ગુજરાતીની વાત અંગ્રેજી દ્વારા જ દુનિયાભરમાં પહોંચવાની છે: સૌરભ શાહ

( લાઉડમાઉથ : બુધવાર, 14 ઑક્ટોબર 2020)

ગાંધીજીની જે બુક ભારતના વડા પ્રધાને અમેરિકાના પ્રેસિડેન્ટને ગિફ્ટ આપી હતી એ મૂળ ગુજરાતીમાં લખાઈ હતી અને ધારાવાહિક સ્વરૂપે પ્રગટ થઈ હતી. મહાદેવભાઈ દેસાઈએ એનું અંગ્રેજી ટ્રાન્સલેશન ન કર્યું હોત તો એ પુસ્તક વ્હાઈટ હાઉસ સુધી ન પહોંચ્યું હોત.

વાત અનુવાદની કરવાની છે. સલમાન રશદીની એક વાત યાદ આવે છે. ‘ન્યૂ યૉર્કર’ મૅગેઝિનના ભારતીય સાહિત્ય વિશેષાંકમાં રશદીએ પોતાના લેખમાં જે વિધાન કર્યું હતું એ બદલ આખું ગામ એમના પર તૂટી પડ્યું હતું અને વાજબી રીતે પડ્યું હતું. સલમાન રશદીએ એવો મત પ્રગટ કર્યો હતો કે ભારતમાં ભારતીય ભાષાઓમાં સર્જાતું સાહિત્ય કંઈ ખાસ ગુણવત્તાભર્યું નથી, ભારતમાં અંગ્રેજી ભાષામાં લખતા લેખકો જ સ્તરીય સર્જન કરે છે.

અરે! રશદીએ શું વાંચ્યું બંગાળીમાં? તમિળ, મરાઠી અને ગુજરાતીમાં? આ અને આવી દરેક ભારતીય ભાષાઓમાં જાણીતી અને માનીતી થયેલી દસ-દસ સાહિત્યકૃતિઓનો રશદીએ અભ્યાસ કર્યો ખરો? કર્યા પછી જો આવો અભિપ્રાય આપ્યો હોત તો જાય્ઝ હોત – આપણે એ સ્વીકારીએ, ન સ્વીકારીએ તે અલગ વાત હોત. પણ રશદીને અભિપ્રાય આપવાનો હક્ક બનતો હોત જો એમણે દસ-દસ કૃતિઓ દરેક ભારતીય ભાષાઓની વાંચી હોત તો. ન વાંચી હોય તો આવા અળવીતરા અભિપ્રાય આપવાથી દૂર રહેવું જોઈએ. બંગાળી, મરાઠી, તમિળ વગેરે ભાષાઓની ઉત્તમ કૃતિઓના અનુવાદ ખાનગી ગુજરાતી પ્રકાશન સંસ્થાઓ દ્વારા તેમ જ દિલ્હીની સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતીમાં ઉપલબ્ધ છે.

સલમાન રશદીનો વાંક મોટો, ઘણો મોટો. પણ આટલું કહીને આપણે આપણી જવાબદારીમાંથી છટકી શકીએ નહીં. ખરેખર તો એ જવાબદારી અદા કર્યા વગર એમની સામે આંગળી ચીંધવાનો કોઈ હક્ક નથી આપણને. રશદીએ એ લેખ લખતાં પહેલાં તમારી પાસે ગુજરાતી સાહિત્યની કેટલીક ઉત્તમ કૃતિઓના અંગ્રેજી અનુવાદો વાંચવા માગ્યા હોત તો તમે આપી શક્યા હોત એમને? કેટલા આપી શક્યા હોત? કયા કયા આપી શક્યા હોત? એ થોડાક ડઝન ગુજરાતી કૃતિઓના અંગ્રેજી અનુવાદોમાં શ્રેષ્ઠ ગુજરાતી સાહિત્યનો સમાવેશ થઈ જાય છે એવું સર્ટિફિકેટ કોણ આપી શકે?

ગાંધીજીની ગુજરાતીમાં લખાયેલી આત્મકથાનો તેમ જ એમણે કરેલા ગીતાના અનુવાદનો અંગ્રેજી અનુવાદ વર્ષોથી ઉપલબ્ધ છે. અનુવાદ સારો છે અને દુનિયાભરમાં એ વેચાય છે, વંચાય છે. મહાદેવભાઈ દેસાઈને કારણે ગુજરાતી સાહિત્યની સર્વોત્તમ કૃતિઓમાંની એક એવી ‘સત્યના પ્રયોગો’ દુનિયાભરમાં પહોંચી જેનું એકમાત્ર કારણ ગાંધીજીની વિરાટ પ્રતિભા જ નથી, કોઈકે (અહીં મ. દે.એ) એ આત્મકથાનો અંગ્રેજી અનુવાદ કરવાનું કામ માથે લીધું તે ઘટના પણ મહત્ત્વની છે.

તમારે રશદીને નર્મદની ‘મારી હકીકત’ વાંચવા આપવી હોત તો તમે કેવી રીતે આપી શકો? તમારે ‘કાન્ત’નો ‘પૂર્વાલાપ’ અને સુરેશ જોષીની ‘જનાન્તિકે’ અને રમેશ પારેખનો ‘છ અક્ષરનું નામ’ રશદી પાસે વંચાવવું છે, તમે શું કરશો? તમે હેલ્પલેસ છો, કારણ કે આપ-લેની સૌથી પ્રચલિત ભાષા એવી અંગ્રેજીમાં આમાંનું કશું ઉપલબ્ધ નથી. અંગ્રેજી જવા દો, હિન્દીમાં પણ નથી.

અંગ્રેજીમાં અનુવાદ કરવાથી મૂળ ગુજરાતી ભાષાનું સૌંદર્ય ખોવાઈ જાય છે એવી દલીલ નહીં કરતા, કારણ કે એવું તો બનવાનું જ. સુરેશ દલાલે કહ્યું હતું કે અનુવાદ એટલે અત્તરને એક બાટલીમાંથી બીજી બાટલીમાં ભરવાની ક્રિયા —એમાં થોડીક સુગંધનો લોપ તો થવાનો. ( કેટલાક અનુવાદક આ મૌલિક વાક્યને પોતાના નામે ચડાવી દે છે).

તમે કેટલી બધી વિદેશી ભાષાઓનું સાહિત્ય વાંચતા હો છો. જર્મન, ફ્રેન્ચ, રશિયન, યિદ્દિશ અને જપાનીઝથી માંડીને બીજી અનેક. શેમાં વાંચ્યું? અંગ્રેજીમાં. મઝા આવી? ખૂબ આવી મઝા – ડૉ. ઝિવાગો વાંચવાની, કાફ્કા-કામુ અને આઈઝેક બાશેવિસ સિંગરને વાંચવાની અને ઍન ફ્રેન્ક – હર્મન હેસ – પાબ્લો નેરૂદા અને તોલ્સ્તોયથી માંડીને જૂલે વર્ન સુધીના સાહિત્યકારોને વાંચવાની.

ઓરિજિનલમાં એ કૃતિ વાંચવાની મઝા ઔર જ હોત, કબૂલ. પણ જે ભાષામાં એ કૃતિ સર્જાઈ તે તમને નથી આવડતી તો શું કરશો? ઉત્તમ જગત સાહિત્યથી વંચિત રહેવાનું પસંદ કરશો કે પછી એના જે અને જેવા અંગ્રેજી અનુવાદો પ્રાપ્ય છે એમાં ડૂબકીઓ લગાવીને થવાય એટલા તરબતર થવાનો વિકલ્પ સ્વીકારશો?

તળપદા ગુજરાતી શબ્દોની અભિવ્યક્તિ અંગ્રેજીમાં થાય ત્યારે મૂળનું સૌંદર્ય ઓછું જરૂર થાય, પૂરેપૂરું નષ્ટ ન થાય અને અનુવાદક જો સજાગ હોય તો ઓછા તથા સૌંદર્યના ઘટાડાને બીજી રીતે ભરપાઈ કરી શકે.

જુઓ, એક વાત છે. અભિવ્યક્તિનું સ્વરૂપ કે એનું માધ્યમ બદલાય ત્યારે એમાંની તીવ્રતાની વધઘટ થવાની જ. એક કવિ પોતાની કલ્પનામાં જે કંઈ અનુભૂતિ કરે છે તેને કાગળ પર ઊતાર્યા પછી ભાવક ભલે વાહ વાહ કહેતો રહે, પણ કવિને ક્યાંક જો ખટકો રહી જાય કે હજુય મારે જે કહેવું હતું તે પૂરેપૂરું – અકબંધ રીતે હું નથી કહી શક્યો તો એ એનો ખટકો વાજબી હોવાનો, તમારે સ્વીકારી લેવાનો. સર્જકની પોતાની કલ્પના એનું સર્જન બને છે ત્યારે અભિવ્યક્તિનું સ્વરૂપ બદલાય છે. એ સર્જન, ધારો કે નવલકથા, ફિલ્મરૂપે કે નાટ્યરૂપે ભાવિકો સુધી પહોંચે છે ત્યારે ફરી એક વાર એનું સ્વરૂપ બદલાય છે અને આ વખતે તો માધ્યમ પણ બદલાય છે. એ જ રીતે એક ભાષામાંથી બીજી ભાષામાં કોઈ પણ કૃતિ થાય છે ત્યારે એ હન્ડ્રેડ પર્સેન્ટ મૂળના જેવી જ બની રહે એવી આશા રાખવી જ ફોગટ. પચાસ-સાઠ-સિત્તેર-પંચાણું-નવ્વાણું ટકા, તમે તમારો શ્રેષ્ઠ પ્રયત્ન કરી શકો, અનુદિત કૃતિ માટે. અનુવાદ માટે બેઉ ભાષાઓ પર પ્રભુત્વ આવકાર્ય પણ અનિવાર્ય નહીં. સૌથી પહેલી શરત એ કે જે ભાષામાં અનુવાદ થઈ રહ્યો છે તે ભાષા પર અનુવાદકનું પ્રભુત્વ હોવું જ જોઈએ, એની માસ્ટરી હોવી જ જોઈએ. એ જ્યારે અનુવાદ કરતો હોય ત્યારે જાણે એ માદરી ઝુબાનમાં મૌલિક લખાણ લખી રહ્યો હોય, માતૃભાષામાં નવસર્જન કરી રહ્યો હોય એટલો આત્મવિશ્વાસ એનામાં હોવો જોઈએ. તો જ એ અનુવાદકાર્ય માટે આદર્શ વ્યક્તિ ગણાય. જે ભાષામાંથી અનુવાદ કરવાનો છે તે ભાષા એણે માત્ર વાંચવાની જ છે, સમજવાની જ છે, એ લખતાં ન આવડે કે લેખનની સડસડાટ અભિવ્યક્તિ એ ભાષામાં ન આવડે તો અનુવાદક માટે એ ક્ષમ્ય છે, બિલકુલ ક્ષમ્ય છે. અનુવાદ થઈ રહેલી કૃતિની મૂળ ભાષાની ઊંડી જાણકારી જરૂર જોઈએ પણ એ ભાષા પરનું પ્રભુત્વ જરૂરી નથી. હું શું કહેવા માગું છું તે પહોંચે તે તમારા સુધી? ઉમાશંકર જોશી કે નિરંજન ભગત અંગ્રેજી ભાષાના કે ફ્રેન્ચ ભાષાના ગમે એટલા મોટા જાણકાર હોય તોય ગુજરાતી છોડીને અંગ્રેજીમાં કે ફ્રેન્ચમાં ઓરિજિનલ કાવ્યો લખવા જાય તો એમનો કોઈ ગજ ના વાગે. પણ આને કારણે એ બંને મારી ભાષાના તેમ જ ભારતના મહાકવિ મટી જતા નથી. પન્નાલાલ પટેલને પીક્યુઆર પહેલાં આવે કે એલેમેનો એની કશી જ ગતાગમ ન હોત તોય તેઓ વિશ્વના એક વિરાટ નવલકથાકાર ગણાયા જ હોત. અંગ્રેજી જેમના માટે માતૃભાષા જેવી જ અને અંગ્રેજીમાં જેની અભિવ્યક્તિ મૌલિક સર્જનની કક્ષાએ પહોંચી શકે છે એવી કોઈ વ્યક્તિ પન્નાલાલ, બક્ષી, મધુ રાય કે વીનેશ અંતાણીની કૃતિઓનો અંગ્રેજી અનુવાદ કરવા માગે ત્યારે એમની પાસે ગુજરાતીનું ઊંડું જ્ઞાન જરૂરી પણ પ્રભુત્વ નહીં હોય તો ચાલશે, કારણ કે કોઈ વાકય કે ઘટનાના તળપદા અર્થો સમજવા માટે એ મારાતમારા જેવા બીજા પચીસની મદદ લઈ શકે.

ગુજરાતીમાં અનુવાદનું આ કામ હજુ એ કક્ષાએ થયું નથી. ગુજરાતીમાંથી અન્ય ભારતીય ભાષાઓમાં થતા અનુવાદોની તથા અન્ય ભારતીય ભાષાઓમાંથી ગુજરાતીમાં થતા અનુવાદોની ચર્ચા આખો જુદો જ વિષય છે. અંગ્રેજીમાંથી થતા ગુજરાતી અનુવાદો વળી પાછો ત્રીજો જ વિષય છે. અહીં એ ચર્ચા પ્રસ્તુત નથી. અહીં આપણને નિસબત છે ગુજરાતીની ઉત્તમ સાહિત્યકૃતિઓના અંગ્રેજી અનુવાદની સાથે જેથી આ સાહિત્ય ગુજરાતની બહાર પહોંચે, ભારતની બહાર પહોંચે, સતત પહોંચતું જ રહે અને પછી કોઈ સલમાન રશદીનો કાકો તમને આવીને કહી ન જાય કે તમારી ભાષાનું સાહિત્ય બકવાસ છે.

સાયલન્સ પ્લીઝ !

જ્યારે તમને ભય લાગે ત્યારે એનાથી તદ્દન ઊંધું જ વર્તન કરવાનું.

-ઓશો

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

1 COMMENT

  1. સૌરભ ભાઈ
    તમે લખ્યું મહાદેવભાઈ દેસાઈ એ ગાંધીજી ની આત્મકથા અનુવાદ કરવાનું માથે લીધું એ એક મોટી ઘટના છે
    સવિસ્તર લખશો તો નવું જાણવાનું મળશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here