જે કામ કરવાની ઈચ્છા નથી તે કામ કરવું પડે ત્યારે દર વખતે એ દંભ નથી હોતો : સૌરભ શાહ

(તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર, ૧૧ જુલાઈ ૨૦૨૧)

દંભનું જન્મસ્થાન બીજાઓની આપણા પ્રત્યેની અપેક્ષા છે. આવી અપેક્ષામાંથી મુક્ત થઈ જવાય તો વ્યક્તિએ દંભ રાખવાની જરૂર નહીં પડે. એવું થાય તો નિખાલસતાની પણ જરૂર નહીં પડે કારણ કે જ્યારે બધા જ બધું જ પ્રગટ થવા દેતા હોય ત્યારે જે પ્રગટે તે સહજ અને સ્વાભાવિક બની જાય. એને નિખાલસતાના વિશેષણથી શણગારવાની કોઈ જરૂર ન પડે.

દંભની જેમ નિખાલસતાથી બચવાની પણ જરૂર હોય છે. કદાચ વધારે જરૂર છે કારણ કે સ્વભાવને નિખાલસતાનો ઢોળ ચડાવી દીધા પછી માણસો જન્મજાત દંભીઓ કરતાં વધુ દંભ ખૂબ સગવડપૂર્વક આચરી શકતા હોય છે. આવી નિખાલસતા વધુ ખતરનાક એટલા માટે કે દેખીતા દંભથી તો બચીને ચાલી શકીએ પણ નિખાલસતા પાછળ છુપાયેલા દંભને ઓળખવો અને એનાથી બચવું વધારે કપરું કામ છે.

નિખાલસતાનો ઉપયોગ સૌ કોઈ પોતપોતાની સગવડ મુજબ કરે છે. સો ટકા નિખાલસ માણસ મળવો અશક્ય છે. આત્મકથા લખતી વખતે માણસ નિખાલસ થવાનો અને દિલ ખોલીને લખવાનો ઈરાદો ધરાવે છે પરંતુ આખરે તો દરેક આત્મકથા (દરેકેદરેક આત્મકથા, ગાંધીજી સહિતની દરેક વ્યક્તિની આત્મકથા ) માણસ પોતાની ઈમેજ બિલ્ડિંગની એષણા સાથે લખતો હોય છે.

મણિલાલ નભુભાઈની આત્મકથામાં ચોંકાવનારી વિગતો વાંચીને લોકોએ એમને નિખાલસ કહ્યા, પરંતુ આપણે એક વાત ભૂલી જઈએ છીએ કે કોઈ પણ લેખક જેટલું જરૂરી હોય એટલું જ સત્ય પ્રગટ કરે છે. એમણે ન પ્રગટ કરેલી વાતો આ દેખીતી અને આંજી નાખનારી નિખાલસતાના વજન હેઠળ કાયમ માટે દટાઈ જતી હોય છે.

ગાંધીજી જેવા ગાંધીજીએ પણ આત્મકથાને ‘સત્યના પ્રયોગો’નું નામ આપ્યું પણ કંઈક ઘટનાઓનું હાર્દ એમણે ગોપિત રાખ્યું. અનેક વ્યક્તિઓ વિશેના પોતાના વિચારોને ગાંધીજીએ સાવ સ્પષ્ટ રીતે આત્મકથામાં રજુ નથી કર્યા. આમ છતાં દુનિયાની અનેક જાણીતી આત્મકથાઓમાં ‘સત્યના પ્રયોગો’નું સ્થાન ઊંચું છે કારણ કે એમાં અન્ય આત્મકથાઓની સરખામણીએ વધુ સત્ય છે. માણસનું મન વાંચવાની વૈજ્ઞાનિક શોધ થઈ હોત તો ગાંધીજીએ આત્મકથામાં ન લખેલા વિચારોને મહાદેવ દેસાઈએ જાણી લીધા હોત અને આત્મકથાના પરિશિષ્ટરૂપે પ્રગટ થઈ શક્યા હોત. એ પરિશિષ્ટ અત્યંત વિસ્ફોટભરી સામગ્રીથી ફાટફાટ થતું હોત એમાં બેમત નથી. ગાંધીજીની આત્મકથા વિશે એક આખો લેખ જ નહીં, આખું પુસ્તક લખી શકાય એટલું ઊંચું ગજું એ પુસ્તકનું છે. એ પુસ્તકમાં ન કહી શકાઈ હોય એવી રાજકીય અને અંગત સંબંધોની વાતો પણ એટલી જ ઊંચી હોઈ શકે છે.

નિખાલસતા કોને કહીશું અને દંભ કોને કહીશું. માણસ હોય એના કરતા વધારે સારો દેખાવા માટે આકર્ષક કપડાં પહેરે, આભૂષણ પહેરે, મેક-અપ કરે કે સનગ્લાસીસ પહેરે ત્યારે કોઈ એવું કહેતું નથી કે એ દંભી છે. પણ માણસ પોતાના ઓરિજિનલ સ્વભાવને જરાતરા મેક-અપ લગાડીને બીજાઓ સાથે વર્તે તો તરત લોકો એને દંભી કહેશે.

વર્તનની બાબતમાં એક બાજુ વિનય, વિવેક અને
એટિકેટ છે અને પાતળી ભેદરેખા ઓળંગી જાઓ તો દેખાડો અથવા દંભ છે. કોઈ મુલાકાતી તમારી ઑફિસની કૅબિનમાં પ્રવેશે અને તમે ખુરશીમાંથી ઊભા થઈને એને આવકાર આપો કે એ જાય ત્યારે ફરી ઊભા થઈને વિદાય આપો એ એક સારી રીતભાત છે, મેનર્સ છે. તમને ખુરશીમાંથી ઊભા થવાનો કંટાળો આવતો હોય કે આવનાર વ્યક્તિ માટે ચોક્કસ કારણોસર અણગમો હોય તે છતાં તમે આવો વિવેક કરતા હો છો.

જે કામ કરવાની ઈચ્છા નથી તે કામ કરવું પડે ત્યારે દરેક વખતે દંભ નથી હોતો. કોઈ પરિચિતને તમે કામ સોંપો અને એ વ્યક્તિ કહે કે : ‘થશે તો જરૂર કરીશ’ અને છેવટ એ કામ ન થાય ત્યારે તમે તમારા પરિચિતની નિંદા કરતાં કહો છો : ‘કામ નહોતું કરવું તો સીધેસીધી ના પાડી દેવી હતી ને.’ તમે સમજતા નથી કે ‘થશે તો જરૂર કરીશ’ શબ્દો તમને નમ્રતાપૂર્વક ના પાડવા જ બોલાયા હતા. ના પાડવાની એ વિવેકી રીત હતી પણ ક્યારેક આપણે એમાં વિવેક જોવાનું ચૂકી જઈએ છીએ ત્યારે સામેવાળાએ આપણા તરફ બેરહેમ બનીને નિખાલસ થઈ જવું પડે છે.

ના પાડવા વિશે વાડીલાલ ડગલીએ બે ઉત્તમ નિબંધો લખ્યા છે. ‘હા નો ભય’ અને ‘ના કહેવાની કળા’. વાડીલાલ ડગલીએ લખ્યું છે : ‘હમણાં એક ઓસ્ટ્રિયન લેખક માણસના મૂળભૂત અધિકાર વિશે ચર્ચા કરતા હતા ત્યારે તેમણે એક આચારમાં મૂક્વા જેવી વાત કરી. તેમણે કહ્યું : ‘જે પ્રજા ‘ના’ કહેવાનું ભૂલી જાયતે આખરે ઘેંટાનાં ટોળાં જેવી બની જાય.’ તેમની આ વાત એટલા માટે તરત ગળે ઉતરે છે કે, મનુષ્ય સ્વભાવનું સહજ વલણ ‘હા’ના ઢાળ પર ઢળવાનું છે. સરમુખત્યારો આ વલણને ભયના ચોકઠામાં ગોઠવી દઈ રોકટોક વિના રાજ કરતા હોય છે. ધર્મગુરુઓ પરલોકનો ભય બતાવી આ વલણનો લાભ લઈ પોતાની આપખુદ સત્તા જમાવતા હોય છે. આથી રાજકારણ અને ધર્મમાં જેટલી ‘ના’ની માત્રા વધારે અને ‘હા’ની માત્રા ઓછી તેટલાં તે નરવાં.’

વાડીલાલ ડગલીએ રાજકારણ અને ધર્મ ગણાવ્યાં. એમાં પત્રકારત્વ પણ ઉમેરીએ. પત્રકારત્વમાં પણ જેટલા વધુ પત્રકારો ‘ના’ પાડતાં શીખશે અને વેસ્ટેડ ઇન્ટરેસ્ટને વહાલા થવાની લાહ્યમાં એમની હામાં હા પૂરાવતાં અટકશે એટલું આ ક્ષેત્ર વધું નરવું બનશે.

આ જ રીતે ‘ના’ પાડવાની બાબતે વાડીલાલ ડગલી કહે છે : ‘આપણે સ્વર્ગ, મોક્ષ વૈકુંઠ વગેરે વિશે વાત સાંભળી હોય છે. એ ક્યાં છે તેની મને ખબર નથી પણ મને એટલી ખબર છે કે જેનામાં ‘ના’ કહેવાની તૈયારી છે એના ચિત્તમાં વૈકુંઠની ઝાલર રણઝણતી હોય છે.’

વિવેક અથવા રીતભાત કઈ ઘડીએ દંભમાં પલટાઈ જશે એનો ભરોસો નહીં. પ્રગટપણે જેમના વિચારોના તમે વિરોધી હો એવી વ્યક્તિ કોઈક સમારંભમાં તમને મળી જાય અને તમે ઔપચારિકતાની આપ લે કરો ત્યાં સુધી ઠીક છે, પરંતુ એ પછી અહો રૂપમ્ અહો ધ્વનિ ચલાવો ત્યારે તમે બેઉ પરસ્પર દંભ કરતા હો છો.

પાન બનાર્સવાલા

જે કામ કરતી વખતે હોઠ ઉપર સ્મિત આવ્યું હોય એ વિશે ભવિષ્યમાં ક્યારેય અફસોસ નહીં કરવાનો.

— અજ્ઞાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here