તમારું જ બોલેલું તમને કેટલું યાદ રહે છે

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

આર. કે. નારાયણની મૂળ અંગ્રેજીમાં લખાયેલી નવલકથા ‘ગાઈડ’માં એક સીન છે. રાજુ ગાઈડ રોઝીની ખોટી સહી કરવાના ગુનાસર બે વર્ષની જેલની સજા પૂરી કરીને એક અજાણ્યા ગામમાં આવી જાય છે જ્યાં ભોળા ગામવાસીઓ એને કોઈ સાધુ – મહાત્મા માની બેસે છે અને રાજુ આ ભ્રમ તોડવા માગે છે છતાં તોડી શકતો નથી. હજુ દુકાળ આવવાની વાર છે. ગામ લોકો રાજુને – સ્વામીને – વિનંતી કરે છે કે અમારી સાથે સત્સંગ કરો, અમને રોજ સારી સારી વાતો કરો, કથા કહો. રાજુ આ પરિસ્થિતિમાંથી છટકવા માગે છે. ગાઈડ તરીકે એ બોલ-બચ્ચન હતો પણ સિરિયલ સત્સંગ કરવાનું એનું ગજું નહીં એટલું તો એ સમજતો હતો. રાજુ ગાઈડને ખબર હતી કે પોતે બોલવામાં પાવરધો છે પણ પ્રવચનકાર બનવાનું કે વ્યાખ્યાન આપવાનું એનું ગજું નથી. (આવી સમજ કમનસીબે, બધા વક્તાઓમાં નથી હોતી).

પણ જો રાજુ સીધેસીધી ના પાડી દે તો લોકોનો ભ્રમ તૂટી જાય જેને લીધે વધારે નુકસાન તો એ થાય કે એના બે ટંકના ભોજનનો પ્રબંધ ખોરવાઈ જાય, કદાચ માથેથી છાપરું પણ છીનવાઈ જાય. એટલે એ ચોખ્ખે-ચોખ્ખી ના પાડવાને બદલે એકઠા થયેલા લોકોને પૂછે છે કે આજ સવારથી અત્યાર સુધીમાં તમે લોકો જે કંઈ બોલ્યા છો તે યાદ કરીને મને કહો.

ગામવાળાઓ કહે કે દિવસ આખામાં તો અમે કેટલું બધું બોલ્યા હોઈએ, એ બધું કંઈ યાદ કેવી રીતે હોય.

રાજુ એમના આ શબ્દોને પકડીને નવલકથાનાં અનેક યાદગાર ક્વોટેબલ ક્વોટમાં સમાવેશ થાય એવી વાત કહે છે: ‘જ્યારે તમને પોતાને તમારા જ શબ્દો સરખી રીતે યાદ નથી રહેતા તો તમે બીજાએ બોલેલા શબ્દોને કેવી રીતે યાદ રાખવાના?’

આર. કે. નારાયણે સાહજિક રીતે, વાતવાતમાં ઘણી મોટી વાત રાજુના મોઢે આપણને સૌને સંભળાવી દીધી.

આપણે આપણી પોતાની પ્રવૃત્તિઓ પ્રત્યે, આપણા જ વર્તન પ્રત્યે સભાન નથી હોતા. આપણે જે કંઈ વિચારીએ છીએ, બોલીએ છીએ એ બધું આપણે પોતે ઈમ્બાઈબ નથી કરતા, ઍબ્ઝોર્બ નથી કરતા, આપણામાં સમાવતા નથી, એને છલકાવીને ઢોળી દઈએ છીએ, વેડફી દઈએ છીએ. દિવસ દરમ્યાન કરેલી અનેક પ્રવૃત્તિઓને આપણે કોઈ જાતની સભાનતા કે કૉન્શ્યસનેસ વિના કરી નાખીએ છીએ.

‘ધ્યાન’ ઘણો મોટો શબ્દ છે. મારા ધ્યાન બહાર આ વાત રહી ગઈ જેવી કેઝ્યુઅલ રિમાર્કથી લઈને હું રોજ સવારે ધ્યાનમાં બેસું છું જેવી ગંભીર બાબતમાં ‘ધ્યાન’ના વિવિધ શેડ્સ સમાયેલા છે. ધર્મગુરુઓએ અને એમનામાંથી પ્રેરણા લેનારા ચિંતકો – ધર્મપ્રચારકો- મોટિવેશનલ વક્તાઓએ મેડિટેશનના નામે વેપાર શરૂ કરી દીધો છે. આ ધ્યાન શબ્દનું અપભ્રંશ ઝેન છે. ઝેન બુદ્ધિઝમનો પાયો હિન્દુ પરંપરામાં અને ધ્યાનમાં છે. ઝેનને અનુસરનારા જપાનીઓમાં ટી-સેરિમનીનું ઘણું મોટું મહત્ત્વ છે. સાદી ચા જેવા પીણાને માણવાની એક આખી રીતી-નીતિ પદ્ધતિ જપાનીઓએ વિકસાવી છે. એકાગ્રતા કેળવવાના અને સાધના કરવાના એક ભાગરૂપે થતી આ ટી સેરિમનીનું વ્યવહારુ મહત્ત્વ રાજુ ગાઈડે અજાણતાં જ ગામવાસીઓને સમજાવી દીધું.

તમે તમારા પોતાના બોલાયેલા શબ્દો માટે સભાન થતાં શીખો. પછી બીજાના બોલાયેલા શબ્દોને સાંભળવાની તાલાવેલી પ્રગટ કરો. શક્ય છે કે જો તમે તમારા એક-બે વર્તન માટેની સભાનતા કેળવી શકશો તો તમારે બહાર ફાંફાં નહીં મારવા પડે. કોઈને સાંભળીને, ઊછીના ઉપદેશો મેળવીને, જીવનને ઊંચા સ્તરે લઈ જવાની હોડ નહીં લગાવવી પડે.

સવારે મેં ઓશીકા પરથી માથું ઊંચક્યું, બાથરૂમમાં જઈ મોઢા પર પાણીની છાલક મારી, દંતમંજન કર્યું, પાણી પીધું, ચાનો દરેક ઘૂંટડો, નાસ્તાનો એક-એક કોળિયો સભાનપણે પેટમાં ઉતાર્યો, ન્હાવાની ક્રિયા કરતી વખતે માત્ર ન્હાવા વિશે જ વિચાર્યું અને ડ્રાઈવિંગ કરતી વખતે માત્ર કારના સંચાલન તથા ટ્રાફિકની અવરજવરને જ ફોકસમાં રાખી, ખિસ્સામાંથી પાકીટ કાઢીને કાર્ડ સ્વાઈપ કરાવતી વખતે કે કોઈની સાથે નાની કે ક્ષુલ્લક વાત કરતી વખતે – આ કે આવી હજારો નાનીમોટી ક્રિયાઓ વખતે આપણે કેટલા સભાન હોઈએ છીએ? મોટે ભાગે તો યંત્રવત્ આ બધી ક્રિયાઓ કરી નાખીએ છીએ. ભોજન અને પ્રેમ કરવા જેવી અમૂલ્ય પ્રક્રિયાઓ પણ યંત્રવત્ કરી નાખીએ છીએ અને પછી ફરિયાદ કરીએ છીએ કે લાઈફ કેટલી મિકેનિકલ થઈ ગઈ છે. પણ લાઈફ અર્થહિન લાગવા માંડે છે. આ મીનિંગલેસ જિંદગીને મીનિંગફુલ બનાવવા માટે કોઈનો સહારો શોધીએ છીએ અને વધુ ઊંડા કળણમાં ઊતરતાં જઈએ છીએ.

જે પોતે પોતાનું બોલેલું યાદ રાખી ન શકે એ બીજાનું બોલેલું કેવી રીતે યાદ રાખશે? આર. કે. નારાયણે રાજુ ગાઈડના મોઢે બોલાવેલા આ શબ્દોમાં ઊંડા ઊતરીને એમાં રહેલું અગાધ સમંદર જેટલું ડહાપણ જો જીવનમાં ઊતારી શકીએ તો આજથી જ બીજા ઉપદેશકોને સાંભળીને જીવનમાં આગળ વધવાનો માર્ગ શોધવાને બદલે આપણે પોતે જ આપણા ગાઈડ થઈ શકીએ.

આજનો વિચાર

કેટલાકની સાથે સંબંધ છે એટલે ચૂપ છીએ.
કેટલાકની સાથે ચૂપ છીએ એટલે સંબંધ છે.

– વૉટ્સએપ પર વાચેલું

એક મિનિટ!

પપ્પુ: તમારા ગામમાં કોઈને કંઈ તકલીફ છે?

ગામવાસી: માઈબાપ, બધા સુખી છે. વીજળી-પાણીનું સુખ છે. ફક્ત એક ચીજની કમી છે.

પપ્પુ: બોલો, શેની કમી છે?

ગામવાસી: ગામમાં એકેય સ્મશાન નથી એને કારણે બહુ તકલીફ પડે છે.

પપ્પુ: ઠીક છે, આ વખતે મને જીતાડજો. ગામના દરેક ઘરમાં સ્મશાન બનાવી આપીશ.

( મુંબઇ સમાચાર : મંગળવાર, 18 સપ્ટેમ્બર 2018)

13 COMMENTS

  1. As a dietitian , i always advice for “MINDFULL EATING”. Means you must know , what u r eating.

    I think, i m on the right track

    Thank you.

  2. આવુ તો કયારેય વિચાર્યું જ નહોતુ આજે વિચારવા ની વધુ એક નવી દીશા મળી ખુબ ખુબ આભાર

  3. આજનો લેખ, આજનો વિચાર અને એક મિનિટ ત્રણેય મસ્ત. વિચારનીય.

    લેખનો મૂળ સાર.
    અપને દીપ સ્વયં બનો.
    નહિતર
    ગુગલબાબા તો છે જ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here