વાજપાયી અને અડવાણીઃ ગુડ કૉપ-બેડ કૉપ? : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવ: શુક્રવાર, 25 ડિસેમ્બર 2020)

આજે તિથિ પ્રમાણે ગીતા જયંતિ અને તારીખ મુજબ અટલ બિહારી વાજપાયીની જન્મજયંતિ. 1924ની પચ્ચીસમી ડિસેમ્બરે એમનો જન્મ. લાલકૃષ્ણ અડવાણી ઉંમરમાં એમના કરતાં ત્રણેક વર્ષ નાના. 8 નવેમ્બર 1927 એમની જન્મ તારીખ. અત્યારે 93 વર્ષના. વાજપેયીની જન્મ શતાબ્દી ચાર વર્ષ પછી ઉજવાતી હશે.

ભારતના રાજકારણમાં વાજપાયી અને અડવાણીનો જમાનો જેમણે જોયો છે એમને નરેન્દ્ર મોદી અને અમિત શાહનો વર્તમાન સમય જોઈને બેઉ કાળખંડ વચ્ચેની સામ્યતા અને બંને સમયગાળા વચ્ચેનો તફાવત તપાસવાની મઝા પડે.

ભારતના આ બેઉ મહાન નેતાઓ- વાજપાયી અને અડવાણીની જોડીને રાજકારણમાં જે વાતાવરણ વારસામાં મળ્યું એ વાતાવરણને વ્યાપક બનાવવા બંનેએ પ્રચંડ પુરુષાર્થ કર્યો. એમના દ્વારા મજબૂત બનેલા પાયા પર નરેન્દ્ર મોદી અને અમિત શાહ ભારત વર્ષની ભવ્ય ઇમારત સર્જી રહ્યા છે. ભવિષ્યમાં આ ઇમારતની ઊંચાઈને ઔર ઉપર લઈ જવા માટેની નવી કેડર પણ તૈયાર થઈ જ રહી છે- યોગી આદિત્યનાથ, દેવેન્દ્ર ફડણવીસ અને બીજા અનેક રાજનેતાઓના રૂપમાં.

એવું નથી કે વાજપાયી અને અડવાણી આ બે જ નામ છે ભારતને એના ભારતપણાનું ગૌરવને પાછું અપાવવામાં. વીર સાવરકર અને સ્વામી વિવેકાનંદથી લઈને સરદાર પટેલ સુધીની અનેક વિભૂતિઓએ પોતાનાં તન-મન-ધનનું છેલ્લામાં છેલ્લું ટીપું નીચોવીને આ તપોભૂમિને સોંપી છે. 1925માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરનારા કેશવ બલિરામ હેડગેવારથી માંડીને 1951માં જનસંઘની સ્થાપના કરનારા શ્યામા પ્રસાદ મુખરજી સહિતના અનેક મહાનુભાવો તમને યાદ આવે. મહાત્મા ગાંધી અને નેતાજી સુભાષચંદ્ર બોઝ પણ યાદ આવે. શ્રી અરવિંદ અને ભગતસિંહ પણ યાદ આવે. આવા સેંકડો, બલ્કિ હજારો મહામાનવોએ પોતાનામાં શ્રદ્ધા રાખનારા લાખો, બલ્કિ કરોડો ભારતીયજનોના સહારે રામ અને કૃષ્ણની જન્મભૂમિ હોવાનું ગૌરવ ધરાવતા આજના ભારતનું નિર્માણ કર્યું છે.

આ સૌના પુણ્યસ્મરણ સાથે આજે વાજપાયી-અડવાણીની જોડીએ ભારતને ‘ભારત’ બનાવવા માટે કરેલા છ દાયકાના સંયુક્ત પુરુષાર્થની વાત કરીએ.

ગુડ કૉપ, બૅડ કૉપ. વાજપાયીને મીડિયા ગુડ કૉપ તરીકે ચીતરતું રહ્યું અને અડવાણીને બૅડ કૉપ. સ્કૉટલૅન્ડ યાર્ડમાં અને વિદેશમાં ઘણે ઠેકાણે પોલીસ વિભાગના માણસો જોડીમાં કામ કરે. ભારતમાં પણ ઘણેબધે અંશે એવું જ હોય છે. આરોપી પાસેથી માહિતી કઢાવવા એક પોલીસ ઇન્સ્પેક્ટર ધાકધમકીથી, ડરાવીને, જોર જબરજસ્તીથી, કરડાકીથી વર્તે. જ્યારે એ જ આરોપી સાથે બીજો ઇન્સ્પેક્ટર સમજાવી-ફોસલાવીને, લાલચ આપીને, નાનીમોટી સગવડ આપીને પટાવતો હોય એમ વર્તે. બેઉના ઇરાદાઓ તો એકસરખા જ હોય. ગુડ કૉપ-બૅડ કૉપની કન્સેપ્ટ ફૅમિલીઝમાં પણ જોવા મળે. કુટુંબમાં બાપ બૅડ કૉપ હોયતો મા ગુડ કૉપ હોય. ક્યારેક એનાથી ઊલટું હોય. મિત્રવર્તુળમાં પણ કહેવાતું હોય કે આ દોસ્ત સારો છે પણ એની વાઇફ જરા… બહોળું કુટુંબ કે સંયુક્ત કુટુંબ હોય તો સંતાનો કંઈક કામ કઢાવવા બાપની પાસે જવાને બદલે નાના કે મોટા કાકાની પાસે જાય. ધંધામાં પણ બહારનાઓ માટે એક પાર્ટનર ગુડ કૉપ હોયતો બીજો બૅડ કૉપ. બધે જ ચાલ્યા કરે આવું. રાજકારણમાં વિશેષ. હકીકત એ હોય છે કે આ બધું બહારથી જોઈ રહેલા લોકોની આંખથી દેખાતું હોય છે. અંદરખાને તો ગુડ કૉપ અને બૅડ કૉપ-બેઉના હેતુઓ એકસરખા જ હોય છે.

વાજપાયી એમના જમાનામાં વિરોધીઓ માટે પણ સર્વસ્વીકૃત ગણાતા. જ્યારે અડવાણી પોતાના જ પક્ષના નેતાઓ-કાર્યકર્તાઓ માટે ઉગ્ર સ્વભાવના ગણાતા. ડિફિકલ્ટ ટુ ટેકલ વિથ. પણ આ મીડિયાએ અને બહારના લોકોએ મીઠું મરચું નાખીને ઊભી કરેલી ઇમેજ હતી. અંદરખાનેથી બેઉનું લક્ષ્ય એક હતું અને એ લક્ષ્ય સુધી પહોંચવાનો બંનેનો માર્ગપણ એક જ હતો- હિન્દુત્વ.

મહાન માણસોની આસપાસના લોકોને, નિકટતમ સર્કલના લોકોને, આઉટર સર્કલને તેમ જ મીડિયાને દૂર બેઠાં બેઠાં મહાપુરુષોના મતનું, એમના વિચારોનું, એમની વર્તણુકનું, એમના મૂડનું, ઇરાદાઓનું, ત્યાં સુધી કે એમના ચહેરા પરના હાવભાવ તેમજ એમની બૉડી લેન્ગવેજનું પણ વિશ્લેષણ કરીને એને સામાન્ય જનતા સુધી પહોંચાડવાની મઝા આવતી હોય છે કારણ કે આવા ઍનેલિસિસ દ્વારા વિશ્લેષણકારોને પોતાનું મહત્ત્વ વધતું હોય એવો ભ્રમ થતો હોય છે.

વાસ્તવમાં કોઈપણ મહાપુરુષ પોતાના મનની વાત બીજાને કળવા દેતા નથી હોતા. એમના ચહેરા પરથી તમને ખબર જ ન પડે કે એમના મનમાં શું ચાલતું હશે, કઈ કઈ સ્ટ્રેટેજીઓ તેઓ વિચારતા હશે, એમના શતરંજની હવે પછીની ત્રણ તો શું, નેક્સ્ટ ચાલ પણ કઈ હશે તેની તમને ગંધ સુધ્ધાં ન આવે. તેઓ એકએક શબ્દ તોળીને બોલતા હોય છે- એમને ખબર હોય છે કે પોતાના શબ્દનું, પોતાની વાતનું કેટલું મહત્વ હોય છે. જાહેરમાં તો નહીં જ, અંગત જીવનમાં પણ તેઓ ક્યારેય લૂઝ ટૉક નથી કરતા હોતા. બીજાઓ શું બોલે છે, અને બિટ્વીન ધ લાઈન્સ શું કહેવા માગે છે તે તત્ક્ષણ પામી જવાની વિચક્ષણ અને તીક્ષ્ણ બુદ્ધિ તેઓને ભગવાને આપેલી હોય છે જેની ધાર તેઓએ સતત કાઢી હોય છે. ભવિષ્યની યોજનાઓ વિશે કે પોતાના નેક્સ્ટ મૂવ વિશે જો તેઓ બોલશે તો તે ઇરાદાપૂર્વકનું હશે, અનાયાસે કે ગફલતથી મોઢામાંથી વાત સરી પડી એવું ક્યારેય નહીં હોય. આવી ખાસિયતોને કારણે જ તો તેઓ મહાન કાર્યો કરીને મહાન પુરુષોની યાદીમાં સ્થાન પામતા હોય છે.

વાજપાયી સક્રિય રાજકારણમાં કે જાહેર જીવનમાં પ્રવેશ્યા ત્યારે, આઝાદી પછીનાં વર્ષોમાં, કોઈને કલ્પના નહોતી કે નેહરુના બનાવટી સમાજવાદમાંથી દેશને ઉગારી શકાય એવું વાતાવરણ સર્જાવાનું છે. આમ છતાં આરએસએસથી લઈને જનસંઘ સુધીની અનેક સંસ્થાઓ કે રાજકીય પક્ષના નિષ્ઠાવાન નેતાઓ દિવસરાત મહેનત કરી રહ્યા હતા જેથી એક દિવસ નેહરુના વારસાને ઉખાડી ફેંકીને ભારત પોતાના સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિને પોષણ મળે એવું વાતાવરણ કરવા માટે સક્ષમ બને.

અડવાણીને પ્રચારક તરીકે રાજસ્થાનમાં ફરજ બજાવવા મોકલવામાં આવ્યા જ્યાં ક્યારેક બસમાં તો ક્યારેક સાયકલ પર અને ક્યારેક ઊંટ પર પણ બેસીને પ્રવાસ કરવો પડતો.

પાર્ટિશન વખતે અડવાણી અને એમનો પરિવાર વતન કરાંચી છોડીને દિલ્હી આવ્યા. કરાંચીમાં સમૃદ્ધ કુટુંબમાં ઉછરેલા અડવાણી ટીન એજમાં જ આર.એસ.એસ.માં જોડાઈ ચૂકેલા. દિલ્હી આવીને સ્થાનિક શાખામાં જોડાઈ ગયા. વાજપાયી પણ કૉલેજકાળથી સ્વયંસેવક હતા.

1946માં વાજપાયી કાનપુરમાં એલ.એલ.બીનો અભ્યાસ કરતા હતા ત્યારે સંઘ તરફથી એમને આદેશ થયો કે ભણવાનું પડતું મૂકો, હિન્દી સામયિક શરૂ કરવાનું છે. એ જ વર્ષે અડવાણી કરાંચીથી સંઘના તૃતીય વર્ષના વર્ગમાં જોડાવા માટે કરાંચીથી નાગપુર આવ્યા હતા. ઉત્તીર્ણ થઈને પાછા કરાંચી ગયા ત્યારે એમને સંઘમાં મોટી જવાબદારી સોંપવામાં આવી. 1947ની પાંચમી ઑગસ્ટે, સરસંઘચાલક ગુરુ ગોલવલકર કરાંચીની મુલાકાતે આવ્યા ત્યારે રેલવે સ્ટેશને એમને સાંભળવા એક લાખ હિન્દુઓ ભેગા થયા હતા. એમના સ્વાગત માટે દસ હજાર સ્વયંસેવકો સંઘના ગણવેશમાં રાષ્ટ્રનિષ્ઠાનાં ગાન ગાવા માટે તેમ જ ભીડ બેકાબુ ન બની જાય તેનું ધ્યાન રાખવા માટે ખડે પગે હાજર હતા. આ દસ હજાર સ્વયંસેવકોની નેતાગીરી ઓગણીસ વર્ષના નવયુવાન અડવાણીને સોંપવામાં આવી હતી. 15 ઑગસ્ટ 1947ના રોજ આરએસએસ તરફથી લખનૌમાં હિન્દી માસિક ‘રાષ્ટ્રધર્મ’ શરૂ કરવાં આવ્યું જેના સૌપ્રથમ સંયુક્ત સંપાદક બાવીસ વર્ષના વાજપાયી હતા જે થોડાક મહિના બાદ આરએસએસના જ સાપ્તાહિક ‘પાંચજન્ય’ના તંત્રી તરીકે જોડાયા.

સપ્ટેમ્બર 1947માં અડવાણી, શરણાર્થી તરીકે કરાંચીથી દિલ્હી આવ્યા અને બેએક મહિનામાં જ મુંબઈ જઈને વીર સાવરકરને મળ્યા. આત્મકથા ‘માય કન્ટ્રી, માય લાઇફ’માં અડવાણી લખે છેઃ ‘ (વિનાયક દામોદર સાવરકરના) શિવાજી પાર્કના ઘરે એમના ચુંબકીય વ્યક્તિત્વથી અંજાઈને હું બેઠો હતો ત્યારે તેઓ મને પાર્ટિશન પછી સિંધની અને ત્યાંના હિન્દુઓની હાલત શું હતી એ વિશે જાણકારી મેળવવા પ્રશ્નો પૂછતા હતા.’

અડવાણીને પ્રચારક તરીકે રાજસ્થાનમાં ફરજ બજાવવા મોકલવામાં આવ્યા જ્યાં ક્યારેક બસમાં તો ક્યારેક સાયકલ પર અને ક્યારેક ઊંટ પર પણ બેસીને પ્રવાસ કરવો પડતો. 1948ની 30મી જાન્યુઆરીએ ગાંધીજીની હત્યા થઈ અને નેહરુના આદેશથી સંઘના હજારો સ્વયંસેવકોની ધરપકડ થઈ જેમાં અડવાણી પણ હતા. મહિનાઓ સુધી જેલમાં રહ્યા. જેલમાં એમને બે વાર ત્રણ જાડી-કાચીપાકી રોટી અને બેસ્વાદ દાળનું ભોજન મળતું. જેલમાંથી છૂટ્યા બાદ પણ મહિનાઓ સુધી પોલીસથી બચવા માટે એક પછી એક ઘર બદલીને રખડુની જિંદગી તેઓ જીવ્યા. થોડાક જ દિવસ પહેલાં જેમનું અવસાન થયું તે આરએસએસના ખૂબ મોટા ગજાના નેતા મા.ગો. વૈદ્ય (જેમના પુત્ર મનમોહન વૈદ્ય અત્યારે સંઘની ઘણી મોટી જવાબદારીઓ સંભાળી રહ્યા છે) એ વખતે સંઘ પરના પ્રતિબંધને કારણે ભૂગર્ભમાં રહીને સાયક્લોસ્ટાઇલ્ડ પેમ્ફલેટ્સ છાપવાની જવાબદારી સંભાળતા અને પોલીસને શક ન આવે કે પોતે આરએસએસના કાર્યકર્તા છે એ માટે બ્રિટિશરો કે બ્રિટિશરોને વફાદાર હોય એવા નાગરિકોની જેમ ગળામાં ટાઈ પહેરીને ફરતા. સંઘના પ્રચારકોને સ્થાનિક રહેવાસીઓ વારાફરતી પોતાના ઘરે આમંત્રણ આપીને જમાડતા હોય છે પણ સંઘ પરના પ્રતિબંધને કારણે અને નેહરુની સરકારે ઊભા કરેલા ખૌફને કારણે મા.ગો. વૈદ્યને સૌ કોઈ જમવા માટે બોલાવતાં ડરતું. ચાર મહિના સુધી તેઓ માત્ર સેવ-ચેવડો ખાઈને ટકી રહ્યા હતા.

નેહરુની તોતિંગ કૉન્ગ્રેસની સામે નવજાત શિશુ જેવા જનસંઘે લડવાનું હતું. શ્યામા પ્રસાદ મુખરજી રાજસ્થાનમાં ચૂંટણીપ્રચાર કરવા ગયા ત્યારે એમનાં પ્રવચનોનો અનુવાદ કરીને માઇક પર બોલવા માટે વાજપેયીને દિલ્હીથી કોટા મોકલવામાં આવ્યા.

આવા માહોલમાં વાજપાયી ધરપકડથી બચી ગયા અને ફેબ્રુઆરી 1949માં નેહરુ સરકારે કબૂલ કરવું પડ્યું કે ગાંધીજીની હત્યામાં આરએસએસનો કોઈ હાથ નહોતો. જુલાઈ 1949માં સંઘ પરથી પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો. 21 ઑક્ટોબર 1951ના રોજ ભારતીય જનસંઘ નામના રાજકીય પક્ષની સ્થાપના થઈ. જનસંઘ શરૂ કરવા માટે શ્યામા પ્રસાદ મુખરજીએ સરસંઘચાલક ગુરુ ગોલવલકરની મદદ માગી. આરંભમાં આ બાબતે મતભેદ હતા પણ છેવટે ગુરુજીએ શ્યામા પ્રસાદને કહ્યું કે નવા રાજકીય પક્ષ માટે હું તમને સંઘમાંથી પાંચ સુવર્ણ મુદ્રાઓ આપું છું- દીનદયાલ ઉપાધ્યાય, સુંદર સિંહ ભંડારી, નાનાજી દેશમુખ, બાપુસાહેબ સોહની અને બલરાજ મધોક.

ભારતની પ્રથમ લોકસભાની ચૂંટણી 1951-52માં થઈ. નેહરુની તોતિંગ કૉન્ગ્રેસની સામે નવજાત શિશુ જેવા જનસંઘે લડવાનું હતું. શ્યામા પ્રસાદ મુખરજી રાજસ્થાનમાં ચૂંટણીપ્રચાર કરવા ગયા ત્યારે એમનાં પ્રવચનોનો અનુવાદ કરીને માઇક પર બોલવા માટે વાજપેયીને દિલ્હીથી કોટા મોકલવામાં આવ્યા. વાજપાયી અને અડવાણી જિંદગીમાં સૌપ્રથમવાર આ દિવસોમાં મળ્યા.

પ્રથમ લોકસભાની ચૂંટણીમાં જનસંઘને સમગ્ર દેશમાં થયેલા મતદાનમાંથી કુલ ત્રણ ટકા જેટલા મત મળ્યા. નવસવા રાજકીય પક્ષ માટે આ ઘણી મોટી સિદ્ધિ હતી પણ દિલ્હી હજુ દૂર, ખૂબ દૂર હતું. 23 જૂન 1953ના રોજ શ્યામાપ્રસાદ મુખર્જીનું 51 વર્ષની ઉંમરે, કશ્મીરમાં થયેલી ધરપકડના પગલે કારાવાસ દરમ્યાન સંશયપૂર્ણ અવસ્થામાં અકાળે અવસાન થયું. હિન્દુત્વની ચળવળને એક જબરજસ્ત ધક્કો લાગ્યો. શંકાની સોય નેહરુ ભણી તાકવામાં આવી. બીજા વર્ષે, 1954માં નેહરુનાં બહેન વિજયાલક્ષ્મી પંડિતે યુનોમાં જવા માટે સંસદમાંથી રાજીનામું આપીને લખનૌની બેઠક ખાલી કરી. દીનદયાલ ઉપાધ્યાયે આ મતવિસ્તારમાંથી 29 વર્ષના તેજસ્વી વક્તા અને એકનિષ્ઠ કાર્યકર્તા વાજપાયીને જનસંઘ વતી ચૂંટણી લડવાનો આદેશ આપ્યો. વાજપાયી હારી ગયા એટલું જ નહીં ત્રીજા ક્રમે આવ્યા. એ રાત્રે વાજપાયી આ હારને ભૂલવા મિત્ર જોડે નજીકના થિયેટરમાં પિક્ચર જોવા જતા રહ્યા.

1957ની બીજી લોકસભાની ચૂંટણીમાં દીનદયાલ ઉપાધ્યાયે વાજપાયીને એક નહીં, બે નહીં, ત્રણ-ત્રણ બેઠકો પરથી ચૂંટણી લડવાનું કહ્યું. વાજપાયી લખનૌ અને મથુરાની બેઠક પરથી હારી ગયા પણ બલરામપુરમાં એમની જીત થઈ. તેંત્રીસ વર્ષની ઉંમરે વાજપેયીએ સૌપ્રથમવાર સંસદમાં પગ મૂક્યો ત્યારે એમના સહિત કોઇનેય કલ્પના નહોતી કે 1996માં 72 વર્ષની ઉંમરે તેઓ 13 દિવસ માટે ભારતના વડાપ્રધાન બનશે એટલું જ નહીં 1998માં ફરી એકવાર, 13 મહિના માટે, વડા પ્રધાન બનશે અને 1999માં ત્રીજી વખત વડા પ્રધાન બનીને પાંચ વર્ષની ફુલ ટર્મ પૂરી કરશે.

વાજપાયીનો નાતો ગ્રામીણ ભારત સાથે હતો, રાષ્ટ્રભાષા હિન્દી પર એમનું અભૂતપૂર્વ પ્રભુત્વ હતું. પણ હવે સંસદસભ્ય તરીકે એમણે અંગ્રેજી બોલનારા લ્યુટન્સ દિલ્હી સાથે પનારો પાડવાનો હતો. અડવાણી મૂળમાં તો શહેરી જીવ, એમનું અંગ્રેજી પણ ફાંકડું. દીનદયાલ ઉપાધ્યાયે 1957ના ઇલેક્શન પછી લાલકૃષ્ણ અડવાણીને દિલ્હી પહોંચીને નવા ચૂંટાયેલા સંસદસભ્ય અટલ વિહારી વાજપાયીની સાથે રહીને કામ કરવાનો આદેશ આપ્યો. અડવાણી સંસદ ભવનની નજીક 30 રાજેન્દ્ર પ્રસાદ માર્ગ પરના વાજપાયીના સરકારી બંગલોમાં શિફ્ટ થઈ ગયા જ્યાંથી પછી રામલીલા મેદાન પાસેના પક્ષના કાર્યાલયમાં રહેવા ગયા પણ મળવાનું રોજ જ. ભાગ્યે જ કોઈ દિવસ એવો ગયો હશે જ્યારે બેઉએ એકબીજા સાથે રૂબરૂ મુલાકાત કે પછી ફોન પર વાતચીત ના કરી હોય. ‘ગુડ કૉપ- બૅડ કૉપ’ની આ જોડીએ છ દાયકા સુધી દિવસરાત જે જદ્દોજહદ કરી તેના પરિણામ સ્વરૂપે ભારતીય જનતા પાર્ટી સંસદમાં બે બેઠક પરથી 303 બેઠક ધરાવતી થઈ છે અને ભવિષ્યમાં 400 પ્લસ બેઠક સાથે રાજીવ ગાંધીનો વિક્રમ તોડવાની છે.

આજનો વિચાર

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।

मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥

( શ્રીમદ્ ભગવદ્ ગીતા, બીજો અધ્યાય, શ્લોક ૪૭)

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

9 COMMENTS

  1. An extraordinarily mahiti sabhar article. Such articles can shake up the ill informed masses and give correct side of the history deliberately distorted by congress. Keep up the great work. Your bravery match RSS spirit.

  2. Very detailed information about Atalji and Advaniji. Post independence Congress party known for putting leaders of India in Jail. Nehru was first based on this article and Indira is next

  3. અટલજી અને અડવાણીજી એટલે ભાજપના રામ અને કૃષ્ણ, એક મર્યાદાપુરુષોત્તમ અને બીજા યુગપ્રવર્તક.બંને જણે પોતાની જિંદગી ન્યોછાવર કરી ભારત દેશ માટે. અટલજી ને શતશત પ્રણામ અને અડવાણીજી સો વર્ષનું આયુષ્ય પામે આવે અભિલાષા.

  4. વાજપાયી અને અડવાણી અંગેના આ જ વિષય પર ગયા મહિને જ પ્રકાશિત થયેલું વિનય સીતાપતિ લિખિત પુસ્તક જુગલબંદી વાંચવા જેવું છે. ખુબ જ રસપ્રદ શૈલીમાં લખાયેલું આ પુસ્તક કોઇ નવલકથાની જેમ જકડી રાખે તેવું અદ્ભુત છે.

  5. વાહ સર , વાજપેયીજી અને અડવાણીજીની સંઘર્ષ કથા બહુ રોચક રહી. જે મુકામ પર આજે ભારતીય જનતા પાર્ટી છે ત્યાં સુધી પહોંચવું એ કાઈ સહેલુ તો નહોતુ જ. હું પણ ઈચ્છું છું કે આવતા વખતે આ પાર્ટીને ૪૦૦+ સીટ મળે. કોંગ્રેસના ” સુવર્ણ યુગ ” ના સમયે , ડરીને કે નીરાશ થઈને પ્રયત્ન છોડી દીધો હોત તો કદાચ હજુય આપણને હિંદુ અને હિંદુત્વનું ભાન ન થાત.

  6. ૨ માંથી ૩૦૩ અને હવે ૪૦૦+
    જય હો સૌરભભાઇ જય હો
    આપનાં મોંઢામાં ઘી-સાંકર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here