહેવા માટે છે. અને ઘરમાં રહીને કોઈ પેન્ડિંગ કામ નિપટાવવા માટે નથી, રૂટિન કામ કરવા માટે નથી, સગાં-મિત્રોને મળવા માટે પણ નથી.

રવિવાર પોતાની જાત સાથે રહેવા માટે છે-તમે ને તમારું મ્યુઝિક, તમારું વાંચન. સેલફોન બંધ. શક્ય હોય તો ઘરની ડોરબેલ પણ બંધ. તમારા સ્ટડીના કોઝી વાતાવરણમાં ઈઝીચેરમાં ટૂંટિયું વાળીને નવી નવી આવેલી જેફ્રી આર્ચરની ‘ટ્રેટર્સ ગેટ’ની કલેક્ટર્સ એડિશન વાંચવાની. વાંચતાં વાંચતાં ભૂખ લાગે તો વાટકીમાં સેવ-મમરા લાવીને ખાવાના અને વાંચતાં વાંચતાં ઊંઘ આવી ગઈ તો આરામખુરશીના હાથા લાંબા કરીને ત્યાં જ ઝોકું ખાઈ લેવાનું.

રવિવાર આળસુ લોકો માટે સર્જાયો છે. કામગરા લોકો તો છએય દિવસ જેમ ગદ્ધાવૈતરું કરે છે એમ રવિવારે પણ કરશે. પણ અમારા જેવા આળસુ લોકો તો બાકીના છ દિવસને પણ રવિવારો બનાવી નાખવાના પેંતરા રચતા હોય છે. આજે ભલે સોમવાર હોય પણ રવિવાર જેવું જ લાગે છે નહીં, એમ વિચારીને અમે રવિવાર ૪૮ કલાકનો બનાવી દેતા હોઈએ છીએ. મંગળવારે વિચાર આવે કે ગઈ કાલે કંઈ કામ ન કર્યું એમાં દુનિયા ઊંધી વળી ગઈ? નહીંને. તો પછી આજે પણ શું લેવા કામ કરવું? અને અમારો રવિવાર ૭૨ કલાકનો થઈ જાય. બુધવાર પણ કાંઈક આ જ રીતે વીતી જાય, ગુરુવાર તો જાણે વીકએન્ડનું પ્રવેશદ્વાર. શનિ-રવિની છુટ્ટીઓ માટે ગુરુ-શુક્રવારે તૈયારીઓ તો કરવી જ પડેને. પ્રોપર પ્લાનિંગ વિના વીકએન્ડ રોળાઈ જાય. અને શનિ-રવિએ તો શનિ-રવિ જ હોવાનાં. પછી ક્યાંથી કોઈ કામ થાય?

સુખી છીએ અમે લોકો જેમને કૅલેન્ડરમાં સાતેય દિવસ રેડ કલરના રવિવાર જેવા દેખાય છે. વરસના ૩૬૫ રવિવાર માણતાં હોઈએ છીએ છતાં લીપ યર આવે ત્યારે દિલ ખુશ થઈ જાય છે. વાહ, આ વરસે એક રવિવાર વધારે મળવાનો!

આજનો વિચાર

જો તમે ગુડ હો તો ધ્યાન રાખજો કે બેટર પણ છે આ દુનિયામાં અને તમે બેટર હો તો ખ્યાલ રાખજો કે બેસ્ટ છે. અને બેસ્ટ હો તો વિચારજો કે બીજા કેટલાય ગુડ અને બેટર બેસ્ટ બનવાની કોશિશમાં છે. ટૂંકમાં આ દુનિયામાં કશું જ પરમેનન્ટ નથી, તમારા સહિત કશું જ કાયમી નથી.

—અજ્ઞાત્

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. વાહ સૌરભભાઈ, તમારી પણ હાલત રવિવારે અમારા જેવી થાય છે? ધારેલું કશું જ ન થાય એવી! અમે પણ કઈ કેટલા પ્લાનિંગ કરીએ છીએ પણ અફસોસ ભળતાજ કામ અમારી પાસે કરાવવામાં આવે છે!

  2. બહુ મજા પડી ગઇ, સૌરભભાઈ. આજે એવું લાગ્યું કે તમારા આત્મામાં વાડીલાલ ડગલી અને જ્યોતિન્દ્ર દવે બન્ને સાથે પ્રવેશ્યા છે. બહુ સરસ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here