તડકભડક: સૌરભ શાહ (‘સંસ્કાર’ પૂર્તિ, ‘સંદેશ’, 3 ફેબ્રુઆરી ૨૦૧૯)
આ લેખ મારી ઉંમરના વાચકોએ મતલબ કે જેઓ ફિફ્ટી પ્લસ છે એમના માટે નથી, એમણે ન વાંચવો. જેઓ હજુ હમણાં હમણાં ટીન ઍજમાંથી બહાર નીકળ્યા છે, જેઓ ટ્વેન્ટીઝમાં છે એમના માટે આ વાત લખી છે. ભૂલેચૂકેય જો કોઈ ફોર્ટી કે ફિફ્ટી પ્લસવાળાએ વાંચી લીધો તો એમણે પ્રાયશ્ચિતરૂપે પોતાની નજીકના ટ્વેન્ટીઝમાં હોય એવા તરુણ-તરુણીને વાંચી સંભળાવવો.
નિવૃત્તિ એક અપ-શબ્દ છે. બૅડ વર્ડ છે. ભગવાન ક્યારેય નિવૃત્ત થતો નથી. આ જગતનું એને આવડે એવું સંચાલન એ કરતો રહે છે. કુદરત ક્યારેય નિવૃત્તિ માગતી નથી. સૂર્ય રોજ ઊગે છે. કૂંપળો રોજ ફૂટે છે. માણસે છેલ્લા શ્વાસ સુધી કામ કરવું જોઈએ. બે ટંકનું ભોજન પામવાનું ૠણ એણે આ જગતને અદા કરતાં રહેવું જોઈએ. ૨૫ વર્ષે હથોડા ઝીંકીને ધાતુને ટીપી શકે એવી તાકાત બાવડાંમાં હોય અને ૬૦-૭૦-૮૦ કે ૯૦ની ઉંમરે એ તાકાત ઓસરી ગઈ હોય એવું બને. પણ એ વખતે ધાતુ પર કોતરકામ કરવાની આવડત કેળવી લેવી જોઈએ. આંખે ઝાંખપ આવી હોય કે હાથમાં ધ્રુજારી પ્રવેશી ગઈ હોય તો શરીરની એ મર્યાદા દૂર કરવાના પ્રયાસ કરવા જોઈએ- એ ઉંમરે નહીં પણ ટ્વેન્ટીઝમાં હો ત્યારથી એવી સાવધાની વર્તવી જોઈએ કે સિક્સ્ટીઝમાં પછી શરીર નીરોગી રહે. આમ છતાં વૃધ્ધાવસ્થામાં શારીરિક ક્ષમતાને અસર પડવાની જ છે તો જે અને જેટલી ક્ષમતા હોય એ પ્રકારે કામ શોધી લેવું જોઈએ પણ બેકાર બેસીને બગીચાના બાંકડા પર કૂથલીઓની મહેફિલ ન સજાવવી જોઈએ.
આપણાં શાસ્ત્રોએ જ્યારે ચાર વર્ણાશ્રમની વાત કરી ત્યારે મનુષ્યની જિંદગીમાં કેટલીક વસ્તુઓ નહોતી. એ જમાના પ્રમાણે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમના વિભાગ બિલકુલ યોગ્ય હતા. હવે એ અપ્રસ્તુત છે. નોકરિયાતો માટે ૫૮-૬૦ કે ૬૫ની વયમર્યાદા બાંધી દેવામાં આવી છે. ત્યાર બાદ ફરજિયાત નિવૃત્તિ. પણ હવે એ જરૂરી નથી. નોકરી માટેના નિયમો બદલાશે ત્યારે બદલાશે. તમારે તમારું માઈન્ડ ટ્વેન્ટીઝમાં હો ત્યારે જ બદલી નાખવાનું છે કે નિવૃત્તિ મારા માટે હાનિકારક છે, નિવૃત્તિ મૃત્યુ છે, નિવૃત્તિ આ જગત પરનું ૠણ ચૂકવવાની જવાબદારીની છટકબારી છે.
નિયમિત કામ કરનારાઓને અનુભવ હશે કે વીક એન્ડની રજા લીધા પછી સોમવારે કામ શરુ કરવાનું હોય ત્યારે સ્ફૂર્તિ આવવાને બદલે આળસ ચડી જાય છે. કામ કરવાનો કંટાળો આવે છે. અંગ્રેજીમાં એના માટે એક શબ્દપ્રયોગ છેઃ મન્ડે બ્લુઝ. બ્લુ કલર ક્યારેક ગમગીનીનો મનાયો છે (મારા માટે તો એ પ્રફુલ્લિત રંગ છે, મારો ફેવરિટ છે). પણ એક દિવસ જો કામ ન કર્યું હોય તો બીજા દિવસે કામ કરવું જરા મુશ્કેલ બની જતું હોય છે. બીજે દિવસે પણ કામ ન કર્યું હોય તો ત્રીજા દિવસે શરૂ કરવું ઑર મુશ્કેલ બની જતું હોય છે. જેમ જેમ નિષ્ક્રિયતાના દિવસો વધતા જાય એમ એમ ફરી કામ શરૂ કરવાનું કપરું બનતું જાય. મશીન કટાઈ જવા લાગે. વિજ્ઞાનની થોડી ઘણી જાણકારી ધરાવનારાઓ માટે ઇનર્શિયા શબ્દ અજાણ્યો નથી. આપણે ઝાઝી વિગતમાં ઊતરવું નથી પણ એટલું સમજવું પૂરતું છે કે સ્થિર પૈડાને સરકાવીને એને એક વખત ગતિ આપો તો એ એની મેળે, પોતાનામાંથી જ ઊર્જા પેદા કરીને ફરતું રહે. આવાં ઘણાં મિકેનિકલ રમકડાં તમે જોયાં હશે જેને એક વખત જોર આપ્યા પછી, જ્યાં સુધી રોકો નહીં ત્યાં સુધી, ચાલ્યા જ કરે.
શરીરમાં પણ આવું કોઈ અદ્રશ્ય બળ હોવું જોઈએ જેને એક વખત ધક્કો આપો તો એ પોતાની ઊર્જા આપમેળે પેદા કરીને કામ કરતું રહે. પણ જો એને અટકાવી દો તો ફરી ચાલુ કરવા બમણી તાકાત લગાવવી પડે. રોજેરોજ લેખ લખનારાઓને અનુભવ હશે કે એક દિવસ ન લખાયું તો લખવાની રિધમ તૂટી જવાને લીધે બીજા દિવસે લખવું કપરું બની જતું હોય છે. એક લેખકને પૂછવામાં આવ્યું કે તમે રોજેરોજ રેગ્યુલરલી લખો છો એનું રહસ્ય શું? લેખકે જવાબ આપ્યોઃ હું રેગ્યુલરલી લખું છું એટલે જ રેગ્યુલરલી લખી શકું છું. વચ્ચે વચ્ચે રજા લેતો હોત તો મારી આ નિયમિતતા જળવાતી ન હોત.
નિવૃત્તિ તમારા જીવનની નિયમિતતા પર મરણતોલ પ્રહાર કરે છે. ફિઝિકલ નિવૃત્તિ કરતાં પણ વધારે ખતરનાક નિવૃત્તિનો વિચાર છે. સાઠ-પાસઠ વર્ષ પછી હીંચકે બેસીને છાપાં વાંચીશું અને પ્રભુની ભક્તિ કરીશું એવી માનસિકતા કોઈ પણ ઉંમરે મનમાં પ્રવેશવી ન જોઈએ.
વીસ-પચીસની ઉંમરે જ તમારે નક્કી કરી લેવાનું હોય કે કમ વૉટ મે, હું નિવૃત્તિ નહીં લઉં, હું મારા માટે કે મારા સમાજ માટે નકામો નહીં બનું અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કામ કરતો રહીશ, નક્કર પ્રવૃત્તિ કરતો રહીશ, શરીરની કૅપેસિટી મુજબ જે કંઈ શક્ય હશે તે કામ કરતો રહીશ.
અને તમારા શરીરની કૅપેસિટી બે જ જણના હાથમાં છે- તમારા અને ભગવાનના. ભગવાનને એનું કામ કરવા દઈએ. આપણે આપણું કામ કરીએ. શરીરનું આ મૉડેલ પૂરા ૧૦૦ વર્ષ ચાલે એવું બનાવવામાં આવ્યું છે. સો વર્ષ જીવવાનો નિર્ધાર કરવાનું મન ત્યારે જ થશે જ્યારે સંકલ્પ લેવાશે કે જીવીએ ત્યાં સુધી કાર્યરત રહેવું છે- કે.કા. શાસ્ત્રીની જેમ, ખુશવંત સિંહની જેમ કે પછી દેગી મિર્ચ વેચતા બાપાજીની જેમ.
શતાયુ થયાના આશીર્વાદ ત્યારે જ આશીર્વાદ જેવા લાગે જ્યારે મનમાં એવી કોઈ ભાવના ન હોય કે અમુક ઉંમરે કામકાજમાંથી પરવારીને નિવૃત્તિ લઈ લેવી છે. સો વર્ષ સુધી જીવવાનો દ્રઢ સંકલ્પ હશે તો આપોઆપ તમે ટ્વેન્ટીઝમાં જ તમારા શરીરની, તમારા મનની એક્સ્ટ્રા કૅર લેતા થઈ જશો. તમારી પાસે, તમારા હાથમાં ચાનો કે ઠંડા પીણાનો ડિસ્પોઝેબલ કપ હશે- કાગળનો કે પ્લાસ્ટિકનો તમે એની કેટલી કાળજી લેશો? અને તમારા હાથમાં ક્રિસ્ટલનો ગ્લાસ હશે તો કેટલી કાળજી લેશો? એ ગ્લાસ તમને તમારા બાપદાદાઓ પાસેથી મળ્યો છે. તમારા માટે એ કૌટુંબિક ગૌરવસમો છે, હેરિટેજ છે, ઍરલૂમ છે. તમે એને વારસામાં આપી જવાના છો. પ્લાસ્ટિકની ચાની પ્યાલીમાં અને આ ક્રિસ્ટલ ગ્લાસમાં જે ફરક છે એની તમને ખબર છે. શરીરની જાળવણી પણ એ જ રીતે કરવાની છે એની પણ તમને ખબર છે. ટ્વેન્ટીઝ ઉંમરનો એ ગાળો છે જ્યારે તમારે તમારાં આવતાં ૭૦-૮૦ વર્ષ વિશે વિચારી લેવાનું હોય. વૃધ્ધાવસ્થાનું પ્લાનિંગ એટલે પેન્શનની ગણતરી નહીં, ઈન્વેસ્ટમેન્ટનું વ્યાજ કેટલું આવશે એના સરવાળા-ગુણાકાર નહીં. વૃધ્ધાવસ્થાનું પ્લાનિંગ એટલે એ ઉંમરે હું મારી ૨૪ કલાકની જિંદગીમાં મેક્સિમમ સમય કઈ કઈ પ્રવૃત્તિઓમાં ગાળીશ એની કલ્પના. વૃધ્ધાવસ્થા નિવૃત્તિ માટે નથી ભરપૂર પ્રવૃત્તિઓ માટે છે એવી સભાનતા અત્યારે જ, તમે ટ્વેન્ટીઝમાં છો ત્યારે જ, જો મનમાં જડબેસલાક બેસી ગઈ હશે તો મોટી ઉંમરે તમે સિનિયર સિટિઝન તરીકે સમાજ પર ભારરૂપ નહીં બનો, કુટુંબ માટે કચકચિયા નહીં બનો, તમારા પોતાના માટે પ્રાર્થના કરતાં નહીં થઈ જાઓઃ હે પ્રભુ, હજુ કેટલા દિવસ! અને કોઈ દિવસ આવું ભજન નહીં ગાઓ કે પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, બહુય સમજાવ્યું તોય પંખી નવું પિંજરું માગે!
પાન બનાર્સવાલા
તમારી ઉંમર કેટલી છે એનું મહત્વ નથી, એ ઉંમર સુધી તમે કેવી રીતે પહોચ્યા છો અને હવે આ ઉંમરે તમે શું કરી રહ્યા છો એ અગત્યનું છે.
–અજ્ઞાત
Wah Thank u. Khubaj saras hu 28 year ni chu. Ane have hu khub care karish mari. Pan ek sawal e che k hu housewife chu mare mara sapna pura karva mate shu karvu ? Ane sapnao pura karva mate koi stage nathi madi rahyu. Jethi man ma satat nirasha no bhav utpan thai k mari life ma talent hova chatta pan hu kaij kari nathi shakti.
????