બાળાસાહેબના જીવનને સચ્ચાઈથી પેશ કરતી ઉમદા ફિલ્મ ‘ઠાકરે’

ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : બુધવાર, 30 જાન્યુઆરી 2019)

બાળાસાહેબ ઠાકરે નિખાલસ હતા, તડ અને ફડના માણસ હતા. જાહેરમાં કહેતા, શબ્દો ચોર્યા વિના કહેતા કે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી મનોહર જોશી છે, પણ એમની સત્તાનું રિમોટ કન્ટ્રોલ મારા હાથમાં છે. મીડિયા એમની ટીકા કરતું. રિમોટ કન્ટ્રોલનાં કાર્ટૂનો બનતાં. ‘ઠાકરે’ ફિલ્મમાં 1995માં મનોહર જોશી મુખ્ય પ્રધાનપદના શપથ લે છે તે પહેલાં બાળ ઠાકરેના હાથમાં રિમોટ કન્ટ્રોલ દેખાડવામાં આવે છે. ‘ઠાકરે’ ફિલ્મની આ ટ્રાન્સપરન્સી છે. 

પણ આવી પારદર્શકતા બીજા રાજકીય પક્ષોમાં નથી હોતી. કૉન્ગ્રેસી મુખ્ય પ્રધાનોની ચોટલી ઈંદિરા ગાંધીના હાથમાં રહેતી. હાઈ કમાન્ડ કે મોવડી મંડળના નામે ઈંદિરાથી લઈને સોનિયા સુધીના સૌ કોઈએ પોતાના મુખ્ય પ્રધાનોને પોતાની આંગળીના ઈશારે નચાવ્યા છે. પશ્ચિમ બંગાળમાં સામ્યવાદીઓનું શાસન હતું ત્યારે કે કેરળમાં અત્યારે કમ્યુનિસ્ટોનું શાસન છે ત્યારે – એમના ચીફ મિનિસ્ટરોએ પોલિટબ્યૂરોને પૂછીને પાણી પીવું પડે છે અને પરવાનગી મળે ત્યારે જ અને એટલો જ પેશાબ કરવો પડે છે. શું આ તાનાશાહી કે ડિક્ટેટરશીપ નથી? શું આ લોકતંત્ર છે? અને લોકો બાળાસાહેબને કહેતા કે તમે તાનાશાહ છો, સરમુખત્યાર છો, તમે લોકતંત્રમાં માનતા નથી. 

‘ઠાકરે’ ફિલ્મમાં બાળાસાહેબની આ ટ્રેઈટના એકાધિક રેફરન્સીસ છે. શિવસેનાના અર્લી દિવસોમાં એક નેતા પક્ષમાં લોકશાહી હોવી જોઈએ એવી માગણી સાથે બાળાસાહેબની વિરુદ્ધ એક સભાનું આયોજન કરે છે ત્યારે બાળાસાહેબના ઈશારે એના શું હાલ-હવાલ થાય છે તે ફિલ્મમાં કોઈની શેહ શરમ વિના દર્શાવવામાં આવ્યું છે. 

ફિલ્મમાં નથી પણ બાળાસાહેબે પોતે દોરેલું સેલ્ફ કેરિકેચર યાદ આવે છે. ડેકોરેટિવ ફ્રેમમાં બાળ ઠાકરે દેખાય છે. ફ્રેમની પાછળથી એક હાથ બહાર નીકળે છે. હાથમાં પીંછી છે અને પીંછી વડે બાળ ઠાકરેના મુખારવિંદ પર હિટલર જેવી મૂછો દોરવામાં આવે છે. બાળ ઠાકરે સ્મિત કરે છે. આ ઠઠ્ઠાચિત્રે ખૂદ બાળાસાહેબ ઠાકરેએ દોેરેલું છે અને બહુતેક ‘ફટકારે’ નામના એમના કાર્ટૂનોના હવે દુર્લભ બની ગયેલા સંગ્રહમાં જોયેલું છે. અત્યારે એ પુસ્તક મારી લાઈબ્રેરીમાં ક્યાંક આડે હાથે મૂકાઈ ગયું છે અન્યથા આ લેખ સાથે એ કાર્ટૂન પુન: મુદ્રિત કર્યું હોત. 

લો, મળી ગયું!

બાળ ઠાકરેએ મુંબઈમાં રહેતા સાઉથ ઈન્ડિયન્સ વિરુદ્ધ નારો આપ્યો: ‘ઉઠાવ લૂંગી, બજાવ પૂંગી’. ફિલ્મના મરાઠી વર્ઝનમાં આ સૂત્ર છે, હિંદીમાં સેન્સરે કઢાવી નાખ્યું છે. એ વખત બાળાસાહેબની રાજકીય કારકિર્દીનો ઉદય કાળ હતો. બેલગામ મહારાષ્ટ્રમાં હોવું જોઈએ, દક્ષિણ ભારતીયો અને ગુજરાતીઓ સહિતના પરપ્રાંતીયો મરાઠીઓને અન્યાય કરે છે વગેરે ઈશ્યુ ઊભા કરીને ઠાકરે ઠાકરે બન્યા. સ્ટેપિંગ સ્ટોન તરીકે આ મુદ્દાઓ વાપર્યા પછી તેઓ હિન્દુત્વના મુદ્દા પર આવ્યા અને મરતાં દમ તક એ મુદ્દાને વળગી રહ્યા. એક જમાનામાં ગુજરાતીઓ વિરુદ્ધ ચળવળ ચલાવનાર શિવસેના પ્રમુખ 2002ના ગોધરા હિંદુ હત્યાકાંડના જવાબરૂપે પ્રસરેલા રમખાણો દરમ્યાન મક્કમપણે નરેન્દ્ર મોદીને પડખે રહ્યા હતા. 

‘ઠાકરે’ ફિલ્મ જોનારા ગુજરાતીઓને મોરારજી દેસાઈ પ્રત્યેનો બાળાસાહેબનો અભિગમ ખટકશે. અસુ દે. ભલે ખટકતો. દરેક પૉપ્યુલર પોલિટિશ્યને કેટલાક ટેમ્પરરી ઈશ્યુઝને પાયદાન બનાવીને ઉપર ચડવું પડતું હોય છે. બાળાસાહેબે મોરારજીભાઈને સ્ટેપિંગ સ્ટોન તરીકે વાપર્યા, પણ બાળાસાહેબના મનમાં ગુજરાતીઓ માટે કોઈ દ્વેષ નહોતો. 1985માં મેં બાન્દ્રાના ‘માતોશ્રી’ના બંગલે જઈને એમની મુલાકાત લીધી હતી. તે વખતે પરપ્રાંતીયો વિરુદ્ધનો મુદ્દો શિવસેનાએ પુન: ચગાવ્યો હતો. બાળાસાહેબે ઈન્ટરવ્યૂ દરમ્યાન મને ઑફ ધ રેકોર્ડ કહ્યું હતું કે અમારે તો માત્ર મરાઠીઓને એમના હક્ક મળે એ માટે જ ચળવળ ચલાવવી છે, પણ પરપ્રાંતીયો વિરુદ્ધનો વિશાળ મુદ્દો લઈને હોદ્દા કરવાની સ્ટ્રેટેજી એટલા માટે અપનાવવી પડે છે કે અમે તોપ માગીશું તો બંદૂક મળશે! તંત્રી હરકિસન મહેતાને મેં કહેલું કે આ શબ્દો પ્રગટ કરવાની બાળાસાહેબે છૂટ આપી છે, પણ એમના નામે નહીં. કવર સ્ટોરીમાં આ શબ્દો એક દિગ્ગજ મરાઠી નેતાના નામે છપાયા અને બાકીના નિર્દોષ-નૉર્મલ સ્ટેટમેન્ટ બાળાસાહેબના નામે. 

‘ઠાકરે’ ફિલ્મ જોતાં જોતાં (અત્યારે ત્રીજીવાર જોઈને બહાર નીકળ્યો છું. પહેલીવાર મરાઠીમાં જોઈ, બીજી વાર હિંદીમાં અને ત્રીજીવાર ફરી મરાઠીમાં બઘીતલી). 13 ઑગસ્ટ, 1960ના રોજ બાળાસાહેબે ‘માર્મિક’ સાપ્તાહિકની સ્થાપના કરી. આ સાલ અને આ તારીખ બંનેનું અલગ અલગ કારણોસર મારા જીવનમાં સ્થાન છે. ‘માર્મિક’ સાપ્તાહિક મરાઠીમાં આવે, પણ હું નવ-દસ વર્ષની ઉંમરથી એનાથી પરિચિત. 1969-70ના વર્ષોથી. અમારા ફલેટની બાજુમાં જ સાવંત દંપતીનો નિવાસ. સાવંતકાકાની પત્ની ગુજરાતી. એમને ત્યાં ‘માર્મિક’ આવે. હું એનાં કાર્ટૂનો જોઉં. ધીમે ધીમે એમાં છપાતા ફિલ્મ રિવ્યૂ વાંચતો થયેલો. ‘રવિવારચી જત્રા’ના નામે બાળાસાહેબ સેન્ટર સ્પ્રેડમાં કાર્ટૂનો કરે. જોવાં ગમે. થોડી થોડી સમજ પડે. ઘણું ઘણું ડોક્યા વર્તી જાય. 

1969નાં રમખાણો દરેક જૂના મુંબઈગરાને યાદ હશે. મને બરાબર યાદ છે. બાળાસાહેબની ધરપકડ થયા પછી શિવસેનાએ ખૂબ મોટા પ્રમાણમાં તોફાનો કર્યા. તોફાનોનું કેન્દ્ર દાદર-માટુંગા. દાદરની કોહિનૂર મિલના શો રૂમથી (જ્યાં કૉર્નર પર અત્યારે સેના ભવન છે ત્યાંથી) અમારું ઘર પાંચેક મિનિટના વૉકિંગ ડિસ્ટન્સ પર. સિટીલાઈટ સિનેમાની સમોર. અમારી બાલકનીમાંથી લેડી જમશેદજી રોડ દેખાય, પણ સાવંતકાકાની બાલકનીમાંથી સિટીલાઈટ સિનેમા પણ દેખાય. થિયેટર પૂરું થાય અને એક ગલી અંદરની તરફ જાય જ્યાં કૈલાસ પાણીપૂરીવાળાની દુકાન અને આગળ ગુરુદ્વારા. ગલીમાં પ્રવેશવાને બદલે લેડી જમશેદજી રોડ પર જ રહો તો કૉર્નર પર ઈરાની હૉટલ જ્યાં એક જ્યુક બૉક્સ હતું અને 1970માં જિતેન્દ્ર-મહેમૂદનું ‘હમજોલી’ આવ્યું ત્યારે દસ-દસ પૈસાના સિક્કા નાખીને કલાકો સુધી એનાં ગીતો સાંભળ્યા કરતા.

1969નાં રમખાણો વખતે સાવંતકાકાની બાલકનીમાં ઊભાં ઊભાં એક દૃશ્ય જોયેલું. ઈરાનીની આડશમાં છુપાઈને પોલીસવાળા ઊભા હતા. હાથમાં લાંબી રાયફલ. ગુરુદ્વારાવાળી ગલીમાંથી એક માણસ ખમીસનાં બધાં બટન ખુલ્લાં રાખીને હાથમાંની તલવાર વીંઝતો મેઈન રોડ પર આવે છે. આજુબાજુ જુએ છે. ઈરાની પાસે છુપાયેલી પોલીસ એને દેખાતી નથી. એ બિનધાસ્ત સિટીલાઈટ સિનેમાના કમ્પાઉન્ડની દીવાલ સરસી પીઠ રાખીને દાદર-કોહિનૂર મિલની દિશા તરફ સાવચેતીથી દોડી રહ્યો છે ત્યાં જ કાનની બાજુમાં જ કોઈએ ફુગ્ગો ફોડ્યો હોય એવો ‘ફટાક’ અવાજ સંભળાયો અને પેલો માણસ લંગડાતો લંગડાતો પડી ગયો. જે પોલીસે ગોળી છોડેલી તે બીજા સાથીઓ સાથે આવીને પેલાને ઊભો કરે છે. બસ એટલું યાદ છે.

અમારા મકાન નીચે સાઉથ ઈન્ડિયન કાપડ મિલ બિન્નીનો શો રૂમ. તોફાનીઓએ એમાં આગ લગાડેલી. અમે છોકરાંઓ ગભરાઈ ગયેલા. બિન્નીમાંથી લૂંટેલા કાપડના તાકાઓ અમારી દીનાથ વાડીમાં સસ્તા ભાવે વેચાતા થયેલા. પપ્પા અડોશ-પડોશીઓને કહેતા: ચોરીનો માલ. ગમે એટલો સસ્તો મળે તો પણ ના લેવાય. બેચાર દિવસ પછી જે લોકોના ઘરમાંથી એ તાકાઓ નીકળ્યા એમને પોલીસ પકડીને લઈ ગયેલી. એ દિવસો દરમ્યાન ચોવીસ કલાકનો કરફ્યુ રહેતો. થોડા દિવસ પછી કરફ્યુમાં બે કલાકની છૂટ મળતી, જેથી લોકો જીવનજરૂરિયાતની ચીજો ખરીદવા જઈ શકે. પપ્પાની જોડે અમે પણ આ બે કલાકની છૂટ દરમ્યાન દાદર-શિવાજી પાર્ક સુધી આંટો મારી આવતા – પપ્પાને માટે ચામાં નાખવાનું તાજું દૂધ તરત જ ખલાસ થઈ જતું એટલે કન્ડેન્સ્ડ મિલ્કનો ડબ્બો ખરીદી લાવતા, પણ પપ્પાને એમાં બનેલી ચા ભાવતી નહીં.

ગુજરાતીઓમાં શિવસેના બદનામ થઈ ગયેલી – પણ મને ‘માર્મિક’ વાંચવાનું/જોવાનું ગમતું. મોટા થયા પછી, આ ક્ષેત્રમાં આવ્યા પછી જ્યારે જ્યારે શિવસેનાએ કે બાળાસાહેબે ગુજરાતીઓ વિરુદ્ધ (લક્ષ્મી વર્સીસ સરસ્વતીવાળો મુદ્દો) કે મોરારજીભાઈ વિરુદ્ધ (બાન્દ્રાના ફ્લાયઓવરના નામકરણ વખતે) કંઈ પણ કહ્યું છે ત્યારે ત્યારે મેં જાહેરમાં લખીને, જાહેરમાં બોલીને ગુજરાતીઓનો – મોરારજી કાકાનો પક્ષ લઈને ટીકાકારોની આકરી-તીવ્ર આલોચના કરી છે, પણ જ્યારે હિન્દુત્વનો, રાષ્ટ્રપ્રેમનો મુદ્દો આવ્યો છે ત્યારે હું એમનો મક્કમ સપોર્ટર રહ્યો છું. આજની તારીખે હું જોઉં છું કે બાળાસાહેબ પ્રત્યેનું મારું માન ઉત્તરોત્તર વધતું ગયું છે, કારણ કે છેક 1987થી તેઓ પ્રગટપણે હિંદુત્વના સક્ષમ સમર્થક રહ્યા છે. મુંબઈ પર પોતાનો હક્ક પહેલો છે એવું માનનારા ગુજરાતીઓએ વિચારવું જોઈએ કે 1992માં બાબરી તૂટ્યા પછી મુંબઈમાં જે રમખાણો થયાં ત્યારે મુંબઈને બચાવવા કોણ રસ્તા પર ઊતર્યું હતું – ગુજરાતીઓ? કે પછી શિવસૈનિકો? 2012માં બાળાસાહેબ આ દુનિયા છોડીને જતા રહ્યા તે પછી એમણે સ્થાપેલી શિવસેના કોઈ ઝુંબેશ નથી રહી, માત્ર એક રાજકીય પક્ષ બનીને રહી ગઈ છે જે અન્ય કોઈ પણ પોલિટિકલ પાર્ટીની જેમ જોડતોડ અને તકવાદમાં સરી પડી ગઈ છે, પણ બાળાસાહેબનો આત્મા જેમાં શ્વસતો હતો તે શિવસેના કંઈક જુદી જ હતી જેણે મુંબઈમાંથી સામ્યવાદીઓને લાત મારી હાંકી મૂક્યા. ‘ઠકારે’ ફિલ્મ આવા બાળાસાહેબને સમર્પિત એક સશક્ત કૃતિ છે જેના માટે પ્રોડ્યુસર સંજય રાઉત, દિગ્દર્શક અભિજિત પાનસે અને વિશેષત: આજના જમાનાના સર્વશ્રેષ્ઠ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી અભિનંદનના અધિકારી છે.

આજનો વિચાર

જે રંગની બુલેટ મારા શરીરને સ્પર્શ કરશે તે રંગ આ દેશમાં રહેશે નહીં.

– ‘ઠાકરે’ ફિલ્મનો એક ડાયલૉગ.

એક મિનિટ!

બકો: પકા, તને ખબર છે?

પકો: શું, બકા?

બકો: પ્રિયંકા આ જગતની એવી સૌ પ્રથમ રાજકારણી હશે જેનું પિયર અને જેનું સાસરું બેઉ જામીન પર છૂટેલું છે!

4 COMMENTS

  1. Dear Sir,
    I’m enriched after reading your texts and please keep it up.
    With warm regards,
    Vijay Kanabar.

  2. ગુજરાતી લેખ માં મરાઠી શબ્દો છાન વાટલે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here