ગુજરાતી ભાષાને ‘બચાવવા’ ભીખ માગવાની હોય?

તડકભડકસૌરભ શાહ

કોઈ દિવસ તમે હિન્દી ફિલ્મવાળાઓને એવી જાહેરાત કરતાં જોયા છે કે રાષ્ટ્રભાષા બચાવવા માટે તમારે અમારી ફિલ્મ જોવી જોઈએ?

કોઈ દિવસ તમે સલીમ-જાવેદને કે અનુરાગ કશ્યપને એવો દાવો કરતાં સાંભળ્યા છે કે અમે તો રાષ્ટ્રભાષાની સેવા કરીએ છીએ?

કોઈ દિવસ તમે સ્ટીવન સ્પીલબર્ગને, પેન્ગવિન જેવી પ્રકાશન સંસ્થાને કે પછી જેફ્રી આર્વર જેવા બેસ્ટ સેલર નવલકથાકારોને એવું કહેતાં સાંભળ્યા કે અમે અંગ્રેજી ભાષાની સેવા કરીએ છીએ માટે અમને માથે ઊંચકીને ચાલો, અમને માનપાન આપો, ખમા-ખમા કરો?

ગુજરાતીવાળાઓ જ આવું કહેતા ફરે છે. ગુજરાતી ફિલ્મોવાળાઓ ગુજરાતી લેખકો, પત્રકારો, સાહિત્યકારો-કોલમિસ્ટો, ગુજરાતી પ્રકાશકો, ગુજરાતી કવિઓ, ગુજરાતી ગાયકો-સંગીતકારો, ગુજરાતી પુસ્તક વિક્રેતાઓ, ગુજરાતી છાપાં-મેગેઝિનોવાળાઓ સૌ કોઈ દાવો કરતું રહે છે કે અમે ગુજરાતી ભાષાની સેવા કરીએ છીએ, અમે ગુજરાતી ભાષાને બચાવવા, એનું સંવર્ધન-જતન કરવા અમારી જિંદગી ખર્ચી કાઢી એટલે અમને માથે ચડાવો, અમારાં વખાણ કરો.

સૌથી પહેલી તો એ વાત કે ગુજરાતી ભાષા અચ્છી ખાસી તંદુરસ્ત છે, મરવા નથી પડી કે એને ‘બચાવવાની’ જરૂર છે. બીજી વાત એ કે આ ગરવી ગુજરાતી ભાષા કોઈ ફિલ્મવાળા, સાહિત્યવાળા, સંગીતવાળાની મોહતાજ નથી કે આ બધા લોકો હશે તો એનું જતન થશે, સંવર્ધન થશે. ગુજરાતી ભાષા સમૃદ્ધ બની છે, બની રહી છે અને બનતી રહેશે ગુજરાતી બોલનારાઓને કારણે, રોજિંદી વાતચીતમાં આ ભાષાનો ઉપયોગ કરનારા કરોડો ગુજરાતીઓ (અને અમુક લાખ બિનગુજરાતીઓ)ને કારણે. ગુજરાતી સાહિત્યકારો, લેખકો જો લખતા બંધ થઈ જશે તો એમની જગ્યાએ એવા ગુજરાતીઓ લખતા થઈ જશે જેમના માટે લખવું સાહજિક છે, કે વ્યવસાય કે પછી શોખનો પણ વિષય નથી. ફેસબુક અને તે પહેલા બ્લોગને કારણે કેટકેટલા ગુજરાતીઓ જાહેરમાં લખતા થઈ ગયા.

ગુજરાતી ફિલ્મો અને નાટકો બને છે, ગુજરાતી નવલકથાઓ લખાય છે, ગુજરાતી પુસ્તકો છપાય છે, ગુજરાતી ગીત-સંગીતની મહેફિલો થાય છે તે બધું જ કયાં તો પૈસા કમાવવાની કર્મિશયલ પ્રવૃત્તિ છે, અથવા ગાંઠનાં ગોપીચંદન કરીને કેટલાક લોકોનો શોખ પોષવાની પ્રવૃત્તિ છે. આમાંથી કોઈ માઈનો લાલ ‘સેવા’ કરવા નથી આવ્યો તે યાદ રાખવું. પાપી પેટને ખાતર તેઓ ગુજરાતી ભાષાનો વેપાર કરી રહ્યા છે અને જે ઘડીએ ગુજરાતી ફિલ્મવાળાઓને હિંદીમાં તક મળશે તે ઘડીએ તેઓ ગુજરાતીનો ભાવ પણ નહીં પૂછે. અમે એમ નથી કહેતા કે આ ખોટું થાય છે. આમ જ હોય. અમે કહીએ છીએ કે ‘સેવા’નો કે ‘ભેખ’નો દાવો છોડી દઈએ, એવા દેખાડા બંધ કરીએ. પાક્કા પ્રોફેશનલ બનીએ. જે ક્ષેત્રમાં વેપાર કરતા હોઈએ તે ક્ષેત્રને વફાદાર રહીને ઉચ્ચતમ સ્ટાન્ડર્ડસને અપનાવીએ. ગુજરાતી ફિલ્મો-નાટકો કરતા હોઈએ તો જે બજેટ મળતું હોય તેમાં રહીને આપણી સર્વશ્રેષ્ઠ આવડતને એમાં નીચોવી દઈએ. ગુજરાતી ભાષામાં લખવાનો વ્યવસાય અપનાવીને ગુજરાન ચલાવતા હોઈએ તો ચોરીચપાટી કે છિનાળાં કરવાને બદલે એવું મૌલિક સર્જન કરવાનો પ્રયત્ન કરીએ જે હિન્દીમાં ટ્રાન્સલેટ થાય તો રાષ્ટ્રીય સ્તરે અને અંગ્રેજીમાં એનો અનુવાદ થાય તો ઈન્ટરનેશનલ લેવલ પર કોમ્પિટીશન કરી શકે, સ્વીકૃતિ પામી શકે.

ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે. માતા પર ઉપકારો ન કરવાના હોય. માતાનું નામ રોશન કરવાનું હોય. એવું કામ કરીએ, એ કક્ષાનું કામ કરીએ કે બીજી ભાષાવાળા લોકો મોંમાં આંગળાં નાખીને કહેવા લાગે કે અરે વાહ, ગુજરાતી ભાષામાં આટલા ઊંચા સ્તરની ફિલ્મો બને છે? નવલકથાઓ લખાય છે? ગીત-સંગીત સર્જાય છે? આટલાં ઊંચાં સ્તરનાં પુસ્તકો-છાપાં-મેગેઝિનો પબ્લિશ થાય છે?

‘સેવા’ બહુ છેતરામણો શબ્દ છે. એને વાપરીને પબ્લિકને ઉલ્લુ બનાવવાનું બંધ કરીએ.

પાન બનાર્સવાલા

જે પોતે મરી રહ્યો હોય એણે બીજાને બચાવવાના ખોખલા દાવા ન કરવા જોઈએ.

– અજ્ઞાત

( સંદેશ : રવિવાર, 16 સપ્ટેમ્બર 2018)

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here