જાણે અજાણ્યે થતું નુકસાન, અફસોસ અને સફળતા

‘તડકભડક’ : સૌરભ શાહ

(‘સંદેશ’ , ’સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૯)

ટર્મ તદ્‌ન જુદા જ ક્ષેત્રની છે, મિલિટરી સાથે સંકળાયેલી છે પણ આપણને એના લશ્કરી અર્થ સાથે નહીં, પર્સનલ જિંદગી સાથેના સંદર્ભથી મતલબ છે. છાપાંમાં તમે ઘણી વખત આ શબ્દપ્રયોગ વાંચ્યો હશેઃ કોલેટરલ ડૅમેજ. અમેરિકાએ સદ્દામ હુસૈનના ઈરાક પર મિસાઈલ હુમલો કર્યો ત્યારે કોઈ લશ્કરી મથકને નિશાન બનાવ્યું પણ એની સાથે એ મથકની નજીકની કોઈ સ્કૂલ કે કોઈ નાગરિકી હૉસ્પિટલને પણ નુકસાન થયું જે નહોતું થવું જોઈતું કારણ કે ટાર્ગેટ લશ્કરી મથક હતું – નહીં કે સ્કૂલ-હૉસ્પિટલ. આમ છતાં અજાણતાં આવું થઈ જતું હોય છે ઘણીવાર. તમારો કોઈ ઈરાદો ન હોય તે છતાં તમે બીજાઓનું નુકસાન કરી બેસતા હો છો. તમારો હેતુ સ્પષ્ટ હોય છે – તમારો ટાર્ગેટ નક્કી થયેલો હોય છે અને એ ટાર્ગેટને તમે સર પણ કરો છો પરંતુ ક્યારેક એવું બનતું હોય છે કે એ ટાર્ગેટની આજુબાજુનાં સ્કૂલ-હૉસ્પિટલનાં નિર્દોષ મકાનો તમારી હડફેટે ચડી જતાં હોય છે – તમારા કોઈપણ વાંકગુના વિના, તમારી બધી જ કાળજી-તકેદારી બાવજૂદ. આ જે નિર્દોષ કે અનઈન્ટેન્ડેડ નુકસાન થયું તેને મિલિટરીવાળા કોલેટરલ ડૅમેજ ગણીને સ્વીકારી લેતા હોય છે. એ ડૅમેજને સુધારવાનો પ્રયત્ન થાય તો સારી વાત બાકી એના પર અફસોસ કરવા બેસવાનું ન હોય, કોઈને દોષી પણ ઠેરવવાના ન હોય. અજાણતાં જેનું નુકસાન થયું છે તેની મનોમન માફી માગી આગળ વધવાનું, બીજાં ટાર્ગેટ્‌સ તરફ જવાનું. અને જેનું નુકસાન થયું છે તે જો કંઈ બૂમાબૂમ કરે તો એની અવગણના કરવાની કારણ કે આવું તો ચાલ્યા કરવાનું, ઈટ્‌સ પાર્ટ ઑફ લાઈફ.

જિંદગીમાં જે કોઈ ઉંમરે તમે પાછળ નજર કરીને જોશો ત્યારે કોઈક ને કોઈક બાબતે અફસોસ જરૂર થવાનોઃ મેં આ મેળવવા માટે આને અન્યાય કર્યો. મેં આ પ્રાપ્ત કર્યું પણ સામે પેલું ગુમાવ્યું. મેં કોઈકના હક્કનું ઝૂંટવી લીધું… ત્રીસ વર્ષની ઉંમરે કે પછી ૪૦–૫૦–૬૦–૭૦–૮૦ કોઈ પણ ઉંમરે તમે તમારાં વીતેલાં વર્ષો વિશે વિચારશો તો તમારી સફળતાઓ અને સિધ્ધિઓની સાથે સાથે આવા અફસોસો તમને જરૂર કનડવાના, તમારી જિંદગીનો મધુર સ્વાદ જરા તૂરો કરી નાખવાના. અને એમાંય તમારા કોઈ ‘શુભેચ્છક’ને તમે આ જૂની વાતો કહેતા હશો તો એ તમારી ગિલ્ટ ફીલિંગને એવી બહેલાવશે કે તમને થશે કે તમે જિંદગીમાં લોકોનું બગાડ્યું જ છે, આગળ વધવાની લાહ્યમાં તમે લોકોના માથા પર પગ મૂકીને – એમને બરબાદ કરીને સફળતા મેળવતા રહ્યા છો.

આપણી જાત સાથે આટલા બધા આકરા થવાની કોઈ જરૂર નથી, સાહેબ. કોલેટરલ ડૅમેજ કંઈ માત્ર મિલિટરી ઑપરેશનોમાં જ સ્વીકાર્ય છે એવું નથી. આપણી રોજબરોજની જિંદગીમાં પણ કોલેટરલ ડૅમેજવાળું નુકસાન આપણે બીજાઓને પહોંચાડતા હોઈએ છીએ. આપણા કોઈ ઈરાદા વિના, નિવારણના આપણા તમામ પ્રયત્નો બાવજૂદ, આપણા સુંદર કામને કારણે કોઈનું નુકસાન થઈ ગયું તો થઈ ગયું. તેઓ વિના કારણે દંડાઈ ગયા તો દંડાઈ ગયા. આપણી રૅન્જમાં એમણે નહોતા આવવા જેવું – દૂર રહેવાનું હતું. એમને ખબર હતી કે અત્યારે ટાર્ગેટ પ્રેક્‌ટિસ ચાલુ છે, ફાયરિંગ થઈ રહ્યું છે, ગમે ત્યાંથી કોઈ પણ દિશામાંથી બૉમ્બમારો થવાનો છે. તો દૂર હટી જવાનું હતું.

પણ લોકો તો અણસમજુ હોય છે જ, આપણેય જરા ઓછી અક્‌કલવાળા થતા જઈએ છીએ. સમજતા નથી કે તમે આગળ વધવા માગતા હતા તેને કારણે તમારા ભાઈ, પિતા, સંતાન, કાકા, મિત્ર વગેરેને લાગતું હોય કે એમને કોઈ અન્યાય થઈ ગયો છે તો હા, શક્ય છે કે એમને ખરેખર અન્યાય થયો હોય. પણ તમારો એ ઈરાદો નહોતો. તમે તમારું ભલું કરવા માગતા હતા અને જે તમે કર્યું. આજે તમે આવી અનેક નાનીમોટી સફળતાની એક એક શૃંખલાને જોડીને તમારી ભવ્ય જિંદગીની ડિઝાઈન બનાવી શક્યા છો તેના પાયામાં ઘણા બધા કોલેટરલ ડૅમેજ હોવાના. આવા બિનઈરાદાપૂર્ણ નુકસાનો વિના તમે આગળ વધી જ શક્યા ન હોત. તો હવે અફસોસ નહીં કરવાનો અને કોઈ જો તમને અફસોસ કરાવવા આવી પહોંચે તો એમને તમારે અવગણવાના.

જિંદગીમાં તમે પોતે પણ બીજાઓ દ્વારા તમને પહોંચેલા કોલેટરલ ડૅમેજ સહન કરીને બેઠા છો. એનો પણ અફસોસ નહીં કરવાનો. મારા કોઈ વાંકગુના વગર મને આટલું નુકસાન થયું એવો અફસોસ કરીને સેલ્ફપિટીમાં નહીં રાચવાનું. મારા ભોગે પેલો આગળ નીકળી ગયો એવી ફરિયાદ બિલકુલ નહીં કરવાની. બીજાઓને આગળ વધવામાં તમને થયેલું આ કોલેટરલ ડૅમેજ નિમિત્ત બન્યું એનો આનંદ મેળવી શકાય તો મેળવવાનો અન્યથા કુદરતની આ બૅલેન્સિંગ સિસ્ટમ છે એમ સમજીને ચૂપ રહેવાનું.

જિંદગી પરફેક્‌ટ નથી. અહીં તમારું ધાર્યું જ બધું થશે એવી જીદ ન હોય. અને અહીં ક્યારેય તમારું ધાર્યું નહીં જ થાય એવી નિરાશા પણ ન હોય. તમારા થકી બધાનું ભલું જ થવાનું છે એવી આશા ન રખાય. તમારા કોઈ ઈરાદા વિના, તમારી કોઈ ઍક્‌શન થકી તમે કોઈનું નુકસાન કરી બેસો છો તે હકીકત છે અને આ હકીકત સામે આવે ત્યારે માથે હાથ દઈને અફસોસ કરવા બેસી પડવાનું ન હોય. મનોમન સૉરી કહીને આગળ વધી જવાનું હોય. જિંદગીમાં અફસોસો ભેગા કરવા છે કે પછી નવાં નવાં ટાર્ગેટ સર કરવાં છે? નક્કી તમારે કરવાનું છે. અને જે કંઈ બનતું રહે તેને સ્વીકારતાં રહેવાનું છે. કારણ કે કોલેટરલ ડૅમેજની જેમ બીજી પણ એક ટર્મ છેઃ કોલેટરલ બ્યૂટિ. અર્થાત્‌ તમે જાણી જોઈને કોઈનું ભલું કરવાનું નક્કી ન કર્યું હોય પણ તમારો સ્વાર્થ સિધ્ધ કરતાં કરતાં ઘણી વખત અજાણતાં જ બીજાઓનું ભલું થઈ ગયું હોય, તમને ખબર પણ ન હોય તે રીતે – એવુંય બનતું હોય છે. અને આ રીતે ક્યારેક બીજાઓને લીધે આપણું પણ અજાણતાંમાં જ ભલું થઈ જતું હોય છે. કુદરતની દેખીતી અવ્યવસ્થામાં છેવટે તો બધું જ બૅલેન્સ થઈ જતું હોય છે.

પાન બનાર્સવાલા

કુટુંબમાં કેટલાક લોકો બીજાઓની નહીં, પોતાની જ જિંદગી સાથે લડતાં હોય છે અને એનું કોલેટરલ ડૅમેજ બાકીના સભ્યોએ સહન કરવું પડતું હોય છે.

_અજ્ઞાત

5 COMMENTS

  1. ઘણીવાર ન ચાહવા છતાં અમુક સ્થિતિ સહજ રીતે સર્જાય છે. પોતે ન ચાહવા છતાં સંજોગો જ એવા ઊભા થાય છે કે તમે સહજ નથી રહી શકતા.. છોડવું કે પકડવુ તેવી મુંઝવણમાં ન ધારેલા નિર્ણય લેવાય જાય છે. અચાનક બનેલી ઘટના કાં તો પ્રતિકાર કરો અને કાં તો સરેન્ડર કરો તેવુ સુચવે અને તે જ ઘડી મહત્વ ની હોય છે.. બહુ જ સરસ લેખ સૌરભભાઈ ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here