આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ મહારાજ સમજાવે છે કે પ્રેમ એટલે શું?

ગુડ મૉર્નિંગઃ સૌરભ શાહ

શનિવાર, ૧૩ ઑક્ટોબર ૨૦૧૮

કોઈને તમારા માટે પ્રેમ છે કે નહીં, લાગણી છે કે નહીં એની ખબર કેવી રીતે પડે? શું પ્રેમ કે લાગણી જોખીતોળી શકાય? શા માટે ઘણીવાર આપણને કોઈના આપણા પ્રત્યેના પ્રેમમાં વધઘટ થતી હોય એવું લાગે છે? શું ખરેખર એવી વધઘટ થતી હોય છે? કે પછી આપણી પોતાની અંદર આવતી મૂડની ભરતીઓટને પરિણામે આપણને એવું લાગતું હોય છે? સાચો પ્રેમ કોને કહેવાય? બનાવટી પ્રેમ કોને કહેવાય?

આ અને આવા અનેક પ્રશ્નો જિંદગીમાં અનેક વ્યક્તિઓ માટે થતા રહે છે. મિત્ર માટે કે પછી પત્ની માટે કે પછી માતાપિતા માટે કે સંતાન માટે કે જે કોઈ વ્યક્તિ આપણી નજીક હોય એના માટે આપણને પ્રશ્ન સતાવતો રહે છેઃ શું એ મને ખરેખર પ્રેમ કરે છે?

આ તમામ સવાલોનું સરળ નિરાકરણ આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ મહારાજ સાહેબ પાસેથી મળે છે. ‘વન મિનિટ, પ્લીઝ’ પુસ્તકમાં તેઓ પ્રશ્ન મૂકે છેઃ ‘પ્રેમના માર્ગ પર રાખવા જેવી સાવધગીરી?’ અને એક વાક્યમાં એનો ગહન ઉત્તર આપે છેઃ ‘પ્રેમની પરીક્ષા લેવી નહીં અને(કોઈ લેવા માગતું હોય તો) આપણે(એવી પરીક્ષા) આપવા સદાય તત્પર રહેવું.’

ગુરુદેવ અહીં ઈશારો કરે છે કે પ્રેમની બાબતમાં અપેક્ષા નહીં રાખવાની, માત્ર આપવાનું અને આપ્યા જ કરવાનું. કવિ હરીદ્ર દવેની એક અતિ સુંદર અને ખૂબ મશહૂર પંક્તિ છેઃ ‘કોઈનો પ્રેમ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.’ મહારાજ સાહેબ કહે છે કે કોઈને તમારા માટે કેટલો પ્રેમ છે, પ્રેમ છે કે નહીં એની પણ કસોટી કરવી નહીં. શું કામ? પ્રેમ કોઈ સ્પર્શી શકાય એવી ચીજ નથી કે એને તમે ફૂટમાં, લીટરમાં કે કિલોગ્રામમાં માપીજોખી શકો. કોઈને તમારા પ્રત્યે પ્રેમ છે કે નહીં એવી લાગણી તમારા એ વ્યક્તિ માટેના ભાવ પર વધારે નિર્ભર કરતી હોય છે. સામેની વ્યક્તિને તમારા માટે અપાર પ્રેમ હોય છતાં તમારી કોઈ અપેક્ષા એના દ્વારા પૂરી ન થતી હોય તો તમને લાગ્યા કરશે કે એને તમારા માટે પ્રેમ નથી. આવું થાય ત્યારે વાંક એનો નહીં પણ આપણો પોતાનો છે એવું ભાગ્યે જ સમજતાં હોઈએ છીએ. આની સામે એવું પણ બને કે સામેની વ્યક્તિને તમારા માટે પ્રેમ ન હોય પણ તમારી અંદર એના માટે અઢળક લાગણીઓ ધોધમાર વહ્યા કરતી હોય. તમે સતત એનું સારું થાય, ભલું થાય એવું વિચાર્યા કરતા હો. કોઈકના માટેની આવી કૂણી, ઉમદા, હૂંફાળી લગણીઓ આપણા આંતરિક વાતાવરણને સમૃદ્ધ બનાવે છે. આવા પ્રેમનો પડઘો પડે કે નહીં, આવી લાગણીઓ આપણને બહેતર ઈન્સાન બનાવે છે.

કોઈને તમારા માટે પ્રેમ છે કે નહીં અથવા જો છે તો કેટલો છે એવી કસોટી કરવા જઈશું તો ઉપરની બેઉ પરિસ્થિતિ વખતે તમે નિરાશ જ થવાના. નુકસાન તમારું થશે, એનું નહીં. માટે જ આ બાબતમાં કોઈની પરીક્ષા લેવી નહીં.

પણ પરીક્ષા આપવા માટે સદા તત્પર રહેવું. કોઈ જો તમારી કસોટી કરવા માગતું હોય તો તમારા સુવર્ણમાં ભેગ નથી એવું પુરવાર કરવા માટે આપણો કસ કાઢવામાં આવતો હોય તો ખુશી ખુશી પથ્થર પર ઘસાવા તૈયાર રહેવું. આવું શું કામ? કોઈની પરીક્ષા મારાથી ન લેવાય અને મારે પરીક્ષા આપવા સદાય તૈયાર રહેવું એવો એકતરફી વ્યવહાર શું કામ?

ગુરુદેવે સાધુ બન્યા પછી સંસાર છોડી દીધો છે પણ તેઓ હિમાલયમાં જઈને નથી વસ્યા, આપણા સૌની વચ્ચે રહીને તેઓ પોતાની ધર્મસાધના કરતા રહે છે. એટલે જ આપણા સૌની સમસ્યાઓથી તેઓ વાકેફ છે, આપણા મનની મૂંઝવણો વિશે એમને રજે રજની ખબર છે. ગુરુદેવ પાસે કહ્યા વિના સમજી જવાની પ્રભુકૃપા છે. આપણી તકલીફોનું બયાન કરીએ તે પહેલાં તેઓ એક નજરમાં પામી જાય છે કે આપણું મશીન ક્યાં ખોટકાયું છે, આપણો ક્યો સ્પેરપાર્ટ બગડી ગયો છે જેનું સમારકામ કરવાની જરૂર છે. પ્રેમ કે લાગણીની બાબતમાં એમણે જોયું છે કે પ્રેમ એક ઊંઝણ-લ્યુબ્રિકન્ટ છે જેના વિના એન્જિન ચાલતું નથી. ઑઈલ વિના એન્જિનનું કામ અટકી પડે, પ્રેમ વિના જિંદગી અટકી પડે. પ્રેમ પામવા માટે બીજી વ્યક્તિઓ પર આધાર રાખવામાં આવશે તો આપણું એન્જિન પરતંત્ર બની જશે. બીજાઓ તરફથી જ્યારે જેટલો પ્રેમ મળે ત્યારે જ અને તેટલો જ વખત આપણું એન્જિન ચાલે એવી વિષમ પરિસ્થિતિ સર્જાય તો જિંદગી ખોરવાઈ જાય, ખોડંગાઈ જાય. એને બદલે આપણે જો પ્રેમ કરતા રહીએ, બીજાઓ જો આપણા પ્રેમના પુરાવા માગે ત્યારે નિરંતર આપતા રહીએ તો આપણા એન્જિન માટે બહારથી ઊંઝણ લાવવાની ગોઠવણ ન કરવી પડે. આપણે જ મેન્યુફેક્ચરર, આપણે જ સપ્લાયર અને આપણે જ કન્ઝ્યુમર. જિંદગીમાં લાગણીઓની બાબતમાં સ્વનિર્ભર થવું હશે તો મહારાજ સાહેબની આ એક વાક્યની વાત મનમાં ઊંડે સુધી ઉતારી દેવી પડે. આપણા પ્રત્યેના બીજાઓના વર્તનમાં આવતા ચઢાવઉતારથી મન ઝોલા ખાતું ન રહે, આપણે સ્થિર બુદ્ધિના થઈને સ્વસ્થ રીતે આપણી જિંદગીનું સંચાલન કરતાં રહીએ તે માટે બીજાઓના આપણા પ્રત્યેના પ્રેમની પરીક્ષા લેવાની લાલચ રાખવી નહીં. આપણામાં રહેલું બીજાઓ માટેના પ્રેમનું ઝરણું સુકાઈ ન જાય તે માટે બીજું કોઈ પરીક્ષા લેવા માગતું હોય તો કસોટી માટે ચોવીસે કલાક તૈયાર રહેવું. માનસચિકિત્સકો હજારો રૂપિયાની ફી લીધા પછી પણ તમારો જે પ્રોબ્લેમ સૉલ્વ ન કરી શકે તે ગુરુદેવે સાવ સરળ રીતે, સાદગીભરી ભાષામાં, બીજા કોઈ અટપટા વિચારોને રવાડે તમને ચડાવ્યા વિના ઉકેલી આપ્યો છે.

આજે બસ આટલું જ. પૂરું કરતાં પહેલાં ‘વન મિનિટ, પ્લીઝ’ માં મહારાજ સાહેબે પ્રેમ વિશે લખેલી વાતોનું નવનીત એમના જ શબ્દોમાં, પાંચ સવાલ જવાબના રૂપમાં મેળવી લઈએઃ

પ્ર.ઃ ‘લાગણીઓ ક્યારે નુકસાનકારી બની શકે છે ખરી?’
ઉ.ઃ ‘ખોટા સરનામે દર્શાવાતી હોય ત્યારે’.

બીજો સવાલ છેઃ ‘પ્રેમની સમજાઈ જાય એવી વ્યાખ્યા?’
ઉત્તર છેઃ ‘ગમે એટલો મળે, ઓછો જ લાગે એ પ્રેમ.’

ત્રીજો પ્રશ્નઃ ‘આપણા પ્રેમને નાનો કરી દેનારું પરિબળ?’
આ પ્રશ્ન જેટલો ગંભીર અને જેટલો ઉપયોગી છે એટલો જ એનો ઉત્તર ચોટદાર છે. સાહેબજીએ એક જ શબ્દમાં ઉત્તર આપ્યો છેઃ ‘ક્રોધ.’

આ એકશબ્દી ઉત્તર વિશે નિંરાતના એકાંતમાં વિચારીશું તો ખ્યાલ આવશે કે ગુરુદેવે આપણી પહાડ જેટલી ભૂલ સુધારી લેવા માટે એક નાના શબ્દમાં કેવી સચોટ ચાવી આપી દીધી છે.

ચોથો પ્રશ્નઃ ‘પ્રેમ એટલે?’ જેના જવાબરૂપે સાહેબજી કહે છેઃ ‘આપતાં રહેવા છતાં ક્યારેય ખૂટે નહીં એવી સંપત્તિ.’

અને પ્રેમ વિશેની પ્રશ્નોત્તરીમાંથી પસંદ કરેલો પાંચમો પ્રશ્ન છેઃ ‘લાગણી સસ્તી ક્યારે બની રહે છે?’
જવાબ છેઃ ‘આપણે એને જ્યાં ત્યાં ઢોળતા રહીએ છીએ ત્યારે.’

વધુ આવતી કાલે.

આજનો વિચાર

પ્ર.ઃ ‘પ્રેમની લડાઈમાં હાર કોની થાય?’
ઉ.ઃ જે વધુ પ્રેમ કરે એની.’
_આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ
(વન મિનિટ, પ્લીઝ’માં)

6 COMMENTS

  1. I felt so manytimes,when I met guruji & seat with him 5 minutes ,clear all questions of mind through his speech.i feel highly happiness that moment!!!

  2. પ્રેમની કસોટી કયારે થાય? અને થાય ત્યારે તેમાં સારા માકસે પાસ કેવી રીતે થવું?
    આવા અનેક પ્રશ્ર્નોનો જવાબ પૂજયશ્રી પાસેથી જ મલે…
    ખુબ ખુબ અનુમોદના…

  3. Hi
    Is this only online news paper ??

    As we want physical copy of this article for our record

    Regards,
    Palak Shah
    Ratnatrayee Trust
    Ahmedabad

  4. અદભૂત શ્રેણી, આ બધાજ વિષયો પર આટલી સરળ અને સ્પષ્ટ વાત ક્યાંય વાંચી નથી. ખરેખર અમૃત વાણી સ્વરૂપ આ લેખો છે. અને એમાં તમારૂ રસમય વર્ણન ..બસ હવે આ બધું જિંદગી માં જ્યાં ઉણપ લાગે ત્યાં ઉપયોગ માં લેવાનું

    આભાર આ સરસ પુસ્તક પર લેખ લખવા બાદલ સર જી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here