(લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 19 જૂન 2024)
કોઈ પણ કામની સફળતા કે નિષ્ફળતાનો આધાર એની પાછળ ‘કેટલી’ મહેનત કરી છે એ નથી હોતો, ‘કેવી રીતે’ મહેનત થઈ છે એ જોવું વધારે અગત્યનું હોય છે.
પૂરેપૂરી એકાગ્રતા સાથે તમામ માનસિક-શારીરિક શક્તિઓને એક કેન્દ્ર પર ભેગી કરી દીધા પછી જે મહેનત થાય છે તે ઊગી નીકળે છે.
માનસિક ઉત્પાતનો ઈલાજ એકાગ્રતા છે. અજંપો, તાણ, આત્મનિંદા (કે આત્મદયા) વગેરેને દૂર કરવા માટે મનને એકાગ્ર બનાવવું પડે. મન જથ્થાબંધ વિચારોનું ઉત્પાદન કરતું કારખાનું છે. હાથમાં કોઈ કામ નથી હોતું ત્યારે આ કારખાનું બમણી ઝડપથી માલ પેદા કરે છે અને છેવટે માલનો ભરાવો થઈ જાય છે, નકામા માલનો.
અહીં જથ્થાનું કોઈ મહત્ત્વ નથી. અનેક વિચારોની ગાંસડીમાંથી માત્ર એક જ વિષયની સોય શોધી લેવાનું કામ જ સૌથી અગત્યનું છે. માટે જ આ કારખાનામાં જેટલો ઓછો માલ બને એટલું વધારે સારું. જેના પર ધ્યાન આપવું છે એવા એક વિષયને પસંદ કરી લીધા પછી યાદ રાખવાનું કે એને લગતી ઝીણામાં ઝીણી બાબત પણ નકામી પુરવાર થવાની નથી. એ વિષયનું નાનામાં નાનું કામ પણ ભારે ચીવટ અને તલ્લીનતાથી કરતાં રહેવાથી મોટાં કામોને પણ એ જ રીતે કરવાની ટેવ પડે છે.
અણગમતા, વેદનાભર્યા અને નિરાશાજનક વિચારોથી મન ફાટફાટ થતું હોય ત્યારે તમામ વિચારો બહાર ઠાલવીને ખાલીખમ થઈ જવાનું ગમતું હોય છે, કામચલાઉ રાહત જરૂર અનુભવાતી હોય છે. પણ આપણા કહેવાથી આપણું મન ખાલી નહીં થાય અને મન ખાલી રાખવું એ કોઈ ઉદ્દેશ ન હોઈ શકે. મન હર્યુંભર્યું રહેવું જોઈએ-કોઈ એક નક્કર અને જીવંત કાર્ય કરવાના વિચારોથી.
એકાગ્રતા સુધી પહોંચવાની પૂર્વ તૈયારીરૂપે દરેક વ્યક્તિએ પોતાનું માનસિક વાતાવરણ એવું તૈયાર કરવું જોઈએ જેમાં એકાગ્રતાને પૂરતું પોષણ મળે. આવું વાતાવરણ ઊભુું કર્યા વિના એકાગ્રતા મેળવવાના પ્રયત્નો રણની સૂકીભઠ જમીનમાં ગુલાબનો છોડ ઉગાડવા જેવા પુરવાર થવાના. પૂર્વ તૈયારીરૂપે આટલું કરવું: જે પ્રવૃત્તિઓ તમારું ધ્યાન બીજે લઈ જતી હોય એવી તમામ પ્રવૃત્તિઓમાંથી ધીમે ધીમે પોતાની જાતને પાછી ખેંચી લેવી. સામાજિક, કૌટુંબિક કે વ્યવસાયને લગતી પ્રવૃત્તિઓમાં એવી અનેક બાબતો હશે જે ખેતરમાં ખડની જેમ ઊગી નીકળી હશે અને તમારી ફળદ્રુપતામાંથી પોષણ મેળવતી હશે, પરંતુ તમને કોઈ રીતે એનું ફળ નહીં મળતું હોય. આવી પ્રવૃત્તિઓનું નિંદામણ કરી નાખવું. એ જ રીતે વ્યક્તિઓનું. વગર કારણે ખૂબ બધા લોકોને મળવાનું કે એમની સાથે રૂબરૂમાં કે ફોન પર વાતો કરવાનું કે વૉટ્સએપ-ફેસબુક દ્વારા સંપર્કમાં રહેવાનું ટાળવું. અનેક લોકોેને મળતા રહીને કે એમની સાથે કલાકોના કલાકો વાતો કરતાં રહીને વેરવિખેર થઈ જવાની જરૂર નથી. એને બદલે તમારી એકાગ્રતાને પોષે એવી જ વ્યક્તિઓના સંપર્કમાં રહેવું અને ધીમે ધીમે આવા સંપર્કોની પીરિયોડિસિટી પણ ઘટાડતા જવું.
આવું જ વાચન, શ્રવણ તેમ જ જોવાની બાબતમાં. હાથમાં જે આપ્યું તે વાંચી નાખ્યું, કારમાં એફએમ ચાલુ રાખીને જે કંઈ આવે તે સાંભળ્યા કરવું કે ટીવી ખોલીને કંઈ પણ જોયા કરવું આ ટેવ ખોટી. ભોજન કરતી વખતે કઈ અને કેટલી વાનગી જોઈએ છે એની કાળજીપૂર્વક પસંદગી કરીએ છીએ તે જ રીતે વાચન વગેરે પણ પસંદગીપૂર્વકનું રાખવું. પસંદગીનું વાચન વગેરે કોઈ ચીંધી ન શકે, પોતાની મેળે જ એ તબક્કે આવી શકાય.
એકાગ્રતા મેળવવાની માનસિક ભૂમિ તૈયાર થઈ ગયા પછી એકાગ્રતાનું બીજ કેવી રીતે વાવવું અને એના કુમળા છોડને કેવી રીતે ઉછેરવો એ વિશેના પાંચ મુદ્દા મેં વિચારી રાખ્યા છે:
૧. જીવનમાં શું મેળવવું છે, શું પામવું છે અને આમાંથી ભૌતિકસ્તરનું કેટલું, અભૌતિક અથવા આધ્યાત્મિક સ્તરનું કેટલું એ વિશે સ્પષ્ટ થઈ જવું એ એકાગ્રતા તરફ જવાનું સૌથી પહેલું પગથિયું. વેર-વિખેર વિચારોમાંથી વીણી વીણીને જે નકામા હોય એને કાઢી નાખી બાકીનાને ખાતર-પાણી આપવાનાં. ટૂંકા ગાળાનું લક્ષ્ય, એટલે કે આજે, કાલે કે આ અઠવાડિયે શું શું કરવાનું છે એની સ્પષ્ટતા હોય એ જરૂરી. મધ્યમ ગાળાનું લક્ષ્ય, આ મહિના પછી કે આ આખા વર્ષ દરમિયાન શું કરવું છે એની સ્પષ્ટતા પણ મનમાં થઈ જવી જોઈએ. આવતા વર્ષ પછીનાં બે-ત્રણ વર્ષ દરમિયાનનું કાચું આયોજન કરીને દીર્ઘ ગાળાનું લક્ષ્ય પણ નક્કી થઈ જવું જોઈએ. આ ત્યારે જ શક્ય બને જ્યારે જિંદગી વિશે સ્પષ્ટતા હોય. જિંદગીમાં ‘શું કરવું છે એનો પાકો ખ્યાલ હોય. પડશે એવા દેવાશે કે પછી ધાર્યું ધણીનું થાય એવું વિચારનારાઓમાં માનસિક આળસ હોવાની. હું કોણ છું, આ જીવનનો અર્થ શું છે, મૃત્યુ એટલે શું એવું બધું વિચારીને બનાવટી આધ્યાત્મિકતા તરફ વળી જવાની પણ જરૂર નથી. આ પ્રશ્ર્નો ખોટા નથી, પણ વાસ્તવિકતામાંથી ભાગી છૂટવાના પલાયન તરીકે આ પ્રશ્ર્નોના જવાબ મેળવવા નીકળી પડવું ગલત છે. આવા પ્રશ્ર્નોના જે જવાબો બીજાઓ તરફથી મળશે તે પણ ગલત હોવાના. હું કોણ છું વગેરે પ્રશ્ર્નોના જવાબ માણસે જાતે શોધી લેવાના. આવા ઉત્તર તૈયાર નથી મળતા. રેડીમેડ કપડાંની જેમ અનુકૂળ સાઈઝ જોઈને ફિટ કરી દેવાના નથી હોતા. માણસે આવા ઉત્તરોની શોધ માટે જાતે વેતરવાનું અને જાતે સીવવાનું હોય. જીવનમાં શું કરવું છે એ વિશેની સ્પષ્ટતા એકાગ્રતાની પહેલી શરત.
૨. બીજી શરત ધીરજ રાખવાની. કેટલાક લોકોને તપેલીમાં દાળચોખા નાખીને ચૂલા પર મૂક્યા પછી તરત જ જોવાની આદત હોય. હજુ તો એમાંનું પાણી ઊકળવાનું શરૂ થયું ન હોય ને છીબું ઊંચું કરીને જોશે કે થઈ ગઈ ખીચડી? મારી મા પાસેથી એક શબ્દપ્રયોગ સાંભળ્યો હતો: ચડ ચૂલા ખાઉં! કોઈપણ કામ કરવામાં બિનજરૂરી ઉતાવળ કરવાથી કે કરાવવાથી એકાગ્રતાનો ભંગ થાય છે. એક ગીતની તર્જ તૈયાર કરી રહેલા સંગીતકારને દિવસમાં દસ વખત પ્રોડ્યુસરનો ફોન આવે કે ગાના તૈયાર હો ગયા? રેકોર્ડિંગ કે લીએ સ્ટુડિયો બુક કરના હૈ. તો એ સંગીતકાર કઈ રીતે પોતાના કામમાં તલ્લીન થઈ શકે. ધીરજ તૂટે છે ત્યારે એકાગ્રતા તો ખંડિત થાય છે જ, લક્ષ્ય પણ વિચલિત થઈ જાય છે. સાઈકલ પર વિશ્ર્વપ્રવાસે નીકળેલા કોઈ ભારતીય યુવાનની ધીરજ ખૂટી જાય ત્યારે એનું લક્ષ્ય ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્ઝમાંથી ખસીને લિમ્કા બુક ઑફ ઈન્ડિયન રેકૉર્ડ્ઝ તરફ જતું રહે છે.
૩. એકાગ્રતા કેળવવાની ત્રીજી શરત કામમાં મધ્યમ માર્ગ અપનાવવાની. કામની બાબતમાં ખૂબ વધારે અને ખૂબ ઓછાનાં અંતિમો છોડી દેવાં પડે. કામ કરવાની ઇચ્છા થાય ત્યારે સળંગ રાતોની રાતો કામ કરવું અને પછી મહિનાઓ સુધી આળસ કરવી- આમાંથી એકાગ્રતા ન નીપજે. કોઈ વાત વળગણ બની જાય ત્યારે આરંભે લાગે કે એકાગ્રતા સાધી શકાઈ છે પણ જે તબક્કે એ વળગણ છૂટી જાય છે એ તબક્કે એકાગ્રતાની તીવ્રતા હતી ત્યાં ને ત્યાં પાછી આવીને પાણીમાં બેસી જતી હોય છે. લાગણીઓનાં અંતિમોથી માંડીને આહારની બાબતોનાં અંતિમો ત્યજી દીધા પછી જ એકાગ્રતા સાધી શકાય. ખૂબ બધું મેળવી લેવું કે પછી સર્વસ્વનો ત્યાગ કરી દેવો- આવાં અંતિમોથી એકાગ્રતા સાધી શકાતી નથી. પ્રમાણભાન રાખ્યા પછી મળતો સંતોષ જ એકાગ્રતાને જન્મ આપી શકે.
૪. ચોથી શરત. જે કામ હાથમાં લીધું તે પૂરું થશે જ એવો વિશ્ર્વાસ રાખવો. વિશ્ર્વાસ જાત પર અને વિશ્ર્વાસ આસપાસના વાતાવરણ પર. અંતિમ પરિણામ મનગમતું જ મળવાનું છે એવા ભરોસા વિના કોઈપણ કામમાં મન કેવી રીતે પરોવાય? પરિણામ અંગે મનમાં અવઢવ હોય ત્યારે એકાગ્રતા જોઈએ એવી જામતી નથી.
૫. પાંચમી અને છેલ્લી નહીં એવી શરત એ કે ધ્યાન કે મેડિટેશન વિશેના ખોટા ખ્યાલો ખંખેરી નાખવાના. ધ્યાનમાં જેટલો વખત બેસીએ એટલી વાર સારું લાગે છે એવું કેટલાક લોકો કહેતા હોય છે. તે સારું લાગે જ, પણ આસપાસની ગરીબી, ગુનાખોરી, રાજકારણીઓની બયાનબાજી, કૌભાંડો, તકવાદ, ઘોંઘાટ, સેક્યુલર કકળાટ- આ બધા તરફ દુર્લક્ષ સેવીને, જે કામ હાથમાં લીધું હોય તેમાં મન પરોવીને તલ્લીનતાથી કામ કરવાની ટેવ પડે તો એ પણ ધ્યાન છે, એટલું જ નહીં ધ્યાનનો સર્વોત્તમ પ્રકાર છે. માણસ જે કંઈ કરે તે એકચિત્તે કરે તે ધ્યાન છે. પછી એ કામ રસોઈ કરવાનું હોય કે હિસાબના ચોપડા લખવાનું હોય કે બાળકોને વાર્તા કહેવાનું હોય. ધ્યાનને કે મેડિટેશનને રોજિંદી ક્રિયાઓથી અલગ પાડી દેવાથી એ એક પ્રકારનો બૌદ્ધિક પલાયનવાદ બની જાય છે. અત્યારે હું જે કામ કરું છું તે કામ દુનિયામાં સૌથી અગત્યનું કામ છે એવી ભાવના કેળવવાથી સર્જાતી એકાગ્રતા આપોઆપ મેડિટેશન બની જાય છે. એકાગ્રતા વિશે બસ આટલું જ.
સાયલસ પ્લીઝ
તમને જે ગુમાવવાનો ડર હોય છે એ ક્યારેક ને ક્યારેક તમે ગુમાવતા જ હો છો. – પાઉલો કોએલો
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
હરિ ઓમ.
જગતગુરુ શંકરાચાર્ય ના વિચારો ના પ્રકાશ ને લોકો સુધી પહોંચાડવા ના પ્રયાસ કરતા પરમ પ્રમાણ દર્શન ના સ્વામી નિજાનંદ બહુ સરસ વાત કહે છે… ધ્યાન ધરવા નુ નથી હોતુ… ધારણા કરો …ધીરે ધીરે ધારણા ની એકાગ્રતા ધ્યાન મા પરિવર્તિત થાય છે… અને સમાધી એ ધ્યાન ની એકાગ્રતા ની પરાકાષ્ઠા છે.
આમ થી તેમ સતત કુદકા મારતા ચંચળ મન ને ફરી ફરી ને સુયોગ્ય વિચાર મા કે કર્મ મા લગાડવા ની ક્રિયા એટલે ધારણા.
Suuuuuuuuuuperb લેખ માટે અભિનંદન.
તમે આપેલા બધા .. પાંચે પાંચ મુદ્દા કોઈ પણ સમય …કોઈ પણ પરિસ્થિતિ
…કોઈ પણ મનુષ્ય માટે સુસંગત છે… જરુરી છે.