આ છે ચાણક્ય અને આ નરેન્દ્ર મોદી

_( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : રવિવાર, 5 એપ્રિલ 2020)_

*નરેન્દ્ર મોદી* વડા પ્રધાન બન્યા તે પહેલાંના સમયથી એમની સરખામણી ચાણક્ય સાથે થતી આવી છે. અને વાજબી રીતે થતી આવી છે. રાજકારણ આમ જુઓ તો છળકપટ, દગાબાજી, બદલો, વિશ્ર્વાસઘાત, ષડયંત્ર અને પ્રતિહિંસાનું ક્ષેત્ર છે. રાજકારણ ધૂર્ત લોકોનો વ્યવસાય ગણાયો છે. આવા ક્ષેત્રમાં રહીને લોકોની ચાલબાજીને સમજવી અને એનો ભોગ ન બનવું એ ઘણી મોટી આર્ટ છે. રાજકારણમાં રહીને દેશ માટે, દેશની પ્રજા માટે કંઈક કરવું હોય ત્યારે આ જ બધા ગંદા ખેલનો સામનો કરવો જ પડે.

આચાર્ય ચાણક્યના માતાપિતાએ એમનું નામ પાડેલું-વિષ્ણુગુપ્ત. આ ઉપરાંત બીજાં નામે પણ લોકો એમને ઓળખતા: ૧. વાત્સાયન, ર. મલ્લનાગ, ૩. કૌટિલ્ય, ચાણક્ય, દ્રમિલ, પક્ષિલ, વરાણકસ્વામી તથા ગુલસ્વામી.

ચણક્ના પુત્ર હોવાને કારણે ચાણક્ય અને કુટિલ નીતિના પક્ષધર હોવાને કારણે કૌટિલ્યના નામે ઓળખાતા આચાર્ય ચાણક્યે ‘કૌટિલીય અર્થશાસ્ત્ર’ નરેન્દ્ર મોદી માટે જ લખ્યું હશે એવો તમને વહેમ જાય. અહીં ‘અર્થશાસ્ત્ર’ એટલે ‘ઈકોનોમિક્સ’ નહીં પણ ‘રાજનીતિશાસ્ત્ર’-પોલિટિકલ સાયન્સ, આજના જમાનામાં જેને કહે છે તે. પ્રાચીનકાળમાં રાજનીતિશાસ્ત્ર માટે એ જ શબ્દ વપરાતો. ચાણક્યે આ ગ્રંથમાં જે લખ્યું તેનું સંક્ષિપ્તકરણ ‘ચાણક્યનીતિ’ નામે જાણીતું છે. આ ઉપરાંત આચાર્યે ‘ચાણક્યસૂત્રો’ પણ આપ્યાં. ‘ચાણક્યનીતિ’માં શ્ર્લોક છે, ‘ચાણક્યસૂત્રો’માં એક-એક વાક્ય છે. કુલ પ૭ર ‘ચાણક્ય સૂત્રો’ છે. (ચાણક્યનીતિમાં ૧૭ અધ્યાય છે અને દરેક અધ્યાયમાં સરાસરી ર૦-ર૦ શ્ર્લોક છે.)

પ૭ર ‘ચાણક્ય સૂત્રો’માં મારે હિસાબે નરેન્દ્ર મોદીની એવી જીવનકથા પ્રગટ થાય છે જે ક્યારેય નથી લખાઈ. મોદીના જીવનના પ્રસંગોનું બયાન કરતાં ડઝનબંધ પુસ્તકો છેલ્લાં થોડાં વર્ષમાં બજારમાં મળતાં થઈ ગયાં છે પણ સાહેબની માનસિકતા સમજવાની કોશિશ કરવી હોય તો ‘ચાણક્ય સૂત્રો’ વાંચતાં વાંચતાં, એમને યાદ કરીને, એમના રાજકીય જીવનની નાનીમોટી ઘટાનાઓને યાદ કરીને વિચારતાં રહીએ તો એમના વ્યક્તિત્વની ભીતરમાં ડોકિયું કરી શકીએ. એવું ન કરવું હોય તો એમને એમ ચાણક્ય સૂત્રો વાંચીએ તો પણ મઝા પડશે. કદાચ વાંચીને તમે કે તમારું સંતાન ભવિષ્યના મોદી બની જાય. ઓવર ટુ આચાર્ય ચાણક્ય:

૧. સુખનું મૂળ ધર્મ છે. (અર્થાત્ સુખની ઈચ્છા રાખવાવાળાએ ધર્મનું આચરણ કરવું જોઈએ. અહીં ધર્મ માત્ર ‘ધર્મ’ના જ અર્થમાં નથી, ભગવદ્ ગીતામાંના ‘સ્વધર્મ’ના અર્થમાં પણ છે.)

ર. ધર્મનું મૂળ અર્થ (રાજનીતિ) છે.

૩. અર્થ (રાજનીતિ)નું મૂળ રાજ્ય (સત્તા) છે. (અર્થાત્ જ્યારે રાજ્ય જ નહીં હોય તો રાજનીતિ કેવી રીતે કરશો?)

૪. રાજનીતિનું મૂળ ઈન્દ્રિયો પરની વિજય પ્રાપ્તિ છે. (અર્થાત્ રાજાએ જો પોતાનું રાજ્ય, પોતાની સત્તા, સુરક્ષિત રાખવાં હોય તો એણે સંયમી બનવું પડે).

પ. ઈન્દ્રિયવિજયનું મૂળ વિનય છે. (વિનય એટલે ચારિત્ર્યની દૃઢતા.)

૬. વિનયનું મૂળ વૃદ્ધોની સેવા છે. (જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ વ્યક્તિઓની સેવા કરીને એટલે કે એમની નિકટ રહીને, એમનું નિરીક્ષણ કરીને, એમનો ઉપદેશ-એમની સલાહ સાંભળીને, એમની ટીકા-આલોચના સહન કરીને વિનય જન્મે છે).

૭. વૃદ્ધ વ્યક્તિઓની સેવાનું મૂળ વિજ્ઞાન (જ્ઞાન અને વિવેક) છે.

૮. વિજ્ઞાન સંપન્ન અને વિવેકશીલ બનવાથી આત્માની ઉન્નતિ થાય છે.

૯. વિજ્ઞાનસંપન્ન વ્યક્તિ જ આત્મવિજયી બને છે અને આત્મવિજયી જ વિશ્ર્વવિજેતા બની શકે છે.

૧૦. આત્મસંયમી વ્યક્તિ સમસ્ત અર્થોથી સંપન્ન થાય છે.

૧૧. અર્થ-સંપત્તિ (અર્થાત્ રાજકીય કૌશલ) જ અમાત્ય (પ્રધાન, મંત્રી) વગેરેની પ્રકૃતિ-સંપત્તિનો આધાર છે.

૧૨. પ્રકૃતિ-સંપત્તિ (આજના જમાનામાં એને ઈમોશનલ ઈન્ટેલિજન્સ કહીશું) ધરાવતી વ્યક્તિથી નેતૃત્વહીન રાજ્યનું સંચાલન શક્ય બને છે.

૧૩. અમાત્ય વગેરેનો કોપ (ક્રોધ) અન્ય તમામ પ્રકારના કોપ કરતાં અધિક કષ્ટદાયક હોય છે.

૧૪. અવિનીત (જે વિનીત નથી તે. વિનીત એટલે સૌમ્ય, વિવેકી, નમ્ર, ઉદારમતવાદી) સ્વામી હોય એના કરતાં સ્વામી જ ન હોય તે વધુ કલ્યાણકારી ગણાય. અહીં ચાણક્યે પપ્પુનો ઉલ્લેખ નથી કર્યો.

૧૫. પોતાની પાત્રતા ઊભી કરવા ઉપરાંત યોગ્ય સહાયકો મળે એવી આશા પણ રાખવી જરૂરી છે.

૧૬. સહાયકો વિના રાજાના વિચારો અસ્થિર અને અનિશ્ર્ચિત જ રહી જવાના.

૧૭. રાજા અને એના સહાયકો બે પૈડાં છે અને ગાડું એક પૈડાથી નથી ચાલતું. અહીં ચાણક્યે અમિત શાહ અને અજિત દોભલનો પણ ઉલ્લેખ નથી કર્યો.

૧૮. સુખદુ:ખમાં સાથ આપનારાઓ જ ખરા અર્થમાં સહાયક બની શકે છે.

૧૯. મનસ્વી રાજાએ પોતાના જેવી જ મનસ્વી વ્યક્તિને પોતાના સલાહકારપદે નિયુક્ત કરવી જોઈએ.

૨૦. માત્ર જેમના માટે સ્નેહભાવ હોય એવી વિનયહીન વ્યક્તિની સલાહકાર સમિતિમાં ક્યારેય નિમણુક કરવી નહીં. અરૂણ શૌરી સાહેબ યાદ આવે છે ને.

૨૧. દરેક પ્રકારની પરીક્ષાઓમાં પાર ઊતરેલી તથા ઉત્કોચ (રિશ્વત, લાંચ), પ્રલોભન તથા બંધુસ્નેહ (સગાંવાદ)થી મુક્ત એવી યોગ્ય તથા પ્રામાણિક વ્યક્તિને જ પોતાના મંત્રીપદે નિયુક્ત કરવી.

રર. રાજ્યના તમામ કારભાર (ની સફળતા) મંત્રી પર જ આધાર રાખે છે.

૨૩. મંત્ર (અર્થાત્ કાર્ય)ની રક્ષા કરવાથી (અર્થાત્ કાર્યની જાણકારી બીજા કોઈ સુધી ન પહોંચે એની તકેદારી રાખવાથી) જ કાર્યસિદ્ધ થઈ શકે છે. નોટબંધી.

૨૪. મન્ત્રની ગુપ્તતા ખુલ્લી પડી જવાથી કાર્યને હાનિ થાય છે.

રપ. પ્રમાદને લીધે વ્યક્તિ પોતાના શત્રુના વશમાં આવી જાય છે.

નરેન્દ્ર મોદીનું દરેક પગલું, એમની કામ કરવાની રીત, એમની નીતિઓને તમે ઝીણવટથી તપાસશો તો ખબર પડશે આ દરેક ચાણક્ય સૂત્ર એમની રગરગમાં દોડે છે.

ચાણક્ય નીતિ વિશેની બીજી સ્વતંત્ર વાતો આવતી કાલે.

• • •

9 COMMENTS

  1. સર, મારો એક પ્રશ્ર્ન છે ઉપરોક્ત પોસ્ટ ને લઈને કે, આ પોસ્ટ આપણને સગા સંબંધીઓ અને મિત્રવર્તુળ માંથી દુષ્ટ, કપટી લોકને સોધવા અને તેમનાથી બચાવે છે. આ બધા લોકો આપણી સૌથી નજીક હોય છે, અને ઇતિહાસ ગવાહ છે કે, સૌથી નજીકના લોકોજ પીઠ પર વાર કરે છે.
    આ પોસ્ટના શ્લોક ૨૩ અને ૨૪ ના અનુસાર તમારા ગુપ્ત જ્ઞાનની જાણ બીજાને ન થવી જોઈએ.
    તમારા જણાવ્યા પ્રમાણે
    ” પેજને અને પોસ્ટને તમારા નજીકના વ્યક્તિઓને સેર કરવાનું ના ભુલસો “.
    હે…. નીતિના જાણકાર, પથ પ્રદર્શિત કરો.

  2. Sir, Today Sunday 5/04/2020 we tried to watch ” Chanakya ” serial on DoorDarshan-DD National and also on DD Bharath at night 10pm but not able to see because of non telecast of Chanakya.
    Please give telecast details of Chanakya as we are eagerly to watch.

    • It is the service to mankind ,and humanity…It is the chance to do something for your nation as a national….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here