ઉર્દૂ-અંગ્રેજી દુશ્મન નથી પણ અતિરેક ન જોઈએ, બસ :સૌરભ શાહ

(તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 26 નવેમ્બર 2023)

“તમને ખબર છે કે આજે કઈ તારીખ છે ? જે હોય તે આપણે કુલ્ફી ખાવા જવું જ છે. એક કામ કરો હું મેકઅપ કરી લઉં, મને પાંચ મિનિટ લાગશે. તમે લિફ્ટમાં નીચે ઊતરીને પાર્કિંગમાં મારી રાહ જુઓ અને ફોન પર જુઓ કે સોનિયાનો સંદેશો આવી ગયો છે કે નહીં. એને કહેજો કે તેં જે ઈમેલ મોકલ્યો એનું અટેચમેન્ટ મારા લેપટોપ અને ડેક્સટોપ બંને પર ખુલે છે. પછી એને મજાકમાં લખજો કે : મોદી હૈ તો મુમકિન હૈ!”

ઉપરના ફકરામાં કેટલાક એવા ઉર્દૂ અને અંગ્રેજી શબ્દો છે જેના માટે ‘શુદ્ધ ગુજરાતી’નો આગ્રહ રાખવાવાળા માથું પછાડીને મરી જાય તો ય કોઈ પર્યાય શબ્દ મળવાનો નથી. એમણે પણ જખ મારીને ‘ખબર’ અને ‘તારીખ’ શબ્દ જ વાપરવો પડશે જે અરબી છે. એમણે પણ ‘કુલ્ફી’ જ ખાવી પડશે જેનું મૂળ અરબીમાં છે. ‘મેકઅપ’, ‘મિનિટ’, ‘લિફ્ટ’, ‘ફોન’, ‘ઈમેલ’, ‘એટેચમેન્ટ’, ‘લેપટોપ’ કે ‘ડેક્સટોપ’ ના ગુજરાતી પર્યાય નથી. કોઈ જો ચાંપલાઈ કરીને આ બધા શબ્દોના ગુજરાતી પર્યાયો લઈ પણ આવે તો એમને પહેલેથી જ કહી દઈએ કે એવી વાયડાઈ કરવાનું રહેવા દો – એવા શબ્દો કોઈ વાપરવાનું નથી, બીજું કોઈ તો જવા દો, તમે પોતે પણ વાપરવાના નથી – માત્ર દલીલ ખાતર આવું વેવલું વેવલું લઈ આવો છો તમે.

ગુજરાતી ભાષામાં જ નહીં, અનેક ભારતીય ભાષાઓમાં ઉર્દૂ તથા અંગ્રેજીના જ નહીં, બીજી ભાષાઓના કેટલાક શબ્દો એ રીતે એકરસ થઈને ભળી ગયા છે કે તમે પ્રયત્ન કરીને એને દૂર કરવાની કોશિશ કરશો તો પણ દૂર થશે નહીં. આવું અંગ્રેજીનું છે. ઓક્સફર્ડ ડિક્શનરીવાળા દર વર્ષે આપણી ભાષાના શબ્દોને એમના શબ્દકોશમાં ઉમેરતા જાય છે. ખાખી, મંત્ર, ગુરુ સહિતના સેંકડો શબ્દો તમને અંગ્રેજી શબ્દકોશમાં જોવા મળશે. ભારત સિવાયના દેશોની ભાષાઓના પણ ઘણા શબ્દો ઓક્સફર્ડની અંગ્રેજી ડિક્શનરીમાં છે.

પોતાની ભાષા માટેનું ગૌરવ એક વાત છે. પોતાની ભાષાનું જતન કરવું એ એક વાત છે. પોતાની ભાષાની સમૃદ્ધિ માટે પ્રાણ પાથરી દેવો એ પણ એક વાત છે. પરંતુ આ સઘળું કરવા માટે બીજી ભાષાને ધિક્કારવી જરૂરી નથી.

આજકાલ એવું વાતાવરણ સર્જવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે તમે ઉર્દૂ શબ્દ વાપર્યો તો તમે પાકા ગુજરાતી, પાકા ભારતીય નથી. શું કામ, ભાઈ? ઉર્દૂ પણ ભારતની જ ભાષા છે. 56 ઈસ્લામિક રાષ્ટ્રોમાંથી કોઈની રાષ્ટ્રભાષા ઉર્દૂ નથી – સિવાય કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ, જે બંને 1947 સુધી ભારતમાં જ હતા.

ગુજરાતી ભાષાના ગદ્યસ્વામી તરીકે ઓળખાતા સ્વામી આનંદને વાંચજો. લાજવાબ શૈલી છે એમની. તેઓ જરૂર પડે ત્યાં ઉર્દૂ વાપરતા અને અંગ્રેજી પણ. ક્યારેક તો જાણી જોઈને વાપરતા, એક નવી ફ્લેવર માટે. દા.ત. એમના એક નિબંધનું શીર્ષક છે – ‘જીવનનું સેન્ટ્રલ સત્ય’.

‘દીવાન’ (અરબી) થી માંડીને ‘મનસૂબો’ (એ પણ અરબી) સુધીના સેંકડો શબ્દો તમને સાર્થ ગુજરાતી જોડણીકોશમાં જોવા મળશે જે શબ્દો વિના ગુજરાતી ભાષા અધૂરી છે. સાર્થ ગુજરાતી જોડણી કોશની છેલ્લામાં છેલ્લી આવૃત્તિ જાન્યુઆરી 2017 માં પ્રગટ થઈ છે અને એમાં હેન્ડ પંપ, હેન્ગર, હેટ, હોપફુલ, હોઝિયરી અને હોમગાર્ડ જેવા અનેક અંગ્રેજી શબ્દોને સમાવી લેવામાં આવ્યા છે. આ બધા અંગ્રેજી-ઉર્દૂ શબ્દોને કારણે આપણી માતૃભાષા અભડાઈ નથી જતી, સમૃદ્ધ બને છે.

વાંધો અતિરેકનો છે અને એવો વાંધો હોવો જ જોઈએ. જ્યાં જરૂર ન હોય ત્યાં તમે ઉર્દૂ શબ્દો વાપર્યા કરો તેનો વાંધો હોવો જોઈએ. જ્યાં બોલચાલના ગુજરાતી શબ્દો ઉપલબ્ધ હોય ત્યાં તમે છાંટ મારવા માટે અંગ્રેજી ઘુસાડ્યા કરો તેનો વાંધો હોવો જોઈએ.

કોણ નક્કી કરશે કે ગુજરાતી લખતી વખતે કે બોલતી વખતે કેટલા પ્રમાણમાં ઉર્દૂ કે કેટલા પ્રમાણમાં અંગ્રેજી શબ્દો વાપરવા જોઈએ. અહીં આપણે માત્ર ગુજરાતની (કે ગુજરાતના એક્સ્ટેન્શન એવા મુંબઈની) જ વાત કરીએ છીએ. કારણ કે પરદેશમાં રહેતા ગુજરાતીઓના બોલવા-લખવામાં એમના વાતાવરણ મુજબ અંગ્રેજીના (કે પછી આફ્રિકામાં રહેતા હોય તો ત્યાંની ભાષાઓના) શબ્દો સાહજિક રીતે બોલાઈ જવાના છે. ભારતમાં પણ એવું જ. મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં વસતા ગુજરાતીઓની ભાષામાં મરાઠીના કે તેલંગાણામાં વસતા ગુજરાતીઓની ભાષામાં ઉર્દૂના શબ્દો વધારે આવવાના જ છે.

આપણે મુંબઈ-ગુજરાતની વાત કરીએ. ગુજરાતી લખતી વખતે ઉર્દૂ-અંગ્રેજી શબ્દોનો અતિરેક થાય છે કે નહીં તે માપવા માટે કોઈ ધારાધોરણ ખરાં? એવા કોઈ પ્રચલિત માપદંડ નથી કે એવો કોઈ સરકારી નિયમ પણ નથી. માપદંડ તરીકે ચાલે એવી એક વાત મને સૂઝે છે જે કામ લાગે એવી છે, ખાસ કરીને એવા લોકોને જેઓ સ્ટાઈલ મારવા માટે ઉર્દૂ-અંગ્રેજી શબ્દોનો આડેધડ ઉપયોગ કરતા હોય છે.

ધારો કે તમને ઉર્દૂ-અંગ્રેજી ઉપરાંત મલયાલમ કે બંગાળી પણ આવડે છે તો તમે તમારા ગુજરાતી લખવા-બોલવામાં એ ભાષાઓના કેટલા શબ્દોનો ઉપયોગ કરશો? બોલો. તો પછી ઉર્દૂ-અંગ્રેજીનો પણ એટલો જ ઉપયોગ કરો જેટલો જરૂરી હોય. ઉર્દૂ-અંગ્રેજીનો પરહેજ રાખવાની બિલકુલ જરૂર નથી. પણ એનો અતિરેક ટાળવાની જરૂર છે. વાત સમજાય છે ?

પગાર, મફત, હુમલો, અફવા, કોશિશ, મહેનત, બદલો, ઇલાજ, મહેમાન, બાગ, જમીન, જવાબ, ઝંડો, ગુસ્સો, કિલ્લો, દવા, કિંમત, કમાણી, દીવાલ, બજાર, માફી, હિંમત, ફેંસલો, દુકાન, નસીબ, અવાજ, હજાર, જરૂર, હુકમ, મંજૂર, ફાયદો, હિંમત જેવા સેંકડો શબ્દોનું મૂળ અરબી/ફારસી/તુર્કી/ઉર્દુમાં છે. આમાંના ઘણા શબ્દોના તો સરળ ગુજરાતી પર્યાયો પણ છે. આમ છતાં આપણી ભાષામાં એ હદ સુધી આ શબ્દો વણાઈ ગયા છે કે તમે મારા મહેમાન છો એવું બોલવાને બદલે તમે મારા અતિથિ છો એવું બોલીએ તો ચાંપલું લાગે. તમારો અવાજ બહુ સરસ છેને બદલે તમારો ધ્વનિ બોલીએ તો જાણે મજાક કરતાં હોઈએ એવું લાગે.

જે શબ્દો પરંપરાથી આપણી ભાષામાં વણાઈ ગયા હોય એને દૂર કરવા જઈશું તો આપણા ભવ્ય અતીતનો એક ટુકડો ફેકી દેવાનું દુષ્કૃત્ય આપણાથી થઈ જશે એવી સભાનતા રાખીએ. કપડાં સીવડાવવા માટે દરજી પાસે જ જવાનું હોય, પછી ભલે ‘દરજી’ શબ્દ ફારસી ભાષાની દેણ હોય.

અને હા, આવતા મહિને હું ત્યાં આવું છું – ટ્રેનની ટિકિટ નહીં મળે તો ફ્લાઈટ પકડીને આવીશ. તમે મને સ્ટેશને કે એરપોર્ટ પર તેડવા આવશો?

આપણા લશ્કરમાં બધી જ રેજિમેન્ટોના નારા હિંદુ પરંપરાના જ છે ( જય ભવાની, હર હર મહાદેવ વગેરે), આપણી સંવૈધાનિક સંસ્થાઓ સત્યમેવ જયતે જેવાં ડઝનબંધ સંસ્કૃત સૂત્રો પોતાના પરિચય માટે વાપરે છે. અને આમ છતાં આપણા સંરક્ષણ દળોનું બેન્ડ દરેક શુભ અવસરે વંદે માતરમની સાથે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા વગાડે છે ત્યારે શરીરનાં રૂંવાડાં ઊભાં થાય છે—પહેલી જ પંક્તિમાં ઉર્દુ શબ્દો છે તે છતાં રાષ્ટ્રપ્રેમથી આપણી છાતી ગજ ગજ ફુલાઈ જાય છે.

અને છેલ્લે—મોદી છે તો મુમકિન છે. આમાં મુમકિનની જગાએ બીજો કોઈ પણ શબ્દ મૂકો, નહીં જામે!

તો ફરી એકવાર-સૌને સાલ મુબારક!

પાન બનારસવાલા

વાગીશ્ર્વરીના નેત્રસરોવરમાંથી ખોબોક પાણી પી ફરી કામે વળગતા થાકી ગયેલા મિત્રો,
સાચે જ અવાજને ખોદી શકાતો નથી ને ઊંચકી શકાતું નથી મૌન.

– લાભશંકર ઠાકર (14 જાન્યુઆરી 1935 – 6 જાન્યુઆરી 2016)

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

5 COMMENTS

  1. Very true
    I was told by one of my relatives not to say Saal Mubarak , because Mubarak is Urdu word instead say Nutan Varshabhinandan means shuddh gujrati .
    I wonder by using any Urdu or Gujarati words does it really effect your new year ??

  2. લેખ નું હાર્દ ગમ્યું.

    એક સૂચન ડેક્સ્ટોપ નહીં – ડૅસ્કટોપ. 🙏🏽

    • No. If it’s desk it’s ડેસ્ક. જો dasktop એવો સ્પેલિંગ હોત તો ડૅસ્ક થાત. Sex is સેક્સ, not સૅક્સ.

  3. રથયાત્રા, ગણેશોત્સવ કે નવરાત્રિમાં આમ જનતા દ્વારા બોલતી ગુજરાતી એજ સાચી ગુજરાતી છે, સતત પરિવર્તન પામતી અને નવા નવા કલેવર ધારણ કરતી આ ભાષા વ્યાકરણશાસ્ત્રીઓ દ્વારા નહીં પણ આમ પ્રજા દ્વારા અસ્તિત્વમાં રહેશે અને સંવર્ધિત થતી રહેશે.

    *જય જય ગરવી ગુજરાત*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here