એમને સુધારવા નહીં સ્વીકારવા આવ્યો છું: મોરારિબાપુ

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : રવિવાર, 23 ડિસેમ્બર 2018)

અયોધ્યાનગરીના સૌ સંતસમાજના આદરણીય સાધુસંતોને મંચ પર માનભેર બિરાજમાન કરીને પૂજ્ય મોરારિબાપુએ નવ દિવસની ‘માનસ : ગણિકા’ના પ્રથમ ચરણનો આરંભ હનુમાનજીની શાબ્દિક સ્થાપના સાથે કર્યો. સુજ્ઞ શ્રોતાઓમાં સન્માનજનક સ્થાને ગણિકાઓ છે. તમામને પ્રણામ કરીને બાપુ આરંભ કરે છે: ‘બાપ!’

સરયુના તટ પરની રામજન્મભૂમિ પરનો આ પાવન અવસર છે. બાપુ અગાઉ પણ અહીં રામકથાનું ગાન કરી ચૂક્યા છે. અયોધ્યા વારંવાર આવ્યા છે, પણ આ વખતે કંઈક જુદી જ લાગણી થઈ રહી છે, બાપુ કથા દરમિયાન કહે છે. આ વખતે અયોધ્યાની ભૂમિ કંઈક વધુ તેજસ્વી લાગી રહી છે, બાપુ નિખાલસતાથી જણાવે છે. રામજન્મભૂમિ શિલાન્યાસ ટ્રસ્ટના અધ્યક્ષ પરમપૂજ્ય મહંતશ્રીની હાજરીમાં થતી રામકથાનો વિષય ‘માનસ: ગણિકા’. આવો વિરલ સંયોગ બાપુ જ રચી શકે. ગણિકા વિશેની કથા અયોધ્યામાં જ કેમ? બાપુને ઘણા લોકો પૂછતા. બાપુ જવાબ આપતા કે આ ભૂમિ પર સૌ કોઈનો ઉદ્ધાર થાય છે, તો ગણિકાનો પણ થશે.

મજબૂરી હોય કે પછી જે હોય તે, આ નારીઓ તો ગાત્ર વેચે છે પણ જેઓ પોતાનું ગોત્ર વેચે છે એમનું શું? જેઓ પોતાનો સ્વધર્મ વેચે છે એમનું શું? ગીતામાં કૃષ્ણે કહ્યું: સ્વધર્મે નિધનં શ્રેય: પરધર્મો ભયાવહ: ગાત્રની વાત જવા દો. ગોત્ર વેચવાવાળાઓની ખબર લો: બાપુએ કહ્યું.

અયોધ્યા રામની જન્મભૂમિ છે. વિવાદના મુદ્દા વિશે મીડિયાવાળા ઘણી વખત મને પૂછતા હોય છે, બાપુ કહે છે, કે તમારે તો અયોધ્યામાં જ પડ્યાપાથર્યા રહેવું જોઈએ, અયોધ્યા છોડીને ક્યાંય ન જવું જોઈએ. જવાબમાં બાપુ કહે: હું ભલે અયોધ્યામાં ન રહેતો હોઉં પણ અયોધ્યા ચોવીસે કલાક મારામાં રહે છે.

અયોધ્યા એનું નામ છે જ્યાં યુદ્ધ નથી, જ્યાં વિવાદ નથી, જે નિર્વિવાદ ભૂમિ છે તે અયોધ્યા છે. સંવાદ અને સ્વીકારની આ ભૂમિ છે. બાપુ કહે છે: મારી ભૂમિકા ગણિકાઓને સુધારવાની નથી, એમને સ્વીકારવાની છે.

શ્રોતાઓને સંબોધીને, મંડપમાં બેેઠેલા અને ‘આસ્થા’ ચેનલ દ્વારા દુનિયાના 170થી વધુ દેશોમાં લાઈવ કથા જોઈ રહેલા શ્રોતાઓને સંબોધીને, બાપુ કહે છે: (ગણિકાઓ સાથે) સોદા બહુ કર્યા, હવે એમની સેવા કરવાનો વખત આવ્યો છે. એમને ઉપયોગી થતી સંસ્થાઓને યથાશક્તિ મદદ કર્યા વિના જવાનું નથી. હું તો બે હાથ ઉઠાવીને દુનિયા આખીને કથામાં આવવાનું નિમંત્રણ આપતો હોઉં છું તો આ નારીઓને કેમ ન બોલાવું કથામાં. દર્દી એટલો બીમાર હોય કે વૈદ્યની પાસે ન જઈ શકે ત્યારે વૈદ્યે એની પાસે જવું જોઈએ અને દર્દી પાસે જઈને કંઈ નહીં તો છેવટે બે મીઠા બોલ તો કહે એમને. મેં એમને કહ્યું તમે અયોધ્યાની કથામાં આવો. ઉદ્ધાર તો પ્રભુ રામ કરશે પણ કથા સાંભળવા તમે આવો. હું એ બહેનબેટીઓને મળ્યો ત્યારે એક ભાઈ ફોટો પાડી રહ્યા હતા. એક બહેને કહ્યું: બાપુ, અમારો ફોટો કોઈ ન ખેંચે એવું કહો.

બાપુ કહે: મેં ફોટો ડીલીટ કરાવ્યો, પછી પેલી બહેન બોલી: બાપુ, અમને આપનો ડર નથી લાગતો, આપની સાથે જે લોકો આવ્યા છે એમનો ડર લાગે છે.

બાપુ પ્રમાણ આપીને કહે છે કે ગાંધારી જ્યારે ગર્ભવતી હતાં ત્યારે ધૃતરાષ્ટ્રની સેવા ગણિકાએ કરી છે. રામ જ્યારે અયોધ્યા પાછા આવ્યા ત્યારે ભરતે રામનાં દર્શન કરવા માટે સમાજના જે જે વર્ગને બોલાવ્યા એમાં ગણિકાઓને પણ બોલાવી હતી. બાપુ કહે છે: તો પછી હું શું કામ એમને ન બોલાવું મારી કથામાં?

આ નારીઓ શાપવશ છે, પાપવશ નથી. અહલ્યાને છેતરવામાં આવી હતી. ઈન્દ્રની કથા છે.

અહીં બાપુ અત્યંત મોઘમ રીતે અતિ મહત્ત્વની વાત કરે છે. આખા જંગલમાં વર્ષા કરવાનું વિરાટ કાર્ય તો મેઘ કરી શકે, પણ આપણા આંગણાની તુલસીને સીંચવાનું કાર્ય તો આપણાથી થઈ જ શકે.

બાપુની દરેક કથા એમનામાં રહેલા તોતિંગ ઊર્જાસ્રોતના પુરાવાઓ આપતી રહે છે, પણ અયોધ્યામાં ચાલી રહેલી ‘માનસ: ગણિકા’ના પહેલા જ દિવસે માહોલ જાણે એવો રચાયો છે કે પહેલી ઓવરમાં જ છ સિક્સર ફટકારવામાં આવી હોય. બાપુના અવાજનો રણકાર, એમના ગાવાનો અંદાજ, એમની બૉડી લેન્ગવેજ આ બધું જ દિવ્ય તેજથી ઝગમગતું હતું. ગણિકા કથાની પૂર્વભૂમિકા બાંધીને બાપુ પહેલા દિવસની ઔપચારિકતારૂપે કથાનું મંગલાચરણ કરે છે અને કહે છે કે મંગલ આચરણ કરતાં પહેલાં મંગલ ઉચ્ચારણ કરવું જોઈએ એટલે ગણિકાનું મહત્ત્વ સ્થાપીને વાતની શરૂઆત કરી.

રામચરિત માનસના આરંભે પંચદેવને તુલસીએ યાદ કર્યા છે. વિવેકના દેવ ગણેશ, ઉજાસના દેવ સૂર્ય, શ્રદ્ધાની દેવી ગૌરી-પાર્વતી, વ્યાપક્તાના દેવ વિષ્ણુ અને કલ્યાણદેવતા મહાદેવ.

પાંચ દેવોને વંદન કરીને તુલસીએ રામકથા શરૂ કરતાં પહેલાં બ્રાહ્મણો, સજ્જનો, સાધુચરિત વ્યક્તિઓ, સાધુસમાજ વગેરે સૌને પ્રણામ કર્યાં છે અને વિનયપત્રિકામાં હનુમન્ત વંદના કરતાં ગાયું છે:

“મંગલ મૂરતિ મારુતિ નંદન,
સકલ અમંગલ મૂલ નિકંદન.
પવન તનય સંતન હિતકારી,
હૃદય બિરાજત અવધ બિહારી.
માતુ પિતા ગુરુ ગણપતિ શારદ,
શિવા સમેત શંભુ શુક નારદ.
ચરણ બંદિ બિનવૌં સબ કાહૂ,
દેહુ રામ પદ નેહ નિબાહૂ.
બંદન રામ લખન વૈદેહી,
જે તુલસી કે પરમ સનેહી

હે મારુતિનંદન હનુમાનજી મહારાજ, આપ મંગળકર્તા છો અને તમામ અમંગળોનો નાશ કરો છો. આપ પવનપુત્ર અને સંતોના હિતકારી છો. આપના હૃદયમાં પ્રભુ શ્રીરામ બિરાજમાન છે. માતા, પિતા, ગુરુ, ગણેશ, સરસ્વતી અને પાર્વતી સહિત શંકર, શુકદેવ અને નારદ આ સૌના ચરણોમાં પ્રણામ કરું છું. આ સૌ મને આશીર્વાદ આપે કે હું સદૈવ પ્રભુ શ્રી રામજીનાં ચરણોમાં પ્રેમ પામતો રહું. રામ, લક્ષ્મણ અને સીતાજીની હું વંદના કરું છું જે મારા (તુલસીદાસના) બહુ નિકટના સ્નેહી છે.

કેવી સરસ ભાવના તુલસી વ્યક્ત કરે છે. રામ, લક્ષ્મણ અને સીતાજીને પોતાનાં નિકટનાં સગાં બનાવી દીધાં પછી કોઈ સગાં-વહાલાંની જરૂર શું પડવાની!

પ્રથમ દિવસની કથા અયોધ્યાના સંતોનાં ચરણોમાં અર્પણ કરીને પૂ. મોરારિબાપુ સૌને જાહેરમાં પૂછે છે કે અયોધ્યામાં ઠંડી બહુ છે તો આવતીકાલથી કથા નિત્યક્રમ મુજબ સાડા નવે શરૂ કરવી છે કે દસ વાગ્યે?

એક અવાજે સૌ કોઈ બોલી ઊઠે છે: દસ વાગ્યે!

તો કાલથી ‘આસ્થા’ પર સાડા નવને બદલે દસ વાગ્યે!

7 COMMENTS

  1. આવું ઉમદા કાર્ય મોરારી બાપુ જ કરી શકે ..ભાવવંદના સાથે સૌરભભાઈ આપનો ખુબ ખુબ આભાર ..અમને શાબ્દિક રસતરબોળ બનાવ્યા ..

  2. Some sex workers would like to hear ram katha & meet to bapu in ayodhiya. They are hiv positive & survivor of our organisation rescue foundation mumbai. Can you arrange our meeting with bapu for 30 minits? They want to share their feeling.

  3. મજા આવી સૌરભભાઈ મનમાં પણ માહોલ રામાયણ યાદ કરવાનો તમારી અને પૂજનીય બાપુ સાથે. આભાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here