દિલ્હીનાં રમખાણો કોના પાપે થયાં

ન્યુઝવ્યુઝ : સૌરભ શાહ
(સોમવાર, ૨ માર્ચ ૨૦૨૦)

દિલ્હીનાં રમખાણો ભલે શમી ગયાં પણ પ્રજાના દિલમાં ધધકતી આગ હજુ શાંત થઈ નથી. આ રમખાણો પાછળ કોની ઉશ્કેરણી કારણભૂત છે, આ રમખાણો કરવા પાછળનાં મૂળભૂત કારણો ક્યાં અને આ રમખાણો ન થાય એ માટે તેમ જ રમખાણો શરૂ થયાં પછી એને રોકવા માટે સરકારે કેમ પૂરતાં પગલાં નહીં લીધા એ વિશેની ચર્ચાઓ છાપાં–ટીવી-સોશ્યલ મિડિયા પર છવાઈ ગઈ છે જેને કારણે તમારું મગજ બહેર મારી જતું હશે – આ બધામાં સાચું શું, ખોટું શું? કોના પર વિશ્વાસ મૂકવો? કોની કઈ વાત સાચી માનવી? આપણી બહુમતિ હોવા છતાં શા માટે લેફ્‌ટિસ્ટ અને ઇસ્લામિસ્ટ લઘુમતીઓનાં મંતવ્યો કે એમના દ્વારા ફેંકવામાં આવતા ફેક ન્યુઝનો ઘોંઘાટ વધારે સંભળાય છે?

એક સાદો નિયમ અપનાવી લો. વારંવાર આ વાત લખી છે. ફરી એક વાર. તમને જેમના પર વિશ્વાસ હોય એમના નામે તમે કોઈપણ આડાઅવળાં નિવેદનો ક્‌વોટ થયેલાં સાંભળો તો એમાં વિશ્વાસ મૂકવાનો નહીં. યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હિન્દુત્વ માટેની નિષ્ઠા પર, એમના રાષ્ટ્રપ્રેમ પર વિશ્વાસ છે. કોઈ છાપું કે ટીવીની ચેનલ એવું કહે કે યોગી અમુકતમુક મુદ્દે આવું એલફેલ બોલ્યા અને એ ‘સમાચાર’ના વિઝ્યુઅલની ક્‌લિપ પણ દેખાડે તો એક સેકન્ડ માટે ધક્કો જરૂર લાગશે પણ બીજી જ પળે વિચારવાનું કે યોગી માટેનો આદર ઘટી જાય એ માટેની લિબ્રાન્ડુઓની આ ચાલ છે. ફેક્‌ટ ચેક કરવાનાં કોઈ સાધનો ના હોય તોય શ્રદ્ધાને ડગમગવા દેવાનો નહીં.

આની સામે કોઈ છાપું કે ટીવી ચેનલ અરવિંદ કેજરીવાલને હનુમાન ચાલીસા ગાતાં બતાવે કે મુસ્લિમવિરોધી સ્ટેટમેન્ટ આપતાં દેખાડે તો ય કેજરીવાલની એક લેભાગુ રાજકારણી તરીકેની જે છાપ છે તે ભૂંસાવાની નથી. કેજરીવાલ એ આદમી છે જે જાહેરમાં પોતાનાં બાળકોના સોગંદ ખાઈને તમારો વિશ્વાસ મેળવવાની કોશિશ કરે છે અને વખત આવ્યે એ સોગંદને તોડતાં જરા સરખા અચકાતા નથી.

કોઈ છાપું કે ટીવી ચેનલ હિન્દુત્વ વિશે કંઈ એલફેલ વાત કરે, ‘પુરાવા’ પણ રજૂ કરે, તમે એમની સામે કોઈ દલીલ ના કરી શકો એવી ‘હકીકતો’ રજુ કરે તો પણ ધર્મ પ્રત્યેની આસ્થા ડગમગવા દેવાની નથી. સામેવાળા ભલે પોતાની ચીકની-ચૂપડી જુબાનમાં ફોસલાવે કે પછી તમારા માટે નીચાજોણું થાય એ રીતે કહે કે, ‘તમે જરા દિમાગ ખુલ્લું રાખીને, તર્કબધ્ધ રીતે વિચારી જોજો…’ તો પણ એમની આ ચાલબાજીમાં ફસાવાનું નથી.

તમારી માન્યતા કે શ્રદ્ધાને પડકારતા કોઈ પણ સમાચાર કે ન્યુઝ એનેલિસિસ તરફ શંકાની નજરે નહીં જોતા એવું હું નથી કહેતો, એને આઉટરાઈટ રિજેક્‌ટ કરજો એવું કહું છું, ભારપૂર્વક કહું છું. અનુભવ પરથી કહું છું. કારણ કે મારા ખભા પરના બકરાને પડાવી લેવા માટે એને કૂતરું ગણાવનારા અનેક ધૂર્ત લોકો મને મળ્યા છે. છેક ૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરથી મળતા રહ્યા છે. ૨૦૦૨ની ૨૭ ફેબ્રુઆરી પછી તો એમાં ઘણો વધારો થયો અને ૨૦૧૪ના મે મહિના પછી તો રીતસરનું પૂર આવ્યું. કોઈ જડવાદી, બંધ દિમાગનો, અનરિઝનેબલ ગણે તો ભલે ગણે – એવા રે અમે એવા રે, વળી તમે કહો છો વળી તેવા રે.

એક-બે તાજેતરના દાખલા લઈએ. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ મુરલીધરને ૨૫ ફેબ્રુઆરીએ અડધી રાતે અદાલત ખોલીને કોઈ ભાજપવિરોધી વકીલની ફાલતુ પીટિશનની સુનાવણી દરમ્યાન ભરડી નાખ્યું કે શા માટે (મોદી) સરકાર કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર અને પરવેશ વર્મા પર એફ.આઈ.આર. દાખલ કરતી નથી. જજસાહેબની આવી કડવી વાત સાંભળીને (મોદી)સરકારે રાતોરાત એમની બદલી કરીને દિલ્હીથી ચંદીગઢ હાઈકોર્ટમાં ધકેલી દીધા. આ ન્યુઝ તમે વાંચ્યા, સાંભળ્યા છે. કૉન્ગ્રેસ સરકારના રાજમાં એટર્ની જનરલ રહી ચૂકેલા સોલી સોરાબજીએ પણ ‘રાતોરાત બદલી’ કરવા બદલ સરકારની ટીકા કરી.

પહેલી વાત. ગૃહમંત્રી કે કાયદામંત્રી તો શું ખુદ વડા પ્રધાન પણ જજની બદલી કરી શકવાની સત્તા ધરાવતા નથી. હાઈકોર્ટના જજની બદલી સુપ્રીમ કોર્ટના જજોની બનેલી સમિતિ (કૉલેજિયમ) નક્કી કરે છે. જસ્ટિસ મુરલીધરનની રૂટિન બદલીનો ઑર્ડર ૧૨મી ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ નીકળી ચૂક્યો હતો.( એમની સાથે ભારતની અન્ય હાઈકોર્ટોના જજોની બદલીઓનો ઑર્ડર પણ નીકળ્યો હતો – જે રૂટિન છે). જસ્ટિસ મુરલીધરને તદ્દન નજીવી બાબતને લઈને અડધી રાત્રે – સાડા બાર વાગ્યે – પીટિશનની સુનાવણી કરીને સરકારની ટીકા કરી. હકીકત એ છે કે જસ્ટિસ મુરલીધરને સરકારને પાર્ટિંગ શોટ મારવાની તક ઝડપી લીધી.

આપણને ઊંધા રસ્તે દોરવા માટે, સરકારે ૨૬મી ફેબ્રુઆરીએ બદલી નોટિફિકેશન બહાર પાડ્યું એવો, પુરાવો દેખાડવામાં આવે છે. ધ્યાનથી જોશો તો ખબર પડશે કે એ નોટિફિકેશન સરકારી ગેઝેટમાં છાપવા માટે સરકારી પ્રેસના મૅનેજરને સંબોધીને બહાર પડ્યું છે. જસ્ટિસની બદલીવાળો ઑર્ડર, સુપ્રીમ કોર્ટના સહી-સિક્કા સાથેનો, તો બારમી ફેબ્રુઆરીની તારીખ ધરાવે છે.

બીજો એક દાખલો લઈએ. અનુરાગ ઠાકુરે ઉશ્કેરણી કરી – એમ કહીને કે ‘દેશ કે ગદ્દારોં કો, ગોલી મારો સાલોં કો.’ અનુરાગ ઠાકુર એક જવાબદાર અને સિઝન્ડ પોલિટિશ્યન છે. ચાર વખત લોકસભામાં ચૂંટાયા છે. અત્યારે નાણાંમંત્રી નિર્મલા સીતારામનના હાથ નીચે રાજ્ય કક્ષાના નાણાંમંત્રીની ફરજ બજાવે છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી વખતે એક પ્રચારસભામાં એમણે કહ્યુંઃ ‘દેશ કે ગદ્દારોં કો…’ આખી સભાએ જવાબ આપ્યો ‘ગોલી મારો સાલોં કો.’ પાર્ટ એઃ અનુરાગ ઠાકુર આખું વાક્ય બોલ્યા નથી. પાર્ટ બીઃ આખેઆખું વાક્ય જો અનુરાગ ઠાકુર બોલે કે પછી આપણે પણ બોલીએ – તો એમાં ખોટું શું છે? દેશના ગદ્દારોને ગોળી ના મારીએ તો શું ગલગલિયાં કરીએ? અને ગદ્દાર શબ્દ સાંભળીને શું કામ કોઈએ બંધબેસતી ટોપી ( જાળીદાર વાટકા ટોપી) પોતાના માથે પહેરી લેવાની હોય? બધા મુસ્લિમો દેશના ગદ્દારો છે એવું કોઈ કહેતું નથી. જેઓ દેશના ગદ્દાર છે એમની વાત છે – એ મુસ્લિમ હોય અને હિન્દુ પણ હોઈ શકે. જેમ નિર્ભયા કેસના રેપિસ્ટોને ફાંસીની સજા થવી જોઈએ એવું કોઈ મુસલમાન રાજકીય નેતા બોલે ત્યારે સ્વાભાવિક છે કે એમાં મુકેશ સિંહ, વિનય શર્મા, અક્ષય ઠાકુર અને પવન ગુપ્તાને ફાંસી આપવાની માગણી છે – બધા હિન્દુઓને ફાંસીએ ચડાવવાની વાત નથી. પણ આવું આપણે સમજીએ છીએ. ગદ્દારોવાળા સૂત્રને ચગાવનારાઓ પણ સમજે છે. છતાં આખી બાતનું બતંગડ બનાવાય છે.

દિલ્હી વિધાનસભામાં હારી ગયેલા ભાજપી ઉમેદવાર કપિલ મિશ્રાએ પોતાના તથાકથિત ‘ભડકાઉ ભાષણ’માં શું કહ્યું? શાહીનબાગની ઉશ્કેરણીથી અઢી મહિના સુધી ટસની મસ ના થયેલી સરકારની, ટ્રમ્પની મુલાકાત ટાણે, હિંસક સળી કરવાના ઈરાદે દિલ્હીના જાફરાબાદ મેટ્રો સ્ટેશન તળે નવું શાહીનબાગ ઊભું કરવાના ઈરાદે ભેગા મળેલા એન્ટી-સીએએ દેખાવકારોને( વાંચો, મુસ્લિમ દેખાવકારોને) જો દિલ્હી પોલીસ ત્રણ દિવસમાં દૂર કરીને આ રસ્તો ખુલ્લો મૂકવામાં નિષ્ફળ ગઈ તો અમે આવીને આ રસ્તો ખુલ્લો કરી નાખીશું. કપિલ મિશ્રાના પ્રીસાઈસલી આ શબ્દો હતા. આની સામે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીનાં ભડકાઉ ભાષણો તમે સાંભળ્યાં છે? એ સૌએ લોકોને રસ્તા પર ઊતરી આવવાની અપીલ કરી છે, આર યા પારની લડાઈ કરવાની અપીલ કરી છે, ‘કાયરતા’ છોડીને ‘બહાદુર’ બનવાની અપીલ કરી છે. ગાંધી-વાડરા કુટુંબનાં બેજવાબદાર સ્ટેટમેન્ટ્‌સની સરખામણીએ કપિલ મિશ્રા તો બિચારો બાળમંદિરનું બાળક બોલતું હોય એટલો નિર્દોષ લાગે. શાહીનબાગમાં છેલ્લા અઢી મહિના દરમ્યાન રોજેરોજ જે ભડકાઉ ભાષણો થતાં રહ્યાં, બેજવાબદાર કૉન્ગ્રેસી નેતાઓ જે રીતે રોજેરોજ શાહીનબાગ સમર્થકોને ઉશ્કેરતા રહ્યા અને ટ્‌વિટર તેમ જ અન્ય સોશ્યલ મિડિયા દ્વારા કુણાલ કામરા જેવા જોકરો, અનુરાગ કશ્યપ-ફરહાન તથા જાવેદ અખ્તર-સ્વરા ભાસ્કર જેવા સેમીનિવૃત્ત ફિલ્મકારો અને રાણા અયુબ, રવિશકુમાર તથા રાજદીપ-શેખર-બરખા જેવા દેશમાં અશાંતિ ઊભી કરવામાં પી.એચ.ડી. મેળવી ચૂકેલા પત્રકારોની ઉશ્કેરણીને છાવરવા માટે કપિલ મિશ્રાનું નામ ઉછાળી ઉછાળીને આગળ કરવામાં આવે છે. કપિલ મિશ્રાએ ‘ઉશ્કેરણી’ કરી એટલે ‘આપ’ના નેતા તથા અરવિંદ કેજરીવાલના જમણા હાથસમા તાહિર હુસૈને પોતાના મકાનની અગાસી પરથી તેજાબની થેલીઓ, પેટ્રોલ બૉમ્બ, પથ્થરો તથા રિવોલ્વરોના જથ્થા વડે હિન્દુઓ પર હુમલો કરવા ૨૦૦ થી ૩૦૦ મુસ્લિમોને બોલાવ્યા એ ઘટનાને જસ્ટિફાય કરવામાં આવે છે.

આવા તો અનેક દાખલાઓ ટાંકી શકીએ. સવાલ એ છે કે આવું શા માટે થાય છે? ‘આવું’ એટલે? સત્ય ઢંકાઈ જાય એવું. ફેક ન્યુઝની બોલબાલા થાય એવું . ‘આવું’ એટલે ઉશ્કેરણી એ લોકો કરે, તોફાનો એ લોકો કરે અને વાંક આપણો આવે એવું.

આવતી કાલે તપાસીએ કે ‘આવું’ થવાનું કારણ શું?

આજનો વિચાર
આટલા બધા મર્યા, આટલા બધા ઈન્જર્ડ થયા, આટલા બધાં ઘરો બળ્યાં, આટલી બધી દુકાનો લૂંટાઈ, આટલા બધા લોકો બેઘર થઈ ગયા પણ પોલીસે એક જ જણનું ઘર સીલ કર્યું અને પોલીસ એ ઘરમાલિકની તલાશમાં છે. જોગાનુજોગ એ માણસનું નામ તાહિર છે. દિલ્હી પોલીસની તટસ્થતાને સલામ છે!
-જાવેદ અખ્તર

છોટી સી બાત
વાઈફને ખુશ કરવી બહુ અઘરું કામ છે, મિત્રો. હું એના માટે બૅન્ક લૂંટી આવ્યો તો કહેઃ icici નહીં, SBI લૂંટવાની હતી.
-મનમોહક મનજી(ટ્‌વિટર પર)

9 COMMENTS

  1. સર,
    આવું કેમ થાય છે..? તેની સાથે તે પણ અમારે જાણવું છે કે ,સામાન્ય હિન્દુ આ બાબતે પોઝિટિવલી શું કરી શકે..? માત્ર તમાશો જોવાનો..? થપ્પડ ખાયને ગાલ લાલ રાખવાનો..? આજેજ સમાચાર છે કે illeagal મુસ્લિમોને regularised કરવા કેજરીવાલ document આપશે..કેમકે તેમના document આ તોફાનમાં સળગી ગયા.!!!??

  2. what you said it correct. Need to be sent to Sandip Patra ‘as it is’ so he can quote your valuable sentence to coming debate. Salute

    • Why no mention about horrible murder of AnkitSharma?Why Javed Akhtar is silent?Why librads r not condemning it?When our blood will boil or it is water?

  3. સરસ ? ? ? ? ✅ ? ? જાવેદ અખ્તર નો દંભ ઉધાડા પાડવા ની જરૂર છે.

  4. ?‍♂️….દોસ્ત….શકય થાય તો દિલ્લી ના રમખાણો નો લેખ હિન્દી મા મોકલાવો ….આપણા એવા ઘણા ગુજરાતી ભાષી છે જેમને ગુજરાતી વાંચતા નથી આવડતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here