દરેકના પગમાં બેડી હોવાની, કોઈને સોનાની, કોઈને લોઢાની

તડકભડક : સૌરભ શાહ
(‘સંદેશ’, ’સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૧ માર્ચ ૨૦૨૦)

અમેરિકાના પ્રેસિડન્ટ હોય કે ભારતના પ્રાઈમ મિનિસ્ટર કે ચીનના પ્રીમિયર – જગતના સૌથી શક્તિશાળી માણસો પણ બધી જ વાતોમાં હંમેશાં પોતનું ધાર્યું કરી શકતા નથી.
ટ્રમ્પ, મોદી અને જિનપિંગથી લઈને રસ્ત પર શાક વેચતા ફેરિયા સુધીના સૌ કોઈને પોતપોતાની મજબૂરીઓ હોવાની. દરેકના જીવનમાં બંધનો હોવાનાં. દરેકે કોઈને કોઈ તબક્કે વિઘ્નોનો સામનો કરવો પડવાનો.

લગ્ન પછી જો મને સાસરિયાઓએ નોકરી કરવા દીધી હોત તો અત્યારે હું ક્યાંની ક્યાં હોત. હું ભણવાનું પૂરું કરી શક્યો હોત તો આ ક્ષેત્રમાં ટોચ પર પહોંચી ગયો હોત. મારાં લગ્ન આની સાથે ન થયાં હોત તો મારી જિંદગી અત્યારે સડસડાટ આગળ વધતી હોત. હું આ કુટુંબમાં (કે આ શહેરમાં) જન્મવાને બદલે કોઈક જુદા જ પરિવારમાં જન્મ્યો હોત તો મારે આટલી કઠણાઈઓનો સામનો ના કરવો પડ્યો હોત.

પોતાની મર્યાદાઓને ઓવરકમ કરવાને બદલે લોકો પોતાની વાસ્તવિકતામાંથી ભાગી છૂટવા માગે છે. તમારી આસપાસ તમે જે અચીવર્સને જુઓ છો, છાપાં-ટીવી દ્વારા જે મહાનુભાવોને તમે ઓળખો છો એ સૌએ સાનુકૂળ પરિસ્થિતિમાં સફળતાનાં શિખરો ચડ્યાં હશે એવું તમે માની લીધું છે. એ લોકોને જેવું પ્રોત્સાહન મળ્યું, જેવા સંજોગો મળ્યા, જેવા લોકોનો સાથ મળ્યો એ બધું જ જો તમને પણ મળ્યું હોત તો આજે તમે પણ એમના જેવા જ હોત, તમે પણ તમારા ક્ષેત્રમાં ટોચ પર હોત, તમે પણ ચિક્કાર પૈસા અને પ્રખર પસિધ્ધિમાં આળોટતા હોત, ઝગમગતા હોત, મહાલતા હોત. આવું માનવું તમારી જબરજસ્ત ભૂલ છે.

તમારા સંજોગો વગેરે પણ જો એવા જ હોત તોય તમે એમની ઊંચાઈએ પહોંચી ન શક્યા હોત કારણ કે તમે જાણતા નથી કે એ સંજોગો ક્રિયેટ કરવા માટે એમણે કેવા ભોગ આપ્યા છે, બીજાઓ તરફથી પ્રોત્સાહન મળે એ માટે તેઓ બીજાઓ પાછળ કેટલા ઘસાયા છે, જે લોકોનો એમને સાથ મળ્યો એ લોકોનો સાથ મેળવવા માટે એમણે પોતાના ક્યા આગ્રહો જતા કરવા પડ્યા છે.

કોર્પૉરેટ ક્ષેત્રમાં કે પછી સ્પોર્ટ્‌સમાં કે પછી સંગીત કે કોઈ પણ ક્ષેત્રમાં ટોચ પર પહોંચેલી સ્ત્રીઓને તમે આદરપૂર્વક જુઓ છો કે ત્યારે એ ભૂલી જાઓ છો કે એમણે અંગત જીવનમાં કેટકેટલા ત્યાગ કર્યા હશે, કેવી કેવી વિકટ પરિસ્થિતિઓમાંથી આ સૌ આદરણીય મહિલાઓ પસાર થઈ હશે. આમાંની ઘણી સેલિબ્રિટીઓએ કૌટુંબિક સલામતી છોડીને પોતાની જીદ સાચવી હશે જેને કારણે એ આ ઊંચાઈએ પહોંચી શકી. આવું જ પુરુષોનું. મારા માટે તો મારું કુટુંબ જ સર્વસ્વ છે, માબાપની સેવા કરવી અને પત્નીને ખુશ રાખવી અને બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવું – આવો ગોલ રાખવામાં કંઈ ખોટું નથી, સારું જ છે. પણ પછી ફરિયાદ ના કરાય કે હું સ્વામી વિવેકાનંદ કે સરદાર પટેલ કે પંડિત રવિશંકર કે રાજ કપૂર કે પછી વાલ્મીકિ, વેદ વ્યાસ, તુલસીદાસ કે સોક્રેટિસ કેમ નથી બની શકતો. તમારા પગમાં જેવી બેડીઓ છે એવી બેડીઓ એ મહાનુભાવોના પગમાં પણ હતી. તમે એ જંજિરોને ઘરેણું માનીને કાં તો તમારી મજબૂરી માનીને સ્વીકારી લીધી. એ લોકો સમજી ગયા કે જહાજ જ્યાં સુધી લંગર સાથે બંધાયેલું છે ત્યાં સુધી સલામત છે એ ખરું પણ આ સલામતી કરતાં મધદરિયાનાં તોફાનો સારાં જેને ઝેલીને જો સાત સમંદર પારની દુનિયા જોઈશું તો જીવન સાર્થક થશે. પણ આપણને ડૂબી જવાનો ડર લાગ્યો. એટલે આપણે બંધનને સ્વીકારી લીધું.

કોઈ ભ્રમણામાં ન રહીએ. આપણે જે કરવા માગીએ છીએ તે નથી કરી શકતા એના માટે આપણા વાતાવરણને, આપણા ઘર-પરિવાર-મિત્રોને કે આ દુનિયાને દોષ ન દઈએ. આપણી જાતને પણ ચાબુક મારીને સ્વપીડન કરવાની જરૂર નથી. પોતાને કોસવાની જરૂર નથી. દરેક જણમાં દરેક પ્રકારની કૅપેસિટી નથી હોતી. અમિતાભ બચ્ચનમાં માઈકલ શૂમાકર જેવા એફ-વનના રેસર બનવાની કૅપેસિટી ન હોય. ઉસેન બોલ્ટ ફાસ્ટેસ્ટ રનર બની શકે પણ પાબ્લો પિકાસો જેવું પેઈન્ટિંગ નહીં કરી શકે. લતા મંગેશકર ઓલિમ્પિક્‌સમાં જિમ્નેસ્ટિક્‌સની રમતમાં ભાગ નહીં લઈ શકે.

આ એક વાત થઈ કે દરેકને કુદરતે અમુક કામ કરી શકે એવું શારીરિક-માનસિક બંધારણ આપ્યું હોય છે. અને બીજી વાત એ કે આ દરેકને પોતની સિધ્ધિ તાસક પર તૈયાર નથી મળતી.

આ બે વાત સમજીએ તો હું જે કરવા માગું છું તે કેમ નથી કરી શકતી/કરી શકતોવાળું ફ્રસ્ટ્રેશન દૂર થઈ જાય અને જે કરવું છે તે કેવી રીતે થઈ શકે એનો માર્ગ ચોખ્ખો નજરે પડે.

જિંદગીમાં જે કંઈ કરવું છે તે કરવા માટેની અનુકૂળતા આપણે પોતે ઊભી કરવી પડે. પરિસ્થિતિનો વાંક કાઢીને બેસી રહીશું તો ત્યાંના ત્યાં રહીશું, આપણી ટેલન્ટ વેસ્ટ થઈ જશે, વપરાયા વિનાની રહેશે. પાણીમાં પડ્યા વિના તરતાં શીખી નહીં શકાય અને સાત વખત ભોંય પર પછડાયા પછી કરોળિયાએ આઠમી વખત ઊભા થઈને પ્રયાસ કરવાનો જ છે કારણ કે જાળું બાંધ્યા વિના એને ખોરાક મળવાનો નથી. કરોળિયો જાળું નહીં બાંધી શકે તો કોઈ જંતુ એમાં નહીં ફસાય અને એ ભૂખ્યો રહેશે. ભૂખ્યા રહીને બેસી રહેવું અને મરી જવું એના કરતાં તો આઠમી કે અઢારમી કે આઠસોમી વખત જાળું બાંધતાં બાંધતાં જમીન પર પટકાઈને મરી જવું સારું.

પાન બનાર્સવાલા

દરેક વખતે કંઈ પ્લાન હોવો જરૂરી નથી. ક્યારેક માત્ર ઝંપલાવી દેવાનું હોય છે, વિશ્વાસ રાખીને અટક્યા વિના આગળ વધવાનું હોય છે અને બસ જોવાનું હોય છે કે શું થાય છે.
—મેન્ડી હૅલ (‘ધ સિંગલ વુમન’ પુસ્તકને અમેરિકન લેખિક)

3 COMMENTS

  1. Self pity or playing victim card are sufficient to keep a person regressive for life. Well penned article Saurabh sir.

  2. Sundar prabhat ma adbhut prerna apto lekh mane mara lakhyo sudhi pahochta sudhi yad rahese ane sache ma pristhiyo pan evej che k kai plan vagar jamplave devu joea ane ema thi safal thai ne bahar nikadvani maja j kai alag hoe che
    Tamaro khub khub aabahar atlu sunder manobal apva mate
    Saheb jo hu mara nirdharet karela marg par adag rahe ne pahochi gayo to tamane jarur thi janaves.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here