ન્યુઝવ્યુઝ(સોમવાર, ૬ એપ્રિલ ૨૦૨૦)
ગઈકાલે રાત્રે ૯ વાગ્યે ૯ મિનિટનો દેશવ્યાપી કાર્યક્રમ જોઈને ગુલઝારની ‘ગાલિબ’ સિરિયલનો એક સીન યાદ આવ્યો. ૧૮૫૭માં અંગ્રેજો જેને બળવો કહેતા હતા તે ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પછી દિલ્હીમાં અંગ્રેજ શાસકોએ એક દિવસ હુકમ જારી કર્યો કે આખા શહેરમાં આજે રાત્રે સૌ કોઈએ પોતાના ઘરની બહાર રોશની કરવાની છે. જેઓ અંગ્રેજો સાથે હતા એમણે રોશની કરી. જેઓ વિરોધ કરતા હતા અને સ્વાતંત્ર્યવીરોની સાથે હતા એમણે અંધારું રાખ્યું. ગઈ કાલે જરા જુદું થયું. જેઓ દેશપ્રેમી હતા તે સૌએ રોશની કરી. બાકીનાઓ પરખાઈ ગયા.
લૉકડાઉનનો આજે તેરમો દિવસ. હજુ બીજા આઠ દિવસ ઘરમાં રહેવાનું છે. જો મુદત ન લંબાઈ તો મંગળવાર, ૧૪ એપ્રિલ ૨૦૨૦ની રાત્રિના બાર વાગ્યે લૉકડાઉનની સમયમર્યાદા પૂરી થશે. એ પછી શું આપણે ‘આઝાદી’ની ઉજવણી કરવા રસ્તા પર ઊતરીને ફટાકડા ફોડવાના છે? ૧૫મી એપ્રિલે અડોશપડોશમાં રહેતા મિત્રો કે નજીકમાં રહેતા સગાંવહાલાંઓને મળવા નીકળી પડવાનું છે? કે પછી લોનાવાલા-ખંડાલા કે દમણ-આબુ જવા નીકળી પડવાનું છે? થિયેટર-મૉલ-રેસ્ટોરાંની મુલાકાત લીધે ત્રણ-ત્રણ અઠવાડિયાં વીતી ગયાં તો એ માનસિક ભૂખ ભાંગવા ત્યાં જઈને ભીડ કરવાની છે?
આમાનું કંઈ પણ કરીશું તો આટલા દિવસ જે ધીરજ રાખી તેના પર પાણી ફરી વળશે. ભારતમાં ૨૧ દિવસનું લૉકડાઉન છે, સિંગાપોરમાં ૩૦ દિવસનું. આપણે મનોમન સ્વીકારી લઈએ કે આપણે ત્યાં પણ ૩૦ દિવસનું લૉકડાઉન છે. ૧૫મી એપ્રિલથી ઘરની બહાર નીકળવાની છૂટ મળે ત્યારે એ સ્વતંત્રતાનો ઉપયોગ ટોળે વળવામાં, ભીડ કરવામાં ન કરીએ. જરૂર પૂરતા બહાર જઈને ઘરે પાછા આવી જઈએ. ઉબર-ઓલા સહિત ટ્રેન-બસ-રિક્શા જેવાં પબ્લિક ટ્રાન્સપોર્ટનાં સાધનોનો ઉપયોગ ટાળીએ. ઘરનાં ગાડી-સ્કૂટર-બાઈક-સાયકલને બહાર લઈ ગયા પછી સેનિટાઈઝ કરીએ, જાતે તો સેનિટાઈઝ થઈએ જ.
લૉકડાઉનનો સમય પૂરો થશે એટલે કોરોના ભાગી જશે એવા ભ્રમમાં નથી રહેવાનું. ફરી પાછું લૉકડાઉન કરવું પડે એવી પરિસ્થિતિ સર્જવા દેવાની નથી. ૧૫મી એપ્રિલ પછીના દિવસો માટે રેલવેએ ટિકિટ બુકિંગ કરવાનું શરૂ કરી દીધું છે. રેલવેના કેટલાક ડબ્બા આઈસોલેશન વૉર્ડ માટે અનામત રાખવામાં આવ્યા છે એટલે સ્વાભાવિક છે કે શરૂમાં અમુક રૂટ પૂરતી જ ટ્રેનો દોડશે અથવા અમુક ટ્રેનો ઓછા ડબ્બા સાથે દોડશે. જેમના માટે સાવ અનિવાર્ય હોય એ લોકોને રેલસેવાનો લાભ મળે એ માટે આપણે રેલ પ્રવાસ ટાળીએ. વિમાનપ્રવાસ પંદરમી એપ્રિલ પછી પણ બંધ રહેશે – ઍર ઇન્ડિયાએ ૩૦ એપ્રિલ સુધી પોતાની સેવાઓ બંધ રાખવાની ઘોષણા કરી છે.
શક્ય છે કે લૉકડાઉનની મુદત ન વધે પણ લૉકડાઉન ખુલવાની પ્રક્રિયાને તબક્કાવાર વહેંચી નાખવામાં આવે. દુકાનો કેટલીક ખુલે પણ રેસ્ટોરાં, મૉલ, થિયેટરોને હજુ થોડા સપ્તાહ બંધ રાખવામાં આવે. એવો કોઈ સરકારી નિયમ આવે કે ન આવે હમણાં થોડાં અઠવાડિયાં બહાર જઈને ખાવાનું બંધ રાખવું જોઈએ, બહારથી ઘરમાં મગાવીને ખાવાનું પણ બંધ રાખવું જોઈએ. મને પણ સાન્તાક્રુઝની રામ-શ્યામની સેવપુરી ખાવાનું મન થાય છે પણ લૉકડાઉન ખુલ્યા પછી એકાદ મહિનો રાહ જોઈશું. દાદરમાં ‘પ્રકાશ’નું દહીંમિસળ પણ બોલાવ બોલાવ કરે છે અને માટુંગાની ‘ રામાશ્રય’નો વિરહ તો અસહ્ય થઈ ગયો છે, છતાં વધુ ચાર અઠવાડિયાની લંબી જુલાઈ વેઠી લઈશું. મૉલની મુલાકાતો અને થિયેટરો તો ઘેર ગયાં. ઘરમાં બેસીને નેટફ્લિક્સ, પ્રાઈમ સહિત અડધો-પોણો ડઝન ઓ.ટી.ટી. પર ઘણાં સરસ મૂવી, સિરીઝ અને બીજાં પ્રોગ્રામ્સ આવે છે. આ ઉપરાંત સી.ડી., ડીવીડી, બ્લૂ રૅ ડિસ્કનું ઘણું મોટું કલેક્શન છે. મનોરંજન માટે ઘરની બહાર પગ મૂકવાની જરૂર જ નથી. ટીવી અને પુસ્તકો તો છે જ. ફોન પણ છે.
આ લૉકડાઉન કોરોનાની કુદરતી આપત્તિમાં એક આશીર્વાદ સમાન આડપેદાશ છે. એક મિત્રે ફોન પર સરસ વાત કરી. કહે કે, ‘હું રોજ જ્યારે ધ્યાનમાં બેસું ત્યારે મને ખબર હોય છે કે મારા મિત્રો, સગાં, આખી દુનિયા ધ્યાન નથી કરી રહી. પણ લૉકડાઉન વખતે મને લાગે કે દુનિયામાં સૌ કોઈ મારી સાથે સામૂહિક વિપશ્યના કરે છે. આને કારણે ધ્યાનમાં એકાગ્રતા વધી જાય છે.’
નવરાત્રિના નવ દિવસ જે ઉપવાસ કર્યા તેનાં પારણાં નથી કર્યાં. લૉકડાઉનના અંતિમ દિવસ સુધી ચાલશે. નવને બદલે એકવીસ દિવસના ઉપવાસ. અને લૉકડાઉન લંબાઈ ગયું તો ઉપવાસ પણ લંબાશે. લૉકડાઉનના અંતિમ દિવસે નકોરડો ઉપવાસ કરવાનો વિચાર છે. અત્યારે જે ઉપવાસ ચાલી રહ્યા છે તેને ‘ઉપવાસ’ કહેતાં સંકોચ થાય એવું છે. કારણ કે બપોરનું ભોજન તો પૂરતું મળે જ છે. રાત્રે એક ફળ અથવા સાદા દૂધનો નાનો ગ્લાસ. સવારે ઊઠીને ડિટૉક્સ. શરીરની ઈમ્યુનિટી વધારવા આ નુસખો કેટલાંક વર્ષથી ચાલુ કર્યો છે. એક ગ્લાસ હુંફાળું પાણી. તે પછી એક કાકડી-એક ટમાટર-એક કારેલાને સ્લો જ્યુસરમાં નાખીને કાઢેલો જ્યુસ જેમાં એક નાની ચમચી ગિલોય(ગળો)ની ઉમેરવાની. આ ઉપરાંત એક ચમચી તાજાં આમળાંના રસમાં એક ચમચી લીલી હળદરનો રસ નાખી એમાં પાણી ઉમેરીને પી જવાનું. કોરોનાનો બાપ પણ નજીક નહીં આવે, જો વર્ષોથી આ રીતે ઈમ્યુનિટી વધારી હશે તો. આજથી શરૂ કરો તો ભવિષ્યની બીમારીઓ સામેનું સુરક્ષાચક્ર તૈયાર થતું જશે. આ ઉપરાંત સવાર-સાંજ ચા જેમાં દૂધ નહીં, ખાંડ નહીં – માત્ર કાળી ચાનું પાણી.
આટલું શરીરમાં જતું હોય ત્યારે એને ‘ઉપવાસ’ કહેતાં શરમ આવે પણ જે નથી જતું એ ગણીએ તો લાગે કે આ દિવસોમાં ખાવાની બાબતમાં લાઈફસ્ટાઈલ આખી બદલાઈ ગઈ છે:
૧. સવારે હેવી બ્રેકફાસ્ટ – કૅન્સલ.
૨. બ્રેકફાસ્ટ અને લંચ વચ્ચે કંઈક કટકબટક – કૅન્સલ.
૩. લંચ અને ડિનર વચ્ચે સાંજે પાંચેક વાગ્યાની ભૂખ માટે જે કંઈ ખવાય તે – કૅન્સલ.
૪. રાતનું જમવાનું કૅન્સલ.
૫. રાતે જમ્યા પછી જો કામ ચાલુ હોય કે પિક્ચર વગેરે જોવાતાં હોય ત્યારે બેત્રણ કલાકે જે ભૂખ લાગે તે ભાંગવા માટે રસોડામાં આંટાફેરા કૅન્સલ.
નૉર્મલ દિવસોમાં ટોટલી જેટલી કેલરી શરીરમાં જતી હશે એના કરતાં લગભગ તેંત્રીસથી ચાલીસ ટકા જેટલી જ કેલરી અત્યારે શરીરને મળતી હશે. પણ સ્ફૂર્તિ ગજબની લાગે છે. માનસિક નિંરાત પણ વધી ગઈ છે. ક્યારેક આવેશમાં આવીને એવો સંકલ્પ કરવાનું મન થાય કે લૉકડાઉન પછી જિંદગી આખી આવા ‘ઉપવાસ’ કરીએ. પણ હજુ એ સ્ટેજ પર પહોંચ્યા નથી એવો અહેસાસ થાય એટલે રોકાઈ જવું પડે.
સંકલ્પો ક્યારેય ઉતાવળે નહીં લેવાના. કોઈ પણ સંકલ્પ લેતાં પહેલાં ધીરજપૂર્વક આ ચાર તબક્કા વિશે વિચારી લેવાનું:
૧. સંકલ્પ: જીવનમાં કશુંક કરવું છે એવાં સપનાં જોવાં એક વાત છે, એ સપનાં સાકાર કરવા માટેનું પ્લાનિંગ કરવું તે બીજી વાત છે અને એ પ્લાનિંગને અમલમાં મૂકવાનો સંકલ્પ કરવો એ ત્રીજી વાત છે. સંકલ્પ લીધા પછી તમારી જવાબદારી વધી જાય છે. અત્યાર સુધી તમારા મનોજગતમાં જે કંઈ હતું તે હવે વ્યવહારરૂપે આવવાનું છે જેના માટે તમારે તમારો સમય, તમારી શક્તિ તથા તમારી પાસેનાં સંસાધનો-રીસોર્સીસ વાપરવાં પડશે.
૨. નિયમ: સંકલ્પ કર્યા પછી તમારે એના અમલીકરણ માટે એક રૂટિન સેટ કરવું પડે. સંકલ્પને અમલમાં મૂકવા માટે કેટલાંક નિયમોનું પાલન કરવું પડે. આ ડુઝ-ડોન્ટ્સ તમારે પોતે જ બનાવવાનાં હોય અને પછી એને વળગી રહેવાનું હોય. કોઈ ન જોતું હોય ત્યારે ય એ નિયમોને તોડવાના ન હોય.
૩. આદત: નિયમો સતત પાળવામાં આવે ત્યારે એક તબક્કે એ આદતમાં પરિવર્તન પામે. ઘણી બધી સુટેવો આપણને નાનપણમાં માબાપે શીખવાડી હશે જે અત્યારે કામ લાગે છે. મોટા થતાં આપણે પોતે અમુક સારી આદતો કેળવી હોય છે જે વખત જતાં જીવનની મૂડી બની જતી હોય છે.
૪. જીવનશૈલી: ઘણીબધી આદતો જ્યારે જીવનમાં વણાઈ જાય ત્યારે એ આપણી લાઈફસ્ટાઈલ બની જાય – જીવનશૈલીનો એક અનિવાર્ય હિસ્સો બની જાય. એ પછી તમારા સંકલ્પ, નિયમ, આદત ક્યારેય નહીં છૂટે. તમારા મૂડ, તમારા સ્વાસ્થ્ય, તમારી પરિસ્થિતિ વગેરેમાં ચડાવઉતરાવ આવે તો પણ નહીં છૂટે.
સંકલ્પને જીવનશૈલી સુધી લઈ જવા માટે નિયમ તથા આદતની કઠોર તપશ્ચર્યામાંથી પસાર થવા દેવો પડે. આવી માનસિક તૈયારી અને શારીરિક ક્ષમતા વિના લીધેલા સંકલ્પો બહુ જલદી તૂટી જતા હોય છે. તૂટીતૂટીને ભંગારનો ઢગલો થઈ ગયેલા સંકલ્પો જોઈએ છીએ ત્યારે આપણું મનોબળ વિચલિત થઈ જાય છે. માટે જ, સંકલ્પો નહીં લેવા એવું નથી – પણ સંકલ્પ કરતાં પહેલાં એને જીવનશૈલી બનાવવા માટે કઈ કઈ તૈયારી કરવી પડશે એનો વિચાર કરી લેવો.
અત્યારના ‘ઉપવાસ’ને લૉકડાઉન પછી પણ ચાલુ રાખવા કે નહીં એવા મનોમંથન પછી આટલું સૂઝ્યું જે તમારી સાથે વહેંચી દીધું.
છોટી સી બાત
રોજ બબ્બેવાર દૂરદર્શન પર રામાયણ-મહાભારત જોયા પછી ઑફિસો ખુલશે ત્યારે બૉસને જોઈને મોઢામાંથી નીકળી પડશેઃ ‘મહારાજ કી જય હો.’
આ એક માત્ર સમય પૂરતો નથી .ઘણા સમય સુધી સંયમ રાખવો જોઈએ આપણે આપણી રીતે લોકડાઉન સમજી રહેવાનું જરૂરી છે….
This lockdown has made us understand the difference between necessity and luxury. Controlling unnecessary food cravings.. going through that phase… helpful article
સંયમ પાળવાનો સમય છે લોક ડાઊનલોડ ખુલે એટલે આ વાયરસ મરી નથી જવાનો લાંબા સમય માટે કામ વગર પ્રવાસ હોટલ પીકનીક વગેરે ટાળવા પડશે જો આપણે બધા સાથે મળીને સમજી ને ચેતી ને ચાલશું તો આપણો સમાજ સ્વસ્થ રહેશે
Saras lekh saurabhbhai
Ek war swot no article repit karo to ghanna ne faydo thase evo maro manvo che
Good suggestion.
? ખૂબ સરસ..લોકડાઉન ખૂલે એ પહેલાં બધી જ ભાષામાં છપાય એવી વ્યવસ્થા કરો, તમારી પહોચ બહુ છે… આના થી મોટી રાષ્ટ્ર સેવા બીજી કોઈ નહિ હોય…
હિન્દી રોજ થાય છે જ. Newspremi dot comના હોમ પેજ પર જોશો. English ગોઠવાઈ જશે જો સૌની મદદ હશે તો.
Where in sanatacruz RAM SHYAM is located? For a change write one full ARTICLE on food. Your favourite STREET FOOD JOINTS, HOTELS OR RESTAURANT ETC. ખાવા પર તમારી હથોટી છે.
It’s between S V Road and Linking road bang on the R D Burman Chowk.
વાહ ખુબ સરસ. વાંચી ને અમલમાં મૂકવાની ઇચ્છા થઇ જાય છે પણ આપે કહયું તેમ ભાવાવેશમાં આવીને ઉતાવળે નિર્ણય નથી કરવાનો. પણ આમાંથી થોડું તો આ ઉંમરે જીવન માં ઉતારવું જ પડશે. ખુબજ આભાર આટલી સુંદર સાચી વાત કરવા માટે. ???