બાળા સાહેબની પારદર્શકતા અને ‘ઠાકરે’નો મૅસેજ

ગુડ મોર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : સોમવાર, 4 ફેબ્રુઆરી 2019)

દાંગટ બુવા મુંબઈના નંબર વન ન્યૂઝપેપર ડિસ્ટ્રિબ્યુટર. દાયકાઓ પહેલાં એેમના કપરા વખતમાં ‘મુંબઈ સમાચાર’ના માલિકોએ એમને ટેકો આપ્યો હતો. ‘મુંબઈ સમાચાર’ના ખૂબ જૂના ડિસ્ટ્રિબ્યુટર. બુવાના પુત્ર બાજીરાવ દાંગટ અત્યારે કામકાજ સંભાળે છે. ‘ઠાકરે’ ફિલ્મમાં બુવા દાંગટ સાથે બેઠેલા બાળક બાજીરાવનું પાત્ર પણ તમે જોઈ શકો છો. ‘ઠાકરે’ ફિલ્મમાં બતાવ્યું છે એ પ્રમાણે ‘માર્મિક’ શરૂ કરવા દાંગટ બુવાએ રૂ. પાંચ હજારની સહાય કરી હતી. મરાઠી વર્ઝનમાં બસો રૂપિયા વધુ આવી ગયા છે એવું દેખાડીને બાળ ઠાકરે સો-સોની બે નોટ બુવાને પાછા આપતાં દેખાડવામાં આવ્યા છે. હિંદી વર્ઝનમાં સીધેસીધી વાત છે.

‘ઠાકરે’ ફિલ્મમાં બતાવ્યા પ્રમાણે ૧૯૬૦માં ‘માર્મિક’ શરૂ કર્યા પછી બાળા સાહેબે મરાઠી માણુસનું ઉપરાણું લેતી ચળવળો ચલાવી અને ૧૯૬૬માં શિવસેનાની સ્થાપના કરી. ૧૯૭૧માં મુંબઈને શિવસેનાના સૌ પ્રથમ મેયર ડૉ. હેમેન્દ્ર ગુપ્તે મળ્યા. બાળા સાહેબમાં દૂરંદેશી એટલી કે શિવસેના ઍક્ટિવ પોલિટેક્સમાં પડી તે પછી પણ પોતે માત્ર સેના પ્રમુખનો જ હોદ્દો પોતાની પાસે રાખ્યો. શિવસેનાનાં ટ્રેડ યુનિયનો દત્તાજી સાળવી નામના પોતાના વફાદાર સાથીને સોંપ્યાં અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કારભાર શિવસેનાના નગરસેવકો તથા મેયરને સોંપ્યો. પોતે ન તો કૉર્પોરેટ તરીકેની ચૂંટણી લડ્યા, ન મેયરનો હોદ્દો લઈને શિવાજી પાર્કસ્થિત ભવ્ય સીફેસિંગ મેયર્સ બંગલોમાં રહેવાની લાલચ રાખી અને ભવિષ્યમાં પણ મનોહર જોષી વગેરેને મુખ્યમંત્રી પદ સોંપ્યું, પણ પોતે સી.એમ. બન્યા નહીં. શિવસેનાએ લોકસભાની ચૂંટણી લડવાનું શરૂ કર્યું, રાજ્યસભામાં પણ પોતાના સંસદ સભ્યો નીમ્યા છતાં ક્યારેય વડા પ્રધાન બનવાની ઈચ્છા ન રાખી, ન એ માટે કોઈ કાવાદાવા કર્યા – મમતા, માયાવતી, લાલુ કે અખિલેશની જેમ. બાળા સાહેબની આ નૈતિક તાકાત હતી. તમે ભલે એમની સરખામણી ગાંધીજી કે જ્યપ્રકાશ નારાયણ સાથે ન કરો પણ સક્રિય રાજકારણમાં હોવા છતાં સત્તા કે પદથી દૂર રહેવાની બાબતમાં બાળા સાહેબની પતરાળી એ બે મહાનુભાવોની પંગતમાં જ તમારે મૂકવી પડે.

‘ઠાકરે’ ફિલ્મનું ઓપનિંગ તમે મિસ કરતા નહીં. લખનઊની સેશન્સ અદાલતમાં બાળા સાહેબ પર બાબરી ધ્વંસને લગતો કેસ છે. બાળા સાહેબ મુંબઈથી લખનઊ એરપોર્ટ પર ઊતરીને કોર્ટમાં જવા રવાના થાય છે એવો સીન છે જેની શરૂઆતમાં તમારા સુખદ આશ્ર્ચર્ય વચ્ચે તમને ચિરપરિચિત ચહેરો દેખાય છે અંગ્રેજી ચેનલના ટીવી રિપોર્ટર તરીકે. પૃથ્વી થિયેટરમાં એમનાં ગુજરાતી નાટકો તમે ખૂબ જોયાં છે. મનોજ શાહ. ગુજરાતી સમાંતર રંગભૂમિ પર જેમનું દાયકાઓથી એકચક્રી શાસન છે એ ‘માસ્ટર ફૂલમણિ’થી લઈને ‘મરીઝ’ અને ‘હું ચંદ્રકાંત બક્ષી’ સુધીનાં અનેક યાદગાર નાટકોના નિર્માતા-દિગ્દર્શક – અભિનેતા – લેખક મનોજ શાહ જેવા અગ્રણી ગુજરાતી મુંબઈગરાથી ‘ઠાકરે’ ફિલ્મ ઓપન થાય એ જોઈને ગૂઝબમ્પ્સ જરૂર આવે. આવવા જ જોઈએ.

કોર્ટના સીન હોય કે પછી જીવનના વિવિધ તબક્કાનું ચિત્રણ હોય – ‘ઠાકરે’ ફિલ્મની દરેક ફ્રેમમાં બાળા સાહેબની પારદર્શક અને સચ્ચાઈભર્યાં વ્યક્તિત્વની તમને ઝાંખી થાય છે. ક્યારેક કોઈને એ વિલન લાગે, ક્યારેક કોઈને એમની સચ્ચાઈમાંની કડવાશનો સ્વાદ ન ભાવે તો એ બાળા સાહેબનો પ્રોબ્લમ નથી, ફિલ્મ મેકર્સનો પણ પ્રોબ્લેમ નથી. દર્શકે નક્કી કરવાનું કે એણે પોતાનાં ક્યાં ત્રાજવાં કાટલાં વડે આ મહાન વ્યક્તિત્વને જોખવા-તોળવા છે – મીડિયાએ એમના વિશે જે છાપ ઊભી કરી છે તેનાથી કે મુંબઈ, મહારાષ્ટ્ર અને ભારતના મરાઠીઓ સહિતના સાચા હિંદુઓ એમને જે દૃષ્ટિએ જુએ છે તેનાથી. 

બાળ ઠાકરે જેવા વ્યક્તિત્વ વિશે, એમના જીવન વિશે, એમના વિચારો વિશે સિંહાવલોકન કરવું કે વિહંગાવલોકન કરવું ખૂબ કપરું છે. તમે એ વિશે પુસ્તક લખો કે ફિલ્મ લખો – તમારે એમની પારદર્શક બાબતોમાં કોઈ રંગ ઉમેર્યા વિના, વસ્તુસ્થિતિને યથાતથ બતાવવાની હોય છે. ‘ઠાકરે’ ફિલ્મ આ કસોટીમાંથી શતપ્રતિશત પાર ઊતરી છે. બાળા સાહેબ બીજાઓને ન પચે એવા પોતાના વિચારોને જસ્ટિફાય કરવામાં નહોતા માનતા, એ વિચારો બદલ ક્યારેય ડિફેન્સિવ વલણ પણ નહોતા અપનાવતા. જે છે તે આ છે. તમે એમાં ન માનો તો તમારો પ્રોબ્લેમ છે, પણ પોલિટિકલી કર્રેકટ રહેવા માટે, સર્વસ્વીકાર્ય બનવા માટે હું તમે રમાડશો એમ નહીં રમું. મારી ગેમ જુદી છે અને એના નિયમો પણ જુદા છે. હું તમારી ગેમ નહીં રમું અને જો રમીશ તો મારા નિયમોથી રમીશ અને મારી ગેમ તમારે રમવી હશે તો મારા જડબેસલાક નિયમોથી જ રમવી પડશે. ‘ઠાકરે’ ફિલ્મનો આ જ સંદેશ છે. ફિલ્મના અંતમાં તમને એક ઔર સરપ્રાઈઝ મળે છે. ધ એન્ડને બદલે લખ્યું છે: ટુ બી કન્ટિન્યુડ.

આજનો વિચાર

આજે બજેટ વખતે રાહુલને જોઈને એક વિચાર આવ્યો. શું આ ભાઈને કંઈ સમજાતું હશે?

એક મિનિટ!

બકો: ત્રણ ત્રણ મૅચ સળંગ જીતી ગયા પછી ન્યૂઝીલેન્ડની સામે ભારત ૯૨માં ઓલ આઉટ થઈ ગયાનો મતલબ શું થયો, પકા?

પકો: શું?

બકો: બધું બરાબર ચાલતું હોય ને કૅપ્ટન બદલાય તો આવી હાલત થાય, કંઈ સમજ્યો?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here