અંગ્રેજી મિડિયાની માનસિક ગુલામીમાંથી ભારતીય ભાષાઓના પત્રકારો હજુય બહાર નથી આવ્યા: સૌરભ શાહ

(ન્યુઝપ્રેમી ડૉટ કૉમઃ રવિવાર, 16 ઑગસ્ટ 2020)

(‘કટિંગ ચાય સિરીઝઃ બીજી પ્યાલી+ખારી)

એક જમાનો હતો જ્યારે કોઈપણ સમાચાર સાચા છે કે પછી માત્ર અફવા છે એ જતાવવા માટે કહેવાતું: ‘છાપામાં છપાયું છે’ અથવા ‘બીબીસી પર સાંભળ્યું’.

વાચકોના આ ચોવીસ કેરેટના ભરોસાના વળતરરૂપે મિડિયાએ પોતાની વિશ્વસનીયતા વધારીને વાચકોને પોતાની વધુ નજીક લાવવાની કોશિશ કરવાની હતી. એને બદલે મિડિયા વાચકોના આ ભરોસાને વટાવતું ગયું— પોતાના આકાઓના એજન્ડા પર સમાચારનો વરખ લગાડીને વાચકોને ખબર પણ ન પડે એ રીતે એમનો વિશ્વાસઘાત કરતું ગયું.

છાપામાં જે છપાયું તે અક્ષરશઃ સાચું એવું માનીને ચાલતા ભોળા વાચકોએ ભારતની આઝાદીની લડત વિશે કૉન્ગ્રેસે જે ગપગોળાવાળા ઇતિહાસનો ગોબેલ્સશાહી પ્રચાર કર્યો તે સ્વીકારી લેવાનું શરૂ કર્યું. ભારતની સંસ્કૃતિ, ભારતના વારસા વિશેના વામપંથી વિચારોનો પ્રચાર-પ્રસાર કરવામાં ઈરફાન હબીબ અને રોમિલા થાપડ જેવા ડઝનબંધ લેફટિસ્ટ હિસ્ટોરિયન્સ (લોકો આ બધાને હવે ડિસ્ટોરિયન્સ કહેતા થયા છે) ઉપરાંત મિડિયાનો પણ જબરજસ્ત ફાળો છે. એમ. એફ. હુસૈન જેવા કોમવાદીને સેક્યુલર તરીકે મિડિયાએ જ પ્રોજેક્ટ કર્યા અને બેવકૂફ જેવા હિન્દુઓ હુસૈનને પૂજવા લાગ્યા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની જેવી કંઈ કેટલીય નક્કર કામ કરીને પોતાનો રાષ્ટ્રવાદ અનેકવાર પુરવાર કરી ચૂકેલી આદરણીય સંસ્થાઓને, તેના નેતાઓને, કાર્યકર્તાઓને મિડિયાએ ઝનૂની કહી, એના એક પણ સેવાકાર્યનો ઉલ્લેખ સુદ્ધાં દાબી દીધો અને એના નેતાઓના વિધાનોને સંદર્ભ વિના ટાંકી વિવાદાસ્પદ બનાવ્યા, કાર્યકર્તાઓની નિષ્ઠાને બેહૂદી વર્તણૂક તરીકે ચીતરી. આ બધું કોણે કર્યું? આપણા મિડિયાએ કર્યું. છાપાં-મૅગેઝિનો અને ટીવી ચેનલોએ કર્યું. એ સૌની વાદે ચડીને સોશ્યલ મિડિયાના ઠેકેદારોએ કર્યું. આ મિડિયા એટલે અંગ્રેજી મિડિયા જે પોતાને મેઇન સ્ટ્રીમ મિડિયા તરીકે ઓળખે અને રાષ્ટ્રવ્યાપી મિડિયા તરીકે પોતાનો પ્રચાર થવા દે.

મિડિયામાં ભારતીયતાનું ચોમાસું બેસે એની રાહ જોઇને આજે કરોડો ભારતીયો કાગડોળે રાહ જોઇને બેઠા છે.

હકીકત એ છે કે ભારત આખાના છાપાં-મૅગેઝિનના વાચકોમાંથી ત્રણ ટકા કરતાંય ઓછા વાચકો અંગ્રેજી છાપાં-મૅગેઝિનો વાંચે છે. પણ પૂંછડી કૂતરાને પટપટાવે એ રીતે બાકીના 97 ટકા જેટલા વાચકોના માથા પર આ ત્રણ ટકા જેટલા વાચકો જે છાપાં-મૅગેઝિનો વાંચે છે એ અંગ્રેજી પત્રકારત્વના ઓપિનિયન/એનેલિસિસનું અનુકરણ થતું રહે છે. અંગ્રેજીવાળા જે સમાચારોને મહત્વ આપે એને અમારે પહેલે પાને મહત્વ આપવું અને જે સમાચારોને અવગણે એને છઠ્ઠા પાને સુવડાવી દેવા એવું ભારતીય ભાષાઓમાં કામ કરતા પત્રકારો માનતા થઈ ગયા. ચાળીસ વરસ પહેલાં સવારના ગુજરાતી છાપાઓમાં બપોરે ચાર વાગ્યાની સેકન્ડ શિફ્ટમાં કામ શરૂ થાય ત્યારે ન્યુઝ એડિટરો કે એમની અવેજીમાં ફ્રન્ટ પેજ તૈયાર કરનારા સિનિયર સબ-એડિટરો કૉલર ઊંચો કરીને કહેતા ફરતા: જોયું, આજ સવારની આપણી લીડ અને ટાઇમ્સ-એક્સપ્રેસની લીડ એક જ છે.

અંગ્રેજી મિડિયાની માનસિક ગુલામીમાંથી હિન્દી-ગુજરાતી-મરાઠી વગેરે ભાષાના પત્રકારો હજુય બહાર નથી આવ્યા. હશે, થોડાક અપવાદો જરૂર હશે પણ છૂટા છવાયા ઝાપટાં પડે એને ચોમાસું બેઠું એવું ન કહેવાય.

મિડિયામાં ભારતીયતાનું ચોમાસું બેસે એની રાહ જોઇને આજે કરોડો ભારતીયો કાગડોળે રાહ જોઇને બેઠા છે. આપણી પરંપરા, આપણા સંસ્કારોનો આદર કરે એવા મિડિયાની આપણે શોધમાં છીએ. હિન્દુત્વ, સનાતન, વૈદિક આ બધા શબ્દોને મિડિયાએ અભડાવી દીધા છે. એને માંજીને ફરી એનો અસલી ચળકાટ આપી શકે એવા મિડિયાની આપણને જરૂર છે. મિડિયા અને સોશ્યલ મિડિયામાં આપણને, આ દેશના રહેવાસીઓને, અનુકૂળ આવે એવી ઈકો સિસ્ટમ, એવું વાતાવરણ, એવી આબોહવા, ઊભી કરવી બહુ જરૂરી છે. અને આ કામ જો ઝડપથી નહીં થાય તો 2014 પછી આવેલી ક્રાન્તિને લેફ્ટિસ્ટો, કૉન્ગ્રેસીઓ અને ઓવૈસીઓ-મમતાઓ ભેગા કરીને રગદોળી નાખશે.

મિડિયા દ્વારા તમારા મનમાં એક પર્સેપ્શન ઊભું થાય છે. તમે તો કંઈ બધું ચકાસવા નથી જવાના કે ક્યાં શું સારું થઈ રહ્યું છે ને ક્યાં શું ખોટું થઈ રહ્યું છે. જે થઈ રહ્યું છે કે જે નથી થઈ રહ્યું એની આગામી અસરો વિશે વિચારવા માટેનું બૅકગ્રાઉન્ડ પણ આ મિડિયા જ ઓપિનિયન/એનેલિસિસના લેખો દ્વારા તૈયાર કરે છે જે બહુધા તમને ગેરમાર્ગે દોરી જનારું હોય છે.

એક દાખલો આપું. ભારતનો નહીં અમેરિકાનો. ત્યાંનું મિડિયા આપણે ત્યાંના મિડિયા કરતાં સવાયું બદમાશ છે. ક્યારેક તો ત્યાંના મિડિયાકર્મીઓની નિકૃષ્ટ હરકતોને જોઇને તમને રાજદીપ-બરખા વહાલાં લાગવા માંડે. અમેરિકાની બહુમતિ પ્રજા રિપબ્લિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણ કરે છે અને નવેમ્બરની ચૂંટણી માટે ટ્રમ્પ જોજનો આગળ છે એવું તમામ વિશ્વસનીય સર્વેક્ષણો કહે છે. આમ છતાં ત્યાંના મિડિયામાં જોરશોરથી થઈ રહેલા ટ્રમ્પવિરોધી પ્રચારને કારણે (અને એ સમાચારોને યથાવત તમારા સુધી પહોંચાડતા ભારતીય મિડિયાને કારણે) તમને એમ જ લાગે કે આખું અમેરિકા ટ્રમ્પને હાસ્યાસ્પદ ગણે છે, ટ્રમ્પની હાંસી ઉડાવે છે, ટ્રમ્પની વિરુદ્ધ છે. આનું કારણ એ છે કે અમેરિકાનું મિડિયા લેફટિસ્ટ વિચારસરણીવાળું છે, ડેમોક્રેટિક પક્ષ તરફી છે (નામ ડેમોક્રેટિક છે ખાલી. બાકી, પ્રચ્છન્ન તાનાશાહીમાં અને ટિપિકલ લેફટિસ્ટ અરાજકતામાં માનનારા હાડોહાડ જાતિવાદી લોકો છે એ બધા). ટ્રમ્પ વિરુદ્ધની એકાદ નાનીસરખી ચિનગારીને હવા આપીને આ મિડિયા અમેરિકન પ્રજાને એમાં પેટ્રોલ રેડવાની પ્રેરણા આપતી રહે છે.

મને એક હત્યા કરવાની છૂટ હોય અને મારી સામે એક આતંકવાદી અને એક સેક્યુલરવાદી હોય તો હું પહેલાં કોનું જયશ્રી કૃષ્ણ કરું? સેક્યુલરવાદીનું.

ભારતમાં આપણે આ બધું જ જોઈ ચૂક્યા છીએ. 1992ની છઠ્ઠી ડિસેમ્બર પછી અને 2002ની 27મી ફેબ્રુઆરી પછી મિડિયાએ કેવી ભૂમિકા ભજવી છે એનો આંખે દેખ્યો ઇતિહાસ મેં તે વખતે લખેલા દસ્તાવેજી લેખોમાં આલેખ્યો છે. જે જમાનામાં હિન્દુત્વના ‘હ’નો હરફ ઉચ્ચારો ત્યાં જ તમારી સામે મિડિયાના સેક્યુલર મવાલીઓનું ટોળું ધસી આવે એવું વાતાવરણ હતું એ દિવસોમાં આ બધું લખાયું છે. એ પછી તમે નરેન્દ્ર મોદીનો ‘ન’ લખો એટલે તરત જ ‘મોતના સોદાગર’ના હજુરિયા ગણાઈ જાઓ એવું વાતાવરણ હતું ત્યારે પણ લેખો-તંત્રીલેખો લખીને તંત્રી તરીકેની કુંશાદે નોકરી ગુમાવી છે. આ સિલસિલાબંધ દસ્તાવેજી ઇતિહાસ ‘અયોધ્યાથી ગોધરા’ નામના 2003માં પ્રગટ થયેલા પુસ્તકમાં સચવાયેલો છે (આ માહિતી મારા પુસ્તકના પ્રચારરૂપે નથી લખી. પુસ્તક વર્ષોથી આઉટ ઑફ પ્રિન્ટ છે).

‘ન્યુઝપ્રેમી’ પર પ્રગટ થતાં હિન્દુત્વને લગતાં લખાણો હોય, ભારતના સાચા ઇતિહાસને ઉજાગર કરતાં લખાણો હોય કે પછી કોઇપણ કરન્ટ અફેર્સનું ડિટેલ બૅકગ્રાઉન્ડ આપીને એનેલિસિસ કરતાં લખાણો હોય— આ બધું જ સેક્યુલર મિડિયાની ઈકો સિસ્ટમમાં મસમોટું ગાબડું પાડી રહ્યું છે.

1992થી આજ દિવસ સુધી લખાતી રહેલી સચ્ચાઇભરી વાતોને કારણે ‘સેક્યુલર’ શબ્દ એટલો ગંદડો બની ગયો છે કે સેક્યુલર દંપતિ રાજદીપ અને સાગરિકા આ શબ્દને ત્યજીને નવા લેબલ હેઠળ પોતાની સેક્યુલરગીરી આગળ વધારી રહ્યા છે. ‘સેક્યુલર’ શબ્દ ગંદડો છે એવો પ્રચાર આ લખનારે શરૂ કર્યો હતો. મને એક હત્યા કરવાની છૂટ હોય અને મારી સામે એક આતંકવાદી અને એક સેક્યુલરવાદી હોય તો હું પહેલાં કોનું જયશ્રી કૃષ્ણ કરું? સેક્યુલરવાદીનું. આવું લખવું જે જમાનામાં બહાદુરીનું કામ ગણાતું ત્યારે લખાયું છે. ‘ઇન્ડિયા ટુડે’ એ છઠ્ઠી ડિસેમ્બર 1992ની ઘટનાને ‘કાળી ટીલી’ કહીને કવર સ્ટોરી કરી ત્યારે કેટલાક લોકો રોષે ભરાઇને ‘ઇન્ડિયા ટુડે’ની નકલોને જાહેરમાં બાળવાની દરખાસ્ત લઇને આવ્યા હતા. મેં કહ્યું હતું: ના, ‘ઇન્ડિયા ટુડે’ને બાળવું ન જોઇએ. એની ધાર્મિક લાગણીઓ ન દુભાય તે માટે એને દફનાવવું જોઇએ!

‘અયોધ્યાથી ગોધરા’ની પ્રસ્તાવનાના છેલ્લા પેરામાં મેં જે લખ્યું, તે હું અગાઉ ઘણી વખત જાહેરમાં બોલી ચૂક્યો હતો: ‘તમે તમારા રાષ્ટ્રનું ઉપરાણું લેતા હો ત્યારે તમને રાષ્ટ્રવાદી કહેવામાં આવે તો પછી તમે હિંદુ તરીકે તમારા ધર્મનું, તમારી કોમનું ઉપરાણું લેતા હો ત્યારે કેટલાક ભાનભૂલેલા સેક્યુલરવાદીઓ તમને હિન્દુવાદી અને કોમવાદી કહે તો ભલે કહે. એમને તમારે ગૌરવભેર કહેવું જોઇએ કે હા, હું રાષ્ટ્રવાદી છું, કોમવાદી છું અને તમે રાષ્ટ્રદ્રોહી છો, કોમદ્રોહી છો.’

નરેન્દ્ર મોદીના પ્રશંસકોને કૉન્ગ્રેસીઓ અને દેશદ્રોહીઓએ ‘ભક્ત’ ગણાવવાનું શરૂ કર્યું ત્યારે હું સૌથી પહેલવહેલો હતો જેણે જાહેરમાં લખ્યું કે ‘મારા જેવા નરેન્દ્ર મોદીના ભક્તોએ…’ ભક્ત શબ્દને શિરપાવ તરીકે સ્વીકારી લીધા પછી બીજા લાખો-કરોડો પ્રશંસકોએ ‘ભક્ત’ લેબલનો ગૌરવભેર સ્વીકાર કર્યો અને સેક્યુલરોના ફુગ્ગામાંથી હવા નીકળી ગઈ.

નરેન્દ્ર મોદીને મેં કાંદિવલીની જાહેર સભામાં ‘યુગપુરુષ’ કહ્યા ત્યારે મરહુમ મૌલાના નગીનદાસ સંઘવીસાહેબે માઇક પર મારી ફિરકી લેવાની કોશિશ કરી હતી પણ ત્યાં હાજર રહેલી મેદનીએ ખુલ્લેઆમ મને સમર્થન આપ્યું હતું.

ખૈર, 2002 પછી અને 2014 પછી વાંક દેખાઓ મારા પર આક્ષેપો કરતા રહ્યા છે કે મારે સરકાર પાસેથી, શાસક પક્ષ પાસેથી લાભો મેળવવા છે એટલે હું આ બધું લખું છું. મારા વિચારો સાથે જેમનો મેળ નથી પડતો એવા અધૂરા ઘડાઓ નાના મોઢે મોટી મોટી વાતો કરીને મને શીખામણો આપતા રહે છે કે એક પત્રકાર તરીકે મારી ફરજ છે કે હું (રાજદીપ સરદેસાઈની જેમ) તટસ્થ રહું, (શેખર ગુપ્તાની જેમ) નિરપેક્ષ રહું અને (રવિશ કુમારની જેમ) સમતોલ એનેલિસિસ કરું.

મેં વારંવાર કહ્યું છે કે રિપોર્ટિંગ કરતી વખતે, ન્યુઝ કે સમાચાર આપતી વખતે, પત્રકારે સો ટકા તટસ્થ-નિરપેક્ષ-સમતોલ રહેવું જોઈએ. પણ વિશ્લેષણ કરતી વખતે કે ઓપિનિયન આપતી વખતે એટલે કે વ્યુઝ પ્રગટ કરતી વખતે પોતાને જે સાચું લાગે છે અને દેશ-સમાજ માટે સારું છે એવું લાગે છે એનો પક્ષ લેવો જોઈએ. દૂધદહીંમાં પગ રાખ્યા વિના ખોંખારો ખાઈને કહેવું જોઈએ. તટ ઉપર ઊભા રહીને તમાશો જોવાને બદલે, પોતાની ભાખરી શેકવાની ચેષ્ટા કર્યા વિના, સાચા-સારાનો પક્ષ લેવો જોઈએ. ‘સત્ય તો આ બે અંતિમો વચ્ચે છે’ અને ‘ભવિષ્યમાં શું થશે એ તો સમય જ કહેશે’ એવું કહીને નપુંસકતા પ્રગટ કરવી ન જોઈએ. અથવા તો ‘આનું આ સારું છે તો પેલાનું પેલું સારું છે’ અથવા તો ‘આય ખરાબ અને પેલોય ખરાબ’ એવી બે મોઢાળી વાતો કરીને ભવિષ્યમાં જેની પંગતમાં લાડુ પીરસાતા હોય તેની પંગતમાં બેસી જવાના વિકલ્પો ઉઘાડા રાખવાની બદમાશી વાચકો સાથે ન કરવી જોઈએ.

રાજ્યાશ્રય હેઠળ ઉછરતું પત્રકારત્વ પ્રામાણિક રહી શકતું નથી.

2002 પછી એક વખત, મારા પર થતા આક્ષેપોથી ત્રાસીને, મેં આવા લોકોને જવાબ આપતાં જે લખ્યું તે લેખ ગુજરાતના સૌથી વધુ ફેલાવો ધરાવનારા દૈનિકમાં પ્રગટ થતી મારી કૉલમમાં પ્રગટ થયો હતો. ‘અયોધ્યાથી ગોધરા’માં છે. મેં લખ્યું હતું કે: ‘એક સ્પષ્ટતા કરવાની છે જે 2002ની સત્યાવીસમી ફેબ્રુઆરી પછી ઓછામાં ઓછી અડધો ડઝનવાર જાહેર પ્રવચનોમાં આ લખનારે કરી છે. છપાયેલા શબ્દોમાં સૌ પ્રથમ વાર થઈ રહી છે. પત્રકારો આર્કિટેક્ટ જેવા છે. એમણે નકશા બનાવી આપવાના હોય. એ નકશા સ્વીકારવા જેવા લાગે તો રાજકારણીઓએ, ઉચ્ચ સરકારી અધિકારીઓએ અને સમાજસેવકોએ એના પરથી નેશન બિલ્ડિંગનું, રાષ્ટ્રના ઘડતરનું કામ કરવાનું હોય. પત્રકારે પોતે નકશા બનાવવાનું છોડીને બિલ્ડરની જવાબદારી લેવા દોડી જવાનું ન હોય. આ મારી અંગત માન્યતા છે. કોઈ સંમત ન થાય એવું પણ બને. પરંતુ પત્રકારે રાજકારણમાં પ્રવેશવું ન જોઈએ એ બહુ સ્પષ્ટતાપૂર્વક હું માનું છું. આ એક વાત. હવે બીજી વાત જે ગુજરાતની ( 2002ના અંતમાં થયેલી વિધાનસભાની ) ચૂંટણી પહેલાં વધુ પ્રસ્તુત હતી અને હજુ પણ છેક અપ્રસ્તુત નથી થઈ ગઈ. આ લખનારને કોઈ પણ રાજકીય પક્ષ પાસેથી ચૂંટણીની ટિકિટની કે કોઈ પણ સરકાર પાસેથી કોઈ પણ પ્રકારના હોદ્દાની અપેક્ષા નથી, સામેથી આવે તો પણ તેનો સાભાર અસ્વીકાર કરવાનો નિશ્ચય છે. જો કોઈને ખબર પડે કે આ સંકલ્પ તૂટયો છે તો મુંબઈ આવીને તમારે મારા મોઢા પર ડામર ચોપડવાનો, ડામરના પૈસા મારી પાસેથી લેવાના. મારું સરનામું તમને કોઈપણ સેક્યુલરવાદી ઝનૂની પાસેથી મળી રહેશે.’

આ પછી તરત એક મહત્ત્વનો પેરા આવે છેઃ ‘આ સ્પષ્ટતા એટલા માટે પહેલેથી જ કરી દેવી સારી કે શક્ય છે કે ભવિષ્યમાં કોઈક એવી ઘટનાઓ બને જેને કારણે તમારે હિન્દુત્વનો ઝંડો પકડીને ચાલની સરકારોની કે એવાં સંગઠનોની ભૂલ કાઢીને એમની ટીકા પણ કરવી પડે. તેઓ સૌ રાજકારણના અખાડામાં છે. પત્રકાર પણ જો એમાંનો એક બની જાય તો સાચી વાત કોણ કહેશે?’

રાજ્યાશ્રય હેઠળ ઉછરતું પત્રકારત્વ પ્રામાણિક રહી શકતું નથી. આ વાત ઘણી લાંબી છે, ઊંડા ઉતરવા જેવી છે. કાલે કેટલાક પર્સનલ કિસ્સા ટાંકીને આ વાત વધુ સ્પષ્ટ કરીએ.

દરમ્યાન, મનમાં ખટકતી એક વાત તમને જણાવી દઉં. મને મારા મોઢે મારાં વખાણ કરવાનું ફાવતું નથી. એટલું જ નહીં કોઈ મારા મોઢે મારી પ્રશંસા કરે તો એ પણ મને ગમતું નથી, એમ્બેરેસમેન્ટ થાય છે. પ્રશંસા વિશે, પ્રશંસા કેવી રીતે કરવી જોઈએ અને કેવી રીતે સ્વીકારવી જોઈએ એ વિશે મેં બેએક લેખ લખ્યા છે. ટીકા વિશે તો બેથી વધારે લખ્યા છે. યાદ નથી કયા પુસ્તકોમાં છે. (કદાચ ‘ન્યુઝપ્રેમી’ પર એકાદ તાજેતરનો લેખ મળી જશે.) આજના આ લેખમાં કે આ સિરીઝ દરમ્યાન આવરી લેનારા અન્ય મુદ્દાઓ દરમ્યાન કેટલીક વાતો એવી હશે જે ચાલીસ વર્ષ પછી યોજાનારી મારી શોકસભામાં બોલાય તો જ શોભે. પણ હું એટલી બધી રાહ જોઈ શકું એમ નથી એટલે આપવડાઈનો આક્ષેપ આવે તે પહેલાં આ ગુના બદલ સૌની માફી માગી લઉ છું. (ચંદ્રકાન્ત બક્ષીસાહેબ પ્રશંસાની બાબતમાં આત્મનિર્ભર હતા. એમની વાદે ચડીને એમના અનુયાયીઓ પણ એ જ રવાડે ચડી જતા હોય છે. બક્ષીના મૃત્યુ પછી મેં એમને ભવ્ય અંજલિ આપતો સુંદર લેખ મનપૂર્વક લખ્યો હતો જેમાં મારા અને બક્ષીસાહેબના જાહેર મતભેદો બાવજૂદ પરસ્પર કેટલા હૂંફભર્યા સંબંધો હતા જે ઠેઠ સુધી ટક્યા હતા તેના પ્રસંગો ટાંક્યા હતા. પણ એમાં છેલ્લે મેં લખેલું એક વાક્ય, આ બધી વાતોને બદલે, ખૂબ પ્રચલિત થયું. મેં લખ્યું હતું: ‘પ્રભુ બક્ષી સાહેબના આત્માની પ્રશંસા કરે.’)

આજના દિવસ પૂરતું છૂટાં પડતાં પહેલાં જે હેતુસર આ ‘કટિંગ ચાય સિરીઝ’ લખાઈ રહી છે તે હેતુની ફરી એકવાર યાદ અપાવી દઉં.

પાંચ-સાત રૂપિયાની મામૂલી કિંમતે મળતી કટિંગ ચાના માસિક ખર્ચ કરતાંય ઓછી રકમ— માત્ર 100 રૂપિયા જેવી રકમ— તમે સૌ સહેલાઈથી વન પેન આર્મી જેવા ‘ન્યુઝપ્રેમી’ને આત્મનિર્ભર કરવાની દિશામાં લઈ જવા માટે નિયમિત કૉન્ટ્રિબ્યુટ કરી શકો એમ છો એવી મારી દૄઢ માન્યતા છે. તમે જો વધુ સ્થિતિપાત્ર હો અને તમારી પાસે જો સગવડ હોય અથવા તમને જો ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળી રહેલાં અને ભવિષ્યમાં મળનારાં લખાણો મૂલ્યવાન લાગતા હોય તો તમે તમારી ઇચ્છા અને તમારા ગજા મુજબ દર મહિને સોને બદલે એક-બે મીંડાં ઉમેરીને તમારો સાથ આપી શકો છો. તમે કોઈપણ શુભ આંકડો નક્કી કરો અને દર મહિને મારા હોંકારમાં સાદ પુરાવતા રહો એવી મારી ઇચ્છા છે, આશા છે અને શ્રદ્ધા પણ છે.

આ લેખની સાથે ‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની લિન્ક છે. એમાં થોડી બીજી વાતો પણ છે. સાથે બૅન્ક ટ્રાન્સફર તથા પેટીએમ ઉપરાંત ગૂગલ પે, ભીમ માટેની યુપીઆઈ આઈડી વગેરે જેવી ટેક્‌નિકલ વિગતો છે.

અત્યારે ‘ન્યુઝપ્રેમી’ દ્વારા જે કામ થઈ રહ્યું છે તે ભવિષ્યમાં અન્ય સિનિયર, તેજસ્વી અને નિષ્ઠાવાન ગુજરાતી પત્રકારો માટે પણ સ્વતંત્ર પત્રકારત્વનો માર્ગ ખોલી આપશે. એટલું જ નહીં ગુજરાતી પત્રકારત્વમાં પ્રવેશતા કે પ્રવેશી ચૂકેલા નવા, તેજસ્વી, ઈમાનદાર અને નિષ્ઠાવાન પત્રકારોને પણ નવી દિશા ચીંધશે. હાલ તો જ્યાં રસ્તો જ નથી ત્યાં હું મારા ગજા પ્રમાણે પાવડો-કોદાળી લઈને ઝાડ-ઝાંખરાં-કાંટા દૂર કરીને એક કેડી કંડારી રહ્યો છું. શક્ય છે કે ભવિષ્યમાં તમારા જેસીબીની મદદથી ફોર લેન હાઈવે તૈયાર થઈ જાય. સપનાં તો આઠ લેનનો ટોલ ફ્રી એક્સપ્રેસ વે બનાવવાના છે જેથી સેક્યુલર મિડિયાની ઈકો સિસ્ટમમાંથી છુટકારો અપાવનારા મારા જેવા અનેક પત્રકારો સડસડાટ, વિનાવિધ્ને પોતાની વાત તમારા જેવા સુજ્ઞ વાચકો સુધી પહોંચાડતા થઈ જાય.

આજનો વિચાર

મોટા ભાગના લોકો ચાહતા હોય છે કે અમારાં સંતાનો કંઇક એવું કામ કરે જેનું અમને ગૌરવ થાય. ડાહ્યા માણસો એવું કામ કરતા હોય છે જેના માટે એમનાં સંતાનોને ગૌરવ થાય.

—અજ્ઞાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

8 COMMENTS

  1. Every article unique, every step I am learning something new. We are Hindus, and I don’t feel ashamed in telling about that. True analysis by you on news media in USA. This year there is election and lot of our media is jumping up and down on the name of Kamala Harris. I have closely watched all of them in last few years and learnt that she is more pro Pakistan then India. Yahoo does not want average person to write comments so removed the comments and added survey section. Every possible channels in US blaming or making fun of Trump. As if Democrats are true angels. In my opinion they are another version of INC of India.

  2. आज के जमाने में ज़मीर जिन्द्दा रखकर काम करने वाले लोगों को बहोतसारि कठिनाईयों का सामना करना पडता है। वो आप कर रहे हैं।मुस्किलात तो रहेगी पर जो “निजानंद”आपको मिलता है उसमे कमि, इश्वर कभी नहीं आने देगा।
    जिसका जमीर जिन्दा, वही जिन्दा हैं। बाकी सब दुम हिलाने वाले।

  3. વાહ સર.. Hats off to you ?? એક પત્રકાર થઈને આપે મીડીયાને જ ઉઘાડી પાડી દીધી અને અમને વાચકોને એક ઉત્તમ પાઠ શીખવાડી દીધો. ખૂબ ખૂબ આભાર

  4. ધ ન્યૂઝ પ્રેમી. વન પેન આર્મી =શ્રી. સૌરભ શાહ +…………… ભવિષ્યમાં જોડાનાર તમારી જેવા સ્વતંત્ર, નિર્ભય,અને નિર્લોભી પત્રકારોથી વાંચકોને સત્ય જાણવા મળશે.
    દરેક વાચકો અને ચાહકોએ દર મહિનેના આવ્હાહનને સાનુકૂળ રતિસાદ આપવો જોઇએ, એવી વિનંતી છે.
    સૌરભભાઈ, જે જાહેરાતદારો નિખાલસ અને આત્મભાવે તથા સિધા કે આડકતરા દબાણ વગર સદ્ઈચ્છાથી જાહેરાત આપવા તૈયાર હોય એમનો સ્વીકાર કરો તો સોનેમેં સુહાગા થાય.
    પ્રગતિના પંથે શુભેચ્છાઓ અને અભિનંદન. નમસ્કાર.

  5. One pen army or one men army, Salute to you sir, for your GUTS.

    Now it is iur duty to rise.

    Pradeep Gala

  6. Your thoughts are lifeline of future generations. I request you to write about unity of Hindus. How we can
    together unite and do something for our Santana Dharma.God has given ability to all creatures to protect
    himself except to Hindus.Pl.write how he can be inspired to become self protective.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here