અયોધ્યામાં આજથી મોરારિબાપુની રામકથા ‘માનસ : ગણિકા’

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : શનિવાર, 22 ડિસેમ્બર 2018)

દુનિયામાં સૌ કોઈનો સ્વીકાર કરીને જીવવાનો સંકલ્પ લેવાનું કામ કાચાપોચાનું નથી. આપણને દરેકને આપણા આગ્રહો હોવાના, આપણા પૂર્વગ્રહો, આપણા ગમા-અણગમા હોવાના. આપણા જેવા સામાન્ય માણસોની દૃષ્ટિએ આ જગતમાં કેટલાક લોકો અપનાવવા જેવા હોય છે, કેટલાકને તરછોડી દેવાના હોય છે. આવા વાતાવરણમાં જે વ્યક્તિ સૌ કોઈનો સ્વીકાર કરે અને પોતાની જિંદગી આ વાતનું પ્રમાણ છે એ રીતે વર્ષોથી જીવે તે નિશ્ચિત જ સંત હોય.

પૂજ્ય મોરારિબાપુ માત્ર રામાયણી કે માત્ર કથાકાર જ નથી. રામાયણની કથા કહીને તેઓ આ સમાજ પર ઊંડો અને કાયમી પ્રભાવ પાડી રહ્યા છે. દુનિયાની હરએક વ્યક્તિનો સ્વીકાર હોવો જોઈએ, કોઈ તિરસ્કૃત કે તરછોડાયેલું ન હોવું જોઈએ એવી ભાવનાથી મોરારિબાપુએ બે વર્ષ પહેલાં મુંબઈ-થાણેમાં ‘માનસ : કિન્નર’ શીર્ષકથી નવ દિવસની રામકથા કરી. તુલસી રામાયણના સંદર્ભો ટાંકીને એમણે અત્યાર સુધી તિરસ્કૃત ગણાતા કિન્નર સમાજને ગૌરવ અપાવ્યું. કિન્નરોને કથાના મંડપમાં શ્રોતા તરીકે આદર આપીને બોલાવ્યા. એમને મંચ પર બોલાવીને એમના મોઢે એમની વાતો લાખો શ્રોતા-ટીવી દર્શકો સુધી પહોંચાડી અને એમને અપનાવીને એમના હાથે રામાયણની પોથીની આરતી પણ કરાવી.

આવું જ ક્રાંતિકારી કાર્ય આજથી અયોધ્યામાં શરૂ થઈ રહ્યું છે. મોરારિબાપુની 821મી કથાનો વિષય છે ‘માનસ : ગણિકા’.

લગભગ બે વર્ષથી બાપુ જાહેરમાં મનોરથ વ્યકત કરતા રહ્યા છે કે તેઓ ગણિકાને કેન્દ્રમાં રાખીને નવ દિવસની રામકથા કહેવા માગે છે. તુલસીકૃત રામચરિત માનસમાં એકથી વધુ વખત ગણિકા વિશેના માનભેર ઉલ્લેખો થયા છે એવું જણાવીને બાપુએ તુલસીએ લખેલી ચોપાઈઓ પણ ટાંકી છે.

મોરારિબાપુ કહે છે કે આપણા પરંપરાગત શુકન શાસ્ત્રમાં વાછરડાને ધવડાવતી ગાયને, હાથમાં પોથી લઈને જતા બ્રાહ્મણને જેમ શુકન માનવામાં આવે છે એમ ગણિકા નજરે પડે તો એ પણ શુકન થયાં ગણાય. દસેક દિવસ પહેલાં બાપુ એક દિવસ માટે મુંબઈ આવ્યા હતા. એમના માટે મુંબઈના રેડ લાઈટ એરિયાની મુલાકાતો ગોઠવાઈ અને તેઓ સાથે મને પણ લઈ ગયા. સૌથી પહેલાં અમે મુંબઈના લેમિંગ્ટન રોડ પાસેના કૉન્ગ્રેસ હાઉસ તરીકે ઓળખાતા સંકુલમાં ગયા. એક જમાનામાં આ ઈમારત કૉન્ગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલી હતી, આઝાદી પહેલાં. કૉન્ગ્રેસ હાઉસની ગલીમાં બેચાર મકાનો પહેલાં એક જમાનામાં ગુજરાતી સાહિત્યની અતિ પ્રાચીન એવી ગૌરવભરી સંસ્થા ‘ફાર્બસ ગુજરાતી સભા’ હતી જે હવે જુહુમાં અમિતાભ બચ્ચનના ‘પ્રતીક્ષા’ બંગલોથી વૉકિંગ ડિસ્ટન્સ પર છે. એટલે કૉન્ગ્રેસ હાઉસનો જૂનો પરિચય. ત્યાંની ખોલીઓમાં પ્રગટપણે દેહવ્યાપાર નથી થતો. સાંભળ્યું છે કે એ લોકો પાસે નૃત્યશાળા ચલાવવાનું સરકારી લાઈસન્સ હોય છે. ભડક કલરનાં વેલવેટ, સાટીન અને રંગબેરંગી બત્તીઓથી સજાવેલી કૉન્ગ્રેસ હાઉસની સેંકડો ખોલીઓમાં મોટેભાગે હિન્દી ફિલ્મોનાં ગીતો પર નૃત્ય થાય. નૃત્ય કરનારીઓ પોતાને તવાયફ ગણાવે, પણ પોલીસથી સૌ કોઈ ડરે. બારેક વર્ષથી માંડીને બેતાળીસ વર્ષની છોકરીઓ – સ્ત્રીઓ મોરારિબાપુને ભાવપૂર્વક ચરણસ્પર્શ કરવા આવતી રહી. બાપુ એમને રામનામી-રોકડ અને આશીર્વાદ આપતા રહ્યા. એમની સાથે વાતો કરતાં કરતાં બાપુની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. બાપુ મારા ગોઠણ પર હાથ મૂકીને જાણે સાંત્વન શોધતા હતા. એમના લાગણીભર્યા હાથ પર હાથ મૂકીને હું એમની વેદના શેર કરી રહ્યો હતો. મને સંતોષ એ વાતનો હતો કે બાપુ આ સૌ, સમાજ માટે અનિવાર્ય છતાં સમાજથી તરછોડાયેલી, સ્ત્રીઓને સમાજમાં સન્માન અપાવવા જઈ રહ્યા છે. બાપુ એમના હાથની ચા પીવા માગતા હતા. ચાનો વખત થયો. બાપુએ કહ્યું, ભલે મારો સંકલ્પ ગંગાજળનો હોય, પણ બહેન, તમારા ઘરનું પાણી મારા માટે ગંગાજળથી ઓછું પવિત્ર નથી.

આ સાંભળીને ત્યાં હાજર રહેલા સૌ કોઈની આંખોમાં જે છલકાયું તે પણ ગંગાજળથી ઓછું પવિત્ર નહોતું. અમે જેના ઘરમાં ચા પીધી તેની માલકિનના હાથમાં ઘણી મોટી રકમનું કવર મૂકીને બાપુએ વિદાય લીધી. રીટા નામની એ સ્ત્રી અમને રોકીને ભાવવિભોર થઈને બાપુનાં ગુણગાન ગાતી રહી.

કૉન્ગ્રેસ હાઉસની સ્થિતિ દયનીય છે. અહીં ફિલ્મોમાં જોવા મળે છે એવા કોઈ વૈભવશાળી કોઠા નથી જ્યાં સલામ-એ-ઈશ્ક મેરી જાં ઝરા કુબૂલ કર લો ગાતી રેખાઓ હોય અને ઈસ કે આગે કી અબ દાસ્તાં મુઝસે સુન કહેતા અમિતાભ બચ્ચનો હોય. દસ બાય દસની ખોલીઓમાં ક્યારેક ઉત્સાહથી ભરેલી તો ક્યારેક મુરઝાયેલી – થાકેલી છોકરીઓ-સ્ત્રીઓનું નર્તન ચાલતું રહે. આ નર્તનખોલીની બાજુના દરવાજાની બહાર આ લોકોને રહેવાની ખોલી સાથે રસોડું. એમાંથી પાછા બીજી કોઈ નર્તન-ખોલી તરફ દરવાજો ખુલે અને ક્યારેક પોલીસની ઈમર્જન્સી આવે તો એકબીજાની ખોલીના દરવાજાઓમાંથી રફુચક્કર થઈ જવાની પણ સગવડ. પોતાનો ચહેરો રેકૉર્ડ ન થઈ જાય એની તકેદારી રાખવા માટે ફોટોગ્રાફી નૉટ અલાઉડ.

કૉન્ગ્રેસ હાઉસમાંથી નીકળીને ક્રિકેટ ક્લબ ઑફ ઈન્ડિયામાં યોજાયેલા અન્નપૂર્ણા દેવીને શ્રદ્ધાંજલિ આપતા એક કાર્યક્રમમાં બાપુની સાથે હાજરી આપીને, પંડિત હરિપ્રસાદ ચૌરસિયા, ઉસ્તાદ ઝાકિર હુસૈન તથા પંડિત બિરજુ મહારાજને અલગ અલગ મળી એમની વિદાય લઈ કામાઠીપુરાની બદનામ બસ્તીઓમાં.

કામાઠીપુરાનો આખોય વિસ્તાર મુંબઈનો ઘણો જૂનો રેડ લાઈટ એરિયા. કદાચ ભારતનો સૌથી વિશાળ રેડ લાઈટ એરિયા હશે. દિલ્હીમાં અજમેરી ગેટથી લાહોરી ગેટ સુધીના જી. બી. રોડનો નંબર તો ઘણો પાછળ આવે. કામાઠીપુરાની 13મી ગલીમાં અમારે જવાનું હતું. સ્થાનિક રાજકારણીઓનો સહકાર અને પોલીસનો બંદોબસ્ત અહીં જરૂરી હતો, કારણ કે અહીં બાપુ જાહેરમાં, માઈક પર સૌ ગણિકાઓને માનભેર અયોધ્યાની કથામાં આમંત્રણ આપવાના હતા. કૉન્ગ્રેસ હાઉસમાં આ આમંત્રણ જાહેરમાં નહીં પણ ખોલીમાં જે કોઈ દર્શને આવ્યું એમને અપાયું હતું. બાપુના હાથે અહીં પણ રામનામી, સાડીઓ વગેરે વહેંચવામાં આવ્યાં અને ભારે ભીડ વચ્ચેથી રસ્તો કાપીને બાપુએ કામાઠીપુરામાં વ્યવસાય કરતી એક સ્ત્રીના ઘરે પગલાં કર્યાં.

સમાજના ઉપેક્ષિત વર્ગો માટે, એમને કેન્દ્રમાં રાખી, એમના લાભાર્થે રામકથા કરવી બાપુ માટે નવી નવાઈની વાત નથી. ‘આહુતિ’ નામના પુસ્તકમાં ‘ઉપેક્ષિતો અને બાપુ’ શીર્ષક હેઠળના લેખમાં મેં બાપુની આવી કથાઓનો એક ઝડપી ઈતિહાસ લખ્યો છે. તે વખતે કિન્નર કથા લેટેસ્ટ હતી. દેવીપૂજક, વિચરતી જાતિઓથી માંડીને વનવાસી, વાલ્મીકિ સમાજ, 18 વર્ણ સુધીના સમાજના તમામ શોષિત, પીડિત, ઉપેક્ષિત અને વંચિતો માટે કથા કર્યા પછી બાપુ આજથી અયોધ્યામાં ‘માનસ : ગણિકા’ શરૂ કરી રહ્યા છે. આજે પ્રથમ દિવસે કથાનો સમય સાંજે સાડા ત્રણથી સાડા છનો છે. આવતી કાલથી બાકીના આઠેય દિવસ સુધી સવારે 9.30 વાગ્યે કથા શરૂ થશે. લંચ સુધી ચાલશે. આ નહીં ને આવતો રવિવાર, 30મી ડિસેમ્બર, 2018નો રવિવાર, કથાનો વિરામ દિવસ છે.

હું અયોધ્યા જવા માટે બૅગ પેક કરી રહ્યો છું. રાત્રે દસ ડિગ્રી સુધીની ઠંડી હશે. વૂલન્સ પણ સાથે રાખવાનાં છે. ત્યાંથી હું રોજ ‘ગુડ મૉર્નિંગ’ કૉલમના માધ્યમથી આપ સૌ ‘મુંબઈ સમાચાર’ના વાચકો માટે કથાનું લાઈવ કવરેજ મોકલતો રહીશ. ‘આસ્થા’ ચૅનલ પર તો તમે જોશો જ, રોજ સવારે મારી નજરે પણ કથાને માણશો.

ભારતના સાંપ્રત ઈતિહાસમાં એક લૅન્ડમાર્ક થવા જઈ રહેલી ઘટનાના આપણે સૌ સાક્ષી બનવાના છીએ. પ્રભુ આ કાર્ય નિર્વિઘ્ને પાર પાડવાની સૌને ક્ષમતા આપે, સમતા આપે. જય સિયારામ.

આજનો વિચાર

હું તો ભવોભવ સ્ત્રી હતી,
ને કોઈ ભવમાં તો સતી;
આજે હવે? જાણે ન-નામી,
કોઈ રાધા કહે તો કોઈ વળી રામી!
દેહ છે દેખાવડો? એ તો ઉપરની સુગંધો;
લાગણી? લટકાં કહો,
ને ચાલશે કહેશો અગર જો માત્ર ધંધો.
લોક તો કૈંક કૈંક મળે છે નિત નવા.
પણ હા, મળે છે માત્ર સૌ ભૂલી જવા.

દિનભર ન જોતું કોઈ મોં સામું,
છતાં રાતે ન રહેતું કોઈ સરનામું.
તમે વાળ્યો હશે ક્યારેક કાગળનો ડૂચો,
ટાળ્યો હશે જે બારીએથી બહાર, રસ્તા પર;
પવનને પ્યાર તે પાડે-ઉપાડે
જે કદી નીચો, કદી ઊંચો;
કહોજી કેટલા છ સસ્તા દર!
સલામત છે તમારા મ્હેલની ભીંતે
મઢેલી કો છબી જેવી કુંવારી ક્ધયકા નિત્યે;
અમારી જાત જીવે છે, પ્રભુની મ્હેરબાનીથી
સદા જીવશે જ ધરતી પર
નજર સૌ નાખશે ને ત્યાં લગી તો
રોજ ‘ફરતી’ પર.

નિરંજન ભગત: 18 મે, 1926થી 1 ફેબ્રુઆરી, 2018 (કવિએ ‘પાત્રો’ નામના કાવ્યમાં મુંબઈનો ફેરિયો, આંધળો, ભિખારી અને પતિયો વિશે જે કવિતા લખી તેમાંની એક આ, જેનું શીર્ષક છે: વેશ્યા)

3 COMMENTS

  1. પૂ.બાપુ અને આપનો ખુબ ખુબ આભાર સમાજ માં હડધૂત થયેલી બહેનો ને સંજીવની મલશે

  2. ખુબ સરસ સૌરભભાઈ આપને અને પૂજનીય મોરારી બાપુ ને કોટી કોટી વંદન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here