ભૂલો કરવાની, સુધારી લેવાની

લાઉડમાઉથ : સૌરભ શાહ

(‘સંદેશ’, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૧૩ નવેમ્બર ૨૦૧૯)

દૂધથી દાઝી ગયા પછી છાશ પણ ફૂંકી ફૂંકીને પીવાની એવું આપણને શીખવાડવામાં આવ્યું છે. આપણી એક ભૂલ થાય અને આજુબાજુના આપણા કુટુંબીઓ-મિત્રો-સંબંધીઓ-પરિચિતો અને ઈવન અજાણ્યાઓને ખબર પડે કે એ લોકો આપણા પર તૂટી પડવા તૈયાર જ હોય છે. અભ્યાસને લગતી, કારકિર્દીને લગતી, જુવાનીના જોશને લગતી, અંગત વ્યવહારોને લગતી, સંબંધોને લગતી, પૈસાને લગતી કે પછી એવી કોઈ પણ ભૂલ આપણે કરીએ કે તરત આ લોકો આપણને પીંખી નાખે. જાણે આવી કોઈપણ ભૂલ એમણે પોતે ક્યારેય કરી જ ન હોય. પછી આપણને ખબર પડે કે આ બધા લોકોએ જીવનમાં કોઈને કોઈ ભૂલ તો કરી જ હોય છે પણ એ ભૂલ બહાર નથી આવી હોતી, આપણા સુધી પહોંચી નથી હોતી. કારણ કે પોતાની ભૂલો છુપાવવામાં, આપણા સુધી ન પહોંચવા દેવામાં તેઓ સફળ થયા હોય છે. આપણે ભૂલ છુપાવવામાં સફળ ન થયા એટલે એમના સુધી પહોંચી ગઈ અને એમને આપણા વિશે જેમતેમ બોલવાની તક મળી ગઈ જે એમણે ઝડપી લીધી. આપણે ભૂલ છુપાવવામાં સફળ ન થયા એના કરતાં વધુ યોગ્ય એ કહેવું લેખાશે કે આપણે ભૂલ છુપાવવાની દરકાર જ નહોતી કરી. શું કામ? પહેલી વાત તો એ કે એને ભૂલ કહેવાય એવું આપણને લાગ્યું જ નહોતું. આપણને એમ કે આ તો બધું નૉર્મલ કહેવાય અને બધાની જિંદગીમાં આવા અપ્સ અને ડાઉન્સ આવ્યા કરે. આપણે સાચા જ હતા પણ બીજાઓના રિએક્‌શનને કારણે આપણે આપણને ખોટા માનવા લાગ્યા. બીજી વાત એ કે ભૂલને છુપાવવી જોઈએ એવો કોઈ વિચાર જ નહોતો આવ્યો. જે થઈ ગયું તે થઈ ગયું. એના પરિણામને છુપાવવાનું શું કામ? શા માટે આ વિશે જુઠ્ઠી માહિતી ફેલાવીને લોકોને છેતરવા જોઈએ. આપણે નિર્દોષ હતા, આપણા મનમાં કંઈ પાપ નહોતું એટલે આપણે કશું છુપાવ્યું નહીં.

પણ હવે ખ્યાલ આવ્યો કે ભૂલો જાહેર થઈ જાય છે ત્યારે એનું પરિણામ શું આવે છે. એટલે હવે આપણે પણ ભૂલો છુપાવતા થઈ ગયા છીએ. હવે આપણા વિશે કોઈ એલફેલ બોલતું નથી કારણ કે આપણી ભૂલો વિશે આપણને જ ખબર છે, એમના સુધી એ વાત પહોંચતી જ નથી.

આનું પરિણામ શું આવ્યું? એ ભૂલો વિશે મંથન કરીને એને સુધારવાની, એમાંથી પાઠ લેવાની તક આપણે ગુમાવી દીધી. કારણ કે એ ભૂલો તરફ કોઈએ આંગળી ચીંધી નહીં. આપણે મનોમન સ્વીકારી લીધું કે હા, એ મારી ભૂલ હતી અને પછી ભૂલી ગયા એ બનાવ વિશે કે એ હકીકત વિશે. થોડા જ સમયમાં આખી વાત ભૂંસાઈ ગઈ આપણા મનમાંથી. ભૂલમાંથી, નવા અનુભવમાંથી જે કંઈ શીખવાનું હોય તે શીખવાની તક રોળી નાખી. આપણાથી ભૂલ થાય ત્યારે એનો ઢંઢેરો પીટવાની બિલકુલ જરૂર નથી. લોકોને જઈ જઈને એના વિશે કહીને આપણી આબરૂના ધજાગરા ઉડાડવાની પણ જરૂર નથી. પણ એ ભૂલ વિશે જુઠ્ઠાણાં ફેલાવવાની પણ જરૂર નથી કારણ કે વખત જતાં એ જુઠ્ઠાણું એટલી બધી વાર મનમાં કે બીજાઓ આગળ બોલાઈ ચૂક્યું હશે કે આપણે પોતે હકીકતની ભેળસેળ કરીને આપણા જુટ્ઠાણાને સાચું માનતા થઈ જઈશું.

આવું થાય છે ત્યારે એ ભૂલ વિશેની, એ કિસ્સા વિશેની હકીકત આપણે વિસરી જઈએ છીએ, એમાંથી શીખવાની તક ગુમાવી દઈએ છીએ. દાખલા તરીકે ગુસ્સામાં, આવેશમાં કે એવી કોઈ કાચી પળમાં તમે કોઈને ન કહેવાનું કહી દેવાની ભૂલ કરી અને તમારે મોટું નુકસાન વેઠવું પડ્યું હોય ત્યારે તમારી એ ભૂલને કબૂલ કરવાને બદલે તમે બીજાનો વાંક કાઢતા થઈ જાઓ, સંજોગોનો વાંક કાઢતા થઈ જાઓ. જો તમે આ ભૂલ વિશે ભ્રામક માહિતી ન ફેલાવી હોત તો તમારા મનમાં એક વાત બરાબર ચોંટી ગઈ હોત કે આવું શું કામ થયું, તમારા ગુસ્સાને કારણે થયું. પણ બીજાનો વાંક કાઢીને તમારા ગુસ્સાને કાબૂમાં રાખવો જોઈએ એવો પાઠ શીખવાની તક ગુમાવી દીધી.

ભૂલો ખુલ્લા દિલે સ્વીકારવામાં આવે, એના વિશેની માહિતીની વિગતો નિર્ભેળપણે સ્વીકારવામાં આવે ત્યારે એમાંથી જે શીખવાનું છે તે શીખવા મળે. અન્યથા આવો દુર્લભ અનુભવ વેડફાઈ જાય.

ભૂલ સ્વીકારવા માટે હિંમત જોઈએ. આ હિંમત જ આપણને બીજાઓ કરતાં મુઠ્ઠી ઊંચેરા બનાવશે અને મહેનત જ આપણને નવી નવી ભૂલો કરીને એમાંથી નવું નવું શીખવાની પ્રેરણા આપશે. ભૂલો થતી રહે છે, બધાથી થતી રહે છે. જેઓ ભૂલો છુપાવતા ફરે છે તેઓ એ ભૂલોને સુધારવાની તક રોળી નાખતા હોય છે. ભૂલ થાય અને એ સુધરે ત્યારે આપણે જિંદગીમાં એક ડગલું આગળ વધતાં હોઈએ છીએ. જબરજસ્ત સફળતાનો માર્ગ બહુ લાંબો હોય છે. અને એ માર્ગ આ રીતે એક-એક ડગલું ભરીને કપાતો હોય છે. ભૂલો કરતાં રહીએ, એને સુધારતાં રહીએ અને આગળ વધતાં રહીએ. ભૂલ કર્યા પછી નાહિંમત થઈને ન અટકી જઈએ, ન એ ભૂલ વિશે ભ્રમણા ફેલાવીને એને છાવરવાની કોશિશ કરીએ.

જિંદગી કેવી રીતે જીવવાની એના પાઠ ભણાવવા ભગવાને આપણા માટે કોઈ ટેક્‌સ્ટ બુક તૈયાર નથી કરી. પુસ્તકિયા જ્ઞાનને બદલે ભગવાનને પ્રેક્‌ટિકલમાં વધારે રસ છે એટલે જ એ આપણી પાસે ભૂલો કરાવતો રહે છે જેથી એ ભૂલોને સુધારી સુધારીને આપણે પ્રગતિ કરતાં રહીએ.

સાયલન્સ પ્લીઝ

જેણે જિંદગીમાં એક પણ ભૂલ કરી નથી એણે ક્યારેય કશુંક નવું કરવાની હિંમત કરી નથી.

_આલ્બર્ટ આઈન્સ્ટાઈન

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here