બાળકો સાથે બાલિશતાથી વ્યવહાર કરતાં પેરન્ટ્‌સ માટે

લાઉડમાઉથ : સૌરભ શાહ

(‘સંદેશ’, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૫ ફેબ્રુઆરી ૨૦૨૦)

બાળપણ અને તરુણાવસ્થાના સંધિકાળ જેવી જે ઉંમર આવે છે તેના વિશે ભાગ્યે જ કશું વિચારાયું છે, લાખાયું છે. આઠ-દસ વર્ષે બાળપણ પૂરું થયું હોય અને ૧૩ કે ૧૪ વર્ષે તરુણાવસ્થા કે ટીનએજ શરૂ થાય તેની વચ્ચેનાં ત્રણ-ચાર વર્ષો, દસથી તેર વર્ષની ઉંમરનો ગાળો, કોઈ પણ બાળક માટે માનસિક રીતે પણ વલોવી નાખનારો હોય છે, શારીરિક રીતે તો હોય છે જ. પ્રી-ટિન્સનાં આ વર્ષોને, અત્યારે કામચલાઉ રીતે ગુજરાતીમાં પણ પ્રી-ટિન્સ તરીકે ઓળખીશું.

બાળકો માટે, કોઈ પણ ઉંમરનાં બાળકો માટે, માબાપ પાસે બહુ ઓછો ક્‌વૉલિટી ટાઈમ હોય છે. પેરન્ટ્‌સ પોતાના સર્વાઈવલ પાછળ દોડતાં રહે છે. પૈસા કમાવવા, ફિટનેસ, ગ્રુમિંગ, સોશ્યલાઈઝિંગ, સાજસજ્જા, એમ્બિશન્સ, સેક્‌સ, સંબંધો, સપનાંઓ, – આ બધું જ પ્રી-ટિન્સ ઉંમરનાં બાળકોના પેરન્ટ્‌સને બિઝી રાખે છે. બાળકો એમની પાછળ ઘસડાતાં રહે છે. બાળકની માનસિક પ્રગતિ એની આસપાસના વાતાવરણ પર એટલે કે એનાં માતા, પિતા, શિક્ષક, શાળા, ઘર, મિત્રો, પાડોશીઓ, કુટુંબીજનો વગેરે પર આધાર રાખે છે એની આપણને ખબર છે. પણ જે વાતને નજરઅંદાજ કરીએ છીએ તે એ છે કે આ વાતાવરણની અસર જો માઠી હોય તો તેને સુધારવાનું કામ બાળકની કલ્પનાશક્તિ કરે છે. વાતાવરણ સારું હોય તો આ જ કલ્પનાશક્તિ એને અનેકગણું સારું બનાવી શકે.

બાળકની કલ્પનાશક્તિ એના વિકાસમાં માબાપ વગેરે કરતાં પણ મોટો ભાગ ભજવતી હોય છે. માબાપ વગેરેવાળું વાતાવરણ બાળકની આ કલ્પનાશક્તિને ધારે તો ખૂબ ઊંચી ઉડાનો ભરાવી શકે પણ મોટેભાગે તો પેરન્ટ્‌સ જાણેઅજાણે કલ્પનાશક્તિને રૂંધવાનું જ કામ કરતાં હોય છે.

ત્રણ વર્ષનું બાળક એની પેઈન્ટિંગ બુકમાં છાપેલા પોપટની આઉટલાઈનની અંદર લીલાને બદલે જાંબલી રંગ ભરે તો માનવું કે બાળકનું દિમાગ ખૂબ ક્રિએટિવ છે. આવાં બાળકો મોટાં થઈને ચીલો ચાતરીને કંઈક અવનવી વૈજ્ઞાનિક શોધખોળોથી માંડીને કપડાંની નવી ડિઝાઈન, સંગીતની નવી તર્જ કે નવલકથાનો સર્જનાત્મક પ્લૉટ વિચારી શકે છે. ચિત્રમાં રંગ પૂરતી વખતે રંગ આઉટલાઈનની બહાર જતો રહે તો સમજુ ડ્રૉઈંગ ટીચર બાળકના ઘરે ચિઠ્ઠી મોકલીને ફરિયાદ નહીં કરે. ટીચર સમજશે કે બાળકની ઉંમર કેટલી છે. આ ઉંમરે એ અભાનપણે મર્યાદાઓ તોડતું હોય તો ભવિષ્યમાં એ રૂટિન કરતાં કંઈક જુદું કરી બતાવશે.

અંગત મત એવો છે કે બાળકની કલ્પનાશક્તિ વિકસાવવા માટે પેરન્ટ્‌સ તરફથી એને જો કોઈ સૌથી મોટી ભેટ મળી શકે તેમ હોય તો તે ત્રણ પ્રકારની હોવાનીઃ વાંચન, વાતચીત અને પ્રવાસ. કોઈ પણ સ્થળે બાળકને સાથે લઈ જવા માટે સમય, સગવડ, પૈસા જોઈએ. માબાપે પોતાના માટે વપરાતાં આ ત્રણેય સાધનોમાં કાપ મૂકીને બાળકો સાથે બને એટલું વધુ ફરવું, રખડવું, ભટકવું જોઈએ. વાતચીત કરવામાં માબાપે પૈસાનો નહીં, સમયનો વપરાશ કરવો પડે છે. બાળકો સાથે દુનિયાના વિવિધ વિષયો વિશે ચર્ચા કર્યા કરવાથી માબાપ બિચારાંઓનો કદાચ ડૂચો નીકળી જાય. એમનું પોતાનું અજ્ઞાન પોતાની જ આગળ ખુલ્લું પડી જતું લાગે – પણ બાળક માટે આવી ચર્ચાઓની મિતિથી માંડીને મૅરેથોન સેશનો જરૂરી છે. વાંચનમાં માબાપે ખાસ કશું ખર્ચવાનું નથી હોતું. પુસ્તકો ખરીદવામાં એવા તે કંઈ હજારો-લાખો રૂપિયા ખર્ચાતા નથી. કૉફી શૉપ્સ, રેસ્ટોરાં, સિનેમા કે વિડિયો ગેમ્સ પાછળ ખર્ચાતા પૈસાની સરખામણીએ આ રકમ સાવ મામુલી હોય છે. પુસ્તકો ખરીદવાં ન હોય તો લાયબ્રેરીમાંથી મેળવી શકાય, પુસ્તકપ્રેમીઓના કલેક્‌શનમાંથી વાંચી શકાય.

વિદેશની સરખામણીએ આપણે ત્યાં બાળસાહિત્યનું ફલક ઘણું સંકુચિત છે. આનું એક કારણ આપણી જૂનવાણી માનસિકતા છે. આ મૅન્ટાલિટીને આ વિષયના નિષ્ણાત મોહનભાઈ પટેલે સરસ રીતે સમજાવી છે. ધ્યાનથી વાંચજો. તેઓ કહે છેઃ ‘પરદેશનાં બાળકો કરતાં આપણાં બાળકોમાં બુધ્ધિનું તત્વ ઓછું હોય છે એવું નથી. પરદેશનાં બાળકોનાં માનસ સમક્ષ અનેક દિશઓ ઉઘાડી આપવામાં આવે છે, ખૂબ બધાં ક્ષેત્રોનું એક્‌સપોઝર એમને આપવામાં આવે છે. અને એ ઉઘાડનારા પ્રતિભાવોના પ્રોટોટાઈપ્સ એમને આપવામાં નથી આવતા, એ પ્રતિભાવોને નિશ્ચિત ચોકઠામાં બેસાડી દેવામાં આવતા નથી. આને કારણે બાળકો પોતાની મેળે પોતાની સંવેદનાઓને સમજીને પ્રતિભાવો આપે એવી આબોહવા સર્જવામાં આવે છે. હાથમાં પેન, પેંસિલ કે ક્રેયોન આવે એટલે લખતાં ન શિખેલું બાળક પણ લીટા કરવા પ્રવૃત્ત થવાનું. એ એને સહજ હોય છે. બાળક આમ લીટા કરે ત્યારે આપણા માથા પર આસમાન તૂટી પડતું હોય એ રીતે આપણે રિએક્‌ટ થતાં હોઈએ છીએ. એ લીટીની પ્રેરક એની સર્ગશક્તિને આપણે ઉઘાડ આપતાં નથી.’
ચાર વર્ષનું બાળક વાંકીચૂંકી લીટીઓ દોરીને કહી શકે કે મેં કૅટરપિલર દોર્યું છે. એટલું જ નહીં, આ કૅટરપિલરની કમરમાં બે જગ્યાએ દુઃખાવો છે એવી કલ્પના પણ કરી શકે છે.

બાળકોની કલ્પનાશક્તિમાં વાંચન ઉપરાંત વાર્તાકથન દ્વારા પણ ઘણો મોટો ઉમેરો થાય. બાળસાહિત્ય ક્ષેત્રે અનેક દિશાઓમાં કામ કરનારા લેજન્ડરી લેખક હરીશ નાયકે એક વખત કહ્યું હતું, ‘ઉનાળાની રાત્રીઓમાં ફ્‌લેટોની અગાશી પર શ્રોતાઓ બેઠા હોય, સૂતા હોય, આડા પડ્યા હોય અને ત્યારે અમારી વાર્તાઓ ચાલુ હોય. સમયનાં કોઈ બંધન નહીં, જેને ઊંઘ આવે તે ઊંઘી જાય, મોડી રાત્રે ભલે થોડું જ શ્રોતાવર્તુળ રહી જાય. આવી અગાશીકથાની વાતે વાર્તાકથનમાં જરૂર નવું પરિમાણ ઉમેરી દીધું છે.’

બાળકો નાટક દ્વારા પણ પોતાની અભિવ્યક્તિને ખિલાવી શકે. આ નાટક એટલે ઓડિટોરિયમમાં કે મંચ પર ભજવાતું ટિપિકલ નાટક હોય એ જરૂરી નથી. સદાબહાર કવિ, નાટ્‌યકાર અને પ્રવાસલેખક ચં.ચી.મહેતાએ બાળનાટક વિશે એક આખી પુસ્તિકા લખી છે. તેઓ કહે છેઃ ‘બાળક નાટકોમાં વ્યવસ્થિત રંગમંચ કે પ્રેક્ષકો કે કશાય( પ્રોપર્ટીઝ વગેરે)ની જરૂર નથી. જે બાળકો કશું જ પાત્ર ન લેતાં હોય તે બધાંને ઝાડ, સૈનિક વગેરે જે કંઈ વાર્તામાં આવતું હોય તે બનવા દેવાં. આ બધું ગોળાકારે બેસીને, ચોતરા ઉપર કે બાગમાં કરી શકાય. એમાં શિક્ષક કે વાલી કે મોટી ઉંમરની કોઈપણ વ્યક્તિનું કાર્ય વચ્ચે લાવ્યા વિના બાળકો દ્વારા જ બધું કરાવવું એવા વલણવાળું હોવું જોઈએ. બાળકો પોતાની સાહજિક શક્તિ વડે ખીલી નીકળશે અને કંઈક નવું જ સ્વરૂપ લઈ આવશે.’

બાળકોનો ઉછેર કરતી વખતે એમની સાથે બાલિશતાથી વ્યવહાર કરતાં પેરન્ટ્‌સનો તોટો નથી. પેરન્ટ્‌સે એમને બાળક તરીકે જોવાને બદલે બે દાયકા પછી આ બાળકો પોતાની સમકક્ષ વ્યક્તિ બની જવાનાં છે એવો વિચાર મનમાં રાખે તો એનો ફાયદો બાળકને ભવિષ્યમાં જેટલો થવાનો એના કરતાં અધિક માબાપને પોતાને થવાનો.

સાયલન્સ પ્લીઝ

મરતી વખતે આંખોમાં સપનાં નહીં પણ સાકાર થયેલાં સપનાંઓની સ્મૃતિઓ દિલમાં હોવી જોઈએ.

_અજ્ઞાત

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here