વોઇસ ઑફ ઇન્ડિયાનાં રિસર્ચસભર પુસ્તકો ખરા અર્થમાં રામ જન્મભૂમિ માટે ભારતનો અવાજ બન્યાં

ગુડ મૉર્નિંગ : સૌરભ શાહ

(ન્યુઝપ્રેમી.કૉમ, બુધવાર, ૧૩ નવેમ્બર ૨૦૧૯)

(અયોધ્યા ચુકાદો શ્રેણી : ભાગ બીજો)

સુપ્રીમ કોર્ટે અયોધ્યાનો ચુકાદો આપ્યો એના દાયકાઓ પહેલાં આવો ચુકાદો આવે એ માટેનું વાતાવરણ તૈયાર કરવામાં અનેક વ્યક્તિઓએ અને એક કરતાં વધુ રાજકીય પક્ષો તેમજ બિનરાજકીય સંગઠનોએ ભાગ ભજવ્યો છે. આ ચુકાદા માટેનું વાતાવરણ કંઈ રાતોરાત નથી સર્જાયું. આ ચુકાદો આવે એવી આશા રાખીને અનેક આંદોલનો થયાં, ઝુંબેશો ચાલી અને ૯મી નવેમ્બર ૨૦૧૯ના રોજ એનું ફળ પ્રાપ્ત થયું. આ સિરીઝમાં આ તમામ પરિબળો વિશે એક ઝલક આપવી છે, એક વિશાળ ગ્રંથ લખી શકાય (અને ભવિષ્યમાં કોઈને કોઈ તો લખશે જ) એવી સામગ્રીને દસ હપ્તાના નટશેલમાં મૂકીને રજુ કરવી છે. મેં મારા સંશોધન મુજબ અને મારી સમજ તથા બુદ્ધિની મર્યાદા મુજબ આવી દસ વ્યક્તિ/સંગઠનોની તારવણી કરી છે. અન્ય સંશોધકોની યાદી મારા કરતાં જુદી હોઈ શકે, સિરીઝમાં મેં જે વ્યક્તિઓ/સંગઠનોના નામોનો ઉલ્લેખ કર્યો હોય એના કરતાં બીજાં નામો એમના વિશ્લેષણમાં હોઈ શકે, મારા કરતાં એમનો નઝરિયો જુદો કે વિશાળ પણ હોઈ શકે. હું જે કંઈ કહું છું તે હું કહું છું, મારી બુદ્ધિ મુજબ કહું છું એટલે આખી વાત સબ્જેક્‌ટિવ જ રહેવાની. દસ મુદ્દાની વાત શરૂ કરીએ.

૧. મારી દૃષ્ટિએ રામ જન્મભૂમિ આંદોલનને બે ભાગમાં વહેંચી શકીએ – જન આંદોલન તથા બૌદ્ધિક સ્તરે શરૂ થયેલું આંદોલન. બેઉ પૂરક છે. જન આંદોલનની વાત આગળ વધીએ પછી કરીશું. અત્યારે બૌદ્ધિક આંદોલનની વાત કરીએ. મારી દૃષ્ટિએ રામ જન્મભૂમિ વિશે બૌદ્ધિક વિશ્વમાં જાગૃતિ લાવવાનું સૌથી મોટું કામ એક બેલડીએ કર્યું – રામ સ્વરૂપ અગ્રવાલ (૧૯૨૦–૧૯૯૮) અને સીતા રામ ગોયલ (૧૯૨૧–૨૦૦૩). ૧૯૮૧માં રામ સ્વરૂપજીએ ‘વોઇસ ઑફ ઇન્ડિયા’ નામની પ્રકાશન સંસ્થા શરૂ કરી. સીતા રામ ગોયલે ૧૯૬૩માં ઑલરેડી પોતાની પ્રકાશન સંસ્થા શરૂ કરી હતી જે પાછળથી આદિત્ય પ્રકાશન નામે ઓળખાઈ. સીતા રામ ગોયલ ‘વોઇસ ઑફ ઇન્ડિયા’માં જોડાઈ ગયા. ૧૯૮૧–૮૨ પછીના બે દાયકા દરમ્યાન બંને મિત્રોએ ‘વોઇસ ઑફ ઇન્ડિયા’ના નેજા હેઠળ અનેક પુસ્તકો પ્રગટ કર્યાં જેને કારણે ભારતના જ નહીં વિદેશમાં વસતા સ્કોલરો તથા રિસર્ચર્સને ભારતીય પરંપરા વિશેની સાચી માહિતી મળતી થઈ, ભારતીય ઈતિહાસનું સાચું અર્થઘટન કરવાની તકો ખૂલી. બાબરી મસ્જિદ તથા રામ જન્મભૂમિના વિવાદ વિશે ‘વોઇસ ઑફ ઇન્ડિયા’એ પ્રકાશન ક્ષેત્રે પાયાનું કામ કર્યું. સામ્યવાદી ઈતિહાસકારોની પોલ ખુલ્લી પાડવામાં પણ સીતા રામ ગોયલ તથા રામ સ્વરૂપ પાયોનિયર કહેવાય. મઝાની વાત એ છે કે પચ્ચીસેક વર્ષની ઉંમર સુધી બેઉ મિત્રો કમ્યુનિસ્ટ હતા પણ ગધા પચીસી પૂરી થતાં જ એમની આંખો ઊઘડી અને લાલ રંગ છોડીને તેઓ રાષ્ટ્રવાદના ભગવા રંગે રંગાયા.

‘વૉઈસ ઑફ ઈન્ડિયા’ની સ્થાપના ભલે ૧૯૮૧માં થઈ પરંતુ બેઉ મિત્રો લેખન-પ્રકાશન દ્વારા હિન્દુ વિચારધારાના પ્રચાર-પ્રસારના કાર્યમાં ૧૯૪૦ના દાયકાના અંતથી જ પૂરેપૂરા ખૂંપી ગયા હતા.

‘વોઇસ ઑફ ઇન્ડિયા’ દ્વારા પ્રગટ થયેલાં પુસ્તકો મારા જેવા અનેક પત્રકારો-લેખકો માટે હિન્દુ વિચારધારાની ગંગોત્રી સમાન છે. સીતા રામ ગોયલ લિખિત ‘હિન્દુ ટેમ્પલ્સ: વૉટ હૅપન્ડ ટુ ધેમ’ કે પછી કોનરાડ એલ્સ્ટ લિખિત ‘અયોધ્યા ઍન્ડ આફ્‌ટર’ કે પછી જય દુબાશી લિખિત ‘ધ રોડ ટુ અયોધ્યા’ સહિતનાં ડઝનબંધ પુસ્તકો દરેક રાષ્ટ્રવાદી પત્રકારે ખરીદીને વસાવી લેવાં જોઈએ. ઇસ્લામ કે ઈસાઈયન કે પછી ભારતીય ઈતિહાસમાં સામ્યવાદીઓએ ફેલાવેલા ગપગોળાં વિશેનાં પણ પુસ્તકો ‘વોઇસ ઑફ ઇન્ડિયા’એ પ્રગટ કર્યાં છે. મારી લાયબ્રેરીમાં એક આખો વિભાગ ભારતના ઈતિહાસને લગતા ગ્રંથોનો છે જેમાં હિન્દુ ધર્મ વિશે, ઇસ્લામ વિશે, ઈસાઈયત વિશે તેમ જ સિક્‌ખ-જૈન-બૌધ્ધ ધર્મો વિશેના અનેક ગ્રંથોની અભરાઈઓ છે. આ સૌમાં એક આખો સેક્‌શન ‘વોઇસ ઑફ ઇન્ડિયા’એ પ્રગટ કરેલાં પુસ્તકોનો છે. મારી હિન્દુવાદી સમજને પ્રગટાવવામાં, સંકોરવામાં તેમ જ એને ઉજ્જવળ બનાવવામાં રામ સ્વરૂપજી અને સીતા રામ ગોયલ દ્વારા પ્રકાશિત પુસ્તકોનો પાયાનો ફાળો છે. આ પુસ્તકોનું એક્‌સપોઝર મને ગુજરાતી ભાષાના પ્રથમ પંક્તિના સિનિયર પત્રકાર અને રાજકીય વિશ્લેષક વીરેન્દ્ર પારેખે આપ્યું. પારેખ મૂળ તો અંગ્રેજી ભાષામાં કામ કરતા. ‘ઇન્ડિયન એક્‌સપ્રેસ’ સહિત બીજાં અગ્રણી અંગ્રેજી પ્રકાશનોના આર્થિક બાબતોના વિભાગમાં ઉચ્ચ હોદ્દાઓ પર એમણે કામ કર્યું અને હસમુખ ગાંધીથી આકર્ષાઈને ‘સમકાલીન’માં જોડાયા અને ગુજરાતી પત્રકારત્વને સમૃદ્ધ કર્યું. સીતા રામ ગોયલ તથા રામ સ્વરૂપજી— બંને સાથે પારેખસાહેબની પર્સનલ જાન પહેચાન.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જમાના પહેલાંનો સમય ભારતીય મીડિયા માટે કેવો હતો એની તમારામાંથી ઘણા-ખરાને જાણ હશે. અમે સૌ તો એ કાળમાંથી પસાર થયા છીએ, તપાયા છીએ, દાઝ્યા છીએ, છૂંદાયા છીએ, લોહીલુહાણ થયા છીએ, મૂર્છિત થયા છીએ. સેક્યુલરિઝમની બોલબાલા હતી અને હિન્દુત્વ શબ્દને કમ્યુનિસ્ટ મિડિયાએ એક ગાળ જેવો બનાવી દીધો હતો એ વર્ષોમાં ‘વોઇસ ઑફ ઇન્ડિયા’નાં પુસ્તકોએ અમારા માટે સંજીવનીનું કામ કર્યું છે. એ પુસ્તકોને સૂંઘી સૂંઘીને અમે લક્ષ્મણજીની જેમ ફરી પાછા બેઠા થઈને રામજીની પડખે રહી કૉન્ગ્રેસી-સામ્યવાદી-સેક્યુલરવાદી વગેરે દસ માથાં ધરાવતા રાવણો પર તીર ચલાવતા થઈ જતા.

આજે નથી રામ સ્વરૂપજી હયાત કે નથી સીતા રામ ગોયલ. પણ ‘વોઇસ ઑફ ઇન્ડિયા’ને હજુય એમના વારસદારોએ હેમખેમ રાખી છે એ આપણું સદ્‌નસીબ છે. ભારતના ઇન્ટેલેક્‌ચ્યુઅલ્સમાં હિન્દુત્વનું બીજ રોપીને એને ઘટાદાર વૃક્ષ બનાવવામાં ‘વોઇસ ઑફ ઇન્ડિયા’ની પ્રકાશન પ્રવૃત્તિએ જે ફાળો આપ્યો છે તે બેમિસાલ છે અને એટલે જ આ બેઉ સદ્‌ગત મહાનુભાવો વિશે થોડો વધુ પરિચય આપીને, એમણે પ્રગટ કરેલાં પુસ્તકો વિશે થોડો ઊંડાણથી ખ્યાલ આપીને આ શ્રેણીના શ્રીગણેશ કરીશું. આવતી કાલે રામ સ્વરૂપજી અને સીતા રામ ગોયલની જિંદગીની સ્ટ્રગલ્સ વિશે તેમ જ પુસ્તક પ્રકાશનની દુનિયામાં એમણે દાખવેલી હિંમત તથા દીર્ઘદૃષ્ટિ વિશે વાત કરીને ‘વોઇસ ઑફ ઇન્ડિયા’એ પ્રગટ કરેલાં ડઝનબંધ નમૂનેદાર પ્રકાશનોમાંના કેટલાક પાણીદાર મોતી જેવાં પુસ્તકો વિશે વાત કરીશું.

અયોધ્યાના ચુકાદા પછી પ્રતિક્રિયાઓની જે આંધી ચાલી તે હવે શમી ગઈ છે એટલે આ શ્રેણીમાં ધીમે ધીમે જમાવવામાં આવતા બનારસી પાન જેવી ચાલ રાખીશું તો એનો સ્વાદ કાયમ માટે દિમાગમાં સંઘરાઈ જશે અને શક્ય છે કે આ બનારસી પાન આપણા બંધ દિમાગને અનલૉક પણ કરી નાખે.

વધુ આવતી કાલે.

12 COMMENTS

  1. Sir ,I want to read your chain of articles on Ayodhya Verdict . Plz do the needful ..Thanks …with Regards ..

  2. નમસ્કાર…
    બીજા ભાગ પછી ત્રીજા અને આગળના બીજા ભાગ ની રાહ જોઈએ છીએ

  3. ગૂડ મોર્નિંગ વાંચવાની તાલવેલી રહે છે. આપેલી લિંક અથવા એક અને એની પછીની તારીખ નો લેખ મેળવી શકતો નથી. કાબેલ થઈશ.ફોન બરોબર વાપરતા શિખિશ.
    આપના લેખનો હ્રદયથી ચાહક છું . શ્રી. ચંદ્રકાંત બક્ષી બાદ, નીડર અને સચ્ચાઈ યુક્ત લેખો માટે, આપનો ચાહક છું. આભારી.

  4. Splendid Saurabhbhai. From the day I started reading your articles I get the right information about the so called secularism. You are writing on various and many topics with full dedication and we find it fully authentic. Sometimes I feel you are becoming the culmination of many good thoughts and many good personalities.

  5. Splendid work. Most of us are ignorant about Voice of India. We have unfortunately very limited information about Hinduism.
    Waiting for your detailed description.
    Keep up the good work Saurabhbhai.
    Dr pankaj parekh

  6. Sir, this are unknown authors & unknown for their work for me. But I appreciate your efforts in bringing them to light. Thanks. Waiting eagerly for more.

  7. ખુબજ સરસ લેખ વોઇસ ઓફ ઇન્ડિયા વિસે વધુ જાણવાની તાલાવેલી લાગી છે

  8. ASI 574 pages report on the excavations and findings of the place. Head of the ASI team was a Muslim and that gave more credibility of the report.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here