જો હું વડા પ્રધાન બનું તો…

લાઉડ માઉથ : સૌરભ શાહ

(‘સંદેશ’, ’અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૯)

…તો હું સદંતર નિષ્ફળ જાઉં. કારણ કે વડા પ્રધાન બનવા માટે જે જે કંઈ જોઈએ એમાંનું મારામાં કશું જ નથી. વડા પ્રધાનની જ નહીં બીજી અનેક કામગીરીઓ માટેની મારી લાયકાત નથી.

પણ આવું આપણને કોઈ સમજાવતું નથી. ઊલટાનું જ્યાં જુઓ ત્યાં તમને કહેવામાં આવે છે કે તમે ધારો તે કરી શકો છો, જો એક કૉલેજ ડ્રૉપઆઉટ ‘એપલ’ જેવી મહાન કંપની સ્થાપી શકતો હોય તો તમે પણ સ્ટીવ જૉબ્સ બની શકો છો.

આવું કહીને નાનપણથી આપણામાં ભ્રમણા પેદા કરવામાં આવે છે કે આપણે ધારીએ એ બની શકીએ છીએ, ધારીએ એ કરી શકીએ છીએ.

દરેક વ્યક્તિ પાસે એની પોતાની ક્ષમતા હોય છે, એની પોતાની મર્યાદા હોય છે. કોઈ સારું ગાઈ શકે છે પણ એનામાં ઍથ્લીટ બનીને ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાની ક્ષમતા ન પણ હોય. કોઈ ચેસ પ્લેયર કુશ્તીનો ખેલાડી નહીં બની શકે. રવિન્દ્રનાથ ટાગોર કે ગાલિબ જેવી કવિતા/ગઝલ લખનારો નીલ આર્મસ્ટ્રોંગ બનીને ચંદ્ર પર પગ મૂકનારો પહેલો માનવ નહીં બની શકે.

અને આ બધામાં કંઈ ખોટું પણ નથી. કુદરતે દરેકમાં અલગ અલગ ક્ષમતા ભરી છે, દરેકને ભાગે અલગ અલગ મર્યાદા પણ છે. અને એવું પણ નથી કે કવિતા લખનાર કે ગઝલ સર્જનાર દરેક કવિ-શાયર ટાગોર કે ગાલિબની કક્ષાનું સર્જન કરી શકશે. આમાંનું સાધારણ કક્ષાનું સર્જન કરશે તો કોઈ તદ્દન નિકૃષ્ટ કક્ષાનું સર્જન કરશે. અહીં પણ કુદરતનો નિયમ લાગુ પડે છે. જંગલમાં આપમેળે ઉછરતાં તમામ વૃક્ષોની આવરદા એકસરખી નથી હોતી. જે જાતિનાં વૃક્ષોની લાંબી આવરદા હોય એ જાતિનાં વૃક્ષોમાં પણ બાળમરણ જોવા મળે, અડધી ઉંમરે આવીને નષ્ટ થઈ જતાં જોવા મળે.

આપણી દરેકની કૅપેસિટી જુદી જુદી હોવાની. અભિનય ક્ષેત્રે પગ મૂકનારા દરેક કંઈ અમિતાભ બચ્ચન, શાહરૂખખાન કે અક્ષયકુમાર જેવી ઊંચાઈએ પહોંચી શકવાના નથી. ક્રિકેટ રમનારો દરેક યુવાન કંઈ સચિન, ધોની કે વિરાટ બનતો નથી.

પણ ક્યારેક ક્યારેક માબાપ દ્વારા, તો ક્યારેક ક્યારેક આસપાસના લોકો દ્વારા તો ક્યારેક ચાંપલા મોટિવેશનલ સ્પીકરો દ્વારા આપણા મનમાં ઠસાવી દેવામાં આવે છે કે આપણે ધારીએ તે બની શકીએ છીએ. આ લોકોની આસપાસ આપણે ન હોત પણ કોઈ ટિંડોળું હોત તો તેઓ ટિંડોળાને કહેતા હોત કે તું ધારે તો ભીંડો કે કારેલું બની શકે એમ છે.
માણસનું ગજું એનો સમય, એના સંજોગો દ્વારા વધઘટ થશે. આ સંજોગોનું નિર્માણ કરવામાં કુદરતનો સાથ જોઈએ અને એ માટે પરસેવો પાડવાની આપણી પોતાની દાનત જોઈએ.

માણસમાં કુદરતે જે બુધ્ધિ જન્મ વખતે આપી છે તે વત્તીઓછી છે. ન્યુટન, આઈન્સ્ટાઈન કે શકુંતલા દેવી જેવું ભેજું બધાની પાસે નથી હોતું. કેટલાકની પાસે કોઠાસૂઝ હોય હોય છે. વિદેશીઓએ જાણે મોટે ઉપાડે નવી શોધ કરી હોય એમ આ કોઠાસૂઝને ઈમોશનલ ક્‌વોશન્ટ જેવું સાયન્ટિફિક દેખાડાવાળું લેબલ આપ્યું છે. કેટલાકની પાસે પોતાની ધૂર્તતા આગળ વધવા માટેનું સૌથી મોટું ઓજાર હોવાનું. કેટલાક પોતાના ભોળપણ અને પોતાની નિર્દોષતા દ્વારા સફળતા પામતા હોય છે. કેટલાક વળી એવા હોય છે કે ઉપરથી સાક્ષાત ભગવાન ઉતરી આવે તોય એનું કંઈ ન થઈ શકે. ગુડ ફૉર નથિંગ ટાઈપના આ લોકો હોય છે.
આ બધા લોકોને એક લાકડીએ હાંકીને કહેવું કે તમે જીવનમાં ધારો તે કરી શકો છો – એના જેવું પાપ બીજું એકેય નથી. કોઈને પોતાના વિશે ભ્રમણા કરતાં કરી દેવા એ ઘણો મોટો અપરાધ છે. મા લાડથી પોતાના દીકરાને કહે કે તું તો મારો રાજકુમાર છે એ સ્વાભાવિક છે. પણ આ ‘રાજકુમાર’ પોતે જો એવું માનતો થઈ જાય કે મોટો થઈને હું કોઈ દેશનો રાજા બની જઈશ તો?

સાયલન્સ પ્લીઝ!

એકની એક વાત વારંવાર કર્યા કરવી અને ધારી લેવું કે આ વખતે એનું જુદું પરિણામ આવશે એના જેવી મૂર્ખામી બીજી એકેય નથી.

_આલ્બર્ટ આઈન્સ્ટાઈન

10 COMMENTS

  1. Perfect ???? પુરુષાર્થ કરવામાં ક્યારે પાછળ ના રહેવું પણ ખરા સમયે પુરુષાર્થ કરવો કે કયા સમયે કરવો એ તો પ્રારબ્ધ જ નક્કી કરે છે
    એટલે જ હું કરૂ હું કરૂ પણ બંકા તું કાંઈ નથી કરતો

  2. If man think positive and do positive things, he can change himself and world. Thinking in negative way, you or God cannot change you

  3. સરસ આર્ટિકલ.. તું જ તારો ગુરુ થા એવુ વડવાઓ કહી ગયા છે. આપણી જાતને આપણા થી વધારે કોઈ જાણતુ નથી તો શા માટે આધારિત રહેવું.. ઝંઝોડી દીધા સૌરભભાઈ.. ? ?

  4. પોઝીટીવ વિચારો કે શબ્દોના શુગર કોટેડ આવરણમા વિટાળીને રોપવામાં આવતી દરેક ભ્રમણા આગળ જતા આબાના ફળ જ આપશે એવી અપેક્ષા સાથે જીવતા આવાં લોકો એકલ દોકલ નથી આપણા સમાજમાં આવા ઘણા જંગલ ઉછેરાય રહ્યાં છે.

  5. Very nice article sir.
    સર, મારા ખ્યાલથી વ્યક્તિની પોતાની સંભાવનાઓ ની વિશાળતા ઓ સમજાવવા માટે આ રીતે કહેવામાં આવતું હોય છે . જેથી કરીને કોઈ વ્યક્તિ પોતાની જાતને નાની કે ઓછી સમજીને પ્રયત્ન કરતા રોકાઈ ન જાય એવું મને લાગે છે.

  6. Exactly… દરેક ની ક્ષમતા અલગ અલગ હોય છે. સંજોગો અને સમય માણસ ને ઘડે છે. ચાંપલા મોટિવેશનલો ને મહત્વ આપવું જ ન જોઈએ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here