સફળતા અને મેગા સફળતા

તડકભડક: સૌરભ શાહ

(સંદેશ’, ’સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૯ ફેબ્રુઆરી ૨૦૨૦)

વાતની શરૂઆત એક પર્ટિક્યુલર કાર્યક્ષેત્રથી ભલે થતી હોય પણ એનાં તારણો જીવનનાં દરેક ફિલ્ડને લાગુ પડે છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અમિતાભ બચ્ચન જેવા મહાન અભિનેતાનો દીકરો ફિલ્મોમાં મામૂલી સફળતા મેળવે છે. આની સામે રાજકપૂરના પુત્ર રિશી કપૂરને જ નહીં, રિશી કપૂરના પુત્ર રણબીર કપૂરને પણ મેગા સફળતાઓ મળે છે. રાજ કપૂરના જ્યેષ્ઠ પુત્ર રણધીર કપૂરની દીકરીઓ કરિશ્મા અને કરીનાને પણ જબરજસ્ત સફળતા મળે છે. જ્યારે રાજ કપૂરના સૌથી નાના પુત્રને પિતાની મેગા હિટ ફિલ્મમાં લૉન્ચ કરવામાં આવ્યો હોવા છતાં એની કરિયર ડૂબી જાય છે.

સાથોસાથ ગોવિંદા જેવા કેટલાય અભિનેતાઓ લોઅર મિડલ ક્‌લાસના હોવા છતાં અને ફિલ્મોની દુનિયામાં કોઈ મોટી ઓળખાણો ન હોવા છતાં જબરજસ્ત સફળતા મેળવે છે. દાખલાઓ ઘણા આપી શકાય અને અપવાદો પણ ઘણા ગણાવી શકાય જેનાં તારણો કાઢીને એને જિંદગીના દરેક ક્ષેત્રને લાગુ પાડી શકીએ.એક વાત યાદ રાખીએ. અહીં આપણે જે પ્રકારની સફળતાની વાત કરીએ છીએ તે મેગા સફળતાની વાત છે. અને તે પણ એવી સફળતા જેને દુનિયા આખી સફળતા માનતી હોય. અર્થાત્‌ ઑબ્જેક્‌ટિવલી જોવાતી સફળતા, નહીં કે સબ્જેક્‌ટિવલી. એ બંને વચ્ચેનો તફાવત શું? કોઈ રિક્‌શાચાલકની દીકરી આઈ.એ.એસ. અફસર બને તે સરાહનીય છે પણ એને સબ્જેક્‌ટિવ સફળતા કહેવાય. કારણ કે દર વર્ષે સેંકડો આઈ.એ.એસ. અફસરો ભારતના હજારો આઈ.એ.એસ. અફસરોમાં ઉમેરાતા જ રહેતા હોય છે. આઈ.એ.એસ. થતી રિક્‌શાવાળાની દીકરી માટે એ સફળતાનું ઘણું મોટું મૂલ્ય છે. પણ આપણે મેગા સફળતાની વાત કરી રહ્યા છીએ. એક સ્કૂલ ટીચરનો દીકરો ધીરુભાઈ અંબાણી બને કે એક તદ્દન ગરીબ પરિવારનું બાળક સંસાર ત્યાગીને સંન્યાસી બને અને સ્વામી રામદેવનાં ગજાનાં કામ કરે એવી મેગા સફળતાઓની વાત કરીએ છીએ. જે યાદીમાં તમે નારાયણ મૂર્તિ, સ્ટીવ જૉબ્સ, માઈકલ જેક્‌સન, લતા મંગેશકર, સચિન તેન્ડુલકર, દાદા સાહેબ ફાળકે, નરેન્દ્ર મોદી, શાહરૂખખાનથી માંડીને ભૂતકાળમાં અમર થઈ ગયેલા સ્વામી વિવેકાનંદ, સરદાર પટેલ, ગાંધીજી, વીર સાવરકર કે જવાહરલાલ નેહરુનાં નામો મૂકી શકો એવી મેગા સફળતા પ્રાપ્ત કરનારાઓની વાત કરીએ છીએ.

આમાંના કેટલાકને ફૅમિલીનું બૅકિંગ હતું, કેટલાકને નહોતું. કેટલાકનું બાળપણ અભાવગ્રસ્ત હતું, કેટલાકને ત્યાં પાણી માગે ત્યાં દૂધ હાજર થતું. આમાંના કેટલાકને એમના જમાનાનો લાભ મળ્યો તો કેટલાકે અગેન્સ્ટ ઑલ ઑડ્‌સ ઝઝૂમીને ટકી રહેવું પડ્યું.

ત્રણ મુખ્ય તારણો કાઢી શકીએ.

સૌથી પહેલી વાત તો પ્રતિભા કે ટેલન્ટ. બીજી વાત સતત અને અવિરત મહેનત. ત્રીજી અને સૌથી મહત્વની વાતઃ કશુંક કરી છૂટવું છે એવી જીદ.

આ સૌથી અગત્યની વાત છે. આપણે માની લીધું છે કે સપનાં જોવાં જોઈએ, મોટાં મોટાં સપનાં જોવાં જોઈએ. પણ સપનાં જોવા માત્રથી વાત નથી બનતી. માત્ર સપનાંઓ જ જોતી રહેતી વ્યક્તિ શેખચલ્લી બની જાય, અચીવર ના બને. સપનાં જોયાં પછી એને સાકાર કરવાની જીદ હોવી જોઈએ. જીવનમાં જે કંઈ કરવું હોય, જે કંઈ બનવું હોય તે કરવાની કે બનવાની જીદ હોવી જોઈએ. બનવું એટલે પી.એમ. કે સુપરસ્ટાર બનવું એવું નહીં. પણ હું જે કામ કરીશ તે ક્ષેત્રમાં શ્રેષ્ઠતમ કામ કરનારો બનીશ એવી જીદ. આવી જીદ વર્ષો સુધી, દાયકાઓ સુધી રાખ્યા પછી પણ જો કોઈ રેક્‌ગ્નિશન કે ધારેલું વળતર ન મળે તો પણ એ જીદ નહીં છોડું એવી જીદ. જિંદગીમાં મારે કંઈક કરી બતાવવું છે, મારે કંઈક બનવું છે એવી જીદ વિના માણસને ક્યારેય મેગા સફળતા મળતી નથી. આ જીદ, આ ઝનૂન બહાર બધા જોઈ શકે કે નહીં તે મહત્વનું નથી. બધાને કહેતા ફરવાની કોઈ જરૂર નથી. મનમાં એ આગ હોવી જોઈએ જેમાંથી બનતી વરાળ તમારું ચાલકબળ બની શકે. એ ધગશ, એ ખંત, જિંદગીના દરેક શ્વાસમાં વણાઈ જાય અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી અકબંધ રહે. મેગા સફળતા મેળવનારાઓમાં આ એક ગુણ જરૂર હોવાનો – તમને દેખાય કે ન દેખાય – એમનામાં જરૂર હોવાનો.

બીજી વાત ટેલન્ટ કે પ્રતિભા. પથ્થરને ગમે એટલો પૉલિશ કરો તોય તેમાંથી હીરો નહીં બનાવી શકો, કાચા હીરાને જ પહેલ પાડીને, પૉલિશ કરીને કોહિનૂર બનાવી શકો એવું કહેવાયું છે અને સાવ સાચું કહેવાયું છે. તમારામાં ટેલન્ટના નામે મીંડું હશે તો તમારો બાપ રાજ કપૂર હશે અને તમારા માટે ‘રામ તેરી ગંગા મૈલી’ બનાવશે તોય તમે ડૂબી જશો. ટેલન્ટ કાં તો હોય, કાં ન હોય. પૂર્ણ વિરામ. જો તમારામાં જરા સરખી પણ ટેલન્ટ ન હોય તો તમારે સ્વીકારી લેવાનું કે મેગા સફળતા તમારા માટે નથી. જો સ્હેજ પણ ટેલન્ટ હોય તો તમે એને નિખારી શકો, અનુભવના ચાકડે એને ઘડી શકો, એની ધાર કાઢી શકો. ટેલન્ટ, પ્રતિભા, આવડત – આ બધું જો એક કરતાં વધારે ક્ષેત્રોમાં હોય તો બહેતર. ધંધો કરવાની વિચક્ષણતાની સાથોસાથ માણસોને પારખવાની અને એમને સાચવવાની આવડત હોય તો દેશના સર્વોચ્ચ ઉદ્યોગપતિ બની શકો.
મહેનત. આ બે પ્રકારની હોય. તમે જે ક્ષેત્રમાં ટોચ પર પહોંચવા માગો છો એ ક્ષેત્રમાં દિવસરાત કામ કરતાં રહેવાની મહેનત. હતાશા કે ઉદાસીના ગાળાઓમાં પણ મહેનત પડતી ન મૂકાય એવી સમજ. થાકી ગયા પછી પણ કામ ચાલુ રાખવાની દાનત.

અને બીજા પ્રકારની મહેનત તમારી આસપાસ તમારા કાર્યને સુરક્ષિત બનાવે, આગળ ધપાવે ઑપ આપે એવી વ્યવસ્થાઓ બનાવવાની મહેનત. તમામ ઝંઝાવાતો પછી પણ તમારો દીવો ઓલવાઈ ન જાય એવી સિસ્ટમો ઊભી કરવાની મહેનત. મેગા સફળતા પ્રાપ્ત કરનારાઓ આ બેઉ પ્રકારની મહેનત કરતા હોય છે.

સફળતા નહીં, મેગા સફળતા મેળવવાની કામના હોય તો આ ત્રણ વાતઃ હન્ડ્રેડ પર્સેન્ટ જીદ, શત પ્રતિશત મહેનત અને પાયામાં ટેલન્ટ. જો આટલું ન હોય તો મેગા સફળતા મેળવવાની વાત ભૂલી જવાની. અને જો તમને જાત સાથે પૂરી પ્રામાણિકતા રાખીને ખાતરી થતી હોય કે આ ત્રણેય તમારામાં છે તો વેલકમ, નારાયણ મૂર્તિ અને લતા મંગેશકરવાળી યાદીમાં તમારું નામ પણ વહેલુંમોડું ઉમેરાઈ જવાનું છે.

પાન બનાર્સવાલા

તમે જે કલ્પનાઓ કરી શકો છો એ બધી વાસ્તવિકતાઓ છે.

_પાબ્લો પિકાસો

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here