‘મણિકર્ણિકા’: ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો ગૌરવભર્યો ઈતિહાસ

ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : મંગળવાર, 5 ફેબ્રુઆરી 2019)

ઠાકરે’ની સાથે જ રિલીઝ થયેલી ‘મણિકર્ણિકા’ ફિલ્મમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો પ્રતાપી ઈતિહાસ છે. ભારતીય ઈતિહાસની બાબતમાં કેટલાક કમ્યુનિસ્ટ ઈતિહાસકારોને વાંધો પડતો હોય છે. ભારતનો જયજયકાર થતો હોય એવા ઐતિહાસિક બનાવોને તેઓ ભૂંસી નાખવા માગે છે. એને બદલે, ભારતીયોમાં આપસમાં એકતા નહોતી, સૌ એકબીજાની સામે દુશ્મનોને ચુગલી કરતા, ઘરના જ ઘાતકી નીકળતા એવા બધા પ્રસંગોને આ સામ્યવાદી ઈતિહાસકારો બઢાવીચઢાવીને, રાઈનો પર્વત બનાવીને રજૂ કરતા રહે છે. આપણા માનસમાં નાનપણથી આવી બધી ભારતવિરોધી – માન્યતાઓ ઘૂસી ગઈ હોય છે. આ માન્યતાઓને ખંખેરવાનું કામ, અભ્યાસક્રમના ધોરણે મોદી સરકારમાં શરૂ થઈ ચૂક્યું છે અને ફિલ્મના માધ્યમમાં એટલે કે જાહેર પ્રજાની સ્મૃતિના માધ્યમમાં આવી માન્યતાઓ ક્રમશ: ખંખેરાઈ રહી છે. દગાબાજો તો બધે જ હોવાના – અંગ્રેજોના ખેમામાં અને આતંકવાદીઓના ખેમામાં પણ. આપણે ત્યાં પણ હશે. પરંતુ ઈતિહાસમાં દગાબાજોને જ યાદ રાખવામાં આવે અને વફાદારોને નહીં ત્યારે જનમાનસ પ્રદૂષિત થઈ જતું હોય. આ પ્રદૂષણની સામે હવે જ્યારે એક જ મહિનામાં ચાર – ચાર રાષ્ટ્રપ્રેમી મેઈન સ્ટ્રીમ હિંદી ફિલ્મો રિલીઝ થતી હોય ત્યારે કમ્યુનિસ્ટોના પેટમાં તેલ અને એમના બગલબચ્ચા જેવા મીડિયાના આંતરડામાં દિવેલ રેડાય એ સ્વાભાવિક છે. ‘ઠાકરે’, ‘મણિકર્ણિકા’ ઉપરાંત ‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ અને ‘ઉડી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ આ ચારેય ફિલ્મો સેક્યુલર મીડિયાના કકળાટ બાવજૂદ પોતપોતાની રીતે બૉક્સ ઓફિસ પર ઘણો સારો દેખાવ કરી રહી છે. આમિર ખાને બનાવેલી ‘લગાન’ અંગ્રેજો સામેની કાલ્પનિક લડતની ફિલ્મ હતી છતાં સેક્યુલરિયાઓને એ ફિલ્મમાં કોઈ પ્રોપેગેન્ડા નહોતો લાગ્યો (નહોતો જ. સુપર્બ ફિલ્મ હતી) પણ ‘મણિકર્ણિકા’માં અંગ્રેજો સામે ભારતીયોએ આપેલી મજબૂત લડતનો ઈતિહાસ વણી લેવામાં આવ્યો છે, કાલ્પનિક નહીં પણ ઐતિહાસિક ઘટનાઓ પર આધારિ ફિલ્મ છે છતાં સેક્યુલરિયાઓને આ ફિલ્મમાં પ્રોપેગેન્ડા દેખાય છે. ‘લગાન’ અને ‘મણિકર્ણિકા’ બેઉ ફિલ્મોમાં ક્યાંય પ્રોપેગેન્ડા નથી, બેઉ ફિલ્મ સુપર્બ છે. અફકોર્સ ‘લગાન’ તો ‘લગાન’ છે. ‘મણિકર્ણિકા’નો એની સાથે સરખામણી કરવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી, એવો કોઈ આશય પણ નથી.

1857નો સ્વતંત્રતાનો પ્રથમ સંગ્રામ આપણે લડ્યા અને ભલે એમાં જીત ન મળી, પણ અંગ્રેજોનો સામનો થવો જોઈએ, એમનો મુકાબલો કરવા આપણે સક્ષમ બની શકીએ છીએ એટલી વાત તો આ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામે સિદ્ધ કરી. 1857ની આ લડત વિશે હજુ તો બીજી ડઝન બે ડઝન સ્વતંત્ર ફિલ્મો બની શકે એટલી થ્રિલિંગ ઐતિહાસિક ઘટનાનો ખજાનો છે. હૉલિવુડમાં સેક્ધડ વર્લ્ડ વૉર વિશે ડઝનબંધ ફિલ્મો બની જ છે જે આપણે સૌએ જોયેલી છે. જે નથી જોઈ અને જે બહુ સારી નહીં હોય એવી તો બીજી સોએક ફિલ્મો હૉલિવુડે બનાવી હશે.

‘મણિકર્ણિકા’ ફિલ્મનો આત્મા કંગના રાણાવત છે. (એણે પોતાની અટકનો સ્પેલિંગ ન્યુમરોલોજીને કારણે બદલી નાખ્યો એટલે સૌ કોઈ હવે એને રાણાવતને બદલે રનૌટ કહેવા માંડ્યું છે. વિક્રમ જો પોતાના સ્પેલિંગમાં ડબલ ‘કે’ લગાવે તો શું આપણે એને વિક્ક્રમ કહેવાનું!).

કંગના રાણાવત આજના જમાનાની ઘણી પ્રતિભાશાળી અભિનેત્રી છે. એની રેન્જ તમે જુઓ. 31 વર્ષની આ કળાકારે 2006માં ‘ગેન્ગસ્ટર’માં સિમરનની ભૂમિકા કરી એ પછી ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’, ‘તનુ વેડ્સ મનુ’ (બેઉ પાટર્સ)થી લઈને ‘ક્વીન’ સુધીની લગભગ અઢી ડઝન ફિલ્મોમાં એણે ગજબની વિવિધ ભૂમિકાઓ કરી છે. ‘મણિકર્ણિકા’માં તો એનું દિગ્દર્શન પણ છે. 

આ ફિલ્મના મૂળ દિગ્દર્શક સાથે એને થયેલા મતભેદો આપણો વિષય નથી. ફિલ્મ જબરજસ્ત બની છે એની સાથે જ આપણને નિસબત છે. પ્રસૂન જોશીનાં સંવાદ અને ગીતો ‘મણિકર્ણિકા’ની હાઈલાઈટ છે. ‘બાહુબલી’ બહુ ઈમ્પ્રેસિવ ફિલ્મ હતી પણ એમાં કથાનક બનાવટી હતું, એ ફૅન્ટસી ફિલ્મ હતી, ટેક્નિકલી પાવરફુલ ફિલ્મ હતી. ‘મણિકર્ણિકા’માં ‘બાહુબલી’માં જે ખૂટતું હતું એ તત્ત્વ ઉમેરાય છે – સચ્ચાઈનું તત્ત્વ, ઐતિહાસિક તથ્યો આમાં ઉમેરાય છે.

‘મણિકર્ણિકા’નું શૂટિંગ ભારતમાં વિવિધ સ્થળોએ થયેલું છે. આ તમામ ઐતિહાસિક જગ્યાઓ છે. ફિલ્મના દરેક પાત્રના કૉસ્ચ્યુમ્સ હૉલિવુડની ફિલ્મોની બરોબરી કરે એવાં છે. સેટ્સ ભવ્ય છે અને સ્પેશિયલ ઈફેક્ટ્સનો ઉપયોગ બહુ જ સમજૂતીપૂર્વક થયો છે. આખી ફિલ્મની વાર્તા સડસડાટ વહી જાય છે.

મણિકર્ણિકા નામની છોકરી કોણ હતી, શા માટે એ આ નામે ઓળખાઈ અને કેવી રીતે એનો ઉછેર થયો, કેવી રીતે એ ઝાંસીના રાજાની પત્ની બનીને લક્ષ્મીબાઈ તરીકે ઓળખાઈ, કેવી રીતે એ વારંવાર અંગ્રેજોને પોતાની બહાદુરીનો અને વિચક્ષણ બુદ્ધિનો પરચો દેખાડતી રહી – આ બધી જ વાત એક પછી એક એટલી ઝડપથી બનતી રહે છે કે ક્યાં ઈન્ટરવલ પડે છે અને ક્યાં ફિલ્મ પૂરી થઈ જાય છે એની ખબર પણ નથી પડતી. અત્યાર સુધી તમે સ્કૂલના ઈતિહાસમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું નામ સાંભળ્યું હશે, બહુ બહુ તો એના વિશે એકાદ ફકરો લખાયો હશે તે વાંચ્યો હશે. જેના જીવન પર એક આખી ફિલ્મ બની શકે એવા આ મહાન ઐતિહાસિક પાત્રને ભારતવિરોધી (સામ્યવાદી) ઈતિહાસકારોએ એકાદ પૅરેગ્રાફમાં સમાવીને પડીકું વાળી દીધું હતું એ પ્રતીતિ થયા પછી આ દેશદ્રોહીઓ પર તમને વધારે ગુસ્સો ચડે. ‘મણિકર્ણિકા’ની સ્ટારકાસ્ટ પણ જબરી છે. કંગના રાણાવતને સાથ આપવા અતુલ કુલકર્ણી, કુલભૂષણ ખરબંદા અને સુરેશ ઑબેરોય જેવા સમર્થ કળાકારો અહીં છે. કંગનાના વિવિધ દૃશ્યોમાં દેખાતી એની આક્રમકતા, ઠંડી મક્કમતા અને એનો જોશ – આ બધું જ માણવા જેવું છે. યુદ્ધ વખતની એની શારીરિક ચપળતા બિલકુલ સાહજિક લાગે એવું શારીરિક સૌષ્ઠવ ધરાવતી આ અભિનેત્રીએ જો આવી રાષ્ટ્રવાદી ફિલ્મ બનાવવાને બદલે સેક્યુલરિયાઓને રીઝવે એવી ફિલ્મમાં આવું જ કામ કર્યું હોત તો એણે દિગ્દર્શક સાથે કેમ આવું કર્યું, સોનુ સુદનો રોલ કેમ કાપી નાખ્યો, ફલાણી અભિનેત્રી કે ઢીકણા અભિનેતા સાથે શું કામ અન્યાય કર્યો એવા રોજેરોજ સમાચારો છાપીને કે આપીને મીડિયા તથા સોશ્યલ મીડિયા હવનમાં હાડકાં નાખવાની જુર્રત ન કરતું હોત. આપણે સૌએ આ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે. કોઈ સારી વ્યક્તિ કે વસ્તુ માટે ખૂબ કૉન્ટ્રોવર્સી ઊભી થાય તો સમજી લેવાનું કે દેશદ્રોહીઓને બર્નોલની જરૂર પડી છે.

આજનો વિચાર

બંગાળમાં મોદી, યોગી, અમિત શાહ અને સીબીઆઈને પ્રવેશવા ન મળે એ માટે ધમપછાડા કરવામાં આવે છે પણ રોહિંગ્યાઓ અને બાંગલાદેશી ઘૂસપેઠિયાંઓનું સ્વાગત હારતોરા પહેરાવીને કરવામાં આવે છે.

– વૉટ્સએપ પર વાંચેલું.

એક મિનિટ:

બકો: ચાહુંગા મૈં તુઝે સાંજ-સવેરે ગીત કોણે લખ્યું?

પકો: કોણે?

બકો: રાજકોટવાસીએ

પકો: હેં!

બકો: બપોરે હુવાનું નૈં!

3 COMMENTS

  1. Awesome, what our PM done , these efforts are being noticed by writers like you. All Persons must Appreciate it.

  2. ખુબજ સરસ લેખ. મને તમારી કલમ અને કોલમ ગમે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here